ઔરંગઝેબ ‘ઘેર’ ગયો કે ઔરંગઝેબ ‘ઘરે’ ગયો?

‘મુંબઈ સમાચાર’ની આજની ભાષાથી વાચકો વાકેફ છે. અલમોસ્ટ ૨૦૦ વર્ષ પહેલાં, ટુ બી પ્રિસાઈસ ૧૮૨૨ની પહેલી જુલાઈએ આ પત્રના સ્થાપક – તંત્રી મોબેદ ફરદુનજી મરજબાંનજીની ભાષા કેવી હતી?

‘શરવે લોકોને પરગટ છે જે શ્રી હિનદોશતાંન મધે પહેલી શંશકરૂત ભાશા હતી તે મધેથી કેટલી એક બીજી ભાશાઓ નીકલી છે એમોની એક ગુજરાતી ભાશા પણ છે…’

ભાષામાં તબક્કાવાર આવતું સાહજિક પરિવર્તન સ્વીકાર્ય છે. માથે ઠોકી બેસાડવામાં આવતા ફેરફારો કે પછી અજ્ઞાન કારણે, બેદરકારીને લીધે થઈ જતી ભૂલો હરગિજ મંજૂર નથી. શંશકરૂતમાંથી સંસ્કૃત સુધી આવી પહોંચેલી જોડણીને ફરી પાછી શંશકરૂત બનાવી દેવાની કોઈ જરૂર નથી. પરગટ જ્યારે પ્રગટ બને છે ત્યારે આવાં પરિવર્તનોથી ભાષાનો વ્યાપ અને એનો વૈભવ બંને વધે છે.

કેટલાક લોકો ‘કર્યું’ની જગ્યાએ ‘કઈરું’ બોલે છે, ‘શીખવાડવું’ની જગ્યાએ ‘શીખડાવવું’ બોલે છે, આઈવો, ચાઈલો અને હમજણ બોલે છે. બોલાય એવી જ ભાષા લખવાનો આદર્શ ન હોય, આદર્શ તો નિયમ મુજબ લખાતી ભાષાને ચુસ્ત રીતે બોલતાં શીખવાનો હોય. બોલી કે વ્યક્તિગત ખાસિયતોથી ઉચ્ચારાતી ભાષાની મઝા નાટકો કે નવલકથાઓના સંવાદોમાં કે પછી લેખ-કવિતા ઈત્યાદિમાં શૈલીના નામે ઉમેરાતા ચટકાઓમાં જરૂર માણવાની હોય. ફેસબુક કે વૉટ્સઍપ પરની તળપદી રમૂજોમાં પણ એવી ભાષા માણવાની હોય. પણ એ જ ભાષા, જોડણી કે ઉચ્ચારોને તમે સ્ટાન્ડર્ડાઈઝ ન કરી શકો. જોડણીકોશમાં એને સ્થાન અવશ્ય આપી શકો પણ એની મૂળ જોડણી, એનો મૂળ ઉચ્ચાર શું છે અને તે જ સ્ટાન્ડર્ડ છે એવું જણાવીને.

અંગ્રેજીમાં એક જ શબ્દની, એક સરખી જોડણીના ઉચ્ચારો અનેક રીતે લોકો કરતા હોય છે. કાર યાને કિ પોમ પોમ ગાડીના ઉચ્ચારણમાં ‘ક’ની સાથે ત્રીસ ટકા જેટલો ‘ખ’ ભેળવીને બોલવામાં આવે છે. ‘લુક્ડ’ લખાયું હોય ત્યારે એના છેલ્લા ‘ડ’નો માત્ર ત્રીસ ટકા જેટલો જ હિસ્સો ઉચ્ચારાય છે. બોલાય એ જ રીતે લખાયનો નિયમ તમે લાગુ પાડો તો ‘કાર’નો સ્પેલિંગ ‘ખાર’ જેવો થઈ જાય અને ‘લુક’ના પાસ્ટ ટેન્સની જોડણી કરવા માટે છેવાડાના ‘ઈડી’ને કરવતથી વહોરવા પડે.

જોડણી અને ભાષાની શાસ્ત્રીયતા તથા ચુસ્તતા જાળવીને એમાં સર્જનાત્મક તોડફોડ કરવાની શિસ્ત સ્વામી આનંદમાં જેટલી હતી એટલી હજુ સુધી બીજા કોઈનામાં નથી જોઈ. સ્વામી આનંદનું વિશિષ્ટ ગદ્ય તથા ભાષાશુદ્ધિ માટેનો એમનો આગ્રહ બેઉ જાણીતાં છે. ગાંધીજીને આત્મકથા લખવાની પ્રેરણા આપનાર સ્વામી આનંદ રામકૃષ્ણ પરમહંસની પરંપરાના ગાંધીવાદી સંત તેમ જ ઉત્તમ ચિંતક – વિચારક હતા. પોતાનાં લખાણો પુસ્તકરૂપે જ્યારે છપાય ત્યારે એ તમામ પુસ્તકોનું કદ એકસરખું રહે, દરેકની કાગળની ક્વૉલિટી પણ એકસરખી રહે તેમ જ સહેજ પણ પ્રૂફની ભૂલ રહી ન જાય એટલી કાળજી રાખવામાં આવે એવો એમનો આગ્રહ.

હવેની જે વાત છે તે ભાષા પર પ્રભુત્વ મેળવી ચૂકેલાઓને લાગુ પડે છે, ભાષાના નીતિનિયમો પાળવાનું જેમને આવડતું જ નથી એમના માટે આ વાત નથી એટલું ધ્યાન રાખવું.

સ્વામી આનંદે છેક એપ્રિલ ૧૯૬૫માં પરિચય ટ્રસ્ટ દ્વારા પ્રગટ થતાં યશવંત દોશીના તંત્રીપદે પ્રગટ થતા ‘ગ્રંથ’ નામના પુસ્તકસમીક્ષાના માસિકમાં એક પત્ર લખ્યો હતો. એમાં એમણે બે વાત સ્પષ્ટ કરી હતી. એક, ગુજરાત વિદ્યાપીઠે પ્રગટ કરેલો ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ ભલે અધૂરપવાળો લાગતો હોય પણ અન્ય કોઈ વધુ અધિકૃત સ્રોત ન મળે ત્યાં સુધી એના જ આધારે ચાલવું જોઈએ. અને બે, જોડણી – વ્યાકરણના નિયમોની બાબતમાં ખુલ્લા દિમાગે વિચારવું જોઈએ, બંધિયાર મનના બનીને – એમાં કોઈ જ ફેરફારને અવકાશ નથી એવું માનવું જોઈએ નહીં.

સ્વામી આનંદને અભિપ્રેત છે તે ‘મ્હારું’ ‘ત્હારું’ અને ‘ન્હાનાલાલ’માંથી ‘મારું’, ‘તારું’ અને ‘નાનાલાલની’ની જોડણીવાળા ફેરફારો. આમાં ઉચ્ચારો તો હજુ એ જ છે અને એ જ સાચા ઉચ્ચારો છે. ‘મારું’ તમે બોલો છો ત્યારે તેમાં ‘મા’ની સાથે ‘હ’કાર હોય તે જ સાચો ઉચ્ચાર. બાકી ફ્લૅટ ‘મારું’ કે ‘તારું’ બોલો (જેમ આકાશમાં દેખાતો ‘તારો’માં ‘હ’કાર ન હોય તે રીતે) તો તમે પકડાઈ જાઓ કે તમે ગુજરાતી નથી, જેમ ‘રઈસ’માં શાહરૂખ પકડાઈ જાય છે તેમ, જેમ ‘પડધરી’ ગામનો ઉચ્ચાર તમે કેવી રીતે કરો છો તેના પરથી ખબર પડે કે તમે કાઠિયાવાડી ઉચ્ચારોથી કેટલા પરિચિત છો.

આપણને ‘સ’ ‘શ’ કે ‘ષ’ના સ્પષ્ટ ઉચ્ચારો કરતાં ન ફાવતું હોય તો આ ત્રણેય વચ્ચેનો ઉચ્ચારભેદ મિટાવી દેવાથી શું મોટો ફરક પડી જાય છે એવી દલીલ ન થાય. દક્ષિણ ભારતમાં તો એકલા ‘ક’ના છ જેટલા વિવિધ ઉચ્ચારો થાય છે અને દરેક ઉચ્ચાર સાથે શબ્દનો અર્થ બદલાઈ જાય છે એવું ક્ધનડ જેની માતૃભાષા છે એવી બેંગ્લોર રહેતી મારી ફ્રેન્ડે મને દૃષ્ટાંતો આપીને કહ્યું હતું. કાન્તિ મડિયાએ મુંબઈના રંગમંચ પર એક નાટક ભજવ્યું ત્યારે ગરબડવાળા ઉચ્ચાર કરતી ગુજરાતી યુવતીતનું નામ નિશા શાહ રાખ્યું હતું. કોઈ એનું નામ પૂછે તો એ જવાબ આપતી: નિસા…સા

સામાન્ય ગુજરાતીને પોતાની માતૃભાષા શીખતાં અઘરું ન પડે એ માટે જોડણીમાં ફેરફારો કરવાની ઝુંબેશ કેટલાક ભાન ભૂલેલાઓએ થોડાંક વર્ષો પહેલાં ગુજરાતીમાં ચલાવી હતી. એમની બનાવટી દલીલો કોઈનેય સ્વીકાર્ય નહોતી. અંગ્રેજીમાં એફ.આઈ.એલ.એલ. – ફિલ (ભરવું) અને એફ.ઈ.ઈ.એલ. – ફીલ (અનુભવવું) તેમજ સ્ટિલ (સ્થિર) તથા સ્ટીલ (પોલાદ) જેવા હ્રસ્વ અને દીર્ઘના ભેદ ધરાવતા અસંખ્ય જોડકાં છે જ. ગુજરાતીને સહેલીસટ બનાવી દઈશું તો વધુ બાળકો ભણવા આવશે અને સમાજમાં સાક્ષરતા વધશે એવી માન્યતા તો મૂર્ખાઓના સ્વર્ગમાં રાચવા જેવી બાબત છે.

ભાષાની જોડણીના નિયમો, વ્યાકરણના નિયમો, વિરામચિહ્નો આ બધું તો ટ્રાફિક સિગ્નલ છે. તમે ટ્રાફિકની શિસ્ત પાળવા ન માગતા હો કે ક્યારેક ન પાળી શકો ત્યારે એ સિગ્નલોને જ દૂર હટાવી દેવાની માગણી કરો તે વળી કેવું? ધોરીમાર્ગ પર વાહન હંકારતી વખતે દોઢસો પ્રકારની સિગ્નલ ઉપરાંતની ટ્રાફિક સાઈન્સ પણ આવતી હોય છે. ડ્રાઈવિંગ લાઈસન્સ લેતી વખતે તમને આમાંની બધી જ સાઈન્સ યાદ ન રહેતી હોય તો તમે શું કરો? આટલી બધી ટ્રાફિક સાઈન્સ ન હોવી જોઈએ એવી ઝુંબેશ ઉપાડો કે પછી ખંતપૂર્વક દરેક સાઈન યાદ રાખવાનો પ્રયત્ન કરો?

અંતમાં બે વાતનું પુનરાવર્તન કરી લઈએ. જેમણે ગુજરાતી ભાષા પર માસ્ટરી મેળવી છે અને જેમનું અંગ્રેજીનું જ્ઞાન ઈમ્પેકેબલ છે તેઓ લખતી કે બોલતી વખતે ગુજરાતી શબ્દોના વિકલ્પો છોડીને બિનગુજરાતી શબ્દોનો કે રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરે છે ત્યારે તેમની લેખનશૈલીમાં ખરેખર નિખાર આવે છે. અત્યારે લખનારાઓમાં આવી બેઉ પ્રકારની હથોટી એકમાત્ર મધુ રાયમાં છે.

પણ પોતાના અર્ધજ્ઞાનને કારણે યોગ્ય ગુજરાતી શબ્દો શોધી ન શકવાને લીધે અંગ્રેજી શબ્દો વાપરનારાઓ સચોટ અભિવ્યક્તિ કરી શકતા નથી.

બીજી વાત દરેક ટોચના સર્જકની પાસે એની પોતાની આગવી શૈલી હોવાની. આ શૈલીમાં તેઓ ક્યારેક વ્યાકરણના તો ક્યારેક અર્થબોધના નિયમોને ચાતરીને અભિવ્યક્તિ કરી શકે, જરૂર કરી શકે. દાખલા તરીકે હું ‘ઘરે’ જઉં છું વાક્ય વ્યાકરણ શુદ્ધ છે અને હું ‘ઘેર’ જઉં છું એ વાક્ય બોલચાલમાં સામાન્ય હોવા છતાં વ્યાકરણની રીતે અશુદ્ધ છે. ચંદ્રકાંત બક્ષી ગૌરવભેર કહેતા કે હું ‘ઘેર’ જઉં છું જ હું લખીશ. બક્ષીને એવું કહેવાનો પૂરેપૂરો હક્ક હતો કારણ કે બક્ષી બક્ષી હતા, ભાષાના મહારથી હતા. તમે પણ બક્ષી ન હો તોય આવું વ્યાકરણ દુષ્કર વાક્ય તમારી વાર્તા, નવલકથા, કાવ્ય, નાટક વગેરેમાં લખી શકતાં કોઈ નહીં રોકે તમને. કોઈ પડકાર નહીં ફેંકે કે તમે ખોટા છો. પણ જો તમે ઈતિહાસનું પાઠયપુસ્તક લખતા હો તો ઔરંગઝેબ ‘ઘેર’ ગયો એવું ન લખાય, એમાં તો ઔરંગઝેબ ‘ઘરે’ જ જાય.

આજનો વિચાર

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો

– જવાહર બક્ષી

એક મિનિટ!

પત્ની: ‘રઈસ’ જોવા જઈએ

પતિ: હું એવો ‘કાબિલ’ નથી

પત્ની: તો ‘કાબિલ’ જોવા જઈએ

પતિ: હું એટલો ‘રઈસ’ નથી.

પછી?

પછી ઘરમાં બાળકોએ ‘દંગલ’ જોયું.

( મુંબઇ સમાચાર : બુધવાર, 1 ફેબ્રુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *