રજનીશજીએ આઠ-આઠ વર્ષ નોકરી કેમ કરી હશે

કહે છે રજનીશજી એકવીસ વર્ષના હતા ત્યારે એમને આત્મજ્ઞાન થઈ ગયું હતું. અંગ્રેજીમાં જેને સ્પિરિચ્યુઅલ એન્લાઈટન્મેન્ટ કહે છે તે એમને ૧૯૫૩ની ૨૧ માર્ચે પ્રાપ્ત થઈ ગયું હતું એવું એમણે જ કહ્યું છે. જબલપુરના ભંવરતાલ ગાર્ડનમાં એક ઝાડ નીચે બેસીને આ ‘બોધિજ્ઞાન’ એમને પ્રાપ્ત થયું હતું.

બી.એ. તો એમણે છેક ૧૯૫૫માં કર્યું અને પછી ૧૯૫૭માં એમ.એ. કર્યું. બેઉમાં ફિલોસોફી એમનો મુખ્ય વિષય હતો. પછી રાયપુર સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો વગેરે.

પણ અહીં સવાલ એ થાય કે આ ‘બોધિજ્ઞાન’ અથવા તો સ્પિરિચ્યુઅલ એન્લાઈટન્મેન્ટ અથવા તો આત્મજ્ઞાન એટલે શું? જગતમાં જાણવા જેવું જેટલું જ્ઞાન છે તે બધું જ એક ચમકારામાં કોઈ ઝાડ નીચે બેસો એટલે તમારામાં ઊતરી આવે? (આપણા જેવા માટે તો ચાન્સીસ એવા વધારે જ્ઞાનને આવવાને બદલે ચકલું ચરકી જાય). શું એ શક્ય છે કે એકાએક તમારામાં પડી રહેલી તમામ પ્રજ્ઞા જાગૃત થઈ જાય અને તમે ક્ષણભરમાં પ્રબુદ્ધ પુરુષ બની જાઓ?

મારી જાડી સમજણ એમ કહે છે કે દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી વિચારતાં વિચારતાં કોઈ એક ઘડીએ તમને એ પ્રશ્ર્નનો જવાબ મળી જાય કે અલ્ટીમેટલી તમારે લાઈફમાં શું કરવું છે તો તે જવાબ જે ઘડીએ પ્રગટ્યો તે તમારા માટે પ્રાગટ્યની ઘડી, આત્મજ્ઞાન કે સ્પિરિચ્યુઅલ એન્લાઈટન્મેન્ટની ઘડી. તમને તમારા અસ્તિત્વનો અર્થ ખબર પડી જાય, આ જિંદગીનાં હવે પછીનાં તમામ વર્ષ તમારે કયા કામને સમર્પિત કરી દેવાં છે તે વિશેની દૃઢ નિષ્ઠા બંધાવાની ઘડી તે તમારા બોધિજ્ઞાનની ઘડી.

રજનીશજી ૨૧ વર્ષની ઉંમરે જ પામી ગયા હતા કે એમણે શું કરવું છે, કયું કામ કરવું છે. સારું છે કે જ્ઞાન મેળવવા તેઓ સંન્યાસી બનીને કાશી, હરિદ્વાર કે હિમાલય જઈ ગુરુની શોધમાં ન નીકળી પડ્યા. એને બદલે ‘આત્મજ્ઞાન થઈ ગયા પછીનાં બે વર્ષમાં ફિલોસોફી મુખ્ય વિષય લઈને બી.એ. પૂરું કર્યંુ, એ પછીનાં બે વર્ષમાં એ જ વિષયની સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા અને ગઈ કાલે જોયું એમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં જઈને એમણે ઉપનિષદ, પતંજલિયોગ, બ્રહ્મસૂત્ર, મનુસ્મૃતિ વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો.’

૧૯૫૩માં એમને ખબર પડી ગઈ હતી કે જિંદગીમાં શું કરવું છે એટલે જ એમણે એમ. એ. પછી સંસ્કૃત મહાવિદ્યાલયમાં જઈ અભ્યાસ કરીને ૧૯૫૮માં જબલપુર યુનિવર્સિટીમાં લેક્ચરરની નોકરી લીધી. લેક્ચરરપદ માટે અરજીપત્રક ભરતી વખતે શું રજનીશજીએ એવું વિચાર્યું હશે કે આ નોકરી મળી જાય તો આજીવિકાની ચિંતા ટળી જાય? શું એવું વિચાર્યું હશે કે કૉલેજમાં ભણાવીને રિટાયર થયા પછી જિંદગી આખી પેન્શન મળશે એટલે ભવિષ્યની સિક્યુરિટી પણ પાકી થઈ ગઈ? શું એવું વિચાર્યું હશે કે અધ્યાપકોને તો રજાઓ અને વૅકેશનો કેટલાં બધા મળે તો એ સમયમાં આરામ કરીશું કે હરીશુંફરીશું કે કુટુંબમિત્રો સાથે મોજમસ્તી કરીશું કે વાંચવાનું કે બીજું કોઈ મનગમતું કામકાજ કરીશું એ ફુરસદના દિવસોમાં? કે પછી એવું વિચાર્યું હશે કે જે ફાજલ સમય મળશે એમાં થોડીક એક્સ્ટ્રા ઈન્કમ માટે ટ્યૂશનો કરીશું, કોચિંગ ક્લાસમાં ભણાવીશું અને યુનિવર્સિટીની એક્ઝામનાં પેપરો તપાસવા જઈશું?

આવું બધું વિચાર્યું હોત તો તેઓ ચંદ્રમોહન બાબુલાલ જૈન તરીકે જીવ્યા હોત અને એ જ નામે દેવલોક થયા હોત. બાળપણના લાડકા નામ રજનીશથી તેઓ ક્યારેય ઓળખાયા ન હોત, ન આચાર્ય બન્યા હોત, ન ભગવાન, ન ઓશો. આપણે બધા જે નામે જન્મ્યા તે જ નામે મરી જવાના તેનું કારણ એ કે આપણે જ્યારે કૉલેજની કે યુનિવર્સિટીની નોકરી લઈએ છીએ કે પછી એવી બીજી કોઈ પણ નોકરી લઈએ છીએ કે ધંધો શરૂ કરીએ છીએ કે પ્રોફેશનમાં જોડાઈ છીએ ત્યારે ઉપરના પેરેગ્રાફમાં જે સવાલો મુકાયા છે તેનો જવાબ આપણે હકારમાં આપતા હોઈએ છીએ.

રજનીશે લેક્ચરર તરીકેની નોકરી એટલા માટે લીધી કે એ બોલીને, પોતાની વાણી દ્વારા, બીજાઓ સાથે સંવાદ સાધવા માગતા હતા. (આ મારી ધારણા છે. રજનીશજીએ પોતે શું કામ નોકરી લીધી એ વિશે ક્યાંય સ્પષ્ટતા કરી નથી અને કરી હશે તો એ મારી જાણમાં નથી). જાહેર પ્રવચનોમાં પોતે સફળ જશે કે નહીં એની ખાતરી કરી લેવા એમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની પ્રયોગશાળા ખોલી. સફળતા એ અર્થમાં નહીં કે પોતે શ્રોતાઓને સંમોહિત કરી શકે છે કે નહીં, ક્રાઉડ પુલ કરી શકે છે કે નહીં. (હાલાંકિએ તો થયું જ). પણ સફળતા એ અર્થમાં કે મારે જે કંઈ કહેવું છે, વ્યક્ત કરવું છે, જે વાત બીજા સુધી પહોંચાડવી છે તે કામ હું સારી રીતે કરી શકું એમ છું કે નહીં.

મઝાની વાત જુઓ કે ૧૯૫૮માં લેક્ચરર તરીકે જોડાયા પછી બે જ વર્ષમાં ૧૯૬૦માં તેઓ પ્રોફેસર બન્યા. યુનિવર્સિટીની શૈક્ષણિક તથા વહીવટી સિસ્ટમમાં એ મિસફિટ હતા – ટોટલી મિસફિટ, આપણે એ આગળ જોઈશું – છતાં છેક ૧૯૬૬ સુધી એમણે આ નોકરી ચાલુ રાખી અને એવું નહોતું કે આ નોકરી એમના માટે આર્થિક રીતે કે ભવિષ્યની સિક્યુરિટી માટે અનિવાર્ય હતી. યુનિવર્સિટીની બહાર, જબલપુરની બહાર એમની ખ્યાતિ ધીમે ધીમે પ્રસરવા લાગી હતી તે ત્યાં સુધી કે આ જ ગાળામાં એમને પંડિત જવાહરલાલ નેહરુ સાથે પણ ઓળખાણપિછાણ થઈ હતી અને રજનીશ દિલ્હી આવે તો અચૂક એમણે વડા પ્રધાનને ફોન કરવો એવો પ્રેમભાવ નેહરુજીએ વ્યક્ત કર્યો હતો. નેહરુજી ૧૯૬૪ની ૨૭મી મેએ અવસાન પામ્યા. વિચ મીન્સ કે એ ગાળામાં રજનીશજીની નોકરી તો ચાલુ જ હતી. નોકરી છોડી નહોતી એમણે.

અને એ ગાળામાં એક વખત એ દિલ્હી ગયા ત્યારે એમણે નેહરુજી સાથે ફોન પર વાત કરી. રજનીશજી દિલ્હીમાં તે વખતે લાલા સુંદરલાલ અથવા શેઠ ગોવિન્દદાસને ત્યાં ઊતરતા અને એમના યજમાનો પંડિત નેહરુના સેક્રેટરીને રજનીશજીના આગમનની ખબર આપતા. પંડિતજી પોતાના મૂડ અને એમની વ્યવસ્તતાને ધ્યાનમાં રાખીને રજનીશજીને ફોન કરતા અને વાતચીતના અંતે અચૂક કહેતા કે: મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો કહેજો.

પંડિતજી સાથેની ફોનની છેલ્લી વાતચીત દરમ્યાન રજનીશજીએ કહ્યું હતું: ‘ગયા વખતે આપણી વાત થઈ ત્યારે મેં તમને કહ્યું હતું કે મારે એક કમ્યૂન બનાવવું છે જ્યાં લોકો પ્રેમપૂર્ણ સ્વતંત્ર રહીને ધ્યાન કરી શકે. કશ્મીરની વાદી સિવાય બીજું કોઈ સુંદર સ્થાન મને લાગતું નથી. શું તમે મને કશ્મીરમાં કમ્યૂન બનાવવા માટે થોડીક જમીન ખરીદવાની અનુમતિ આપી શકો એમ છો?’

પંડિતજીએ તરત કહ્યું, ‘જમીન તો હું તમને ત્યાં તરત જ અપાવી દઉં પણ ત્યાં મને તમારા જાન માટે જોખમ ઊભું થઈ શકે એમ લાગે છે. કશ્મીરમાં નેવું ટકા વસ્તી મુસ્લિમોની છે અને જ્યાં સુધી હું તમારા વિચારોને થોડા ઘણા જાણું છું ત્યાં સુધી મને લાગે છે કે એ લોકો તમને જીવતા નહીં છોડે. એ લોકો તમારા તર્કને સમજી નહીં શકે અને તમારા કમ્યૂનને આગ લગાડી દેશે, તમારા માટે જાનનું જોખમ ઊભુું કરશે. ેઅને આમ છતાં તમે ત્યાં જમીન ખરીદવાની જીદ પર અડગ રહેશો તો મારે તમને કહેવું જોઈએ કે કશ્મીરમાં એ રીતે જમીન આપવી કાનૂનની વિરુદ્ધ છે.’

રજનીશજી હસી પડ્યા. એ જાણતા હતા કે પશ્ર્ચિમના ધર્મો પૂર્વના ધર્મોની જેમ ઉદાર નથી. એ તો માત્ર તલવારની ભાષા જાણે છે. એમનાં ધર્મોે અને શાસ્ત્રોના વિરોધમાં કશું પણ કહેવું કુફ્ર મનાય છે જેની સજા કેવળ મોત હોવાની. ઈસ્લામ અને ઈસાઈયત (ખ્રિસ્તી ધર્મ) માત્ર તલવારના જોરે ફેલાયા છે એવું રજનીશ માનતા અને કહેતા કે ખ્રિસ્તીઓની તલવાર અપ્રત્યક્ષરૂપે ચાલી જ્યારે મુસ્લિમોએ કાફિરોની લિટરલી કતલ જ કરી.

રજનીશજીને સામે છેડેથી કંઈ બોલતા નહીં સાંભળીને નેહરુજીએ કહ્યું: ‘કશ્મીર સિવાય તમને આખા દેશમાં જ્યાં ક્મ્યૂન બનાવવું હોય ત્યાં બનાવો, હું તમારી પૂરેપૂરી સહાયતા કરીશ.’

રજનીશજીએ કહ્યું, ‘આખા દેશમાં તો હું પોતે જ જ્યાં જોઈએ ત્યાં જમીન ખરીદી જ શકું એમ છું. એમાં તમારી સહાયતાની આવશ્યકતા શું કામ પડે? કશ્મીરમાં જગ્યા લેવા માટે મારે તમને વિનંતી કરવી પડી, કારણ કે તમે લોકોએ ત્યાં વાહિયાત કાનૂન બનાવીને દેશવાસીઓને જમીન ખરીદવાના એમના અધિકારથી વંચિત કરી નાખ્યા છે. કાનૂન તો બધા દેશવાસીઓ માટે એકસરખો હોવો જોઈએને?’

પંડિતજીએ હસીને વાત આટોપવાના ઈરાદે કહ્યું: ‘ચાલો, એ ચર્ચા જવા દઈએ. ડૅમોક્રસીમાં તો લોકોની ભાવનાઓનો આદર કરવો જ પડે…’

એ પછી થોડીક ઔપચારિક વાતોની આપ-લે પછી ફોન મુકાઈ ગયો.

કહેવાનું તાત્પર્ય એ કે રજનીશજીની જો એ ગાળામાં વડા પ્રધાન નેહરુ સુધીની પહોંચ હોય એવા પબ્લિક ફિગર બની ચૂકેલા અને પોતે કયા માર્ગે આગળ વધવા માગે છે તે બાબતે અત્યંત સ્પષ્ટ હતા (કમ્યૂન પછી એમણે દસ વર્ષ બાદ પૂનામાં બનાવ્યું) તો શા માટે એમણે ૧૯૬૬ સુધી યુનિવર્સિટીની જૉબ પકડી રાખી?

તમને સૂઝે એનો જવાબ? વીક એન્ડમાં વિચારજો. હું પણ ક્લિયર નથી. શનિ-રવિમાં વિચારીને સોમવારે પાછા મળીએ.

આજનો વિચાર

મૈં ડર ગયા હૂં બહુત સાયાદાર પેડોં સે
જરા સી ધૂપ બિછાકર કયામ (નિવાસ) કરતા હૂં
મૈં અપની જેબ મેં અપના પતા નહીં રખતા
સફર મેં બસ યહી એહતિમામ (પ્રબંધ) કરતા હૂં

– બશીર બદ્ર

એક મિનિટ!

આની મઝા અંગ્રેજીમાં જ છે: હાઈટ ઑફ ઈન્ટરનેટ એડિક્શન.

ચર્ચમાં ફયુનરલ વિધિની પ્રાર્થના ચાલતી હતી ત્યારે…

ડાઘુ: વૉટ્સ ધ વાયફાય પાસવર્ડ હિયર?

પાદરી: રિસ્પેક્ટ ધ ડૅડ…

ડાઘુ: ઑલ સ્મૉલ લેટર્સ?

( મુંબઇ સમાચાર : શનિવાર, 4 ફેબ્રુઆરી 2017)

1 comment for “રજનીશજીએ આઠ-આઠ વર્ષ નોકરી કેમ કરી હશે

 1. sharad shah
  February 8, 2017 at 9:49 PM

  સ્પીરીચ્યુઅલ એનલાઈન્ટન્મેન્ટના (આત્મબોધ) વિષયે બે અનુમાન આધારિત વ્યાખ્યા કે સમજ આપેલી છે. એક તો દુનિયાનુ સમગ્ર જ્ઞાન ઉતરી આવે. અને બીજું કે તમારે ભવિષ્યમાં શુ કરવું છે તેનુ સ્પષ્ટ નિર્ણય કરો તે ઘડી આત્મબોધની ઘડી છે.
  મારી સમજ આ બાબતે એ છે કે આત્મબોધ એ અનુભવની ચીજ છે જેની વ્યાખ્યા/અભિવ્યક્તિ અસંભવ છે. આપણે કેરીનો સ્વાદ પણ શબ્દોમાં ન કહી શકીએ કે કોઈને કેરીના સ્વાદનો અનુભવ ન કરાવી શકીએ તો આત્મબોધ જેવી વિરાટ ઘટનાને શબ્દોમાં કેવી રીતે બંધી શકીએ? બહુ બહુ તો તેનુ થોડું ઘણુ વર્ણન કરી શકીએ પણ તેનાથી જેને કદી કેરી ખાધી નથી તેને સમજાવી ન જ શકીએ. તેના માટે એક જ રસ્તો છે કે તેવી વ્યક્તિને કેરી ચખાડવી પડે. એકવાર કેરી ચાખી લે પછી બધી વ્યાખ્યાઓ બે કોડીની બને. પરંતુ આત્મબોધ બાબતે તો તે પણ શક્ય નથી કે કોઈ આપણને ચખાડી શકે. એ માટે દરેક વ્યક્તિએ સ્વયં આત્મબોધ મેળવવો પડે.
  તેમ છત્તાં શબ્દોમાં અભિવ્યક્ત કરું છું કદાચ થોડી એ દિશામાં સમજ વિકસે.
  પ્રથમ તો આપણે માહિતીઓને જ્ઞાન સમજીએ છીએ. ગણીત, ખગોળ, વિજ્ઞાન, ઈતિહાસ કે અન્ય વિષયોની માહિતીને આપણે જ્ઞાન કહીએ. જ્યારે અધ્યાત્મની ભાષામાં જ્ઞાન તેને કહે જે મુક્તિનો, સ્વનો અનુભવ કરાવે. આપણી અને અધ્યાત્મની ભાષા અલગ છે તેથી બધા ગુંચવાડા ઉભા થાય. સ્વ શબ્દનો પ્રયોગ કરું એટલે સમજાય કે હું. અને આપણા માટે હું એટલે આપણી આઈડેન્ટિટી જેનાથી આપણી ઓળખ સરકારી ચોપડે કે સમાજમાં હોય તે. જ્યારે સ્વનો અર્થ છે આપણી અસલી ઓળખ જે આપણૂં સાચુ સ્વરુપ છે. જેનો આપણને કોઈ બોધ નથી.ગંગાસતી કહે કે, “જાણી લે જીવની જાત” તો આપણને થાય કે મને તો ખબર જ છે. કે કોઈ બુધ્ધપુરુષ આત્માની વાત કરે તો આપણા માટે તે કોરો શબ્દ જ છે. નથી કોઈ આત્માનો અનુભવ કે નથી પરમાત્માનો કોઈ અનુભવ. બધા કોરા શબ્દો છે આપણા માટે. પછી આપણી ક્ષમતા મુજબ વ્યાખ્યાઓ કરીએ.
  જ્યારે હકિકતે જેને આવો આત્મબોધ થાય તે હવે પોતે કર્તા નથી રહેતો. તે વ્યક્તિ જે કાંઈ કરે તે હવે પરમાત્માની મરજી/માર્ગદર્શન મુજબ જ કરે. જેનો કર્તાભાવ ન રહ્યો તે કરે પણ કેવી રીતે? હવે તેવો વ્યક્તિ કેવળ કૃષ્ણના હાથની મુરલી બની ગયો હોય અને વાંસળીના સુર હવે કૃષ્ણ જેવા વગાડે તેવા નીકળે. આ વાત સમજવી અઘરી છે પણ કદાચ કોઈને ઈશારો પકડી શકાય તે માટે લખુ છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *