યુનિવર્સિટીમાં લેક્ચરર રજનીશનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ

જે લોકોની આજ નીરસ હોય છે તેઓ હંમેશાં વિચારતા રહે છે કે આવતીકાલે મઝા કરીશું, એવું કહીને રજનીશજી ઉમેરે છે: વર્તમાનને માણી નહીં શકનારા લોકો પોતાના આનંદને ભવિષ્ય પર મુલતવી રાખે છે.

રજનીશજીએ ૧૯૫૮ની સાલમાં જબલપુર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકેની નોકરી લીધી ત્યારે એમની ઉંમર ૨૭ વર્ષની. ૧૯૬૬માં રાજીનામું આપ્યું ત્યારે લેક્ચરરમાંથી પ્રોફેસર (૧૯૬૦માં) બની ચૂક્યા હતા. નોકરી કરતાં કરતાં જ એમણે દેશભરમાં આચાર્ય રજનીશના નામે પ્રવચનો કરવાનું શરૂ કરી દીધું હતું.

જબલપુર યુનિવર્સિટીના આઠ વર્ષના સૌથી પહેલા અને સૌથી છેલ્લા દિવસે રજનીશજીએ શું કર્યું તે જાણીએ તો ખબર પડે કે રજનીશજી એક અધ્યાપક તરીકે કેવા હતા.

રજનીશજીની નિમણૂક યુનિવર્સિટીમાં ફિલોસોફીના ડિપાર્ટમેન્ટમાં થઈ હતી. અગાઉ રાયપુર સંસ્કૃત કૉલેજમાં ભણીને એમણે ઉપનિષદ, પતંજલિયોગ, બ્રહ્મસૂત્ર, મનુસ્મૃતિ વગેરે અનેક ગ્રંથોનો અને એના પર લખાયેલી ટીકાઓનો અભ્યાસ કર્યો હતો. (સંસ્કૃતમાં ‘ટીકા’ શબ્દ નેગેટિવ અર્થમાં નથી હોતો. કમેન્ટરી, વિશ્ર્લેષણ કે ટિપ્પણના સંદર્ભમાં લેવાનો). રજનીશજીને ભણતાં ભણતાં જ લાગ્યું હતું કે આ બધી ટીકાઓ અધૂરી છે. ટીકાકારો પાસે પાંડિત્ય હતું પણ કોઈ અનુભવ નહોતો. મૂળ ગ્રંથો પર અગાઉ થયેલી ટીકાઓના આધારે એ સૌએ પોતાની ટીકા ઉમેરી હતી.

રજનીશ જ્યારે યુનિવર્સિટીમાં ભણાવવા આવ્યા ત્યારે એમના ક્લાસમાં પચ્ચીસ વિદ્યાર્થીઓ હતા અને છ વિદ્યાર્થિનીઓ હતી. પહેલા જ દિવસે ક્લાસમાં આવીને રજનીશજીએ કહ્યું:

‘મિત્રો! આજે તમારા ક્લાસમાં મારા લેક્ચરનો આ પહેલો દિવસ છે એટલે પ્રારંભમાં જ કેટલીક સ્પષ્ટતા કરી દેવા માગું છું. હું જાણું છું કે તમારામાંથી મોટા ભાગનાઓએ ફિલોસોફીનો વિષય માત્ર એટલા માટે જ લીધો છે કે આ વિષયમાં બહુ ઓછી મહેનત કરવાથી ઘણા સારા માર્ક્સ મળી જાય છે એવી તમારી છાપ છે અને આને લીધે તમને ફાઈનલમાં સારો ક્લાસ આવી શકે એમ છે. અને તમે એ પણ ધારી લીધું છે કે ભારતીય ફિલોસોફી વિશે તો તમને બધી જ ખબર છે એટલે ભણવાની કંઈ જરૂર પણ નથી. અને મારા કેટલાક મિત્રોને ભણવા કરતાં પ્રેમ કરવામાં વધારે રસ છે. હું પ્રેમ કરવાની ખિલાફ નથી. પ્રેમ કરવો એ તો સૌથી મોટી ઉપલબ્ધિ છે. એટલે જે લોકોએ પ્રેમ કરવો હોય અને જે લોકો એમ માનતા હોય કે ફિલોસોફીમાં તો એમને પહેલેથી જ બધું આવડે છે એ લોકોએ મારા લેક્ચરમાં બેસીને સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી. એ બધા લોકો હાજરી પુરાઈ જાય એટલે ક્લાસમાંથી જતા રહે. મને એમાં કંઈ જ ખરાબ લાગવાનું નથી.’

આટલું સાંભળીને પાછળ બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓએ બૅન્ચ થપથપાવી.

રજનીશજી બોલ્યા, ‘બૅન્ચ થપથપાવવાની કોઈ જરૂર નથી. મને પહેલેથી ખબર છે કે તમારામાંથી કોને કોને ક્લાસમાં બેસવું નથી. તમારો ચહેરો ચાડી ખાય છે કે તમને શું જોઈએ છે, પણ એ પહેલાં મારી વાત પૂરી કરી લઉં, તમારી અટેન્ડન્સ પછી લઈશ. બીજી વાત એ કે મારા લેક્ચર દરમ્યાન કોઈએ અધવચ્ચે મને પ્રશ્ર્ન કરવો હોય તો એ હાથ ઊંચો કરી શકે છે પણ એણે મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી હાથ ઊંચો જ રાખવાનો. લેક્ચર આપતી વખતે હું મોટે ભાગે આંખો બંધ કરી લેતો હોઉં છું. મારા પોતાનામાં ડૂબી જઉં છું. તમે લોકો પણ જો મારી સાથે નહીં ડૂબો તો આપણે સંવાદ નહીં કરી શકીએ. હું તમારો લેક્ચરર નથી, ગુરુ છું. ગુરુનો અર્થ થાય છે જે અપ્રગટ વાતોનું રહસ્ય પ્રગટ કરે તે. તમારે જો મારી પાસેથી શીખવું હોય તો મને પીઓ, તમારા સમગ્ર શરીરને કાન બનાવીને મને પીઓ. હું મારી વાત પૂરી કરી લઉં અને તમને સંકેત કરું ત્યારે તમે કોઈ સંકોચ વિના મને પ્રશ્ર્ન પૂછી શકો છો.’

છેલ્લે રજનીશજીએ કહ્યું: ‘ફિલોસોફી અર્થાત્ દર્શનશાસ્ત્રનો શાબ્દિક અર્થ થાય છે – દર્શન કરવું. હું મારા શબ્દો દ્વારા પ્રયાસ કરીશ કે આ શાસ્ત્ર તમારા આત્માના ઊંડાણ સુધી ઊતરીને તમને કંઈક અનુભૂતિ કરાવે. તમે જાતે જ તમારી અંદર ઊતરવા માટે સક્ષમ બનો. તમારું ત્રીજું નેત્ર ખૂલે (અને તમે જે જોવાનું છે તે જોઈ શકો). કારણ કે એવું નહીં થાય ત્યાં સુધી મારા હિસાબે દર્શનશાસ્ત્ર શીખવાનો કોઈ અર્થ નથી.’

આટલું કહીને રજનીશે રજિસ્ટર ખોલીને અટેન્ડન્સ લીધી અને બધાનું નામ બોલી બોલીને એમની હાજરી પૂરી. વિધિ પૂરી થઈ. લગભગ દસ વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થિની ક્લાસની બહાર નીકળી ગયા.

હવે રજનીશજીએ લેક્ચર શરૂ કર્યું. એમણે કહ્યું:

‘તમને મારા ‘મિત્રો’વાળા સંબોધનથી આશ્ર્ચર્ય થયું હશે. ‘મિત્રો’ શબ્દનું સંબોધન કેવળ એટલા માટે કે મારી-તમારી વચ્ચે એક મૈત્રીનો સંબંધ સ્થાપિત થઈ શકે. ગુરુ અને શિષ્ય વચ્ચે જ્યાં સુધી મૈત્રી સ્થાપિત થતી નથી ત્યાં સુધી ખરા અર્થમાં સંવાદ સધાતો નથી. દર્શનશાસ્ત્રનો, ફિલોસોફીનો અભ્યાસ કરવો આત્માનો સાક્ષાત્કાર કરવા બરાબર છે, પોતાની જાતને જાણવા બરાબર છે. એટલે તમારી અને મારી વચ્ચે સંવાદ સ્થપાય તે જરૂરી છે. તમે મને અધ્યાપક નહીં, તમારો મિત્ર સમજજો.’

ક્લાસમાં પિનડ્રોપ સાયલન્સ હતી. પછી રજનીશજીએ દર્શનશાસ્ત્રમાં પાશ્ર્ચાત્ય ફિલોસોફી, તર્કશાસ્ત્ર (લૉજિક) અને મનોવિજ્ઞાન (સાયકોલોજી)નો પણ સમાવેશ થાય છે એ સમજાવ્યું. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પ્રભાવિત થઈ ગયા. થોડા જ દિવસોમાં એમણે રજનીશજી સાથે સંવાદ સાધી લીધો. એ વિદ્યાર્થીઓ રજનીશજી વિશેની વાતો યુનિવર્સિટીમાં બીજા વિદ્યાર્થીઓ સાથે વહેંચતા થયા. જે સ્ટુડન્ટ્સે દર્શનશાસ્ત્રનો વિષય નહોતો લીધો એ પણ પોતાને ફ્રી પિરિયડ હોય ત્યારે ચૂપચાપ રજનીશજીના ક્લાસમાં આવીને બેસી જતા. ધીમે ધીમે આ ખબર સ્ટાફ રૂમ સુધી પહોંચી. કેટલાક લોકોએ ઉત્સુકતાથી તો કેટલાકે આલોચના કરવાના ઈરાદાથી એમનાં લેક્ચર સાંભળ્યાં.

થોડાક જ વખતમાં વાઈસ ચાન્સેલર સુધી આ વાત ફરિયાદના રૂપમાં પહોંચી – રજનીશ કોર્સની વાતો ભાગ્યે જ કરે છે, વધારે પડતી વાતો તો કોર્સ બહારની ફાલતુ વાતો હોય છે. આ રીતે જ જો ચાલ્યા કરશે તો કોર્સ ક્યારે કવર થશે અને આવું થશે તો બીજાં પરિણામો પર એની અસર પડવાની.

વાઈસ ચાન્સેલરે આ ફરિયાદ પત્રરૂપે રજનીશને મોકલી જેના જવાબમાં રજનીશે લખ્યું:

‘મારી પાસે સ્પષ્ટીકરણ માગતાં પહેલાં તમે જાતે પરીક્ષણ કરી લીધું હોત તો સારું થાત. તમારી એ જવાબદારી બને છે. મને ખબર છે કે આ ફરિયાદ મારા વિદ્યાર્થીઓએ નહીં પણ મારા કોઈ સાથીએ તમને કરી છે. મારા કેટલાક લેક્ચરર મિત્રો એમના ખાલી સમયમાં મારું લેક્ચર સાંભળવા આવતા હોય છે. બેએક જિજ્ઞાસાવશ અને બેએક માત્ર શિકાયત કરવાના ઈરાદાથી. તમે પણ એ લોકોને જાણો છો. એમનું કામ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું નથી, એમને ઉશ્કેરવાનું છે. હું જાણું છું કે મારે શું ભણાવવાનું છે ને શું નહીં. વિદ્યાર્થીઓને પોપટિયાજ્ઞાન નથી આપવું મારે. હું ઈચ્છું છું કે એમની જિજ્ઞાસા વધે, પ્યાસ વધે. વિશ્ર્લેષણ કરવાની પ્રતિભા એમનામાં જાગૃત થાય. મને ખબર છે – મારા તરફથી તમારી ફરિયાદનો કોઈ જ પ્રકારનો ખુલાસો કે સ્પષ્ટતા ન મોકલીને હું મારી જાતને જરા એક્સપોઝ કરી રહ્યો છું.’

મહિનાઓ વીતી ગયા. વાઈસ ચાન્સેલર તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નહીં. આ જ રીતે આઠ વર્ષ વીતી ગયા. આ બાજુ બહારની દુનિયામાં આચાર્ય રજનીશનાં પ્રવચનો ક્રમશ: મશહૂર થતા ગયાં. સાંભળનારાઓ મંત્રમુગ્ધ થતા ગયા. રજનીશજી એક તરફ યુનિવર્સિટીના નિશ્ર્ચિત દાયરામાં વિદ્યાર્થીઓમાં જ્ઞાન વહેંચતા ગયા અને બીજી તરફ દેશના ખૂણે ખૂણે વિશાળ જનસંખ્યા એમને સાંભળવા ઉત્સુક રહેતી. ફાઈનલી એક દિવસ એવો આવ્યો જ્યારે આ આઠ વર્ષના યુનિવર્સિટીકાર્ય પર પૂર્ણવિરામ મૂકવાનો અવસર આવ્યો.

બાકીનું કાલે.

આજનો વિચાર

ડર લાગતો હોય તો કરવાનું નહીં, કરવું હોય તો ડરવાનું નહીં.

– પાઉલો કોએલો

એક મિનિટ!

છોકરી: ઘઉંનો લોટ છે?

દુકાનદાર: ‘પતંજલિ’નો છે

છોકરી: મને ‘આશીર્વાદ’ જોઈએ

દુકાનદાર: અખંડ સૌભાગ્યવતી થજે, બહેન!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017)

2 comments for “યુનિવર્સિટીમાં લેક્ચરર રજનીશનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ

  1. મનસુખલાલ ગાંધી
    February 3, 2017 at 10:50 AM

    સુંદર લેખ..

  2. Sharad Shah
    February 3, 2017 at 4:02 PM

    The time is changed. In 1978, when I took Sanyas from Rajnishji and those days it was so difficult, just naming Rajanish . Few days before Navasari University has started Osho (Rajnish) Chair and Moraribapu Inaugurated and praised the initiatives. Foreign universities are also starting Osho Chair.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *