ઈશ્વર છે કે નહીં: રજનીશજીએ શું જવાબ આપ્યો?

કુંવર પાલ સિંહ ગિલે પંજાબમાં આતંકવાદને સાફ કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો અને એ માટે એમણે ઘણું સહન કરવું પડ્યું. એમના પર માનવ અધિકાર ભંગના કેસીસ હ્યુમન રાઈટ્સવાળાઓએ કર્યા, ભ્રષ્ટાચારના આરોપો થયા એટલું જ નહીં અડપલું કરવાનો કેસ પણ થયો. આ કે.પી.એસ. ગિલ ઈન્ડિયન પુલિસ સર્વિસીઝમાં નવા નવા જોડાયેલા હતા ત્યારે લુધિયાણામાં રજનીશજીનું પ્રવચન હતું. સિક્સ્ટીઝની વાત. સાંજે રજનીશજી એમના પ્રેમી-મિત્રો-શિષ્યો-ભક્તો સાથે બેઠાં બેઠાં ગોષ્ઠિ કરી રહ્યા હતા, જિજ્ઞાસુઓને સંતોષી રહ્યા હતા. ત્યારે કે.પી.એસ. ગિલે કૂતુહલવશ એક પ્રશ્ર્ન રજનીશજીને પૂછ્યો, ‘આચાર્યશ્રી, મને એ કહો કે ઈશ્ર્વર છે કે નહીં અને જો હોય તો એને મેળવવાનો ઉપાય શું છે?’

રજનીશજી હસી પડ્યા, બોલ્યા: ‘આ સવાલ અગાઉ સેંકડોવાર મને પૂછવામાં આવ્યો છે અને દરેક વખતે મેં એનો ઉત્તર પણ આપ્યો છે. પણ હું તમને પૂછવા માગું છું કે આ પ્રશ્ર્નનો જવાબ મેળવીને તમે કરશો શું?એનાથી તમારી કઈ સમસ્યા ઉકલી જવાની છે? એના વિશે જાણ્યા વિના તમારું કયું કામ અત્યારે અટકીને પડ્યું છે? અને આ સવાલ તમે એટલા માટે કરી રહ્યા છો કે તમને ઈશ્ર્વર વિશે કંઈ ખબર નથી, તમે નથી એને ઓળખતા, નથી જાણતા, નથી એનો અનુભવ કર્યો. જે ઈશ્ર્વર સાથે તમારે કોઈ પ્રકારની જાનપહચાન નથી એ ઈશ્ર્વર ધારો કે સ્વયં તમારી સમક્ષ આવીને ઊભો રહેશે તો તમે એને ઓળખવાના કેવી રીતે? અને હા, જો તમે પહેલેથી જ મનમાં ધારી રાખ્યું હશે કે ઈશ્ર્વર રામ, કૃષ્ણ કે બુદ્ધ છે તો તમારા મનમાં એની મૂર્તિ, એના સ્વરૂપ વિશેની ધારણા પણ બાંધી લીધી હશે અને તો એ તમારી ધારણા, તમારું પ્રોજેક્શન જ હશે, ઈશ્ર્વર નહીં હોય.

રજનીશજી માનતા અને સો ટકા સાચું માનતા કે જીવનમાં કેટલાક પ્રશ્ર્નોના ઉત્તર મેળવવાની માથાકૂટમાં પડીને ગૂંચવાઈ જવાનો કોઈ અર્થ નથી. કેટલાક લોકો ન પૂછવા જેવા પ્રશ્ર્નોના જવાબ આપીને તમને વધારે ગૂંચવી નાખતા હોય છે કારણ કે તેઓ સ્વયં આ પ્રશ્ર્નનો જવાબ નથી જાણતા. પણ તેમને ખબર નથી કે આવા પ્રશ્ર્નોના જવાબ તો શું આવા પ્રશ્ર્નો જ ન હોવા જોઈએ. રજનીશજી કહે છે કે ભગવાન બુદ્ધ એટલે જ આવા પ્રશ્ર્નનો જવાબ ટાળતા રહ્યા છે. બુદ્ધ ક્યારેય દસ પ્રકારના પ્રશ્ર્નનો ઉત્તર નહોતા આપતા. એ કહેતા કે આ પ્રશ્ર્નોમાં ઊંડા ઉતરવાની કોઈ જરૂર નથી: ઈશ્ર્વર છે કે નહીં? આ સૃષ્ટિ કેવી રીતે રચાઈ? મનુષ્યોને – સ્ત્રીપુરુષોને – કોણે બનાવ્યાં? વગેરે વગેરે દસ પ્રશ્ર્નોને એ દૂર જ રાખતા.

આ સંદર્ભમાં મહાબળેશ્ર્વરમાં યોજાયેલી સાધનાશિબિરમાં રજનીશજીએ જે વાત કરી તે જોવા જેવી છે. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૬૫ની રાતે ૮ વાગે, શિબિર શરૂ થવાના આગલા દિવસે રજનીશે ત્યાં ઉપસ્થિત સાધકોને સંબોધતાં કહ્યું: સૌથી પ્રથમ તો તમારું સ્વાગત કરું કારણ કે પરમાત્માને જાણવાની તમારી ઉત્સુકતા છે, સામાન્ય જીવનમાંથી ઉપર ઊઠીને સાધકજીવનમાં પ્રવેશવાની તમારામાં આકાંક્ષા છે. આ આકાંક્ષા જન્મવાનું કારણ એ કે સંસાર ઉપરાંતના સત્યને પામવાની તરસ તમારામાં જન્મી છે. ઘણા ઘણા લોકો જન્મ લે છે.

આ પૃથ્વી પર પણ એ સૌનામાં સત્ય પામવાની પ્યાસ નથી હોતી. સત્ય ન પણ મળે તો કોઈ વાંધો નથી, પણ સત્યની પ્યાસ પેદા જ ન થાય તો ઘણી મોટી અડચણ ઊભી થાય. સત્ય પામવા માટેનું બીજ કેવળ તમારામાં અંકુરિત થઈને રહી જાય તે પૂરતું નથી, એને ઉછેરવા માટે બીજી ઘણી સુરક્ષાની જરૂર પડવાની. જમીન પર તો અનેક બીજ પડવાના પણ બહુ ઓછા બીજમાંથી વૃક્ષ બનવાનાં. તમારામાં સત્ય પામવાની આ પ્યાસ છે એ માટે હું તમારું સ્વાગત કરું છું પણ અહીં જે લોકો ભેગા થયા છે એ બધામાં કંઈ આવી પ્યાસ હોય એ જરૂરી નથી. કેટલાક લોકો માત્ર દર્શક તરીકે, અહીં શું થઈ રહ્યું છે તે જોવાના કુતૂહલને વશ થઈને આવ્યા હશે. મને કહેવા દો કે કુતૂહલથી કોઈ દ્વાર ખુલતા નથી. આ જગતમાં જે કંઈ મેળવવું હોય છે તે માટે ઘણું ચૂકવવું પડતું હોય છે. માત્ર કુતૂહલથી કંઈ નહીં મળે. કુતૂહલથી કોઈ સાધનામાં પ્રવેશી શકતું નથી. માત્ર જિજ્ઞાસાથી નહીં ચાલે, મુમુક્ષા જોઈશે. મુમુક્ષા એટલે ઊંડી તરસ. એ તરસ જ તમારા માટે આગળનો માર્ગ તૈયાર કરશે અને બીજી વાત. કોઈ પણ કામ શરૂ કરતી વખતે તમે દુવિધામાં હશો તો એ કામ થવાનું જ નથી, લખી રાખજો. તમારા મનમાં શંકા હશે કે આ કામ થશે કે નહીં થાય તો એ ચોક્કસ નહીં થાય. તમારામાં આશા હોવી જોઈએ, નિરાશા નહીં. આશા હશે તો એ કામ થશે જ એવું જરૂરી નથી. આશા હશે તો બે શક્યતા ઉઘડશે – કાં તો એ કામ થશે, કાં નહીં થાય. નિરાશા હશે તો એક જ પરિણામ હશે તો એક જ પરિણામ આવવાનું – કામ નહીં જ થાય. પહેલેથી જ નિરાશ હશો તો માની લેજો તમે જે ડાળ પર બેઠા છો, એને જ કાપી રહ્યા છો. તમારી આસપાસના એ લાખો લોકો તરફ નહીં જુઓ જેમનું જીવન અંધકારથી ભરેલું છે. એ થોડાક લોકોને જુઓ જેમને સત્ય મળી ગયું છે. એક મનુષ્ય માટે જે સંભવ છે તે બધું જ બીજા મનુષ્ય માટે સંભવ છે.

રજનીશજીએ શિબિરાર્થીઓને સૂચના આપતાં કહ્યું કે આગામી ત્રણ દિવસ સુધી આ ભાવસ્થિતિને પકડી રાખજો. આજે રાત્રે સૂઈ જાઓ ત્યારે આશા સાથે સુઈ જજો, એવા વિશ્ર્વાસ સાથે કે કાલે સવારે તમે ઊઠશો ત્યારે કંઈક થશે, કંઈક તો કરી શકાશે. ભૌતિક સુખ-સુવિધાઓના ઉપભોગ પછી માણસ જ્યારે જીવનના અંતે મૃત્યુને જુએ છે ત્યારે એ ભયભીત થઈ જાય છે. એ જુએ છે કે આટલું મરી મરીને તૂટી તૂટીને જે ઘર બનાવ્યું હતું, જે ધન ભેગું કર્યું હતું એ તો બધું અહીં છૂટી રહ્યું છે. મૃત્યુના ભયને લીધે જ ધર્મનો જન્મ થયો.

શિબિરાર્થીઓને છેલ્લે બે સૂચના રજનીશજીએ આપી: આ ત્રણ દિવસો દરમ્યાન ન છૂટકે જ બોલજો. મૌન રહેજો. બોલવામાં જે શક્તિનો વ્યર્થ વ્યય થઈ જાય છે તે સંચિત થશે, જેનો ઉપયોગ આપણે સાધના માટે કરી શકીશું. બીજું, મૌન રહેવાથી તમે સંસારથી વિખૂટા પડીને એકાંતમાં આવી જશો. બોલતા રહેશો, મૌન નહીં પાળો તો તમારા બસો લોકોનું આ પહાડ પર એકાંતમાં આવવાનું પ્રયોજન જ નષ્ટ થઈ જશે. ભીડમાં, ઘોંઘાટમાં, જીવનનું કોઈ શ્રેષ્ઠ સત્ય ક્યારેય જન્મ લેતું નથી, ક્યારેય એનો અનુભવ થતો નથી. સત્યના જે કંઈ અનુભવો અત્યાર સુધી કોઈને પણ થયા છે તે અત્યંત એકાંતમાં, એકલાપનમાં જ થયા છે અને છેલ્લી વાત. આ શિબિરમાં તમને વ્યવસ્થાની દૃષ્ટિએ થોડીક અગવડો પડે એવું પણ બને. થોડીક તકલીફ થાય, અસુવિધા થાય, ફરિયાદ કરવાનું મન થાય. પણ એ બધા તરફ ધ્યાન નહીં આપતા, અહીં આપણે અસુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ભેગા નથી થયા.

રજનીશજીએ મહાબળેશ્ર્વરની સાધના શિબિરમાં ૧૯૬૫માં જે આ છેલ્લી વાત કરી તે આપણને સૌને શહેર-નગર-ગામમાં રહેતા આપણને સૌને આજની તારીખે પણ શત પ્રતિશત લાગુ પડે છે. આપણને આપણા માટે, આપણા પોતાનાઓ માટે, આસપાસના પરિચિતો કે ઈવન અપરિચિતો માટે જાતજાતની ફરિયાદો રહેતી હોય છે. ઘરમાં હોઈએ કે ઘરની બહાર, ઓફિસમાં હોઈએ કે પ્રવાસમાં સતત આપણું ધ્યાન આપણને પડતી અગવડો, તકલીફો, અસુવિધાઓ પ્રત્યે જતું હોય છે. આ આવો છે, પેલીએ આવું કર્યું. અહીં આ ઓછું છે, ત્યાં પેલું આવું છે. રજનીશજી પાસેથી શીખવાનું એ છે કે આ જિંદગીમાં આપણો પરપઝ શું છે? આ જ બધી ફરિયાદો કરતાં રહેવાનો? આ જ બધી અસુવિધાઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને એમાં ખોવાઈ જવાનો? પ્રવાસ જ્યારે શરૂ થઈ જ ચૂક્યો છે ત્યારે જે સાથે નથી કે સામાનમાં લેવાનું જે કંઈ રહી ગયું છે તેનો અફસોસ કરીને ચાલવાની ગતિ ઘટાડી દેવાની? કે પછી જે કોઈ સાથે છે, જે કંઈ સામાનમાં છે તેના વિશ્ર્વાસે ઉમંગથી આગળ ડગલાં ભરવાનાં?

બસ, કાલે રજનીશજીના યુનિવર્સિટીમાંથી રાજીનામાની વાત કરીને શનિવારે રજનીશજીના જીવનના છેલ્લા ૨૪ કલાકની ક્યારેય ન જાણેલી આધારભૂત વાતો સાથે જેને બે દિવસમાં પૂરી કરવી હતી પણ તમારા સૌના પ્રેમભર્યા આગ્રહથી આટલી લાંબી ચલાવી તે લેખમાળાનું સમાપન કરીશું. એક વાત, બેએક દિવસ પહેલાં એક લેખમાં જમનાલાલ બજાજ જેમને ગાંધીજી પોતાના પાંચમા પુત્ર ગણતા એમની, વાત આવી. અહીં મારી ભૂલ થઈ ગઈ. જમનાલાલ બજાજ તો રજનીશજી વર્ધા ગયા તેના દસ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. એમના જ્યેષ્ઠ પુત્ર કમલનયન બજાજ સાથે ચિરંજીલાલ બડજાત્યાનો સંવાદ થયો હોવો જોઈએ. કમલનયન બજાજના પુત્ર રાહુલ બજાજે સ્કૂટરની અને રિક્શાની દુનિયામાં ઉત્પાદક તરીકે મોટું ગજું કાઢ્યું. અત્યારે એમનાં સંતાનો તેમ જ જમનાલાલજીના અન્ય વારસદારો એ ક્ષેત્રે બાપદાદાનું નામ ઉજાળી રહ્યા છે. રજનીશજીએ એક વખત બિરલાજીએ રૂબરૂમાં આપેલો બ્લૅન્ક ચેક વિવેકપૂર્વક પાછો વાળ્યો હતો. તે ઘનશ્યામદાસ બિરલા કે એમના મોટાભાઈ જુગલ કિશોર હોવા જોઈએ પરંતુ ક્ધફર્મ કરી શકવાની, અસમર્થતાને કારણે એ કિસ્સો આટલા ઉલ્લેખ પૂરતો જ રાખીને જતો કરીશું. રજનીશજીનું કયું પુસ્તક શ્રેષ્ઠ છે અને સૌથી પહેલાં એમનું કયું પુસ્તક વાંચવું જોઈએ એવા પ્રશ્ર્નો આવે છે જેના જવાબમાં બે જ શબ્દો કહેવાના: દરેક અને કોઈ પણ.

આજનો વિચાર

તમારા પોતાના વિશે બહુ નહીં વિચાર્યા કરો, તમારી પોતાની જાત પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી. તમારા કામ પર ધ્યાન આપો, તમારા કામ પર તમારા તમામ વિચારો કેન્દ્રિત કરો.

– ઓશો

એક મિનિટ!

બકો: બાપુ હું તીરથયાત્રા પર જઈ રહ્યો છું. વિચારું છું કે દારૂ મૂકી દઉં. પણ એક પ્રોબ્લેમ છે.

બાપુ: એ તો ઘણી સારી વાત કહેવાય. એમાં પ્રોબ્લેમ શું છે?

બકો: પ્રોબ્લેમ એ છે કે કોના ઘરે મૂકીને જઉં?

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *