રજનીશે એક કરોડપતિ કંજૂસની આગતા સ્વાગતા માણી

રજનીશજીના નામે પ્રગટ થયેલા સૌથી પહેલા કે બીજા જ પુસ્તકનું નામ હતું ‘ક્રાન્તિબીજ’. આ પુસ્તકમાં ૧૨૦ પત્રોનો સંગ્રહ છે. રજનીશજીએ જેમને સંબોધીને આ પત્રવ્યવહાર કર્યો તે મદનકુંવર પરીખની વાત આપણે ગઈ કાલે શરૂ કરી કે કેવી રીતે એમની સાથે પ્રથમ મુલાકાત થઈ. રજનીશજી એમને પોતાના આગલા જન્મના પુત્રસમાન લાગતા અને રજનીશજીએ પણ એમને પૂર્વજન્મની પોતાની માતા તરીકે સ્વીકાર્યાં હતાં. રજનીશજીની નિકટના સૌ કોઈ મદનકુંવરને ‘મા’ તરીકે જ સંબોધતા. રજનીશજીએ સિત્તેરના દાયકામાં પોતાના ભક્તોને દીક્ષા આપીને સંન્યાસ આપવાનું શરૂ કર્યું ત્યારે મદનકુંવર માએ પણ દીક્ષા લઈને મા આનંદમયી નામ ધારણ કર્યું હતું. હવે તો અફકોર્સ, તેઓ આ દુનિયામાં નથી રહ્યાં.

વર્ધામાં ૧૯૬૦ના દાયકાના આરંભમાં થયેલી પ્રથમ મુલાકાત વખતે મદનકુંવરમાએ જ્યારે રજનીશને કહ્યું કે બધું જ છે મારી પાસે છતાં શાંતિ નથી ત્યારે રજનીશે સ્મિત સાથે એમને જવાબ આપ્યો હતો: ‘પણ હું તો તમારી આંખોમાં પૂર્ણ શાંતિ અને સંતોષ જોઈ રહ્યો છું. તમે ફરીથી તમારું હૃદય ઢંઢોળો, ક્યાંક તમને કોઈ ભ્રમ તો નથી થતો ને…’

ત્યાં જ બીજા મુલાકાતીઓ આવી ગયા. વાત અધૂરી રહી. સંમેલનમાં શ્રીમતી મદનકુંવર પરીખે કાવ્યપઠન કર્યું. રજનીશજી ચિરંજીલાલ બડજાત્યાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે એમના વિશે બે શબ્દો બોલ્યા પછી કહ્યું:

‘આપણને સૌને ક્યારેક ક્યારેક અભાવનો, કોઈક પ્રકારના ખાલીપણાનો અનુભવ થતો હોય છે. એ સારું છે, કારણ કે અભાવની આ પીડા જ નવા જન્મની પ્રસવપીડા બની જાય છે… અભાવથી ભાગવાનું નથી, એ મિત્ર છે. એમાં જીવવું એ તો સૌભાગ્ય છે…’

આ શબ્દો સાંભળીને શ્રીમતી મદનકુંવરને લાગ્યું કે: રજનીશજીએ માત્ર મારા માટે જ આ શબ્દો કહ્યા છે. પ્રવચન પછી એમણે રજનીશજીને રૂબરૂ મળીને પોતાના ઘરે ચાંદા (મધ્ય પ્રદેશ) આવવાનું આમંત્રણ આપ્યું જે રજનીશજીએ સ્વીકારી લીધું. શ્રીમતી મદનકુંવર રજનીશજીને ખૂબ બધું કહેવા માગતા હતા, પણ ભાવાવેશમાં વધુ કશું બોલી શક્યા નહીં. એમણે રજનીશજીનું જબલપુરનું સરનામું માગીને કહ્યું કે મારી લાગણીઓ હું તમને પત્ર દ્વારા લખીને જણાવીશ પછી પૂછ્યું: ‘હું તમને પત્ર લખું તો તમે જવાબ આપશો?’

રજનીશજીએ હસીને કહ્યું, ‘તમારો એક પણ પત્ર અક્ષરિત નહીં રહે, એ મારું વચન છે.’

શ્રીમતી મદનકુંવર સ્વસ્થ થયા. થોડુંક વધુ બોલવાની હિંમત આવી. પોતાની ત્રણ પરિણીત પુત્રીઓ વિશે તેમ જ અતિ શ્રીમંત પણ અત્યંત કંજૂસ એવા પતિ રિખવચંદ પરીખ વિશે માહિતી આપી.

થોડા વખત પછી રજનીશજી ચાંદા ગયા ત્યારે સ્ટેશન પર શ્રીમતી મદનકુંવર એમના પતિ સાથે સ્વાગત માટે હાજર હતાં. સ્ટેશનથી ઘરે જતી વખતે પતિ ડ્રાઈવિંગ કરી રહ્યા હતા, રજનીશજી એમની બાજુમાં બેઠા હતા. રસ્તામાં રજનીશજીએ વાત છેડી: ‘તમારી પત્નીએ મને અહીં શું કામ તેડાવ્યો છે ખબર છે? હું તમારી કંજૂસવૃત્તિ છોડાવીને તમને ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલો, હૉસ્પિટલો વગેરેમાં દાન-ધર્માદા કરવાની પ્રેરણા આપું એટલા માટે, પણ મને એ બધુ કરવામાં કોઈ રસ નથી, કારણ કે હું તો તમારા વિશિષ્ટ વ્યક્તિત્વ તથા વિશિષ્ટ સ્વભાવની વાતો સાંભળીને તમારી મુલાકાત કરવા આવ્યો છું. તમારા જેવી વિરલ વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે જે આટઆટલો પૈસો હોવા છતાં કોઈ ભિખારીને એક પૈસો પણ ન આપે. શું આ વાત સાચી છે?’

મદનકુંવરે વર્ધામાં રજનીશજીને કહ્યું હતું કે એમના પતિ રિખવચંદને દિવસરાત પૈસા કમાવવાની અને એ પૈસામાંથી પ્રોપર્ટી ખરીદવાની ધૂન છે. ચાંદા ગામનાં પોણાભાગનાં મકાનો-ઘરો-દુકાનો તો એમણે ખરીદી લીધાં છે.

રિખવચંદ પરીખે જવાબ આપ્યો: ‘વાત સો ટકા સાચી છે. મેં આજ દિન સુધી કોઈ ભિખારીને એક પૈસો સુધ્ધાં નથી આપ્યો…’ પછી એમણે ઉમેર્યું, ‘હું માત્ર એવી વ્યક્તિની પ્રતીક્ષામાં છું જેને હું મારું સર્વસ્વ સમર્પણ કરી શકું.’

ઘરે પહોંચીને એ રજનીશજીને પોતાના અંગત બેઠકખંડમાં લઈ ગયા, મદનકુંવરને નવાઈ લાગી. અત્યાર સુધી એમના પતિ કોઈ અતિથિને એમના અંગત બેઠકખંડમાં લઈ ગયા નહોતા. રિખવચંદે નોકરોને સૂચના આપી: ‘આચાર્યશ્રીનો સામાન મારા અતિથિગૃહમાં પહોંચાડી દો અને જ્યાં સુધી તેઓ અહીં રહેશે ત્યાં સુધી આ ડ્રોઈંગ રૂમમાં મુલાકાતીઓને મળશે.’ પછી એમણે પત્નીને કહ્યું, ‘હવે તું આચાર્યશ્રીની કોઈ ફિકર કરતી નહીં. જા, જઈને નાસ્તો તૈયાર કરાવ.’

પત્નીના ગયા પછી રિખવચંદજીએ રજનીશજીને કહ્યું, ‘બહુ નવાઈની વાત છે. મેં જેવા તમને સ્ટેશન પર જોયા કે તરત મને લાગ્યું કે વર્ષોથી હું જેમની પ્રતીક્ષા કરી રહ્યો છું એ મારી સામે છે.’

વર્ધામાં મદનકુંવરમાએ રજનીશજીને કહ્યું હતું, ‘સાધુસંતોમાં મારા પતિને જરા સરખો રસ નથી. ક્યારેય કોઈને દાન-દક્ષિણા નથી આપતા. હું કેટલાય જૈન મુનિઓ અને ગાંધીવાદી સંતોને એમને મળવા માટે ઘરે લઈ આવી છું, પણ એમના પર આમાંના કોઈનો પ્રભાવ પડ્યો નથી.’

રજનીશજીએ રિખવચંદના શબ્દો સાંભળ્યા. કોઈ જવાબ આપ્યો નહીં. રિખવચંદ ઊભા થયા અને વિનમ્રતાપૂર્વક બોલ્યા, ‘પ્રવાસનો થાક લાગ્યો હશે. થોડો આરામ કરી લો. અમે લોકો નાસ્તા માટે તમારી રાહ જોઈએ છીએ.’ અને રિખવચંદજી બહાર જતા રહ્યા.

આખો દિવસ રજનીશજીને મળવા આતુર એવા લોકોનો ધસારો રહ્યો. બપોર પછી ત્રણ વાગ્યે સિત્તેર-એંશી લોકો સમક્ષ રજનીશજીએ સંક્ષિપ્ત પ્રવચન કર્યું. શ્રોતાઓની જિજ્ઞાસાઓને સંતોષી.

ભોજન બાદ સૌ કોઈ વિખેરાયા. રાત્રે દસ વાગ્યે રિખવચંદજીએ એકાન્તમાં રજનીશજીને પોતાની પત્ની વિશે વાત કરી: ‘એ પાગલને પૂરો વિશ્ર્વાસ છે કે પૂર્વ જન્મમાં એનો પુત્ર એનાથી વિખૂટો પડી ગયો હતો અને આ જન્મમાં એને જરૂર મળવાનો છે. અમારાં લગ્ન નહોતાં થયાં ત્યારથી એ એવું માને છે. ઈશ્ર્વરે એમને ત્રણ દીકરીઓ આપી છે, પુત્રસુખ નથી, આપ્યું. એનું પાગલપન જોઈને મેં એને આ અનાથાશ્રમ ચલાવવા આપ્યો છે. એને વિશ્ર્વાસ હતો કે કદાચ કોઈ અનાથ બાળકના રૂપમાં એને આગલા જન્મનો પુત્ર મળી જાય.

ચાર મહિના પહેલાં વનસ્થલી જતાં રસ્તામાં એક યોગીનાં દર્શન થયાં ત્યારે એમણે મારી પત્નીને કહ્યું હતું કે આગલા ભવમાં તારો ખોવાયેલો પુત્ર શીઘ્ર તને મળવાનો છે. એ પહેલાં એને સપનામાં પણ દેખાયું હતું કે એ પુત્ર મળવાનો છે. હવે એ તમને જ પોતાનો એ પુત્ર માની બેઠી છે.’

રજનીશજી મુસ્કુરાઈને બોલ્યા, ‘હું ખરેખર એમનો ખોવાયેલો પુત્ર છું. એમણે મને બરાબર ઓળખી કાઢ્યો!’

રિખવચંદજી આશ્ર્ચર્યથી રજનીશજી તરફ જોવા લાગ્યા. રજનીશજીએ સમજાવ્યું: ‘ચોર્યાશી લાખ જન્મોની શ્રૃંખલામાંથી આપણે સૌ પસાર થતા હોઈએ છીએ. તો શું એમાંના એકાદ જન્મમાં આવું બને તે સંભવ નથી? જરૂર સંભવ છે! તમારે તો પ્રસન્ન થવું જોઈએ કે તમને પુત્ર મળી ગયો! પણ ગભરાતા નહીં, હું તમારી સંપત્તિ પર કોઈ હકદાવો કરવાનો નથી!

એ પછી તો રજનીશજી અને પરીખ દંપતી વચ્ચે અદૃશ્ય એવો ભાવસેતુ બંધાઈ ગયો. ખૂબ વાતો થઈ. ચાંદામાં બેઉ દિવસ સાંજે રજનીશજીનાં જાહેર પ્રવચનો થયાં, જેમાં ત્રણસો-ચારસો શ્રોતાઓની ભીડ એકઠી થતી. રજનીશજીએ ત્રણ દિવસ પછી પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપવા જબલપુર પાછા જવાનું હતું. પરીખ દંપતી સ્ટેશન પર એમને વળાવવા આવ્યું. રિખવચંદે ટ્રેનના કંપાર્ટમેન્ટમાં રજનીશજીના સામાન સાથે બીજી બે ઍટેચી મૂકી દીધી.

રજનીશજીએ પૂછ્યું, ‘અરે, તમે પણ મારી સાથે જબલપુર આવો છો કે શું? મેં તો સાંભળ્યું હતું કે તમને માત્ર થર્ડ ક્લાસમાં જ પ્રવાસ કરો છો.’

પરીખસાહેબે હસીને કહ્યું, ‘તમે સાચું જ સાંભળ્યું છે. હું ત્રીજા વર્ગમાં જ અને તે પણ એક્સપ્રેસ ટ્રેનમાં નહીં, પેસેન્જર ટ્રેનમાં સસ્તી ટિકિટ કઢાવીને જ પ્રવાસ કરતો હોઉં છું, પણ અત્યારે હું તમારી સાથે નથી આવતો. ક્યારેક મોકો મળશે તો તમારી સાથે પ્રવાસ કરવાનો લહાવો જરૂર લઈશ. આ બે ઍટેચીઓમાં આપના માટેના મારા આદર અને પ્રેમના પ્રતીકરૂપે મારા તરફથી ભેટ મૂકી છે. તમે ના નહીં પાડતા, મારું દિલ તૂટી જશે. આજે જિંદગીમાં પહેલીવાર મેં હૃદયપૂર્વક કોઈને કશી ભેટ આપી છે.’

રજનીશજીએ પૂછ્યું, ‘પણ કહો તો ખરા, એમાં શું છે?’

પરીખજી બોલ્યાં: ‘એ જ છે જે તમારા માટે ખૂબ જરૂરી છે. અમારે ત્યાં તમે જે પ્રવચનો કર્યા તે બધા મેં ટેપ કરી લીધા હતાં તેની ટેપ્સ છે અને સાથે ટેપ રેકોર્ડર પણ છે. એક ટેપમાંથી ઘણી બધી ટેપ રેકોર્ડ થઈ શકે એવું ડુપ્લિકેટિંગ મશીન પણ છે. અને થોડી કોરી ટેપ છે…’

આટલું કહીને પરીખજીની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. ઍન્જિનની સીટી સંભળાઈ. રજનીશજીનાં ચરણસ્પર્શ કરીને પરીખદંપતી ડબ્બાની નીચે ઊતરી ગયું.

ટ્રેન ઉપડ્યા પછી રજનીશજીએ જોયું કે બે ઍટેચીઓમાં પરીખજીએ જે કંઈ કહ્યું તે બધા સામાન ઉપરાંત એક મૂલ્યવાન રિસ્ટવૉચ, એક એલાર્મ ક્લૉક, ચાર બહુ મૂલ્ય ફાઉન્ટનપેનના સેટ અને એક કિમતી કૅમેરા પણ મૂક્યાં હતાં. પરીખદંપતીનો પ્રેમ અનુભવીને રજનીશજીના ચહેરા પર સ્મિત ફરકી ગયું. વધુ કાલે.

આજનો વિચાર

તમે જો તમારી જાતને બદલી શકો તો માનજો કે તમે દુનિયાને બદલવાનું શરૂ કરી દીધું છે.

– ઓશો

એક મિનિટ!

પત્નીએ સવાર સવારમાં કહ્યું: મારું અડધું માથું દુખે છે.

કવિ: એ તો જેટલું હોય એટલું દુખે

બસ, ત્યારથી કવિનું આખું શરીર દુખે છે!

( મુંબઇ સમાચાર : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *