જે શસ્ત્ર વડે વસ્તુ લેવાય તે જ શસ્ત્ર વડે એ સચવાય

ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે ગયા અઠવાડિયે શરૂ કરેલી ગાંધીજી અને એમના સત્યાગ્રહોની વાત આજે આગળ લંબાવીએ.

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ જેટલું જ મહત્ત્વનું એમનું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ છે એવું હું દૃઢપણે માનું છું, દાયકાઓથી કહ્યા કરું છું અને યુવાન કે નવા વાચકોને ભેટ આપવાનું મન થાય ત્યારે એ બેઉ પુસ્તકો સાથે આપીને કહું છું કે આ બેઉ બાપુની આત્મકથાના બે ભાગ છે. ‘સત્યના પ્રયોગો’માં જ્યાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની વાત આવે છે ત્યાં ગાંધીજીએ અતિ સંક્ષિપ્તમાં આખી વાત સંકેલી લીધી છે જે વાજબી છે, કારણ કે એના વિશે એમણે ત્રણસો પાનાંનું પુસ્તક ઑલરેડી લખી નાખ્યું હતું. એ પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’માંનાં ત્રીસ પ્રકરણો પૂનાની યરવડા જેલમાં લખાયાં. ગાંધીજી બોલતા જાય અને ઈન્દુલાલ યાજ્ઞિક લખતા જાય. ૧૯૨૪ની બીજી એપ્રિલે લખાયેલી પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું કે બાકીનાં પ્રકરણો તેઓ હવે પછી લખવાના છે.

૧૯૨૫ની પાંચમી જુલાઈએ બાકીનાં પ્રકરણોનું લખાણ શરૂ કરતી વખતની નોંધમાં ગાંધીજી લખે છે કે વાંચનાર જાણે છે કે (તે વખતે) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ઉપવાસ વગેરે કારણોને લીધે પૂરો લખી શકાયો નહીં જે હવે (‘નવજીવન’ના) આ અંકથી શરૂ થાય છે. ગાંધીજીએ ભારત આવ્યાના અલમોસ્ટ એક દસકા પછીના ગાળામાં જે જે લડતો ચલાવી, સત્યાગ્રહો કર્યા તેના અનુભવના સંદર્ભમાં આ નોંધમાં લખ્યું છે… આપણી આજની સ્થિતિમાં એક પણ વસ્તુ એવી નથી કે જેનો અનુભવ નાના પાયા ઉપર દક્ષિણ આફ્રિકામાં મને ન થયો હોય. આરંભનો એ જ ઉત્સાહ, એ જ સંપ, એ જ આગ્રહ; મધ્યમાં એ જ નિરાશા, એ જ અણગમો, આપસઆપસમાં ઝઘડા ને દ્વેષાદિ; તેમ છતાં મૂઠીભર લોકોમાં અવિચળ શ્રદ્ધા, દૃઢતા, ત્યાગ, સહિષ્ણુતા તેમ જ અનેક પ્રકારની ધારેલી-અણધારેલી મુસીબતો. હિંદની લડતનો અંતિમ કાળ બાકી છે. એ અંતિમ કાળની હું તો જે સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં અનુભવી ચૂક્યો છું, તેની જ આશા અહીં પણ રાખું છું. દક્ષિણ આફ્રિકાની લડતનો અંતિમ કાળ વાંચનાર હવે પછી જોશે. તેમાં કેવી રીતે વણમાગી મદદ આવી પડી, લોકોમાં કેવી રીતે અનાયાસે ઉત્સાહ આવ્યો અને છેવટે હિંદીઓની સંપૂર્ણ જીત કેવી રીતે થઈ, એ બધું વાંચનાર જોશે.’

આ નોંધમાં ગાંધીજીએ સત્ય અને અહિંસા પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધાનું પુનરુચ્ચારણ કરતાં કહ્યું, ‘…સત્યનું સેવન કરનારની આગળ આખા જગતની સમૃદ્ધિ ખડી થાય છે…’ અને અહિંસાના સંદર્ભમાં ગાંધીજી આ નોંધમાં લખે છે: ‘…અહિંસાના સાન્નિધ્યમાં વેરભાવ નથી રહી શકતો… જે શસ્ત્ર વડે જે વસ્તુ લેવાય તે જ શસ્ત્ર વડે તે વસ્તુ રાખી શકાય…’ અર્થાત્ હિંસક તરીકાઓથી જો આઝાદી (કે પછી બીજું કંઈ પણ) મળે તો તેને સાચવી રાખવા હિંસાની જ જરૂર પડવાની. અહિંસક રીતોથી જો આઝાદી (કે જીવનમાં બીજું કશું પણ) મળશે તો તેને સાચવવા હિંસાની જરૂર નહીં પડે, અહિંસા પર્યાપ્ત હશે.

ગાંધીજીના નેતૃત્વ હેઠળની દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સત્યાગ્રહની લડત આઠ વર્ષ ચાલી. (‘સત્યાગ્રહ’ શબ્દ આ લડત માટે પાછળથી વપરાતો થયો). ગાંધીજીએ આ લડતનો ઈતિહાસ ‘નવજીવન’માં ધારાવાહિકરૂપે લખવાની શરૂઆત કરી તેનાં આગલાં દસ વર્ષમાં, ૧૯૧૫થી ૧૯૨૪ સુધીના ગાળામાં ઓછામાં ઓછી સાત લડત, સાત સત્યાગ્રહ તેઓ ભારતમાં શરૂ કરી ચૂક્યા હતા.

સૌથી પહેલી વિરમગામની લડત વિલાયતથી પાછા ફર્યા બાદ ગાંધીજી મુંબઈથી ટ્રેનમાં (થર્ડ ક્લાસમાં) કાઠિયાવાડ જતા હતા ત્યારે વઢવાણ સ્ટેશને ત્યાંનો પરગજુ સાધુચરિત દરજી મોતીલાલ પોતાની નાનકડી ટુકડીને લઈને ગાંધીજીને મળવા આવ્યો. એણે વિરમગામની જકાતની સમસ્યા અંગે થોડી વાત કરીને કહ્યું, ‘આ દુ:ખનો ઈલાજ કરો. કાઠિયાવાડમાં જન્મ લીધો છે, એ સફળ કરો.’

ગાંધીજીએ એની આંખમાં દૃઢતા અને કરુણા બેઉ જોયાં.

ગાંધીજીએ પૂછ્યું, ‘તમે જેલ જવા તૈયાર છો?’

જવાબ મળ્યો: ‘અમે ફાંસી જવા તૈયાર છીએ.’

ગાંધીજી: ‘મને જેલ જ બસ છે, પણ

જો જો વિશ્વાસઘાત ન થાય.’

‘એ તો અનુભવે ખબર પડશે.’

આટલી વાતચીત પછી ગાંધીજીએ રાજકોટ પહોંચીને એ પ્રશ્ર્ન વિશેની વધારે વિગતો મેળવી. સરકારની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. બગસરા વગેરેનાં ભાષણોમાં વિરમગામની જકાત વિશે સત્યાગ્રહ કરવો પડે તો કરવા તૈયાર રહેવાની સૂચના આપી. એ ભાષણ સરકારની છૂપી પોલીસે સરકારના દફતર સુધી પહોંચાડ્યું. ગાંધીજીએ માન્યું કે આવું કરીને છૂપી પોલીસે સરકારની સેવા કરી અને પ્રજાની પણ અજાણતાં સેવા કરી. છેવટે લૉર્ડ ચેમ્સફર્ડ સાથે તે વિશે વાત થઈ અને એમણે ગાંધીજીને આપેલું વચન પાળ્યું. ગાંધીજી સ્વીકારે છે કે આ કામ માટે બીજાઓએ અગાઉ પ્રયાસ કર્યો જ હતો. પણ હવે સત્યાગ્રહ થશે એવો ભય ઊભો થયો એટલે જ જકાત રદ થઈ એવો પણ ગાંધીજીનો દૃઢ અભિપ્રાય હતો.

આવતાંવેંત વિરમગામની જકાત અંગેની સમસ્યામાં મળેલી સફળતાને લીધે ગાંધીજીનો પોતાની ‘સત્યાગ્રહ’ની રીત પરનો તેમ જ પ્રજાનો ગાંધીજી પ્રત્યેનો વિશ્ર્વાસ વધ્યો જેને પરિણામે તે પછીની સત્યાગ્રહોની લડત એક પછી એક શરૂ થતી ગઈ.

વધુ આવતા રવિવારે.

કાગળ પરના દીવા

મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે… માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને એ સહેલામાં સહેલો લાગ્યો છે.

– ગાંધીજી

સન્ડે મૉર્નિંગ

ડાયેટિંગ કરતા લોકો માટે ભૂખ ભગાવ મંત્ર:

હાથમાં ખાખરો લઈને મોટેથી બોલવાનું…

ત્વમેવ ગાંઠિયા ને ગોટા ત્વમેવ
ત્વમેવ ભજીયા ને જલેબી ત્વમેવ
મેવ ફાફડા ને ચટણી ત્વમેવ
ત્વમેવ સર્વમ્ મમરા ને સેવ

રોજ સવારે આ મંત્રનો જાપ કરવાથી શરીર ઊતરે છે એવું અનુભવીઓનું કહેવું છે.

– બાબા રામદેવનો પાડોશી

( મુંબઇ સમાચાર : રવિવાર, 5 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *