ગુજરાતી લખાણોમાં અંગ્રેજી શબ્દો ચાલે? નો, નેવર

દુનિયાની દરેક ભાષા બીજી ભાષાઓને કારણે સમૃદ્ધ થતી હોય છે. ‘પરાઠા’ અને ‘ઘેરાવ’ સહિતના હજારો હિન્દી શબ્દોને અંગ્રેજીના આધારભૂત શબ્દકોશ ગણાતી ઑક્સફર્ડ ડિક્શનરીએ માન્યતા આપી છે. વર્ષો પહેલાં મહારાષ્ટ્રની ‘રાજ્ય મરાઠી વિકાસ સંસ્થા’ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મરાઠી ભાષામાં પાંચથી સાત ટકા જેટલા શબ્દો અંગ્રેજીના ઘૂસી ગયા છે અને હિન્દી-ઉર્દૂના પણ અનેક શબ્દો મરાઠી ભાષીઓ બોલતી-લખતી વખતે છૂટથી વાપરે છે. મરાઠી પ્રજાએ ઘણા અંગ્રેજી શબ્દો પ્રેમથી અપનાવી લીધા છે જેનો પુરાવો તમને આજકાલનાં મરાઠી નાટકો, મરાઠી ફિલ્મો તેમ જ મરાઠી સાહિત્યનાં (તેમ જ સાહિત્યેતર) પુસ્તકો પરથી મળી રહે. રોજબરોજની બોલચાલની ભાષામાં તો મરાઠીભાષીઓ અંગ્રેજી શબ્દોનો છૂટથી વપરાશ કરતા જ હોય છે. આમ છતાં કેટલાક મરાઠી અખબારો હજુય કેલ્કયુલેટરને ‘ગણકયંત્ર’ અને ક્રિકેટના બોલ તથા સ્કોરબોર્ડને ‘ચેન્ડુ’ અને ‘ધાવફલક’ તરીકે ઓળખાવાનો આગ્રહ રાખે છે. આ કંઈ પોતાનું સ્વાભિમાન નથી, મિથ્યાભિમાન છે. આની સરખામણીએ ગુજરાતી છાપાંના પત્રકારો પણ ઓછા ઊતરે એવા નથી. અખબારો જ્યારે રૌપ્ય ચંદ્રક લખતા હોય છે ત્યારે વાચકો તંત્રીનો કાન પકડીને ફરિયાદ કરતા હોય છે કે અમને સમજ પડે એવી રીતે સિલ્વર મેડલ લખો ને. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ છે અને એમને પ્રેસિડન્ટ રહેવા દેવા જોઈએ, અમેરિકાના પ્રમુખ કે રાષ્ટ્રપતિ શું કામ બનાવવા? ભારતની સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટ અને સેશન્સ કોર્ટને શા માટે કોઈએ સર્વોચ્ચ અદાલત, ઉચ્ચ ન્યાયલય કે સત્ર અદાલત બનાવવી જોઈએ. આવું જ કરવા જઈશું તો રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાને શું નામ આપશું? ફૉર ધૅટ મૅટર બાકીની તમામ બૅન્કોને બૅન્કને બદલે શું ‘પતપેઢી’ તરીકે ઓળખીશું? નોનસેન્સ (અથવા તો કહો કે બેવકૂફી). ઘણા ગુજરાતી લેખકોને એકેએક શબ્દનું ગુજરાતીકરણ કરી નાખવાનો પાશવી શોખ હોય છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં એસ.એસ.સી.ના ભૌતિકશાસ્ત્રના (ફિઝિકસના, ફૉર યૉર ઈન્ફર્મેશન) પાઠ્યુપુસ્તકમાં ચાર પૈડાં અને બે પૈડાંનાં વાહનોની રચનાનો ખ્યાલ આપવામાં આવે છે ત્યારે ફોર સ્ટ્રોક અને ટુ સ્ટ્રોક (એન્જિન) જેવી ટર્મિનોલોજીનું ગુજરાતીકરણ ‘ચાર ફટકા’ અને ‘બે ફટકા’ કરવામાં આવતું. પેલા અંગ્રેજી શબ્દો જ્યારે ગેરેજના કોઈ અભણ મિકેનિકને પણ ખબર હોય અને આ ગુજરાતી શબ્દો ક્યારેય કોઈ રીતે વપરાવાના ન હોય કે યંત્રની રચના સમજવામાં ઉપયોગી થવાના ન હોય ત્યારે એનો અનુવાદ, અને તેય કઢંગો તરજૂમો, કરવાનો અર્થ શું? છાપાં કે પ્રાઠ્યપુસ્તકોમાં આવા શબ્દો જ્યારે વારંવાર વપરાય છે ત્યારે વાચકો-વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાથી વિમુખ થતા જાય છે.

‘રાજ્ય મરાઠી વિકાસ સંસ્થા’ના સર્વેક્ષણમાં ખબર પડી કે ગ્રામ્ય વિસ્તારના નિરક્ષર ખેડૂતો ખેતરનો સામાન ખરીદતી વખતે ‘મટીરિયલ’ શબ્દ છૂટથી વાપરે છે. ઉપરાંત, બસ સ્ટૉપ, એડિટર અને પેપર (ન્યૂઝ પેપર માટે) જેવા શબ્દો પણ તેઓએ સાહજિક રીતે બોલચાલતી રોજિંદી ભાષામાં વણી લીધા છે. મહારાષ્ટ્રમાં ગઢચિરોલી વિસ્તારના મરાઠીઓ ઉર્દૂ શબ્દો ખૂબ વાપરે છે. નાગપુર તરફ તેલુગુપ્રચુર મરાઠી વપરાય છે અને નાસિકની આસપાસના પ્રદેશમાં મરાઠીનું ગુજરાતીકરણ (અથવા તો ગુજરાતીનું મરાઠીકરણ) થયેલું જોવા મળે છે: તૂ ભાંડી ઘસૂન લૌકર પાછો આવી જા.

ગુજરાતી લખાણોમાં ઘણાનો આગ્રહ હોય છે કે એમાં આવતા અંગ્રેજી શબ્દોનો ગુજરાતીમાં અનુવાદ થવો જોઈએ. કેટલાક લેખકો ખૂબ જ ચીવટપૂર્વક એક પણ અંગ્રેજી શબ્દ પોતાના લખાણમાં ઘૂસી ન જાય એનું ધ્યાન રાખીને લખતા હોય છે. આવા લેખકોના શબ્દો ભાષાની સુગંધથી મહેકી શકતા નથી. ચંદ્રકાન્ત બક્ષી જેને ‘ડી.ડી.ટી.થી છાંટીને સાફ કરેલી ભાષા’ કહેતા એવી એ ભાષા હોય છે. વાંચતી વખતે નાક બંધ કરી દેવું પડે એવી.

આવા લેખકોની બરાબર સામેના છેડે ઊભેલા લેખકો ગુજરાતીમાં લખતા હોય ત્યારે માત્ર લિપિ જ ગુજરાતી રાખતા હોય છે, બાકી બધું જ અંગ્રેજીમાં. ભરપૂર અંગ્રેજી શબ્દો વાપરીને વાચકોને ઈમ્પ્રેસ કરવા માગતા લેખકોએ ગુજરાતી ભાષા છોડીને અંગ્રેજીમાં લખવાનું શરૂ કરી દેવું જોઈએ, તરત ખબર પડી જશે કે પોતે કેટલા પાણીમાં છે. ગુજરાતી લખાણોમાં એક આખી ઓક્સફર્ડ ડિક્શનરી ખાલી કરી નાખનારા લેખકો નથી ગુજરાતી સારું લખી શકતા કે નથી અંગ્રેજી સારું લખી શકતા. એમની સંકર ભાષાને ઓળખવા સુરેશ દલાલે ‘ગુજરેજી’ અને ‘ગુજલિશ’ શબ્દો કૉઈન કર્યા હતા.

બે અંતિમો ધરાવતા આવા લેખકો ઉપરાંત એક ત્રીજી પણ જાત છે લેખકોની જેમની ગુજરાતી ભાષામાં અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દો બહુ સાહજિકપણે આવી જાય, આપણે વાતચીત કરતા હોઈએ એવું લાગે. અંગ્રેજી શબ્દોના ઉપયોગથી તેઓ ગુજરાતી ભાષાની કેટલીક ત્રુટિઓને ઢાંકીને પોતાની વાતને યોગ્ય રીતે અને વધુ ભારપૂર્વક વ્યક્ત કરી શકતા હોય છે (ગુજરાતી ભાષાની ત્રુટિઓ અને મર્યાદાઓ નથી એવું કોઈ ન કહે, મર્યાદાઓ દરેક ભાષાની હોય છે, જેમ ખૂબીઓ દરેક ભાષાની હોય છે એમ).

છાપાં-મેગેઝિનો કે પુસ્તકો માટે લખતા લેખકોની ભાષાને આ ત્રણ ખાનાંમાં વહેંચી શકાય. આમ છતાં, એક વાત જોઈ છે કે, ઘણા બધા વાચકોને ગુજરાતી લખાણોમાં આવતા અંગ્રેજી શબ્દો વરિયાળીમાં કાંકરી ચવાઈ જાય એમ કઠતા હોય છે. બરાબર ત્રણ દાયકા અગાઉ તિથલનિવાસી આપણા તેજસ્વી ફોટોગ્રાફર સ્વ. અશ્ર્વિન મહેતાએ પત્રકાર શીલા ભટ્ટને મારા વિશે ફરિયાદ કરતાં કહ્યું હતું: ‘આ સૌરભ નકામા નકામા અંગ્રેજી શબ્દો ખૂબ વાપરે છે!’

આ વાતની નોંધ મેં તે વખતે સુરતના ‘ગુજરાત મિત્ર’માં છપાતી મારી દૈનિક કોલમ ‘તારીખ અને તવારીખ’માં લઈને છેલ્લે લખ્યું હતું: આ કૉલમ વિશેના આવા અભિપ્રાયથી હું ખરેખર ચિંતિત થઈ ગયો છું. ખૂબ મનન પછી મને લાગે છે કે મારાં લખાણોમાં આવતા અંગ્રેજી શબ્દોને મારે કૉન્શ્યસલી અવૉઈડ કરવા જોઈએ.

કાગળ પરના દીવા

ભાષા તો દિમાગની બત્તી છે.

– જૉન સ્ટુઅર્ટ મિલ

સન્ડે હ્યુમર

રિપોર્ટર: કેજરીવાલજી, સલમાન ખાન છૂટી ગયો. તમારી શું પ્રતિક્રિયા છે.

કેજરીવાલ: મેં તો પહેલેથી જ કહ્યું હતું – હિરણને મોદીએ માર્યું છે.

( મુંબઇ સમાચાર : રવિવાર, 22 જાન્યુઆરી 2017)

1 comment for “ગુજરાતી લખાણોમાં અંગ્રેજી શબ્દો ચાલે? નો, નેવર

  1. January 23, 2017 at 5:20 PM

    સંપુર્ણ સહમત. અમારી જનરેશનની તકલીફ એ છે કે અમેં એ વાતાવર્ણમાં મોટા થયા છીએ કે અમારી માટે શુધ્ધ ગુજરાતી લખવું-વાચવું-સમજવું એક નવી ભાષા સમજવા જેવું લાગે.

    ચલો, મારા લખાણની ભાષા પ્રત્યે ફરિયાદ કરતા લોકોને બતાવવા માટે આ પોસ્ટની લીંક હવે સાચવીને રાખવામાં આવશે.. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *