ઍક્ટર હવે સ્ટાર બને છે

૧૯૮૩માં ‘અર્ધસત્ય’ રિલીઝ થયા પછી ઓમ પુરીને નૅશનલ અવૉર્ડ તો મળ્યો જ, ઉપરાંત ઍક્ટર તરીકેનું સેલિબ્રિટી સ્ટેટસ પણ મળ્યું. કમર્શિયલ ફિલ્મો બનાવવાવાળા ઓમનો ભાવ પૂછવા લાગ્યા. નૅશનલ અવૉર્ડ તો ઓમને અગાઉ શ્યામ બેનેગલની ‘આરોહણ’ માટે પણ મળ્યો હતો, પરંતુ એ ફિલ્મ રિલીઝ જ થઈ નહોતી, એક્સેપ્ટ વેસ્ટ બેન્ગાલમાં. ‘અર્ધસત્ય’થી ઓમની ફેમ વધી પણ પૈસા કંઈ બહુ નહીં મળ્યા. જે કંઈ મળ્યા તેમાંથી ઘરમાં ફ્રિજ વસાવ્યું અને પિતાનો ટાઈમ પાસ થાય એટલે એક બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી લીધું. કૉલોનીમાં ઓમ અને એના પિતા સામે લોકો માનની નજરે જોવા લાગ્યા અને આપસમાં વાત કરવા લાગ્યા કે હવે આ બાપદીકરો આ રૂમ છોડીને પોતાની માલિકીના ફ્લેટ પર રહેવા જતા રહેશે. એમાંથી કોઈ વળી ટાપશી પૂરતું કે ફિલ્મ હિટ ગઈ છે, પણ એને બહુ પૈસા નથી મળ્યા. તો કોઈ એવી વાત વહેતી મૂકતું કે પૈસા તો બહુ મળ્યા હશે, આ ફિલ્મી લોકો તો ઘરમાં કૅશ સંતાડી રાખે. ઓમના પિતાને કાને આ વાત પડતી. એક દિવસ ઓમ ઘરે આવ્યા કે એમના પિતા એની છાતી પર રીતસરના ચડી બેઠા ને પૂછવા લાગ્યા: તેં બધા પૈસા ક્યાં સંતાડ્યા છે.’

‘અર્ધસત્ય’ પછી પૈસાની રેલમછેલ ભલે ન થઈ પણ કામ નિયમિત મળવા લાગ્યું. ચોંત્રીસ વર્ષની ઉંમરે હવે છેવટે ઓમ પુરી કહી શકતા હતા કે હું ફુલ ટાઈમ ફિલ્મ ઍક્ટર છું! હવે એમણે ભણાવવાની, થિયેટર કરવાની કે બીજી કોઈ નોકરી કરવાની જરૂર નહોતી. ૧૯૭૦માં પતિયાલા છોડીને દિલ્હી એન.એસ.ડી. જતી વખતે જે સપનું સેવેલું તે અલમોસ્ટ પંદર વર્ષે સાકાર થઈ રહ્યું હતું.

એઈટીઝનો દૌર હિન્દી સિનેમા માટે ગમે તેવો હોય પણ ટેલિવિઝન માટે ઈન્ટરેસ્ટિંગ હતો. આ દાયકાની શ્રેષ્ઠ ટીવી સિરિયલો-ફિલ્મો-સિરીઝમાં ઓમને કામ મળતું થયું. ૧૯૮૧માં સત્યજિત રાયની ટેલીફિલ્મ ‘સદ્ગતિ’માં લીડ રોલ કર્યા પછી આ દાયકામાં ઓમે શ્યામ બેનેગલની બે ટીવી સિરિયલોમાં કામ કર્યું એમાંની એક હતી ઈન્ડિયન રેલવે વાળી યાત્રા અને બીજી પંડિત નહેરુની ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’ પર આધારિત ‘ભારત એક ખોજ’ આ ઉપરાંત બાસુ ચેટર્જીની ‘કક્ાજી કહીં’. કેતન મહેતાની ‘મિસ્ટર યોગી’ (જે મધુ રાયની અફલાતૂન નવલકથા ‘કિમ્બલ રેવન્સવૂડ’ પર આધારિત હતી), ગુલઝારની ‘કિરદાર’ અને ગોવિંદ નિહલાનીની મૅગ્નમ ઓપ્સ સિરિયલ ‘તમસ’ જે બલરાજ સાહનીના ભાઈ ભીષ્મ સાહનીની વેલ સેલિબ્રેટેડ નૉવેલ ‘તમસ’ પર આધારિત હતી.

આ ગાળામાં ઓમે રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં પણ એક નાનકડો રોલ કર્યો. ‘અર્ધસત્ય’ પછી ઓમ પુરીએ એમના મિત્ર મનમોહન શેટ્ટીને કહ્યું કે હવે મારે ફ્લેટ ખરીદવો જોઈએ પણ પૈસા નથી. મિત્રોની મદદથી ઓમ પુરીએ મુંબઈમાં પહેલી પ્રોપર્ટી ખરીદી. નવા વિક્સી રહેલા ઉપનગર વરસોવામાં બે બેડરૂમ હોલ-કિચનનો ફ્લેટ ખરીદ્યો. સાત બંગલા પર આવેલા સાત માળના ‘ત્રિશૂલ’ નામના બિલ્ડિંગના ટૉપ ફ્લોર પરના આ ફ્લેટમાંથી મઢ આયલૅન્ડ સુધીનો અરબી સમુદ્ર દેખાતો હતો અને બીજી તરફ હરિયાળી જ હરિયાળી દેખાતી હતી. એ પછીના અલમોસ્ટ અઢી દાયકા ઓમ પુરી એ જ ફ્લેટમાં જીવ્યા, ખૂબ સુખી થયા અને દુખી પણ એટલા જ થયા. ઓમના મિત્ર મનમોહન શેટ્ટી એટલે જેમણે ૧૯૭૬માં ઍડલેબ્સ નામની ઍડ ફિલ્મના પ્રોસેસિંગ માટેની કંપની શરૂ કરી હતી તે. થોડા જ વખતમાં એમણે ગોરેગાંવની ફિલ્મસિટીમાં અત્યંત આધુનિક ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરી શરૂ કરી. પછી ફિલ્મ નિર્માણમાં પણ ઝુકાવ્યું. ‘અર્ધ સત્ય’, ‘ચક્ર’, ‘હિપ હિપ હુર્રે’, ‘હોલી’ અને બીજી ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી. એ પછી એમણે વડાલામાં ઈન્ડિયાનું ફર્સ્ટ અને લાર્જેસ્ટ થિયેટર ‘આઈમેક્સ’ બનાવ્યું. એમની દીકરી પૂજા શેટ્ટી પણ પિતાની જેમ ફિલ્મલાઈન સાથે સંકળાયેલી છે, ખાસ કરીને ફિલ્મ પ્રોડક્શનમાં એક જમાનામાં કૉંગ્રેસની તિજોરી ગણાતા મુંબઈના સંસદસભ્ય મુરલી દેવરાનો પુત્ર મિલિન્દ દેવરા (એ પણ એમ.પી. છે) પૂજા શેટ્ટી સાથે પરણ્યો છે.

નવા ફ્લૅટમાં ગોઠવાઈ ગયા પછી ઓમ પુરીએ સત્યપ્રકાશ દુબે કરીને એક સેક્રેટરી રાખ્યા. જે ઓમની ડેટ્સ સાચવતા, ફીઝ કલેક્ટ કરતા, ઘરનાં બિલો ભરાવતા, અઠવાડિયે અનાજ-શાકભાજી ખરીદાવતા, ગૅસ ઑર્ડર કરતા, ગાડી રિપેર કરાવતા, બધું જ કરતા. દુબેજીએ ઓમની સાથે બે દાયકા વીતાવ્યા.

દુબેજી ઉપરાંત ઓમે વિજય સાવંત નામના એક રેગ્યુલર મેકઅપ મેનને હાયર કર્યો જે એમની સાથે રપ વર્ષ કરતાં વધુ સમય માટે કામ કર્યું.

દુબેજી પછી સુનીલ ગૌડે એમનું કામ સંભાળી લીધું જે અગાઉ લતા મંગેશકર અને ગુલઝાર સાથે કામ કરી ચૂક્યો હતો. સુનીલને કારણે ઓમ પુરી ક્રમશ: સ્મૉલ બજેટ ફિલ્મમાંથી બિગ બૅનરની ફિલ્મો કરવા લાગ્યા. પોતાના પગ પર ઊભા રહેતા થઈ ગયેલા ઓમે ધીમેક રહીને કુટુંબના બાકીના સભ્યોનો ટેકો બનવાનું શરૂ કરી દીધું.

આવતી કાલે પૂરું

આજનો વિચાર

યુ.પી.માં કૉંગ્રેસને અઢીસો નહીં પણ ત્રણસો સીટ મળશે…

…પણ બીજા દિવસે પાછી લઈ જાશું!

– કાળુભાઈ મંડપ-ખુરશીવાળા

(વૉટ્સઍપ પર વાંચેલું)

એક મિનિટ!

બકો બાઈક પર જતો હતો. આગળ ઍક્ટિવા પર એક ગોગલ્સવાળી છોકરી જતી હતી. અચાનક એ સિગ્નલ બતાવ્યા વિના રાઈટમાં વળી ગઈ. બકો બઘવાઈને ચીડાયો.

‘કંઈ નહીં તો જરા સિગ્નલ આપીને રાઈટમાં જઉં છું એટલું તો કહેવું જોઈએ.’

‘એેમાં શું કહેવાનું? હું તો રોજ અહીંથી જ રાઈટમાં જઉં છું.’

( મુંબઇ સમાચાર : મંગળવાર, 24 જાન્યુઆરી 2017)

1 comment for “ઍક્ટર હવે સ્ટાર બને છે

  1. Mansukhlal Gandhi
    January 26, 2017 at 1:39 AM

    Very Nice………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *