રજનીશજીની એક રખડપટ્ટી પૂરી થઈ પણ દોઢ દાયકામાં બીજી શરૂ થઈ

૧૯૬૫ની ૧૨મી ફેબ્રુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી દરમ્યાન મહાબળેશ્વરમાં યોજાયેલી ધ્યાનશિબિર ઉપરાંત રજનીશજી મુંબઈ, પૂના, નાસિક અને તુલસીશ્યામ-ગીર સહિત દેશભરમાં અનેક ઠેકાણે પ્રવચનો કરતા રહ્યા, શિબિરો યોજતા રહ્યા. મુંબઈમાં ૧૯૬૫ની જ સાલમાં ચોપાટી પર ૧૩મી અને ૧૪મી એપ્રિલે એમણે ‘મહાવીર યા મહાવિનાશ’ વિષય પર પ્રવચન આપ્યું જે પુસ્તકરૂપે એ જ નામથી ઉપલબ્ધ છે. આ જ વિષય પર ત્રણ વર્ષ પછી, ૧૯૬૮ની ૨૭મી જૂનથી ૨૯મી જૂન દરમ્યાન શ્રીનગર (કશ્મીર)માં એમણે ‘મહાવીર મેરી દૃષ્ટિમેં’ વિષય પર પ્રવચનો કર્યાં અને ફરી એકવાર ૧૯૭૧માં ૮મી ઑગસ્ટથી ૪થી નવેમ્બર દરમ્યાન એમણે ‘મહાવીર વાણી’ અને મહાવીર વિષયક અન્ય શીર્ષકો હેઠળ પ્રવચનો કર્યાં. ‘મહાવીર મેરી દૃષ્ટિમેં’ના તથા ‘મહાવીર વાણી’ના પ્રવચનો પણ પુસ્તકરૂપે એ જ નામથી પ્રગટ થયાં. ૧૯૭૬માં ૧૧મી મે અને ૧૦મી જૂન વચ્ચે તેમ જ ૧૧મી જુલાઈ તથા ૧૦મી ઑગસ્ટ દરમ્યાન રજનીશજીએ પૂનામાં જિનસૂત્ર વિશે પ્રવચનો કરીને ભગવાન મહાવીરની જીવનદૃષ્ટિને પોતાની રીતે મૂલવી. મહાવીર ઉપરાંત રજનીશજી ગાંધીજી, કૃષ્ણ, ગીતા, ઈશાવાસ્ય ઉપનિષદ, લાઓ ત્ઝુ, સૂફીઝમ, નારદ, અષ્ટાવક્ર ગીતા, નાનક, કબીર, દાદૂ, પલટૂ, ફરીદ, સહજો, બૌદ્ધ ધર્મ, મીરા, શાંડિલ્ય, રૈદાસ, આદિ અનેક વિષયો પર બોલ્યા જે સઘળું ગ્રંથસ્થ થયેલું છે, તેમ જ એમાંનું ઘણું બધું વિડિયો-ડીવીડી પર ઉપલબ્ધ છે. ઑડિયોરૂપે તો અલમોસ્ટ બધું જ ઉપલબ્ધ છે. શિક્ષણથી, માંડીને સેક્સ અને રાજકારણથી માંડીને ધ્યાન સુધીના વિષયો પર મૌલિક વિચારો પ્રગટ કરનારા ભારતના મહાન વિચારપુરુષોની અગ્રિમ હરોળમાં જેમનું નામ છે તે રજનીશજી જુલાઈ ૧૯૬૬માં યુનિવર્સિટીમાંથી રાજીનામું આપ્યું. તે પહેલાં ઉદયપુર, પાટણ, મુંબઈમાં ઘાટકોપર તથા માટુંગા અને ચોપાટી તેમ જ સી. પી. ટેન્ક, કલકત્તા, સુરેન્દ્રનગર, દિલ્હી, પિપરિયા, ચાંદા, પિંડરઈ, વતન ગાડરવારા, રાણકપુર અને અફકોર્સ જબલપુર સહિત અનેક ઠેકાણે પ્રવાસ કરતા રહ્યા, પ્રવચનો કરતા રહ્યા. યુનિવર્સિટી, કૉલેજો, સામાજિક સંસ્થાઓ, ધર્મસંમેલનો તેમ જ લાયન્સ-રોટરી વગેરેમાં ખૂબ પ્રવચનો કર્યા. હજુ તેઓ એ સ્ટેજ પર નહોતા પહોંચ્યા જ્યારે કહી શકે કે: ‘અત્યાર સુધી હું પ્રવચનો કરીને કે ધ્યાન કરાવીને આચાર્યની ભૂમિકા નિભાવી રહ્યો હતો. લોકોના અંધવિશ્ર્વાસોને, સંસ્કારો અને પરંપરાઓને તોડી રહ્યો હતો અને હવે હું મારી કાર્યપ્રણાલિમાં આમૂલરૂપથી બદલાવ લાવી રહ્યો છું અને એક સર્વથા નવા ઢંગથી કામ કરવાનો છું, હવે મારા માટે કોઈ નવું સંબોધન જોઈશે. માત્ર આચાર્ય ‘આચાર્ય’થી કામ નહીં ચાલે. આચાર્યનો અર્થ થાય શિક્ષક – જે શિક્ષણ આપે છે તે. અત્યાર સુધી મેં લોકોને શીખવાડવાનું કામ કર્યું. ઠેર ઠેર ફરીને લોકોને શિક્ષણ આપ્યું. મારા ખરા કામનું એ આરંભબિંદુ હતું, કેવળ પ્રસ્તાવના હતી એ. અને એનો ઉદ્દેશ હતો લોકોને બોલાવવા, લોકોને પોતાની તરફ, મારી તરફ, આકર્ષવા. હવે જ્યારે એક વખત મારું આ આમંત્રણ લોકો સુધી પહોંચી ગયું છે ત્યારે હું આ દોડધૂપ, પ્રવાસો બધા પર પૂર્ણવિરામ લાવી રહ્યો છું. હવે જેમનામાં ઊંડી પ્યાસ હશે, અભિપ્સા હશે તે સામે ચાલીને મારી પાસે આવે. હું એમના ઘરના દરવાજાઓ ખટખટાવી ચૂક્યો છું. મેં હવે એમને કહી દીધું છે કે હું અહીં હાજર છું. તમને જ્યારે ઈચ્છા થાય, તમે આવી શકો છો. હું તમારી રાહ જોઉં છું.

૧૯૭૦ના સપ્ટેમ્બરમાં મનાલીની શિબિર દરમ્યાન રજનીશજીએ ‘કૃષ્ણ મેરી દૃષ્ટિમેં’ શ્રેણીના પ્રવચનો કર્યાં ત્યારે એક રાત્રે એમણે સ્વામી ક્રિયાનંદ સાથેની અંગત વાતચીતમાં ઉપરના શબ્દો કહ્યા હતા, તે વખતે રજનીશજી કાયમ માટે જબલપુર છોડીને મુંબઈ સ્થાયી થઈ ગયા હતા. ૨૮ જૂન ૧૯૭૦ના રોજ જબલપુરના ઑલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશનના એકમ દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ૧ જુલાઈ ૧૯૭૦ના રોજ રજનીશજીએ મુંબઈમાં ચર્ચગેટમાં ‘સી.સી.આઈ. ચેમ્બર્સ’ના ફલેટ નંબર ૨૭માં રહેવાનું શરૂ કર્યું. ત્યાંથી થોડા મહિના બાદ પેડર રોડના કૅમ્પ્સ કોર્નરના બ્રિજના છેવાડે આવેલા મશહૂર ‘વુડલૅન્ડ્સ’ અપાર્ટમેન્ટમાં રહેવા ગયા. વખત જતાં ત્યાંની જગ્યા પણ નાની પડે એટલો મુલાકાતીઓનો ધસારો રહેતો. મુંબઈમાં જ વરસોથી સાત બંગલા પાસે એક વિશાળ બંગલો લેવાનું અલમોસ્ટ નક્કી થઈ ગયું હતું પણ છેક છેલ્લી ઘડીએ રજનીશજીએ ત્યાં જવાની ના પાડી. ફાઈનલી પૂના જવાનું નક્કી થયું. પૂના ગયા પછી માંડવી (કચ્છ)નો મહેલ ખરીદીને ત્યાં શિફ્ટ થવાની ઈચ્છા હતી. તે વખતે (૧૯૭૭ના ગાળામાં) મોરારજી દેસાઈના વડા પ્રધાનપદ હેઠળની જનતા સરકાર હતી. રજનીશજી ભૂતકાળમાં મોરારજી દેસાઈની આકરી ટીકાઓ કરી ચૂક્યા હતા, ગાંધીવાદીઓ સાથે આમેય એમને ઊભે નહોતું બનતું. રજનીશજીના શિષ્યોમાં ફોરેનર્સ બહુ છે અને માંડવીનો મહેલ દરિયા કિનારાની નજીક છે એવું કારણ આગળ ધરીને સરકારે એમને એ મહેલ ખરીદવાની પરવાનગી ન આપી. ૧૯૭૪માં પૂનાના કોરેગાંવ પાર્કમાં સ્થાયી થયેલા રજનીશજીએ ૧૯૮૧માં અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં વિશાળ રજનીશપુરમ્ની સ્થાપના કરી અને ત્યાં વિવાદો શરૂ થયા. આશ્રમમાં તેમ જ બહાર – બંને જગ્યાએ. ૨૮મી ઓક્ટોબર ૧૯૮૫ના રોજ રજનીશજી એમના કેટલાક નિકટના સાથીઓ સાથે, પોતાના પર થયેલા અદાલતી કેસીઝથી બચવા, અમેરિકા છોડીને બર્મ્યૂડા ટાપુ જવા માટે નૉર્થ કેરોલિના સ્ટેટની એક નાનકડી હવાઈપટ્ટી પર ઊભેલા ચાર્ટર્ડ લિયરજેટમાં ઑલરેડી બેસી ગયા હતા ત્યારે એમની ધરપકડ કરીને એમને જેલમાં પુરવામાં આવ્યા. જેલમાં અમેરિકન સરકાર સાથે થયેલા કરાર મુજબ રજનીશજીએ ચાર લાખ ડોલરનો દંડ તથા સરકારી વકીલ દ્વારા થયેલો ખર્ચ ભરવો પડ્યો ઉપરાંત પાંચ વર્ષ માટે અમેરિકા છોડી જવાનો હુકમ થયો અને ત્યારબાદ અમેરિકન અદાલતની પરવાનગી હશે તો જ પ્રવેશ મળશે એમ કહીને એમને દસ વરસની કેદની સજા સંભળાવીને એ સજા સસ્પેન્ડ રાખવામાં આવી. જેમાં એમને પાંચ વર્ષ માટે પ્રોબેશન પર રાખવામાં આવ્યો. સાદી ભાષામાં આનો અર્થ એ થયો કે પાંચ વર્ષ સુધી તેઓ અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન ન કરે તો તેમને જેલની બહાર મુક્તપણે રહેવા મળે પણ બીજા હુકમ અનુસાર એમણે પાંચ વર્ષ અમેરિકાની બહાર રહેવાનું હતું એટલે અમેરિકન ભૂમિ પર કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવાનો સવાલ નહોતો આવતો.

અમેરિકામાં ઊભી થયેલી કાયદાકીય ક્રાઈસિસ આટોપીને રજનીશજી ૧૭મી નવેમ્બર ૧૯૮૫ના રોજ દિલ્હી આવ્યા. છ અઠવાડિયા હિમાચલ પ્રદેશમાં રહ્યા. ભારત સરકારે એમની સાથેના વિદેશી નાગરિકોના વિસા પાછા ખેંચી લીધા એટલે રજનીશજી એ બધાને લઈને કાઠમંડુ ગયા. થોડા અઠવાડિયા ત્યાં રહીને ગ્રીસના ક્રિટિ ટાપુ પર ગયા જ્યાં થોડા દિવસ બાદ ગ્રીસની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસે એમની ધરપકડ કરીને દેશ છોડીને જવાનો આદેશ આપ્યો. એ પછી તો ઘણી રખડપટ્ટી થઈ. ત્યાંથી જીનિવા, પછી સ્ટોકહોમ પછી હીથરો (લંડન) – બધે જ પ્રવેશની પાબંદી ફરમાવવામાં આવી. કેનેડામાં ઊતરવાની પરવાનગી ન મળી. આયર્લેન્ડના શેનોન ઍરપોર્ટ પર બળતણ ભરાવવા પૂરતું ઊતરવાની પરવાનગી મળી અને પ્રવચનો ન આપવાની શરતે થોડા દિવસ માટે રહેવાની પણ પરવાનગી આપવામાં આવી. ઉરુગ્વેની સરકાર એક વર્ષ માટે કામચલાઉ રહેવા આપે અને પછી કદાચ કાયમી રહેઠાણ માટે પણ પરમિશન આપે એવી શક્યતા હતી. ઉરુગ્વે જતાં રસ્તામાં સ્પેનની રાજધાની માડ્રિડમાં રોકાણ કરવું પડે એમ હતું. માડ્રિડમાં ઉતરતાં જ ત્યાંની લોકલ પોલીસ ‘ગાર્ડિયા સિવિલ’એ વિમાનને ઘેરી લીધું. રખડતા – આખડતા જમૈકા આવ્યા પણ ત્યાં કિંગ્સ્ટન પોલીસે બાર કલાકની મહેતલ આપીને દેશ છોડી જવાનું કહ્યું. છેવટે ૧૯૮૬ની ૩૦મી જુલાઈએ રજનીશજી મુંબઈ પાછા આવ્યા. લગભગ છ મહિનાની હડિયાપટ્ટી થઈ. મુંબઈમાં શરૂમાં જુહુમાં રહ્યા અને જાન્યુઆરી ૧૯૮૭માં તેઓ પૂનાના પોતાના આશ્રમમાં પાછા ગયા. આઠ-દસ મહિના પછી, નવેમ્બર ૧૯૮૭માં એમણે પોતાની તબિયત ઝડપથી બગડી રહી છે એવી ફરિયાદ કરી. એમના ડૉક્ટરોનું માનવું હતું કે અમેરિકાની જેલમાં એમના શરીરમાં થેલિયમનું ઝેર ઘુસાડવામાં આવ્યું તેને કારણે આ બધી શારીરિક ઉપાધિઓ આવી પડી. આ ઝેર માટેના કોઈ પુરાવાઓ નહોતા અને કેટલાક કહેતા કે અન્ય રોગોને કારણે આ તકલીફો શરૂ થઈ. એ જે હોય તે. એ પછી ૮૮ અને ૮૯ બે જ વર્ષ રજનીશજી જીવ્યા. ૧૯૯૦ના જાન્યુઆરીની ૧૯મીએ તો માત્ર ૫૮ વર્ષની જ ઉંમરે એમણે દેહ છોડી દીધો. આટલી ટૂંકી ઉંમરમાં એમણે જે મહાન વિચારો આ જગતને આપ્યા છે તેમાં ઊંડા ઊતર્યા વિના એમના ટીકાકારો એમનું મહત્ત્વ સમજી નહીં શકે. જે લોકો રજનીશજીની ૮૫ રોલ્સરોયસ, ૮૫ રોલેક્સ ઘડિયાળો, વૈભવી લાઈફસ્ટાઈલ ઈત્યાદિને તેમ જ એમના આશ્રમોમાં થયેલા પોલિટિક્સને જ જોતા રહે છે એમને ખબર નથી કે તેઓ શું ગુમાવી રહ્યા છે. રજનીશજી ૧૯૮૫ પછીના ગાળામાં ભારત પાછા આવ્યા તે અરસામાં હરીન્દ્ર દવેએ એક લેખમાં લખેલું આ વાક્ય મારા મનમાં બરાબર ચોંટી ગયું છે. હરીન્દ્રભાઈએ કંઈક આ મતલબનું લખેલું: ‘મારા માટે એ રજનીશજી છે: એક એમના આચારમાં જે પ્રગટ થાય છે અને બીજા એમના વિચારમાં જે પ્રગટ થાય છે. મને માત્ર બીજા રજનીશજી સાથે નિસબત છે.’

મને પણ.

કાલે પૂરું.

આજનો વિચાર

તમે જો પીડામાં હો તો એનું કારણ તમે છો, તમે જો આનંદનો અનુભવ કરતા હો તો પણ એનું કારણ તમે જ છો. બીજું કોઈ એના માટે જવાબદાર નથી. માત્ર તમે અને તમે જ કારણભૂત છો. તમે જ તમારું નર્ક છો, તમે જ તમારું સ્વર્ગ છો.

– ઓશો

એક મિનિટ!

સલીમ: મૈં આપ કી બેટીસે શાદી કરના ચાહતા હૂં

ઉસ્માન: સેલેરી કિતની હૈ તુમ્હારી?

સલીમ: અઠારહ હઝાર, મહિને કી.

ઉસ્માન: મેરી બેટી કો પંદ્રહ હઝાર તો હર મહિને ખર્ચે કા દેતા હૂં.

સલીમ: ઉસકો મિલા કે હી બોલા હૂં…

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *