હિંદી ફિલ્મોના એ વિલનો હીરોઈનો સાથે જે કરતા હતા એવું જ આ લોકો ગુજરાતી ભાષા સાથે કરે છે

દરેક ભાષાને એનું પોતાનું શીલ હોય છે, શિયળ હોય છે. ભાષાની આ પવિત્રતાને સમજ્યાકર્યા વિના દે ઠોકમઠોક લખ્યે જનારાઓ ભાષાનો શિયળભંગ કરે છે. એક જમાનામાં પ્રેમ ચોપરા અને શક્તિ કપૂર એમની ફિલ્મની હીરોઈનો સાથે રૂપેરી પરદા પર જે કૃત્ય કરતા બતાવવામાં આવતા કંઈક એવું જ કૃત્ય ભાષાને પીંખી નાખનારા આ લોકો કરે છે.

આવતી કાલે વસંત પંચમી છે. યા કુન્દેન્દુ તુષાર હાર ધવલા ઉચ્ચારીને જે ગુજરાતી ભાષાભક્તોએ મા સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થયેલી ગુર્જર વાણીની આરાધના કરી છે એમના માટે આ વિશેષ પર્વ છે.

કોઈ પણ લખાણ કે સાહિત્ય માટે ભાષા બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જેવી છે. લખાણને વખાણીએ કે સાહિત્યને વખાણીએ ત્યારે જો ભાષા ઊડીને આંખે વળગતી હોય તો તે ખોટું છે. લખાણ કે સાહિત્યમાંના મુદ્દાનું પ્રાથમિક મહત્ત્વ છે, બીજું મહત્ત્વ ભાષાનું છે. ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનું મહત્ત્વ પડદા પર દેખાતા જે તે સીનમાંના ભાવને એન્હૅન્સ કરવાનું છે, એ ભાવ પર છવાઈ જવાનું નથી. કમનસીબે, બીજી

ભારતીય ભાષાઓની જેમ આજે ગુજરાતીમાં પણ ફ્રિવોલસ, છિછરી, ઉત્પાતભરી અને સ્યુડો ફિલોસોફિકલ ભાષાનો વપરાશ વધી ગયો છે. લેખક કે કવિ જે કહેવા માગે છે તે વાતમાં કેટલું સત્ત્વ છે કે એમાં કેટલી નક્કરતા કે નવીનતા છે એના તરફ તમારું ધ્યાન ન જાય એટલે પાંચ હજારની લૂમ ફુટતી હોય એવા ભાષાના ફટાકડા ફોડીને વાચકનું ધ્યાન બીજે લઈ જવામાં આવે છે. બધી રીતે ગુડ ફૉર નથિંગ છોકરી ટૂંકી ચડ્ડી અને ક્રોપ ટીશર્ટ પહેરીને બજારમાં નીકળે તો એના તરફ લોકોનું ધ્યાન જવાનું જ છે. એની સાથે કૉફી શૉપમાં બેસીને પંદર મિનિટ વાત કરો એટલે આખું ભોપાળું ખૂલે. આ ટાઈપની વ્યક્તિઓ એક જ કામની હોવાની એ જ રીતે આ ટાઈપનું લખનારા લેખકો-કવિઓ ભાષા સાથે આ જ ટાઈપનું કૃત્ય કરતા રહે છે. ભાષા કંઈ એવું કૃત્ય કરવા માટે નથી સર્જાઈ.

ભાષા, જોડણી કે વ્યાકરણ સાથે એક સામાન્ય વાચકને કે ભાવકને એટલી જ નિસબત હોય છે અને હોવી જોઈએ જેટલી કોઈ ફિલ્મના સામાન્ય પ્રેક્ષકને સાઉન્ડ રેકોર્ડિંગ, સિનેમેટોગ્રાફી કે એડિટિંગ સાથે હોય. એક નૉર્મલ પ્રેક્ષક આ તમામ કસબ વિશે કશું જ જાણતો નથી છતાં ફિલ્મ એને સારી લાગે છે કે ખરાબ લાગે છે એની અસરમાં આ તમામ વિભાગોનો પણ ફાળો હોય છે.

સામાન્ય વાચક હ્રસ્વ ઉ કે દીર્ઘ ઊનો તફાવત નજરઅંદાજ કરી શકે, જોડણી ક્યાંક ખોટી હોય તો એના વાચનમાં કે વાચન દ્વારા પ્રાપ્ત થનારી સમજમાં બહુ મોટો ફરક ન પડી જાય, કોઈક વાક્ય ગ્રામેટિકલી ખોટું લખાયું હોય તો પણ નવલકથા કે કૉલમના વાચનમાં એ રસક્ષતિ ન અનુભવે એવું બને તો આનો અર્થ શું એવો કરવો કે ભાષાશુદ્ધિ, જોડણીશુદ્ધિ કે વ્યાકરણશુદ્ધિ કે શૈલીશુદ્ધિનો આગ્રહ કોઈએ ન રાખવો? અણઘડ સિનેમેટોગ્રાફરે શૂટ કરેલી, ઢંગધડા વિનાનું સાઉન્ડ રેકોર્ડિંગ ધરાવતી, ખરાબ રીતે એડિટ કરવામાં આવેલી ગમે એટલી સારી ફિલ્મનું પણ આવી નબળાઈઓને લીધે સત્યાનાશ નીકળી જતું હોય છે. લેખોમાં પ્રગટ થતા વિચારો તથા નવલકથામાંથી ઉપસતા વિવિધ ભાવનું પણ આવું જ થતું હોય છે – જો ભાષા, વ્યાકરણ, જોડણીની બાબતમાં લેખકો, સંપાદકો, ટાઈપસેટર્સ, પ્રૂફરીડરો ઈત્યાદિ બેદરકાર રહે તો.

આ ક્ષેત્રોમાં અરાજકતા ન ચાલે અને સાથે સાથે એમાં બંધિયારપણું પણ ના ચાલે. દાખલા તરીકે સ્કૂલમાં તમને શીખવવામાં આવ્યું કે ‘કારોણ કે’થી વાક્યની શરૂઆત ન થાય, ‘અને’ લખો તો એના આગલા શબ્દ પછી અલ્પવિરામ ન મૂકી શકાય. વ્યાકરણના આવા જડબેસલાક નિયમોના દાયરામાં રહીને લખાતું ગુજરાતી જ શુદ્ધ અને બાકીનું અશુદ્ધ એવું ન કહી શકાય. વ્યાકરણના તમામ નિયમો જાણી લીધા પછી એમાંના કેટલાક નિયમોને તોડવાની મઝા સાચા સર્જકો લેતા હોય છે જેને કારણે એમનાં લખાણોમાં આગવી શૈલી જોવા મળતી હોય છે, પણ ક્યારેક એવું ય જોવા મળે જે બહુધા ગુજરાતી કવિતા લખનારાઓમાં જોવા મળે. ઉત્સાહી કવિઓને અછાંદસ લખવાનો બહુ ઉપાડો થાય. ગૌરવથી કૉલર ઊંચો રાખીને તમને કહે: હું તો છંદ-બંદમાં માનતો (કે માનતી) નથી, અછાંદસ જ લખું છું!

ભલા આદમી, (કે ભલી બૂન) પહેલાં છંદ શીખો પછી એને તોડી ફોડીને અછાંદસ લખતા થાઓ. બેફામ ડ્રાયવિંગ કરવાનો શોખ હોય તો પહેલાં સ્ટિયરિંગ અને ક્લચ-ગિયર-એક્સલરેટર પર પૂરેપૂરો કાબૂ મેળવતાં શીખવું પડે. પણ અહીં તો ગાડી ચલાવતાં જ ન આવડતું હોય એવા લોકો તમને કહેતા હોય છે કે મને તો રેકલૅસ ડ્રાયવિંગ કરવાની બહુ હોંશ, હોં.

સામાન્ય વાચક જ્યારે કોઈ છાપું કે મેગેઝિન કે પુસ્તક વાંચતો હોય ત્યારે જોડણી ક્યાંક ખોટી છપાઈ હોય કે ક્યાંક વ્યાકરણ દુષ્ટ વાક્યો પ્રવેશી ગયાં હોય ત્યારે એના વાચનમાં બહુ મોટી રસક્ષતિ ન થાય એવું બને, ક્યારેક એ વાચન દ્વારા પ્રાપ્ત થનારી સમજમાં પણ ફરક ન પડે. તો શું આપણે ભાષાશુદ્ધિનો, જોડણીની ચોકસાઈનો કે વ્યાકરણશુદ્ધિનો આગ્રહ જતો કરવો? ના, બિલકુલ નહીં. આજના આ લેખમાં પણ પ્રૂફરીડિંગની ભૂલો નીકળે તો શું આપણે એવી દલીલ કરવાની કે ભાષાશુદ્ધિનો આગ્રહ નકામો છે, છોડી દેવો જોઈએ? ના, બિલકુલ નહીં. સો ટકા શુદ્ધ ભાષાનો આદર્શ આંખ સામે રાખીને એની બને એટલા નજીક જવાની કોશિશ કરવાની. અને નવ્વાણું ટકાથી આગળ ન જઈ શકીએ તો બાકીના એક ટકા માટે કોઈ બહાનું આગળ ધરવાને બદલે, માફી માગવાની. સો ટકા શુદ્ધ ભાષાનો આદર્શ આંખ સામે રાખવો એટલે જ મા સરસ્વતીની આરાધના કરવી.

અહીં સ્વામી આનંદ યાદ આવે છે, અને ‘મુંબઈ સમાચાર’ પત્રના સ્થાપક ફરદુનજી મરઝબાનજી પણ યાદ આવે છે. આવતી કાલે એ બંનેની ભાષાને યાદ કરીને મા સરસ્વતીના પાવન પર્વની ઉજવણી કરીશું.

આજનો વિચાર

વિવેક વિનાના અભિપ્રાયનું બીજું નામ છે પૂર્વગ્રહ.

– સ્વામી વિવેકાનંદ

એક મિનિટ!

‘તમારા ત્રણ દીકરા અદ્દલોદ્દલ તમારા જેવા જ લાગે છે… બાય ધ વે, તમે શેનો બિઝનેશ કરો છો?’

‘ઝેરોક્સનો…’

( મુંબઇ સમાચાર : મંગળવાર, 31 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *