પર્સનલ લાઈફ સરખી કરવામાં પ્રોફેશનલ લાઈફ ખોરવાઈ ગઈ

‘સદ્ગતિ’ (૧૯૮૧)ના શૂટિંગ વખતે એક શૉટ સમજાવતાં સત્યજિત રાયે ઓમ પુરીને અંગ્રેજીમાં ઈન્સ્ટ્રક્શન આપતાં કહ્યું કે તારે બ્રાહ્મણના ઘરમાં જિન્જરલી પ્રવેશવાનું છે.

તે વખતે ઓમને અંગ્રેજીના ફાંફા. સહેજ ખચકાટ પછી હિંમત એકઠી કરીને ઓમે પૂછયું, જિન્જરલી એટલે?

સત્યજિત રાયે સ્મિત કરીને એને સમજાવ્યું કે કૂતરો કે બકરી કોઈ અજાણ્યા ઘરમાં પ્રવેશે ત્યારે જિન્જરલી પ્રવેશે.

અને ઓમને ખ્યાલ આવ્યો કે બિલ્લીપગે, ચૂપચાપ, કોઈ જોઈ ન જાય એ રીતે ઘરમાં પ્રવેશવું એટલે જિન્જરલી પ્રવેશવું.

કશું પણ ન આવડે કે કોઈ વાતની ખબર ન હોય ત્યારે હાએ હા કરવાને બદલે પૂછવું. તમારા કરતાં ઉંમરમાં, સમજમાં કે હોદ્દામાં નાના હોય તો પણ પૂછવામાં સંકોચ ન રાખવો. પૂછવાથી તમે બહુ બહુ તો એકવાર બેવકૂફ લાગશો. નહીં પૂછો તો કાયમ બેવકૂફ રહેશો. ઓમ પુરી સહિતની દરેક સક્સેસફુલ વ્યક્તિની સફળતામાં પૂછવામાં ક્યારેય સંકોચ રાખવો નહીંવાળી મેન્ટાલિટીનો ઘણો મોટો ફાળો હોવાનો.

જિન્જરલીના છબરડા પછીના ત્રણ દાયકા દરમ્યાન ઓમ પુરીએ અભિનેતા તરીકે ઈન્ટરનેશનલ ઓળખ પ્રાપ્ત કરી. ૧૯૮૪ના અરસામાં સાત બંગલાના ‘ત્રિશુલ’ મકાનમાં સાતમા માળનો ટેરેસ ફલેટ મિત્રોની મદદથી ખરીદ્યો અને એક જ વરસમાં ઓમ પુરીએ મિત્રોનું દેવું ચૂકતે કરી દીધું એવી સડસડાટ કરિયર ચાલી.

રાહુલ દેવ બર્મનના સંદર્ભમાં વિધુ વિનોદ ચોપરાએ કહેલું કે તમારે ક્યારેય તમારી નજીકની વ્યક્તિઓ તમારી લાઈફ, તમારી કરિયર સાથે ખિલવાડ કરી શકે એવી સિચ્યુએશન ઊભી થવા દેવી નહીં. ઓમ પુરી વિશે પણ તમે એવું જ કહી શકો. ૧૯૯૦ પછી, ચાલીસ વર્ષની ઉમંરે, જ્યારે ઓમ પુરીએ સ્થિર થઈને પોતાના મનગમતા કામમાં ગળાડૂબ થઈને જિંદગી માણવાનું શરૂ કરવાનું હોય ત્યારે એમની પર્સનલ જિંદગી હાલકડોલક થઈ અને આજીવન એવી જ રહી. ઓમ પુરીએ ૧૯૯૦ પહેલાં જેટલી અને જેવી ફિલ્મો કરી એના કરતાં વધુ સંખ્યામાં વધુ ઉત્તમ ફિલ્મો તેઓ ૧૯૯૦ પછીનાં અઢી દાયકા દરમ્યાન કરી શક્યા હોત. પણ કદાચ પર્સનલ લાઈફમાં થતી ઘટનાઓએ એમનું ફોકસ બદલી નાખ્યું હતું. જેની સાથે લગ્ન કરવું હતું તે એમના બેસ્ટ ફ્રેન્ડ સાથે પરણી ગયા પછી ઓમ પુરીએ અનુ કપૂરની બહેન સીમા સાથે લગ્ન કર્યાં. થોડા જ મહિનામાં ખ્યાલ આવ્યો કે ભૂલ કરી છે. બેઉ બહુ જલદી છૂટાં પડી ગયાં. પછી પત્રકાર નંદિતા પુરી સાથે લગ્ન કર્યાં જે મારે હિસાબે ઓમ પુરીની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. નંદિતા પુરી ઓમને બધી વાતે બહુ મોંઘી પડી. નંદિતાથી જન્મેલા સહેજ સ્પેશ્યલ ચાઈલ્ડ ઈશાનની સારવાર અને એને લાડકોડ કરવામાં ઓમ ખૂબ ખર્ચાઈ ગયા, બધી રીતે ખર્ચાઈ ગયા.

પર્સનલ લાઈફનો પડછાયો તમે પ્રોફેશનલ જિંદગી પર પડવા દો છો ત્યારે તમે બેઉ બાજુથી તમારી પોતાની જ ઘોર ખોદો છો. કરિયર તો અસ્તવ્યસ્ત થાય જ છે, પર્સનલ લાઈફ વધુ વેરવિખેર થઈ જાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદથી માંડીને યશ ચોપડા, શાહરુખ ખાન તથા આમિર ખાન સુધીના ડઝનબંધ કળાકારો આવ્યા અને ગયા તેમ જ આવ્યા અને જશે તેમ જ ભવિષ્યમાં આવશે અને જશે. ગુરુ દત્ત જેવા ટેલન્ટથી ફાટફાટ થતા કળાકારો જિંદગીને સાચવી ન શકયા તેનું કારણ એ કે તેઓ પર્સનલ લાઈફને સાચવી ન શક્યા. શું રાજ કપૂર વગેરે બધા જ કળાકારોની પર્સનલ લાઈફ સ્મુધ હતી? કે હશે? ના. કોઈ સામાન્ય માનવીની પર્સનલ લાઈફ પણ સ્મુધ નથી હોતી. રિક્શાવાળા, પટાવાળા કે કચરો સાફ કરવાવાળાની પણ નહીં.

ઓમ પુરીના જીવનમાં જે અનેક બધી આવનજાવનો, લગ્ન પહેલાં અને લગ્ન પછી, થઈ એવું આમાંના ઘણા લોકોના જીવનમાં થયું હોઈ શકે છે. પણ સૌ કોઈએ કામને પ્રાયોરિટી આપી. હા, ક્યારેક ડિપ્રેશનનો નાનો મોટો દૌર આવી ગયો ત્યારે એ સૌ કોઈએ એ ગાળાને પોતપોતાની રીતે હેન્ડલ કરી લીધો પણ થોડા વખતમાં પાછા ઊભા થઈ, કપડાં પરની ધૂળ ખંખેરી, મગજમાં જામેલાં બાવાજાળાં ખંખેરી, ફરી પાછા તેઓ કામે લાગી ગયા.

ઓમ પુરીએ કામ કરવાનું બંધ નહોતું કરી દીધું પણ એમનું ફોકસ ૧૯૯૦ પછીના ગાળામાં ખોરવાઈ ગયું હતું એવું મારું નિરીક્ષણ છે, કોઈ અભ્યાસુ કદાચ મારી વાત સાથે સહમત થાય કે ન થાય. નંદિતા પુરીએ ઓમની પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને ખૂબ નુકસાન થવા દીધું અથવા તો ફ્રેન્કલી અને બોલ્ડલી કહીએ તો એણે પોતે જ એ નુકસાન કર્યું. ઓમ પુરીએ લગ્નમાંથી છૂટવા અને નંદિતાથી બચવા – દૂર જવા ખૂબ ફાંફા માર્યા પણ એ બહુ ઊંડે સુધી ફસાયા હતા. જિંદગીના પાછલાં વર્ષોમાં ખૂબ કમાયા હોવા છતાં સુખેથી વાપરી ન શક્યા. આના કરતાં, ખૂબ કમાવાને બદલે, ખૂબ સારું સારું કામ એમણે કર્યું હોત તો એ કામ કરવાનો સંતોષ તો કમસે કમ એ પોતાની સાથે લઈ જઈ શક્યા હોત.

ઓમ પુરીને ૬૬ વર્ષની ઉંમરે, જિંદગી પૂરેપૂરી ભોગવ્યા વિના, જતા રહેલા જોઈને ફરી એ જ વિચાર રહી રહીને આવે છે. માણસે પોતાને ગમતું કામ કર્યા કરવું જોઈએ, કોઈ પણ ભોગે.

આજનો વિચાર

દુ:ખી થવાના અનેક રસ્તા છે પણ સુખી થવાનો માત્ર એક જ છે અને તે એ કે સુખની પાછળ ભાગવાનું બંધ કરો. જો તમે એક વખત નક્કી કરી લેશો કે હું સુખી થઉં કે ન થઉં, મને કંઈ પડી નથી તો તમે સતત સરસ જીવન જીવતા થઈ જશો.

– એડિથ વ્હાર્ટન (અમેરિકન નોવેલિસ્ટ, ૧૮૬૨-૧૯૩૭)

એક મિનિટ!

બકાએ મેડિકલ સ્ટોરમાંથી દવા લીધી અને સેલ્સમેનને કહ્યું,

‘ખાંડ પણ આપો.’

‘અહીં ખાંડ નથી મળતી.’

‘અમે અભણ નથી, ભણેલા છીએ, ટોપા! દવા પર લખેલું છે જો, શ્યુગર ફ્રી! ખાંડ તો તારો બાપો પણ આપશે…’

( મુંબઇ સમાચાર : બુધવાર, 25 જાન્યુઆરી 2017)

1 comment for “પર્સનલ લાઈફ સરખી કરવામાં પ્રોફેશનલ લાઈફ ખોરવાઈ ગઈ

  1. January 25, 2017 at 6:31 PM

    IT IS OWER FLOW FOR OMPURI!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *