વીતેલો પ્રજાસત્તાક દિવસ, હસમુખ ગાંધી અને જલ્લીકટ્ટુ

વીતી ગયેલી રજાના મૂડમાં ત્રણ નાના મુદ્દા, ખૂબ ટૂંકમાં.

* * *

૧૯૪૭માં આઝાદી મળી અને ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક બન્યો. આઝાદી મળ્યા પછી આ દેશમાં સરમુખત્યારી આવી શકી હોત, લશ્કરશાહી આવી શકી હોત કે પછી સંપૂર્ણપણે સામ્યવાદી સરકાર પણ આવી શકી હોત. એને બદલે બે વર્ષ કરતાં વધુ સમય આપણે ભારતનું બંધારણ ઘડવામાં લીધો. દેશવિદેશના બંધારણોનો અભ્યાસ કર્યો. ભારતના ટોચના બૌદ્ધિકોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. ભારતનું બંધારણ આજની તારીખે કેટલીક ખામીઓવાળું તમને લાગે પણ જે સમયે એ ઘડાયું, જે કાળ માટે એ સર્જાયું તે માટે એ શ્રેષ્ઠ હતું. આપણને મળેલી આઝાદીનો શ્રેષ્ઠ ઉપયોગ આપણે આ બંધારણ દ્વારા કરી શક્યા. પ્રેક્ટિક્લ લેવલ પર કૉંગ્રેસી નેતાઓએ ગાંધીવાદના નામે જે રીતે દેશને ચૂંથી નાખ્યો એ એક અલગ વાત છે. એમાં બંધારણનો કે એના ઘડવૈયાઓનો કોઈ વાંક નથી. મુદ્દો એ છે કે આઝાદી માત્ર પૂરતી નથી, એ આઝાદીને મુઠ્ઠીભર લોકોના ઉપયોગ માટે ન રાખતાં એને સમગ્ર પ્રજા સુધી લઈ જવામાં આવે તો જ એ આઝાદી સાર્થક થાય. છવ્વીસમી જાન્યુઆરીનું આ મહત્ત્વ.

પર્સનલ લાઈફમાં તમારો દીકરો આઝાદી માગે: મારે બાપા સાથે ધંધો નથી કરવો, એ મને મારી રીતે બિઝનેસ ચલાવવા નથી દેતા કે પછી તમારી પત્ની આઝાદી માગે કે પછી તમારો એમ્પ્લોઈ પોતાની રીતે પ્રોજેક્ટ પૂરો કરવાની આઝાદી માગે ત્યારે એ લોકોએ સમજવું જોઈએ કે તમે એમને આઝાદી આપી દીધી, એમની રીતે કામ કરવાની કે એમના વિચારો મુજબ વર્તવાની, એ પછી તેઓ એ આઝાદીનો ઉપયોગ કરીને શું કરે છે તે મહત્ત્વનું છે. માત્ર સ્વતંત્રતા અગત્યની નથી, એ સ્વાતંત્ર્યનો ઉપયોગ શું થાય છે તેનું મહત્ત્વ છે.

મોટા ભાગની સ્વતંત્રતા સ્વચ્છંદ બનવા માટે જ મેળવવામાં આવતી હોય છે. જેઓ સ્વતંત્ર બનીને પોતાની જવાબદારી હવે વધી છે એવા અહેસાસ સાથે, છાકટા બની જવાને બદલે, લાઈફને સિરિયસલી લેતા થઈ જાય છે તેઓ જ આસમાનને છુઈ શકે છે. બાકીનાઓ માટે ખુલ્લા ગગનને બદલે પિંજરાની બંધિયાર સલામતી આશીર્વાદરૂપ હતી એવું પુરવાર થાય છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે આટલું પર્સનલ ચિંતન બસ છે.

* * *

છવ્વીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણદિન ગયો. ત્રીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા ગયા, ૧૯૯૯ની છવ્વીસમી જાન્યુઆરીએ ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ હસમુખ ગાંધીએ વિદાય લીધી. અલમોસ્ટ બે દાયકા થવા આવશે એમના ગયાને પણ હજુ સુધી એ સ્લૉટ ખાલી જ છે. એમનો જ નહીં, એ જ સમયગાળાના દોઢબે વર્ષમાં ગુજરી ગયેલા હરકિસન મહેતા, હરીન્દ્ર દવે, હરસુખ સાંઘાણી અને યશવંત દોશીના સ્લૉટ પણ ખાલી જ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતી પત્રકારત્વમાં અનેક ટેલન્ટેડ પત્રકારો ઊભર્યા, આવતા બે દાયકામાં હજુ બીજા અનેક પ્રતિભાશાળી પત્રકારો ગુજરાતીમાં આવવાના પણ હસમુખ ગાંધી જેવી નિષ્ઠા, એમના જેટલું બૅકગ્રાઉન્ડ, એમના જેવી અભિવ્યક્તિ અને સૌથી વધારે તો એમના જેવી નિ:સ્પૃહતા, પ્રામાણિકતા ક્યાંથી લાવશો? કોઈ લાલચ નહીં, કોઈનેય વહાલા થવાની દરકાર નહીં, ન નામ – ન દામ માટેનું વળગણ, દુનિયાનું બીજું કશું જ વહાલું નહીં – ચોવીસે કલાક બસ જર્નલિઝમ જ જર્નલિઝમ. આવી જ વ્યક્તિ કોઈની સાડીબારી રાખ્યા વગર દિવસરાત પત્રકારત્વ કરી શકે. પત્રકારત્વના એ ‘ગાંધીયુગ’માં જીવનારા તમામ ગુજરાતી પત્રકારો આજે પોતાને સદ્ભાગી ગણે છે પણ ગાંધીભાઈ હયાત હતા ત્યારે ભાગ્યે જ આમાંના કોઈની હિંમત ચાલતી ગાંધીભાઈનાં જાહેરમાં વખાણ કરવાની. જાહેરમાં વખાણની વાત જવા દો પર્સનલ વાતચીતમાં પણ પાંચ જણાની હાજરીમાં બહુ ગાર્ડેડ રહીને વખાણ થતાં. શું કારણ? કારણ એ કે જો તમે ‘ગાંધીવાદી’ ગણાઈ જાઓ તો બીજા એસ્ટાબ્લિશ્ડ સિનિયર પત્રકારો તમને પર્સોના નૉન ગ્રાટા ગણીને ફેંકી દે, તમારી ફૅવર ન કરે, ન તમને નોકરી આપે, ન ફ્રીલાન્સર તરીકે અસાઈન્મેન્ટ કે કૉલમ મળે. આજે પણ ગાંધીભાઈનાં લખાણો રિલેવન્ટ છે એનો સૌથી મોટો પુરાવો એ છે કે વાચકોની માગણીને સંતોષીને ‘મુંબઈ સમાચાર’ની શનિવારની ‘વીક એન્ડ’ પૂર્તિમાં દર અઠવાડિયે હસમુખ ગાંધીની કલમની એવર ગ્રીન પ્રસાદી પીરસવામાં આવે છે.

હસમુખ ગાંધી જે રીતે જીવ્યા તે રીતે આજે જીવવું કપરું છે પણ અશક્ય નથી. કપરું તો તે વખતે પણ હતું. એમણે પણ આખી જિંદગી ઝઝૂમવું પડ્યું હતું. પણ શિયર ટેલેન્ટના જોરે અને સખત પરિશ્રમના દમ પર ગાંધીભાઈ ટકી રહ્યા; ટકી રહ્યા એટલું જ નહીં, એમના સમકાલીનો કરતાં જોજનો આગળ નીકળી ગયા. ગુજરાતી જર્નલિઝમમાં ગાંધીભાઈએ જે લૅન્ડમાર્ક્સ ઊભાં કર્યાં તેના દસ ટકા સુધી પહોંચવા માટેની સજ્જનતા પણ જો આપણે કેળવી શકીએ તો ગુજરાતી પત્રકારત્વ ક્યાંનું ક્યાં પહોંચી જાય. પણ ગુજરાતી વાચકોના એવા નસીબ ક્યાં? આજે તો સૂંઠનો ગાંગડોય ગજવામાં ન હોય ને સૌને ગાંધી બની જવું છે.

ભલે.

* * *

પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ ટૂંકમાં ‘પેટા’ના નામે ઓળખાય છે. વરસે સાડા ચાર કરોડ ડૉલરની ધરખમ આવક ધરાવતી ‘પેટા’નું ઑફિશ્યલ સ્લોગન છે:

‘પ્રાણીઓ આપણા ખાવા માટે નથી, પહેરવા માટે નથી, પ્રયોગો કરવા માટે નથી, મનોરંજન માટે નથી અથવા તો અન્ય કોઈ રીતે દુરુપયોગ કરવા માટે નથી.’

ફરી વાંચો.

‘પ્રાણીઓ આપણા ખાવા માટે નથી…’ બસ, હવે અટકી જાઓ. તમિળનાડુમાં જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ લાવવાનું કાવતરું કરનાર ‘પેટા’ને જો પ્રાણીઓ માટે એટલો જ પ્રેમ હોય તો સૌથી પહેલાં એણે બકરી ઈદને દિવસે કુરબાનીની પ્રથા અને ધાર્મિક પરંપરાના નામે દર વર્ષે કપાતાં ચાર લાખ બકરાંઓને બચાવી લેવા જોઈએ. પણ એવું તો ‘પેટા’ કહી શકશે નહીં. પોતે જ કપાઈ જશે તો પછી કરવું શું? ગરીબ કી જોરુ સબ કી ભાભી. હિંદુઓને નડો. એમની પરંપરાને નડો.

માર્ચ ૧૯૮૦માં અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં શરૂ થયેલી આ સંસ્થાની ભારતની શાખા ચલાવતી પૂર્વા જોશીપુરા કહે છે કે પ્રાણીઓને ટૉર્ચર નહીં કરવાનો ભારતમાં કાયદો છે અને અમે એ જ કાયદાનું પાલન કોર્ટ પાસે કરાવીએ છીએ.

જોશીપુરાબહેનને શું ખબર નથી કે બકરાને જ્યારે હલાલ કરવામાં આવે છે ત્યારે એના ગળા પર લાંબો-ઊંડો ચીરો મૂકીને એના શરીરમાંથી બને એટલું લોહી વહી જવા દેવામાં આવે છે. પછી એ તરફડી તરફડીને મરી જાય ત્યારે જ એને કાપવામાં આવે છે. આ રીતે હલાલ કરેલો બકરો ઝટકા (એક ઝાટકે કાપેલા) બકરા કરતાં વધારે સ્વાદિષ્ટ હોય છે. પણ ઈસ્લામમાં ઝટકા માંસ હરામ છે. ઈસ્લામમાં ધાર્મિક પરંપરા હલાલ માંસ ખાવાની જ છે. આપણે કોઈ માંસાહાર કરે તેની અગેન્સ્ટમાં નથી. જેનો જેવો ખોરાક પણ કુરબાનીનો બકરો હલાલ ન થવો જોઈએ. એટલી ઝુંબેશ પણ જોષીપુરાબહેન ચલાવી શકતા નથી કારણ કે એમને ખબર છે કે ખુદ ગાંધીજીએ કહ્યું હતું કે મુસલમાન માથાભારે પ્રજા છે અને હિંદુ નમાલી. ‘પેટા’એ પણ નમાલી ગણી લીધેલી હિંદુ પ્રજા તરફથી મળેલા જવાબને ચેન્નઈના મરીના બીચ પર જોઈ લીધો. લાખો લોકોનો જુવાળ જોવા મળ્યો.

કોઈપણ જીવને હાનિ ન થાય એવું સાહસિક રમતોમાં બનવાનું જ નથી. એટલે જ સ્તો એ બધી રમતો એડવેન્ચર સ્પોર્ટ્સ ગણાય છે. એવરેસ્ટ આરોહણ કરવાનો પ્રયત્ન કરતી વખતે દર વર્ષે સરાસરી દસ-બાર પર્વતારોહકો મરી જાય છે, બીજી સ્પોર્ટ્સમાં મરતા હશે તે તો અલગ. જલ્લીકટ્ટુમાં પણ આ વખતે બે મર્યા. મોહર્રમમાં તો માણસો પોતાની જાત પર લોખંડની સાંકળો મારીને પોતાને લોહીલુહાણ કરે છે, ધાર્મિક પરંપરાના નામે. ‘પેટા’ને જો જીવમાત્ર માટે દયા આવતી હોય તો આ ભાન ભૂલેલા કેટલાક શિયા મુસ્લિમો માટે દયા ન આવવી જોઈએ. મોહર્રમ દરમ્યાન થતા આ સેલ્ફટૉર્ચરની પ્રથા સામે ટાંગ અડાડવાની હિંમત કરી જુઓ.

નવરા બેઠેલા લોકોએ જ્યારે પોતાના મોજશોખ પોષવા વધારાની આવક ઊભી કરવી હોય અને પોતાનું સેલ્ફ ઈમ્પોર્ટન્સ વધારવું હોય ત્યારે તેઓ કોઈ ને કોઈ કોઝ લઈને એનજીઓ શરૂ કરે છે અથવા ચાલતી એનજીઓમાં જોડાઈ જાય છે. આવા લોકોને મીડિયા ભલે ઈમ્પોર્ટન્સ આપે, સમાજ એમને સૂંઘતો પણ નથી.

આજનો વિચાર

પ્રિયંકા ગાંધી ૨૯મી ફેબ્રુઆરી જેવી છે, દર ચાર વર્ષે આવે!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

‘સ્કૂલમાં કેમ નથી જવું?’

‘જો એક ટીચર બધા વિષયો ન ભણાવી શકતા હોય તો એક સ્ટુડન્ટ બધા વિષયો ભણે એવું તમે કેવી રીતે ધારી શકો?’

( મુંબઇ સમાચાર : સોમવાર, 30 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *