જબલપુરમાં રહેતા રજનીશજીની પહેલી ફિયાટ

ચાંદાથી, જબલપુર જતી વખતે રજનીશજીએ ટ્રેનમાં રેખચંદ (રિખવચંદ ગલતીથી લખાયું છે) પરીખે એટેચીમાં મૂકેલી ભેટોની સાથે એક દસ હજાર રૂપિયાની એક થપ્પી જોઈ જેમાં એક પત્ર પણ હતો: ‘આ તુચ્છ ભેટ એટલા માટે છે કે તમારે મહિનામાં વીસ દિવસ પ્રવાસ કરવો પડતો હોય છે. શક્ય છે કે કોઈ આયોજન તમને એરકંડિશન્ડ ફર્સ્ટ કલાસનું ભાડું ન આપી શકે તો તમે સુવિધાપૂર્વક નિર્વિઘ્ન યાત્રા કરી શકો.’

રજનીશજીને દમ/અસ્થમાને કારણે તે જમાનાથી એલર્જી હતી. પૂનામાં એમના આશ્રમમાં પ્રવચન સાંભળવા આવનારને સૂચના આપવામાં આવતી કે તમારે સેન્ટ-પરફ્યુમ-અત્તર જેવાં સુગંધી દ્રવ્યો વાપર્યા વિના આવવું. તે ત્યાં સુધી કે માથામાંથી શેમ્પુની કે તેલની સુગંધ પણ ન આવવી જોઈએ અને દરેક શ્રોતાને પ્રવેશ આપતી વખતે એનું માથું સૂંઘવામાં આવતું. અમારા કુટુંબમાં એક વડીલને આવો અનુભવ થયો હતો અને વચ્ચે ક્યાંક વાંચ્યું કે હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન તે જમાનામાં, અમિતાભ બચ્ચનની ‘દીવાર’ અને ‘શોલે’ રિલીઝ થઈ ચૂકી હતી એ જમાનામાં, પૂના પ્રવચન સાંભળવા ગયાં ત્યારે તેજીજીના માથામાંથી સુગંધી તેલની સુવાસ આવતી હતી એટલે એમને મનાઈ ફરમાવવામાં આવી, હરિવંશરાયને અનુમતિ આપવામાં આવે પણ પત્નીને મૂકીને રજનીશજીનું પ્રવચન સાંભળવાને બદલે હરિવંશરાય કોઈ વિવાદ વિના કે મોટાઈ દેખાડ્યા વિના પાછા વળી ગયા હતા.

પત્રમાં આગળ લખ્યું હતું કે, ‘તમારી સાથે પ્રવાસમાં તમારા માટે કોઈ સહાયક સાથે હોય તે પણ મારા હિસાબે અનિવાર્ય છે. તમારે દેશભરમાં રોજ અનેક ટ્રંક કોલ પણ કરવાની જરૂર હોય છે. મારી ઈચ્છા છે કે આ ફોનના તમામ ખર્ચા તમે મને ઉપાડી લેવાની અનુમતિ આપીને મારા પર કૃપા કરો. મારું જે કંઈ છે તે બધું તમારું જ તો છે. (સાથે મૂકેલી રકમ કરતાં) કંઈક વધારે રાખવાની ઘણી ઈચ્છા હતી, પણ તમારા ડરને કારણે એવું ન કરી શક્યો. તમે જે મહાન કાર્ય કરી રહ્યા છો તે યજ્ઞના સમિધ માટે તમને જેટલી રકમની જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને નિ:સંકોચ ફોન પર જણાવશો. આ બધું હું રૂબરૂમાં તમને કહેવાનું સાહસ કરી શક્યો નહીં. કહેત તો તમે ના પાડી દેત. પછી હું શું કરત? હું જલદી તમારાં દર્શન માટે આવીશ, પણ તમે વચન આપો કે દર વર્ષે કમ સે કમ એક વાર તો તમે મારી કુટિરમાં આવીને થોડા દિવસ જરૂર નિવાસ કરશો. વધારે વાર આવી શકો તો મારું સૌભાગ્ય.’

નીચે સહી હતી:

અકિંચન રેખચંદ.

રજનીશજીએ તરત જ પેડ કાઢીને રેખચંદનો આભાર માનતો પત્ર લખીને એમને આશ્ર્વાસન આપ્યું કે જ્યાં સુધી હું પ્રવાસ-યાત્રા કરતો હોઈશ ત્યાં સુધી વરસે એક વાર તમારા ઘરે જરૂર આવીશ.

રજનીશજી સાથે રેખચંદના પત્ની શ્રીમતી મદનકુંવર પરીખે ૧૯૬૧થી ૧૯૬૩ દરમ્યાન જે પત્રવ્યવહાર કર્યો તે પત્રો ‘ક્રાન્તિબીજ’ નામના પુસ્તકમાં ૧૯૩૩માં પ્રગટ થયા તે ગઈ કાલે આપણે જાણ્યું. આ એમના નામે પ્રગટ થયેલું પ્રથમ પુસ્તક. એ જ વર્ષે પ્રગટ થયેલું ‘સાધના બીજ’ એના નામે પ્રગટ થયેલું. બીજું પુસ્તક જે ગુજરાતીમાં પણ અનુવાદ પામેલું છે અને બજારમાં મળે છે, ઑનલાઈન પણ ખરીદી શકાય છે. (આવાં પુસ્તકોની ફોગટિયા પીડીએફ ઉપલબ્ધ છે કે નહીં એવી પૂછપરછ મહેરબાની કરીને કરવી નહીં. આવી જિજ્ઞાસા આપણી ભૂખડીબારસ વૃત્તિનું પ્રતીક છે. મફતિયું જ્ઞાન મેળવવાની આદત મગજમાં કબજિયાત ઊભી કરશે).

‘સાધનાપથ’ એક રીતે જોઈએ તો રજનીશનું પ્રથમ પુસ્તક જ કહેવાય, કારણ કે એમાં પત્રો નથી, પણ એમનાં પ્રવચનોનો સાર છે. ‘સાધનાપથ’ પુસ્તકથી રજનીશજીના ચાહકોની તરસ ઊલટાની વધી. એમાં પ્રગટ થયેલા તદ્દન ફ્રેશ વિચારોએ એમના ચાહકોને જાણે ઊંઘમાંથી જગાડ્યા. આ પુસ્તકમાં એક જગ્યાએ તપની વ્યાખ્યા આપતાં રજનીશજી કહે છે: ‘ઘરેથી ભાગીને જંગલમાં જતાં રહેવું અને એક આસન પર બેસીને જપ કરવા કે મંત્રજાપ કરવા એ તપ નથી. શરીરને સામે ચાલીને કષ્ટ આપવું એ પણ તપ નથી. દુ:ખબોધની જ્વાળાઓમાંથી પસાર થવું એ જ સૌથી મોટું તપ છે. જે મનુષ્ય દુ:ખને બોધપૂર્વક જોઈ લે છે, તે પોતાની બધી જ આંતરિક શક્તિઓને પ્રગટ કરીને અનુભવ કરે છે કે બધી જ સંપદા તમારી અંદર જ છે, બહાર કશું નથી.’

એ પછી બીજી વાર પણ રજનીશજી ચાંદા ગયા અને ત્રીજી વાર પણ ગયા. ત્રીજીવારની ચાંદાની મુલાકાત દરમ્યાન ત્રણ દિવસ સવાર-સાંજ રજનીશજીનાં જાહેર પ્રવચનો થયા. આ વખતે શ્રોતાઓની ઘણી ભીડ થઈ. ત્રીજા દિવસે રાત્રે રજનીશજીએ રેખચંદજીને એકાન્તમાં કહ્યું, ‘પરીખજી, તમે જબલપુરના મારા ઘરે વારંવાર મારા માટે કઈ ને કંઈ મોકલ્યા કરો છો. મને એ બધાની કોઈ જરૂર નથી. શું કામ તમે ખોટો ખર્ચ કરો છો?’

રેખચંદજી ગળગળા થઈને બોલ્યા: ‘મહેરબાની કરીને આ બાબતમાં મને તમે ક્યારેય ટોકતા નહીં. આ મારા આનંદ માટે છે. મને ખબર છે કે કાલ ઊઠીને બીજા અનેક ચાહક-મિત્રો તમને પ્રેમવશ કંઈ ને કંઈ ભેટસોગાદ આપતા રહેવાના છે. આવી બધી જ ભેટવસ્તુઓમાં મેં તમને આપેલી વસ્તુ તમારી પાસે સૌથી પહેલી હોય એવા મારા સદ્ભાગ્યથી મને શું કામ વંચિત કરો છો. હું જાણું છું કે હું જો જીવીશ તો વધુમાં વધુ બીજા વીસ કે ત્રીસ વર્ષ જીવીશ. દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે અને દીકરો કોઈ છે નહીં. છેવટે આ સંપત્તિ મારી સાથે તો આવવાની જ નથી.’

પછી સહેજ રોકાઈને રેખચંદજીએ કહ્યું, ‘તમે એક વખત ધ્યાન માટે પ્રેમપૂર્ણ કમ્યૂન બનાવવું જોઈએ એવી વાત કરી હતી. તમે આ જ ગામમાં કમ્યૂન કેમ નથી કરતા? પોણા ભાગનાં મકાનો મારી માલિકીનાં છે, એમાંના ઘણાં ખાલી છે અને જે નથી તેને ખાલી કરાવી દઈશું અથવા જો એ પરિવારોને કમ્યૂનમાં જોડાવાની ઈચ્છા હશે તો એમને સાથે લઈ લઈશું. લાગે છે કે અસ્તિત્વએ આ કામ માટે જ મારી પાસેથી આ બધી પ્રોપર્ટી ખરીદાવી છે.’

રજનીશજીએ આ નિશ્ર્છલ પ્રેમ જોઈને અભિભૂત થઈને કહ્યું: ‘તમારો મારા માટેનો આ પ્રેમ મારા માટે બહુ મૂલ્યવાન છે, પણ હજુ એવો સમય આવ્યો નથી. અત્યારે તો હું દેશને જાગૃત કરી રહ્યો છું. હજુ એમાં વાર લાગશે, જ્યારે જરૂર પડશે ત્યારે એના વિશે વિચાર કરીશું. અત્યારે શું કામ ભવિષ્યની ચિંતા કરવી?’

વાતમાંથી વાત નીકળતાં રેખચંદજીએ કહ્યું: ‘તમને ક્યારેક સમય મળે તો મારી સાથે પેસેન્જર ટ્રેનમાં ચાર કલાકનો પ્રવાસ કરજો. તમે કહેશો તો તમારા માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવીશું.’

રજનીશજીએ કહ્યું, ‘પણ તમે કેમ થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા હો છો? કોઈ લોભવશ આવી અગવડ વેઠતા હો એવું હું માનતો નથી, પણ ફર્સ્ટ ક્લાસ માટે આટલી ચીડ શું કામ છે તમને?’

રેખચંદજીએ હસીને કહ્યું, ‘ત્રીજા વર્ગમાં બધા પચાસ પ્રકારના લોકો સાથે મળવાનું થાય. કોઈ હસે, કોઈ પત્તાં રમે, કોઈ રાજકારણની ચર્ચામાં ગળાડૂબ હોય. તરહતરહના ચહેરા, તરહતરહના રંગરૂપ અને વિભિન્ન સ્વભાવના લોક મળે. કોઈ બાળક રડી રહ્યું હોય, કોઈ ખીલખીલાટ હસી રહ્યું હોય, કોઈ નવવધૂ ઘુંમટો તાણીને ચોરીછૂપીથી પોતાના વરને જોઈ રહી હોય; મને આ બધું જોવાની બહુ મઝા આવે…’

રજનીશજી કહે, ‘ત્રીજા વર્ગનું તો સમજ્યા. પેસેન્જર ટ્રેન જ કેમ, એક્સપ્રેસ ટ્રેનના થર્ડ ક્લાસમાં કેમ નહીં?’

રેખચંદ ઉત્સાહથી બોલી પડ્યા: ‘એક્સપ્રેસ કે મેલ ટ્રેન એટલી તેજીથી ભાગતી હોય કે બારીની બહારનાં દૃશ્યો જોવાનો આનંદ ઝૂંટવાઈ જાય. પેસેન્જર ટ્રેનમાં મુસાફરો ટૂંકા અંતરનો પ્રવાસ કરે. સ્ટેશન આવે, ઊતરી જાય, નવા આવે. એકના એક મુસાફરને લાંબો સમય સુધી જોયા કરો તો કંટાળી જાઓ. દરેક સ્ટેશને નવા નવા ચહેરા, નવા નવા રૂપરંગ ચઢઉતર કર્યા કરે. અને દરેક નાના સ્ટેશને મારા મિત્રો બની ગયા છે. મને ખબર હોય કે કયા સ્ટેશન પર રસગુલ્લા સારા મળે છે, કયા સ્ટેશનની પકોડી વખણાય છે, ક્યાં કચોરી સારી મળે છે અને ક્યાં દૂધ સારું મળે છે. દરેક સ્ટેશન પરના કુલી, રેલમજૂર, વૉટરમૅન, સ્ટેશન માસ્તર બધા મારા દોસ્તાર થઈ ગયા છે. બોલાવું એટલે તરત દોડતા આવે. પછી એ સ્ટેશન પર જે જે વખણાતી વાનગી હોય એ પણ પલક ઝપકતાં હાજર થઈ જાય. ગાર્ડ, ટીટી, ઍન્જિન ડ્રાઈવર, કુલી, મજૂર વગેરેને એ બધું ખવડાવવાની મને બહુ મઝા પડે. પ્લેટફોર્મ પર જાણે ઉત્સવ થઈ જાય. ગાર્ડ કહે: પરીખ શેઠ, તમતમારે નિરાંતે ખાઓપીઓ, જયાં સુધી તમે ડબ્બામાં નહીં ચડો ત્યાં સુધી આ ટ્રેન ઉપડવાની નથી. હવે આની સામે એક્સપ્રેસ અને મેલ ટ્રેનમાં માણસ શું કામ મુસાફરી કરે જે સ્ટેશન પર આવી, ન આવી અને સીટી વગાડીને આગળ નીકળી ગઈ…’

‘ક્યારેક જરૂર તમારી સાથે આવી યાત્રાનો આનંદ લઈશ,’ રજનીશજીએ કહ્યું.

છેલ્લા દિવસો ચાંદાથી વિદાય લેવાનો સમય હતો ત્યારે રેખચંદજીએ રજનીશજીના સામાન સાથે એક એટેચી મૂકીને એના તાળાની ચાવી રજનીશજીને આપીને કહ્યું, ‘આ એટેચીનું ખાસ ધ્યાન રાખજો.’

એટેચીમાં દસ દસ હજારની થપ્પીઓ સાથે એક ચિઠ્ઠી હતી. ‘તમારા માટે આમાંથી નવી ફિયાટ ગાડી લેવાની છે. જબલપુર પહોંચીને તરત જ આ રકમ ડીલરને પહોંચાડી દેજો. મેં બધી વાત એની સાથે કરી લીધી છે. અને કૃપા કરીને આ બાબતે મને એક પણ શબ્દની ટકોર કરતા નહીં અન્યથા જીવનભર હું વ્યથિત રહીશ.’

જબલપુર ઘરે પહોંચીને સાંજે ફિયાટના શોરૂમ પર ગયા ત્યારે ડીલર એમની રાહ જોઈ રહ્યો હતો. રજિસ્ટ્રેશન, ઈન્શ્યોરન્સ વગેરેનાં તમામ કાગળિયાં રેડી હતાં. રેખચંદજીની સૂચના અનુસાર જે જે કંઈ વધારાની સુવિધાઓની જરૂર પડે તે બધી જ એકસ્ટ્રા એસેસરીઝ પણ ફિટ થઈ ચૂકી હતી.

રજનીશજીને કાર ભેટ આપવા પાછળ રેખચંદજીનું લૉજિક એ હતું કે રજનીશજીનું ઘર યુનિવર્સિટીથી ચાર માઈલ દૂર હતું. જબલપુરમાં તે વખતે હાથથી ખેંચાતી રિક્શાનું ચલણ જેમાં બેસીને જવાનું રજનીશજીને પસંદ નહોતું. પગે ચાલીને યુનિવર્સિટી પહોંચતા રોજ બે કલાક લાગતા, આમતેમ ડાફોળિયા મારીને કુદરતનો, માણસોનો નજારો લેતાં લેતાં રજનીશજી ટહેલતા. આવવા જવામાં ચાર કલાક બગડતા. રેખચંદજીએ વિચાર્યું કે રજનીશજીનો એટલો સમય જો બચે તો એનો ઉપયોગ બીજાં મહત્ત્વનાં કામો કરવામાં થઈ શકે.

રજનીશજી યુનિવર્સિટીના પ્રાંગણમાં એક ગુલમહોરના વૃક્ષ નીચે કાર પાર્ક કરતા. એમનાં પ્રવચનો નિમિત્તે લેવાતી કપાતા પગારની રજાઓની પણ મર્યાદા આવી જતી. બીજા અધ્યાપકોમાં ખૂબ ચડભડ થતી. એક દિવસ કેટલાક ટીચિંગ સ્ટાફે પ્રિન્સિપાલને ફરિયાદ કરી અને પ્રિન્સિપાલે વાઈસ ચાન્સેલર સાથે પણ આ મુદ્દો છેડ્યો. છેવટે રજનીશજી સાથે પ્રિન્સિપાલે વાત કરી. રજનીશજી કહે કે, ‘આમાંથી કોઈ લેખિત ફરિયાદ કરે ત્યારની વાત ત્યારે…’

પ્રિન્સિપાલ કહે કે, ‘તમારા વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવાની હિંમત તો હજુ સુધી કોઈની થઈ નથી, પણ ગમે તે ઘડીએ આ પ્રોબ્લેમ વકરી શકે એમ છે’

રજનીશજીએ કહ્યું, ‘એવું કંઈ બને અને હું પ્રવાસમાં હોઉં તો તમે તમારો જાન બચાવવા મેં આપેલું પેલું કાગળ વી.સી.ની ઑફિસમાં મોકલી આપજો.’

રજનીશજીએ તારીખ નાખ્યા વગરનું પોતાની સહી સાથેનું રાજીનામું પ્રિન્સિપાલને આપી રાખ્યું હતું.

‘એવી કોઈ નોબત ના આવે એ માટે મને કંઈક મદદ કરો તો સારું,’ પ્રિન્સિપાલે કહ્યું.

‘સારું,’ રજનીશજીએ કહ્યું, ‘હું જ્યારે જ્યારે બહારગામ જઈશ ત્યારે રજા પર નથી ગયો એવું લોકોને લાગે એ માટે મારો કોઈ માણસ બપોરે બાર વાગ્યે મારી ગાડી ગુલમહોર નીચે પાર્ક કરી જશે અને સાંજે ચાર વાગ્યે લઈ જશે!’

પ્રિન્સિપાલ સાહેબ રજનીશજીને જતાં જોઈ રહ્યા અને મનોમન બોલ્યા: ‘તમારું રાજીનામું વી.સી.ને મોકલવાની નોબત આવે ત્યારે પહેલાં મારું રાજીનામું પડશે!’

આજનો વિચાર

તમે જુવાન હો છો ત્યારે વૃદ્ધ થવા નથી માગતા, જુવાનીને પકડી રાખવા માગો છો. વૃદ્ધ થઈ ગયા પછી તમે મરવા નથી માગતા, બુઢાપાને પકડી રાખવા માગો છો. કશું શીખતા જ નથી તમે. જે અવસ્થા આવે તેને સહજતાથી સ્વીકારી લેતાં શીખો. પછી કોઈ દુ:ખ જ નહીં રહે.

– ઓશો

એક મિનિટ!

મોબાઈલ ફોનના વપરાશ વિશેના કેટલાક આંકડા:

છોકરો બીજા છોકરાને: ૦૦:૦૦:૫૯

છોકરો એની મમ્મીને: ૦૦:૦૦:૫૦

છોકરો એના ડૅડીને: ૦૦:૦૦:૩૦

છોકરો છોકરીને: ૦૧:૨૩:૫૯

છોકરી બીજી છોકરીને: ૦૫:૨૯:૫૯

છોકરી છોકરાને: મિસ્ડ કૉલ

પતિ પત્નીને: ૦૦:૦૦:૦૩

પત્ની પતિને: ૧૪ મિસ્ડ કૉલ

( મુંબઇ સમાચાર : બુધવાર, 8 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *