જેમને ઈંગ્લિશના ફાંફા હતા એમનું બ્રિટિશરોએ સન્માન કરવું પડ્યું

ગુજરાતી માધ્યમમાં ભણવાનો એક મોટો ગેરફાયદો એ થતો હોય છે કે તમારું અંગ્રેજી ફ્લ્યુઅન્ટ નથી હોતું. હું એકથી દસ ધોરણ ખારની પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં ભણ્યો. પૂરેપૂરું ગુજરાતી મિડિયમ. ન્યુ એસ.એસ.સી.ના પહેલા બૅચમાં પાસ થઈને અગિયારનું કરવા ન્યુ ઈરામાં જ્યાં ઇંગ્લિશ મિડિયમ. કૉમર્સના સબ્જેક્ટમાં મિસિસ દામાણી કરીને ટીચર ભણાવે. એમને એક્સન્ટ, એટિટ્યુડ અને બૉડી લૅન્ગ્વેજ બધું જ ઇંગ્લિશ! બૂચસર જેવા બીજા શિક્ષકો અમને સમજાય એવા ઉચ્ચારોમાં અંગ્રેજી બોલે અને ક્યારેક ગુજરાતીમાં પણ સમજાવી દે. એસ.એસ.સી.માં મારી સ્કૂલમાં અંગ્રેજીમાં મારા હાઈએસ્ટ માર્ક્સ આવ્યા હતા. ૧૦૦માંથી ૮૭. પણ મિસિસ દામાણી ક્લાસમાં આવે ત્યારે એમનું અંગ્રેજી સમજતાં છક્કા છૂટી જાય. મૂળ ન્યુ ઈરાના સ્ટુડન્ટ્સને પણ ન સમજાય. બે મહિના થઈ ગયા અને યુનિટ ટેસ્ટ કે પછી સત્રાંત પરીક્ષા નજીક આવી. મિસિસ દામાણી ક્લાસ લઈને જાય પછી અમારા ક્લાસની છોકરીઓ અને છોકરાઓ અંદરઅંદર બહુ બળાપો કાઢે પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? એક દિવસ આગળપાછળનું કંઈ વિચાર્યા વિના મિસિસ દામાણીએ બોલવાનું શરૂ કર્યું એટલે મેં હાથ ઊંચો કરીને એમને રોક્યા. એમણે પૂછયું શું છે? એટલે મેં ગુજરાતીમાં જ, ‘એમને તમારું અંગ્રેજી કંઈ સમજાતું નથી’ વગેરે વગેરે ફરિયાદ કરી અને બે મિનિટ પછી પરસેવો વળી ગયો એટલે બેસી ગયો. એ દિવસે રિસેસમાં હું ક્લાસનો હીરો હતો. બીજા દિવસે મિસિસ દામાણી સ્ટાઈલ છોડીને અમને સમજાય એવા ઉચ્ચારોમાં બોલતા થઈ ગયા.

ટ્વેલ્ફ્થ માટે સિડનહૅમ કૉલેજ જોઈન કરી પણ ત્યાં સુધી અંગ્રેજી વાંચવાનો કોઈ મહાવરો નહીં અને આ બાજુ ગુજરાતીમાં વાંચવા જેવું બધુ જ વાંચી નાખેલું. કૉલેજમાં સ્કૂલના કેટલાક જૂના મિત્રો સાથે હતા જે હવે સીએ છે. એ જપિન-નિશિથ ના હોત તો મેં અંગ્રેજી નવલકથાઓ વાંચવાનું શરૂ ના કર્યું હોત. એના બેએક વર્ષમાં જ ‘ગ્રંથ’ અને પછી ‘પ્રવાસી’ જોઈન કર્યું ત્યારે હું અંગ્રેજી ન્યૂઝ પેપર્સ અને મૅગેઝિનો વાંચતો થઈ ગયેલો. એ પછી છાપાંની લાઈનમાં અનુવાદો કરવા પડે એટલે અંગ્રેજી વધુ આવડતું થયું. ધીમે ધીમે બોલવાનું થતું ગયું અને ક્યારેક લખવાનું પણ. ગુજરાતી માધ્યમમાં ભણીને મોટા થયેલાઓ માટે મારે હિસાબે આ જ બેસ્ટ છે. અંગ્રેજી છાપાં-મૅગેઝિનો વાંચો એટલે અંગ્રેજી આવડતું જાય અને પછી અંગ્રેજી પુસ્તકો વાંચવા માંડો. હવે તો ટીવી પર અંગ્રેજી સમાચાર સાંભળી શકીએ અને સબ ટાઈટલ્સવાળી અંગ્રેજી ફિલ્મો પણ થિયેટરોમાં જોઈ શકીએ. અંગ્રેજી શીખવા કરતાં અંગ્રેજી ન આવડવાની લઘુતાગ્રંથિનો હાઉ બહુ મોટો હોય છે. કડકડાટ અંગ્રેજી બોલનારાઓથી આપણે જલદી ઈમ્પ્રેસ થઈ જઈએ છીએ પણ જોતા નથી કે એમનું ગ્રામર સાચું છે કે નહીં, એમણે યોગ્ય જગ્યાએ યોગ્ય વિશેષણો, શબ્દો વાપર્યા છે કે નહીં. કડકડાટ અંગ્રેજી બોલનારાઓ હાસ્યાસ્પદ હિંદી બોલશે તો પણ આપણે ચલાવી લઈશું. આ આપણી લઘુતાગ્રંથિ છે. અંગ્રેજી આવડવું જોઈએ અને કડકડાટ બોલી શકીએ તો તે સારું જ છે પણ ન બોલી શકીએ તો એમાં શરમાવાની કંઈ જરૂર નથી. અંગ્રેજી બોલતી વખતે એમાં આપણું ગુજરાતીપણું ડોકાય તોય કંઈ વાંધો નથી. હૉલીવૂડના એકટરોમાં પણ મૂળ અમેરિકન એક્ટર્સના ઉચ્ચારો ઑસ્ટ્રેલિયામાં જન્મ્યા/ઉછર્યા હોય એવા ઍકટરોના ઉચ્ચારો કરતાં ઘણા જુદા હોવાના ઈવન બ્રિટનના અને સ્કૉટલૅન્ડના ઍકટરોનું ઇંગ્લિશ પણ જુદું જુદું હોવાનું અને ફ્રાન્સ તથા ઈટલિના અભિનેતાઓ અંગ્રેજી બોલતા હોય તો તમને ખ્યાલ આવી જાય કે તેઓ મૂળ ક્યા ગામના છે. હેવિલી એકસેન્ચ્યુએટેડ અને સ્લૅન્ગ શબ્દો ધરાવતું અંગ્રેજી ક્યારેક ન સમજાય તો ન સમજાય, એમાં કોઈ વાંધો નથી. જેઓ ગુજરાતી નથી છતાં જેમને ગુજરાતી ભાષા સારી રીતે બોલતાં કે સાંભળતાં કે વાંચતાં આવડે છે એમને શું ચરોતરી/ કાઠિયાવાડી/ સુરતી બોલીમાં બોલાતું ગુજરાતી સમજવાના ફાંફાં નથી પડતા? એવું જ આપણું હોવાનું.

તમને થશે કે ઓમ પુરીની વાતમાં વચ્ચે આ અંગ્રેજી આવડવાવાળી વાત ક્યાં ઘૂસી ગઈ. સકારણ પ્રવેશી છે. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પ્રવેશ્યા પછી ઓમને અંગ્રેજીને કારણે ભારે મુસીબત પડતી. પોતે પંજાબી અને હિંદી માધ્યમમાં ભણીને આવેલા અને અહીં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું જે સમજાય નહીં એટલે ઓમ ફ્રસ્ટ્રેટ થાય. ઈન્સ્ટિયૂટના મોટા ભાગના સ્ટુડન્ટ્સ અંગ્રેજી માધ્યમમાં ભણીને આવેલા. થોડા મહિનામાં જ ઓમ એટલા નાસીપાસ થઈ ગયા કે એનએસડી છોડીને પતિયાલા ભેગા થઈ જવા માગતા હતા. ત્યાં જઈને કોઈ સરકારી ઓફિસમાં કલાર્ક થઈ જઈશું, ઓમે વિચારી લીધેલું.

ઈબ્રાહિમ અલકાઝી તે વખતે એનએસડીના ડિરેક્ટર. ભારતીય રંગમંચ ક્ષેત્રે બહુ મોટું નામ એમનું. અલકાઝીને ખ્યાલ આવ્યો કે ઓમ શું કામ મુંઝાય છે. એક દિવસ એમણે ઓમને બોલાવીને કહ્યું, ‘તું મહેનતુ છે, સારો સ્ટુડન્ટ છે. અંગ્રેજીમાં અટવાઈ જાય ત્યારે હિન્દીમાં બોલવાનું ચાલુ રાખવાનું. રોકાવાનું નહીં. રોજ સવારે તારે અંગ્રેજી છાપું મોટેથી વાંચવાનું. મિત્રો સાથે પણ અંગ્રેજીમાં વાત કરવાની’. આ જ ઓમ પુરીને ૨૦૦૪ની સાલમાં બ્રિટિશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સમૃદ્ધ કરવા બદલ ઑનરરી ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓ.બી.ઈ.)ના અવોર્ડથી નવાજવામાં આવે છે અને એ પહેલાં ૧૯૯૯માં ‘ઈસ્ટ ઈઝ ઈસ્ટ’ ફિલ્મ માટે બેસ્ટ એકટર ઈન અ લીડિંગ રોલ નો ‘બાફ્ટા’ અવોર્ડ મળે છે. બ્રિટિશ અકેડેમી ઓફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સનો આ અવોર્ડ, અમેરિકામાં જેમ ઑસ્કારનું છે એટલું જ મહત્ત્વ બ્રિટનમાં ધરાવે છે.

૧૯૭૦ના દાયકાથી ૧૯૯૦ના દાયકા સુધીની ત્રણ દસકાની ઓમ પુરીની સફર માત્ર કોઈ નસીબવંતા કે પછી માત્ર કોઈ ટેલન્ટેડ અભિનેતાની સફર નથી. હાર્ડ વર્ક, ખંત, પ્રામાણિકતા અને નિષ્ઠા હોય તો જ તમારી ટેલેન્ટ કામની છે અને તો જ તમારા કપાળે લખાયેલા વિધાતાના લેખ સાચા પડતા હોય છે.

એનએસડીમાં પહેલા વર્ષે બધા જ સ્ટુડન્ટ્સને બધું જ શીખવાડવામાં આવતું – એક્ટિંગ, ડિરેક્શન સ્ટેજક્રાફ્ટ વગેરે. બીજા અને ત્રીજા વર્ષમાં જે પર્ટિક્યુલર ફિલ્ડમાં સ્પેશ્યલાઈઝ્ડ ટ્રેનિંગ લેવી હોય તે શીખવા મળતું. ઓમ પુરીએ એક્ટિંગનો વિષય લીધો જેમાં વિદ્યાર્થીઓને યોગ, ડાન્સ અને મ્યુઝિકની તાલીમ પણ આપવામાં આવતી. ઓમ પુરી અને એમના બૅચમેટ નસિરુદ્દીન શાહને ગાતાં બિલકુલ ના આવડે. બંને એટલા બેસૂરા કે એક્ઝામ વખતે બેઉને સાથે ગાવાનું કહેવામાં આવે જેથી પરીક્ષકે બમણો ત્રાસ વેઠવો ના પડે. બેઉને નાચતાં પણ ના આવડે. ઓમને ત્રાસ થાય ડાન્સના સ્ટેપ્સ કરતી વખતે. વર્ષો બાદ ડેવિડ ધવનની ‘કુંવારા’ ફિલ્મમાં ગોવિંદા સાથે ડાન્સ કરવાની ફરજ પડી ત્યારે ઓમ પુરીને અફસોસ થતો હતો કે એનએસડીનાં એ વર્ષોમાં ડાન્સની તાલીમ લઈ લીધી હોત તો કેટલું સારું થાત.

આજનો વિચાર

આપણી સૌથી ખરાબ વર્તણૂક વખતે કંઈક સારું આપણામાં હોય છે અને સૌથી સારી વર્તણૂકમાં કંઈક ખરાબ છુપાયેલું હોય છે. આટલું સમજીએ તો આપણે દુશ્મનોને ધિક્કારવાનું જરા ઓછું કરી શકીએ.

– માર્ટિન લ્યુથર કિંગ (જુ.)

એક મિનિટ!

ઈતિહાસ સાક્ષી છે કે…

ઍલાર્મ બંધ કરીને જેવી મસ્ત ઊંઘ આવે છે…

એટલી તો આખી રાત દરમ્યાન પણ નથી આવતી.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 20 જાન્યુઆરી 2017)

1 comment for “જેમને ઈંગ્લિશના ફાંફા હતા એમનું બ્રિટિશરોએ સન્માન કરવું પડ્યું

  1. મનસુખલાલ ગાંધી, U.S.A.
    January 20, 2017 at 11:29 AM

    સરસ લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *