ત્રીસ હજારમાં જિંદગીની પહેલી ગાડી ડુક્કર ફિયાટ ખરીદી

‘આ માણસ ન તો હીરો જેવો દેખાય છે, ન વિલન જેવો લાગે છે, ન કૉમેડિયન જણાય છે. એ કઈ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કામ લાગવાનો છે?’

ઓમ પુરીએ પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ માટેના ઈન્ટરવ્યૂ વખતે બે નાટ્યખંડનું પઠન કરાવાયું હતું. એક પરીક્ષકોએ આપેલો નાટ્યખંડ બીજો પોતાને મનગમતો ઓમ પુરીએ શેક્સપિયરના ‘જુલિયટ સીઝર’ નાટકમાંથી માર્ક એન્ટનીની સ્પીચ રજૂ કરી. બેઉ પૅસેજ ખૂબ પ્રભાવશાળી રહ્યા. ઈન્ટરવ્યૂ લેનારાઓને સંતોષ તો થયો પણ એમને આ સવાલ થયો, જે સાંભળીને ઈન્સ્ટિટયૂટના તે વખતના ડિરેક્ટર ગિરીશ કર્નાડે કહ્યું, ‘એ કંઈ આપણો પ્રૉબ્લેમ નથી. ૧૯૭૩ની આ વાત. ગિરીશ કર્નાડને સમર્થન આપતાં અભિનેતા સ્વ. જયરાજે કહ્યું હતું, ‘એને ઈન્ટરવ્યૂમાં સારા માર્ક્સ મળ્યા છે. માત્ર લુક્સના આધારે આપણે એને રિજેક્ટ ના કરી શકીએ.’

ગિરીશ કર્નાડે ફર્સ્ટ યરના ઉનાળાના વેકેશનમાં ઓમ પુરીને બી. વી. કારંથની એક કલાકની ચિલ્ડ્રન્સ ફિલ્મ ‘ચોર ચોર છુપ જાયે’માં લીડ રોલ અપાવ્યો જેમા મહેનતાણારૂપે રૂ. ૩,૦૦૦ મળ્યા. ટેક્નિકલી ગણો તો ઓમ પુરીની આ પહેલી ફિલ્મ. ઓમના બૅચમાં સુરેશ ઓબેરોય, રાકેશ બેદી, સતીષ શાહ અને દિલીપ ધવન હતા. નસિરુદ્દીન શાહ એમના કરતાં વરસ સિનિયર હતા. એ જ ગાળામાં ડિરેક્શનના કોર્સમાં વિધુ વિનોદ ચોપરા, કુન્દન શાહ, ડેવિડ ધવન, કેતન મહેતા અને સઈદ મિર્ઝા હતા, ઍડિટિંગના કોર્સમાં રેણુ સલુજા અને સાઉન્ડમાં નરિન્દર સિંહ તથા સિનેમેટોગ્રાફીમાં નદીમ ખાન હતા.

૧૯૭૭ સુધી ઓમ પુરીને મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાર્ડલી કંઈ કામ મળ્યું. ક્યાંક કોઈ નગણ્ય રોલ કરવા મળે કે પછી વૉઈસઓવરનું કામ મળી જાય એમાંથી ગુજરાન ચાલતું. ૧૯૭૭માં ગિરીશ કર્નાડ અને બી. વી. કારંથે ભેગા મળીને એક ફિલ્મ ડિરેક્ટ કરી ‘ગોધૂલિ’. એમાં કુલભૂષણ ખરબંદા, ઓમ પુરી અને નસિરુદ્દીન શાહ હતા એ પછી ‘શાયદ’ નામની એક ફિલ્મ કરી. ઓમ પુરીએ પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયૂટના એમના ટીચર રોશન તનેજાએ મુંબઈમાં શરૂ કરેલી ‘ઍક્ટર્સ સ્ટુડિયો’ નામની એક્ટિંગ સ્કૂલમાં પણ ૮૦૦ રૂપિયાના માસિક પગારે ભણાવ્યું. ઓમનો સબ્જેક્ટ સ્પીચ અને મુવમેન્ટ હતો. ઓમના વિદ્યાર્થીઓમાં અનિલ કપૂર, ગુલશન ગ્રોવર, મઝહર ખાન, સુરિન્દર પાલ, મદન જૈન વગેરે હતા.

૧૯૮૦માં ઓમ પુરીને ફર્સ્ટ બિગ બ્રેક મળ્યો. નસિરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, અમરિશ પુરી અને ઓમ પુરીને લઈને ગોવિંદ નિહલાનીએ પોતાની પહેલી ફિલ્મ બનાવી જેને ૬ ફિલ્મફેર અવૉર્ડ મળ્યા. ઓમ પુરીને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ફિલ્મફેર મળ્યો. બાકીના પાંચમાં ગોવિંદ નિહલાની (ડિરેક્ટર), નસિરુદ્દીન શાહ (ઍક્ટર), વિજય તેંડુલકર સ્ક્રીનપ્લે તેમ જ સ્ટોરી અને આર્ટ ડિરેક્શન માટે સી. એસ. ભટ્ટ આર્ટ ફિલ્મ અથવા તો પૅરેબલ ફિલ્મને આટલા બધા ફિલ્મફેર અવૉર્ડ મળે એવું આ પહેલીવાર બન્યું. આદિવાસી ભીખુના રોલમાં ઓમ પુરીનો અભિનય જોઈને અનેક ફિલ્મેર્ક્સ પ્રભાવિત થયા જેમાંના એક હતા સત્યજિત રાય.

મુન્શી પ્રેમચંદની વાર્તા પરથી સત્યજિત રાયે દૂરદર્શન માટે બાવન મિનિટની એક ટેલિફિલ્મ બનાવી જેમાં અસ્પૃશ્યતાની વાત હતી. ઓમ પુરીએ દુખી નામના મૂંગા મોચીનો રોલ ભજવ્યો હતો. સ્મિતા પાટિલ, મોહન અગાશે અને ગીતા સિદ્ધાર્થ પણ એમાં હતાં.

૧૯૭૭માં શ્યામ બેનેગલે સ્મિતા પાટિલવાળી ‘ભૂમિકા’ બજાવી હતી. ગોવિંદ નિહલાની એમના સિનેમેટોગ્રાફર ભૂમિકામાં ઓમ પુરીનો સાવ નાનકડો રોલ હતો. ગોવિંદા અને ઓમ ત્યારે પહેલી વાર મળ્યા. એ પછી ઓમ પુરીએ ‘અર્ધસત્ય’ (૧૯૮૩) અને ટીવી સિરીઝ ‘તમસ’ (૧૯૮૭)માં ગોવિંદ નિહલાની માટે કામ કર્યું. આ ઉપરાંત નિહલાનીની ‘પાર્ટી’ (૧૯૮૪), ‘આઘાત’ (૧૯૮૫), ‘દ્રોહકાલ’ (૧૯૯૪) અને ‘દેવ’ (૨૦૦૪)માં પણ ઓમે કામ કર્યું.

‘આક્રોશ’થી લાઈમલાઈટમાં આવ્યા પછી થોડા જ વખતમાં ઓમ પુરીને ‘ધ જ્વેલ ઈન ધ ક્રાઉન’ નામની વિદેશી ટેલિવિઝન સિરીઝમાં કામ મળ્યું. એમાંથી મળેલા પચાસ હજાર રૂપિયાના ભવ્ય મહેનતાણામાંથી ઓમે જિંદગીની સૌથી પહેલી કાર લીધી. એ વખતે ૧૯૫૩ના મૉડલની ફિયાટ (ડુક્કર ફિયાટ) સેક્ધડ હૅન્ડમાં ત્રીસ હજારમાં પડી હતી. રહેવાનું જોકે, પેઈંગ ગેસ્ટ તરીકે જ ચાલુ હતું. બાન્દ્રા, બોરીવલી વગેરેનાં ઠેકાણાં બદલીને ઓમ પુરી તે વખતે મરીન ડ્રાઈવના ક્વીન્સ નેકલેસ પરના ફેમસ ‘ગંગા વિહાર’ બિલ્ડિંગના એક અપાર્ટમેન્ટમાં પેઈંગ ગેસ્ટ તરીકે ગોઠવાઈ ગયા હતા. થોડા વખત પછી ઑમ પુરીએ પિતા મુંબઈ આવીને પોતાની સાથે રહી શકે એ માટે અંધેરી ઈસ્ટની ભગતસિંહ કૉલોનીમાં રૂમ રાખી. અલબત્ત, ભાડે.

૧૯૭૮માં ઓમ પુરીએ ‘મજમા’ (મંડળી) નામનું પોતાનું થિયેટર ગ્રુપ બનાવીને નાટકો કરવા માંડ્યા, પહેલું નાટક દાદરની છબિલદાસ સ્કૂલમાં કર્યું. ‘ઉધ્વસ્ત ધર્મશાલા’. ‘મજમા’માં નસિરુદ્દીન શાહ, રોહિણી હટ્ટંગડી, મદન જૈન વગેરે સ્થાપક સભ્યો તરીકે જોડાયા હતા. ‘મજમા’ના નાટકોમાં આ ઉપરાંત રતના પાઠક, કરન રાઝદાન, પ્રિયા તેન્ડુલકર વગેરે પણ કામ કરતાં.

‘મજમા’નાં નાટકો લઈને ઓમ પુરી કલકત્તા અને અમદાવાદ પણ જતા. ૧૯૭૮માં જ જુહુ પર પૃથ્વી થિયેટર શરૂ થયું. ૫ નવેમ્બર ૧૯૭૮ના દિવસે પૃથ્વીનું ઉદ્ઘાટન થયું એ દિવસે જ સૌથી પહેલું નાટક એના તખ્તા પર ભજવાયું તે હતું ઓમ પુરી – નસિરુદ્દીન શાહનું ‘ઉધ્વસ્ત ધર્મશાલા’. ‘પૃથ્વી’ને લીધે શશી કપૂર સાથે ઓળખાણ થઈ અને એમની ‘કલિયુગ’ (૧૯૮૧)માં નાનકડો રોલ મળ્યો.

‘ઉધ્વસ્ત ધર્મશાલા’ના પૃથ્વીના ઉદ્ઘાટન શોમાં જેનિફર કપૂરે કહેલું કે ‘આપણે ઑડિયન્સ પાસેથી ટિકિટના પૈસા નથી લેવાના, માત્ર ટોકન તરીકે એક રૂપિયો જ લઈશું. પચાસ જણ આવશે તો ૫૦ રૂપિયા ભેગા થશે અને બાર જણ આવશે તો ૧૨.’

ઓમ પુરીએ જેનિફરને કહેલું, ‘તો પછી તમે થિયેટર ચલાવશો કેવી રીતે!’

‘મજમા’ની શરૂઆત થઈ ત્યારે ઓમ પુરીએ ઑડિયન્સ પાસેથી ટિકિટના પૈસા લેવાને બદલે ખુદ પૃથ્વી રાજ કપૂર એક જમાનામાં જે કરતા તે રીતે પૈસા લેવાનું નક્કી કર્યું હતું. દરેક પ્રયોગ પછી એક યુનિટ બૉય ચાદર કે કશું લઈને બે હાથ ફેલાવીને ઊભો રહે. જેને જેટલા નાખવા હોય એટલા નાખે. ના નાખે તોય કોઈ વાંધો નથી. ઓમ પુરીએ એ યુનિટ બૉયને સ્ટ્રિકટ સૂચના આપી રાખી હતી કે તારે મૂંડી નીચી રાખવાની, કોઈનીય સામે જોવાનું નહીં, જેથી એક પણ પ્રેક્ષકને અજૂગતું ના લાગે.

એ પછી નસિરુદ્દીન શાહે પોતાનું થિયેટર ગ્રુપ ‘મોટલી’ (શંભુમેળો) શરૂ કર્યું. તે વખતે ‘મોટલી’નાં નાટકોની રજૂઆત ‘મજમા’ કરતું, પણ થોડા જ વખતમાં ‘મોટલી’એ ‘મજમા’ને પોતાનામાં સમાવી દીધું. ‘મજમા’નું કોઈ નાટક હોય તે ‘મોટલી’ આઉટરાઈટ લઈને શો કરે અને એની બધી કમાણી ‘મજમા’ને આપી દે. ઓમ-નસિર વચ્ચેની આવી દોસ્તી. અત્યારે પણ ‘મોટલી’ના બૅનર હેઠળ નાટકો થાય છે, ખુદ નસિરુદ્દીન શાહ પોતે એ નાટકો કરે છ, પણ ‘મજમા’ ક્યારનું સંકેલાઈ ગયું અને હવે તો ઓમ પુરી પણ ન રહ્યા.

આજનો વિચાર

હુઆ હૈ તુઝ સે બિછડને કે બાદ યે માલૂમ
કે તૂ નહીં થા, તેરે સાથ એક દુનિયાથી.

– અહમદ ફરાઝ

એક મિનિટ!

અમુક છોકરીઓને બે બૉયફ્રેન્ડ હોય છે.

એક, સગો બૉયફ્રેન્ડ

અને

બીજો, સાવકો બૉયફ્રેન્ડ!

( મુંબઇ સમાચાર : સોમવાર, 23 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *