મુંબઈ, મુનિ ચિત્રભાનુ, જુહુ હૉટેલ, જમનાલાલ બજાજ અને રજનીશ

૧૯૬૪ની ત્રીજી જૂને રાજસ્થાનના જૈન તીર્થસ્થળ રાણકપુરમાં રજનીશજીએ પાંચ દિવસની સાધનાશિબિર કરી હતી. (શ્રીજીબાવાનાં દર્શન કરવા નાથદ્વારા જાઓ ત્યારે યાત્રામાં એક દિવસ ઉમેરીને રાણકપુર રાત રોકાવું જોઈએ. શાંતિ અને એકાન્તનો યાદગાર અનુભવ મળશે). દૂર દૂરથી સાઠ જેટલા સાધક-સાધિકાઓ આવ્યાં હતાં. શિબિરનો આરંભ થયો એની આગલી રાત્રે સૌ કોઈ આવી ગયું હતું. રજનીશજીએ કહ્યું, ‘જેમ ફૂલનો છોડ વાવતાં પહેલાં ભૂમિને તૈયાર કરવી પડે એમ આવતી કાલથી શરૂ થનારી શિબિરની ભૂમિકા અત્યારે તૈયાર કરી રહ્યો છું. મારે ત્રણ સૂત્રો તમને આપવાનાં છે.’

આટલું કહીને રજનીશજીએ ત્રણ વાત કહી.

૧. વર્તમાનમાં જીવો. અતીત અને ભવિષ્યના ચિંતનની યાંત્રિક ધારામાં (કમ સે કમ) આ પાંચ દિવસ દરમ્યાન (તો) વહી જતા નહીં. ન અતીતની કોઈ સત્તા છે, ન ભવિષ્યની (અર્થાત્ જે પાવર છે, જે શક્તિ છે તે વર્તમાનમાં છે). (વર્તમાન સિવાયના એ બંને કાળમાંનો) એક સ્મૃતિમાં છે, એક કલ્પનામાં. સત્યને જાણવું હશે તો તે માત્ર વર્તમાનમાં રહીને જ જાણી શકાશે.

રજનીશજીએ શિબિરાર્થીઓને પ્રેમપૂર્વક કહું: ‘આજની રાતે તમે એવી રીતે ઊંઘી જજો જાણે તમારો સમગ્ર ભૂતકાળ છોડીને તમે સૂવા જઈ રહ્યા છો. તમારો અતીત તમારા માટે મૃત:પ્રાય છે એવું માનજો. (શિબિર દરમ્યાન) ચોવીસે કલાક સતત એટલું સ્મરણમાં રાખજો કે તમારે વર્તમાનમાં જ જીવવાનું છે. સભાન રહેજો કે ક્યાંક અતીત અને ભવિષ્ય ચિંતનની યાંત્રિક આદતો ફરીથી સક્રિય તો નથી થઈ ગઈ ને.’

૨. બીજું સૂત્ર રજનીશજીએ આપ્યું: સહજતાથી જીવો. માણસના બધા જ વ્યવહારો કૃત્રિમ અને ઔપચારિક છે. આપણે સૌએ એક મિથ્યા આવરણ ઓઢીને રાખ્યું છે. આને લીધે આપણી વાસ્તવિકતા આપણામાંથી ધીરે ધીરે ભૂંસાતી જાય છે. તમે સૌ આ દિવસોમાં તમારા મિથ્યા-ચહેરાઓને ઉતારીને બાજુએ મૂકી દેજો. તમારામાં જે મૌલિક છે, જે તમારું પોતાનું છે અને સહજ છે – એને પ્રગટ થવા દેજો, એમાં જ જીવજો. સરળ અને સહજ જીવનમાં જ સાધના વિકસિત થાય છે. સાધનાના આ (પાંચ) દિવસો દરમ્યાન ધ્યાનમાં રહે કે ન તમારી પાસે કોઈ પદ કે હોદ્દો છે, ન કોઈ વિશિષ્ટતા છે તમારી, ન તમારી કોઈ પ્રતિષ્ઠા છે. એ તમામ નકાબોને દૂર કરી નાખજો. તમે માત્ર તમે છો અને અતિ સાધારણ મનુષ્ય છો જેને કોઈ નામ નથી, જેની કોઈ પ્રતિષ્ઠા નથી, સમાજના કોઈ પણ વર્ગમાં જેનું સ્થાન નથી, જેની કોઈ જાતિ નથી, કૌટુંબિક પરંપરા નથી. એક નામહીન વ્યક્તિ એક અતિ સાધારણ એકમ માત્ર, એક યુનિટ. એ રીતે આપણે જીવવાનું છે અને યાદ રહે કે આ જ આપણા સૌની વાસ્તવિકતા પણ છે.

૩. ત્રીજી વાત કહેતાં રજનીશજીએ સૂત્ર આપ્યું: એકલા જીવો. સાધનાનું જીવન અત્યંત એકલપણામાં જન્મે છે. પણ મનુષ્ય સદાય બીજાઓથી ઘેરાયેલો રહે છે, બહારની ભીડથી ઘેરાયેલો ન હોય ત્યારે એના ભીતરમાં ભીડ હોય છે. ભીતરની. આ ભીડને પણ વિસર્જિત કરી દેવાની છે. બહારથી પણ એ રીતે જીવો કે જાણે આ શિબિરમાં તમે એકલા જ છો, બીજું કોઈ નથી. બીજા કોઈની સાથે તમે લેવાદેવા નહીં રાખતા.

રજનીશજીએ કહ્યું કે આ સૂત્રોનું પાલન કરવાથી ચિત્તની એ સ્થિતિ સર્જાશે જે શાંતિ અને સત્યાનુભૂતિની સાધના માટે અત્યંત આવશ્યક છે.

રજનીશજીની આ શિબિર ૧૯૬૪માં થઈ. યાદ રહે કે યુનિવર્સિટીમાંથી તો એમણે એના બે વર્ષ પછી, ૧૯૬૬ની સાલમાં રાજીનામું આપ્યું. (બાય ધ વે, યુનિવર્સિટીની નોકરી કરતાં પહેલાં રજનીશજીએ અભ્યાસનાં વર્ષો દરમ્યાન છાપાની લાઈનમાં નોકરી કરી હતી, જબલપુરમાં ‘નવભારત’ નામના અખબારની કચેરીમાં સિત્તેર રૂપિયાના પગારે જુનિયર મોસ્ટ સબ-એડિટર તરીકે તેઓ કામ કરતા હતા).

૧૯૫૮માં જબલપુર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયા પછી ૧૯૬૦માં શહેરના જવાહરગંજ ફુવારા પાસે એમનું સૌપ્રથમ જાહેર પ્રવચન યોજાયું. એ પછી તરત જ એમને બીજાં ત્રણ-ચાર પ્રવચનો માટેનાં નિમંત્રણ મળ્યાં. એ જ ગાળામાં જબલપુરના ખંદારી વૉટર વર્ક્સ પાસેના ખુલ્લા મેદાનમાં રજનીશજીની સૌ પ્રથમ ધ્યાનશિબિરનું આયોજન થયું. કુલ ૪૦ જેટલા પુરુષોએ ભાગ લીધો. આ ધ્યાનશિબિરમાં રાત્રિરોકાણની કોઈ વ્યવસ્થા નહોતી.

યુનિવર્સિટીમાં બાર મહિનાનું ભણવાનું રજનીશજી બે મહિનામાં ભણાવી દેતા. રજનીશજીએ એક તરફ આ નોકરી ચાલુ રાખી. બીજી તરફ એમના માટે પ્રવચનોનાં આમંત્રણો વધતાં ગયાં. શિબિરો યોજાતી થઈ ગઈ. એક દિવસ જબલપુરના પિસનહારી મઢૈયામાં થયેલા પ્રવચનથી પ્રભાવિત થઈને જમનાલાલ બજાજની કંપનીમાં મૅનેજર તરીકેની જવાબદારી સંભાળતા ચિરંજીલાલ બડજાત્યાએ એમને મહાવીર જયંતી નિમિત્તે મુંબઈમાં પ્રવચન આપવા માટેનું આમંત્રણ આપ્યું અને ટ્રેન ટિકિટનું રિઝર્વેશન કરાવી આપ્યું.

મુંબઈમાં ૨૫-૩૦ હજાર શ્રોતાઓની સભા હતી કારણ કે વિખ્યાત જૈન મુનિ ચિત્રભાનુજી સભાના પ્રમુખસ્થાનેથી પ્રવચન કરવાના હતા. રજનીશજી દોઢ કલાક એ સભામાં બોલ્યા. સૌ કોઈ પ્રભાવિત થયા. સભા પછી મહારાષ્ટ્ર-ગુજરાત વગેરેમાંથી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે ઢગલો નિમંત્રણો મળ્યા. ચિરંજીલાલ બડજાત્યા પોતે એક જમાનામાં ગાંધીજીની સેવાચાકરી પણ કરી ચૂક્યા હતા. રજનીશજીનું જબલપુરવાળું પ્રવચન સાંભળ્યા પછી બડજાત્યા એમની વાણી, વિચારો, વ્યક્તિત્વથી પૂરેપૂરા અંજાઈ ગયા હતા. બડજાત્યા રજનીશજીની ઓળખાણ મહારાષ્ટ્ર અને ગુજરાતના શિક્ષિત-ધનિક વર્ગ સાથે કરાવવા માગતા હતા જેઓ કોઈ ને કોઈ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય. બડજાત્યા ચાહતા હતા કે રજનીશજીની ખ્યાતિ સમગ્ર ભારતમાં પ્રસરે અને વધુમાં વધુ લોકો સુધી એમના વિચારો પહોંચે. મુંબઈમાં મહાવીર જયંતી નિમિત્તે યોજાયેલી સભાના પ્રવચનના ત્રીજા દિવસે ચિરંજીલાલ બડજાત્યાએ જુહુ બીચ પર આવેલી ‘જુહુ હૉટેલ’ના ઍરકંડિશન્ડ હૉલમાં માત્ર આમંત્રિતો માટે રજનીશજીનું પ્રવચન ગોઠવ્યું. આ પ્રવચનમાં એમણે વર્ધા રહેતા જમનાલાલ બજાજને પણ આગ્રહ કરીને બોલાવ્યા. રજનીશજીએ બડજાત્યાના સૂચનથી ‘સત્યની શોધ’ વિષય લઈને પ્રવચન કર્યું. સુપરહિટ ગયું. રજનીશજી સહિત સૌ કોઈએ વિદાય લીધી એ પછી બડજાત્યાને એકાંત મળ્યું એટલે જમનાલાલજીને પૂછ્યું, ‘કેવું લાગ્યું?’

શેઠ જમનાલાલ બજાજે કહ્યું, ‘કંઈ કહેવા માટે મને શબ્દો નથી મળી રહ્યા. બસ, એટલું જ કહી શકું છું કે આવું પ્રવચન આજ સુધી ક્યારેય મેં સાંભળ્યું નથી. આમાં કોઈ અતિશયોક્તિ નથી. શાસ્ત્રોમાં જે કહેવાઈ ગયું છે તેનું પુનરાવર્તન નહોતું. લાગતું હતું જાણે અંતરતમમાંથી વહેતી કોઈ નિરંતર ધારા સાથે શબ્દો વહ્યા કરતા હતા. એમને જોઈ-સાંભળીને લાગતું હતું કે જાણે એમને ખરેખર સત્યનો સાક્ષાત્કાર થઈ ચૂકયો છે.’

બડજાત્યા પ્રસન્ન થઈને બોલ્યા, ‘એ જબલપુર યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્ર ભણાવે છે. લગ્ન કર્યાં નથી, કરવાનો ઈરાદો પણ નથી. એમને વર્ધામાં સ્થાયી થવાની વિનંતી કરીએ તો કેવું?’

જમનાલાલજીએ જવાબ આપ્યો: ‘બડજાત્યા, તમે મને સમજયા નહીં. આ આશ્રમના પિંજરામાં કેદ નહીં થાય. એમના વ્યક્તિત્વને વગડાઉ ફૂલની માફક ખિલવા દો. એમની વાણીમાં છુપાયેલી જ્વાળાઓને હું જોઈ રહ્યો છું.’

જમનાલાલ બજાજને ગાંધીજી પોતાના પાંચમા પુત્ર માનતા હતા. જમનાલાલજીના વારસદારોએ બનાવેલું બજાજ સ્કૂટર આપણામાંથી મોટાભાગનાઓએ વાપર્યું હશે. આ જમનાલાલજીના મૅનેજર ચિરંજીલાલ બડજાત્યાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે જૈન મહામંડળ તરફથી વર્ધામાં એક ઉત્સવ હતો જેમાં રજનીશજીને પણ આમંત્રણ હતું. બજાજવાડીમાં રજનીશજીના ઉતારે એક સવારે એક પ્રૌઢ મા દેખાઈ. વરંડામાં ઊભેલા રજનીશજીને ભારે સ્નેહભરી નજરે ટીકી ટીકીને જોઈ રહી હતી.

રજનીશજીએ પૂછયું, ‘મુઝે ઈતને ધ્યાન સે ક્યા દેખ રહી હો, માં?’

પ્રૌઢા બોલી, ‘મારું નામ મદનકુંવર પરીખ. હું ચાંદા (મધ્યપ્રદેશ)માં ૩૦૦ બાળકોનો અનાથઆશ્રમ ચલાવું છું. કહેવા ખાતર તો બધું જ છે મારી પાસે. ઘર-ગૃહસ્થી-પરિવાર. ધન-ધાન્યની કોઈ કમી નથી. પણ અંદરથી જીવને શાંતિ નથી. કોણ જાણે કેમ કોઈક અભાવ ખટકયા કરે છે…’

તે સમયે ન તો મદનકુમાર પરીખ અને એમના પતિ રિખવચંદ પરીખને ખબર હતી, ન ખુદ રજનીશજીને કે આ યુગલ એમની ‘આચાર્ય’માંથી ‘ભગવાન’ બનવા તરફની યાત્રાનો કેટલો મોટો પડાવ બનવાનું છે.

વધુ કાલે.

આજનો વિચાર

આ પૃથ્વી પર જન્મ લીધો એટલે જીવવાનો અર્થ નથી મળી જવાનો. એ અર્થ તમારે સર્જવાનો છે. તો જ તમને ખબર પડશે કે તમારા આ જીવનનો અર્થ શું છે.

– ઓશો

એક મિનિટ!

૧૩૪ વર્ષ જૂની કૉન્ગ્રેસ ૨૬ વર્ષ જૂની સમાજવાદી પાર્ટીના ચરણોમાં પડે છે.

અને અખિલેસ પૂછે છે, ક્યાં છે અચ્છે દિન!

( મુંબઇ સમાચાર : સોમવાર, 6 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *