મામાએ ઘરમાંથી કાઢી મૂક્યા તો ઍક્ટર બન્યા

મા તારાદેવી જતે દહાડે પાગલ થઈ ગઈ અને છેવટે મરી ગઈ. બાપ કરતાં બમણી ઉંમરની લાગતી. ધોળા વાળ અને દાંતનું ચોકઠું. ઓમ પુરીને યાદ છે કે કિશોરાવસ્થામાં અમૃતસરના એક પાગલખાનામાં એ પિતાની સાથે માને મળવા જતો. ત્યાં માને સારવાર માટે ઈલેક્ટ્રિક શૉક આપવામાં આવતા. માની માનસિક બીમારીનું કારણ ડૉકટરો પણ શોધી શક્યા નહીં. બહેન વેદવતીને પણ વારંવાર ખેંચ આવતી અને એની પણ માનસિક સારવાર થઈ. એય વહેલી ગુજરી ગઈ. મા બાપના હાથનો માર પણ ખૂબ ખાતી.

૧૯૫૬-૫૭ના અરસામાં ઓમની માતાના બે ભાઈઓ તારાચંદ અને ઈશ્ર્વરચંદે ભાણિયાને પતિયાલા બોલાવી લીધો. જમાઈરાજ ઉર્ફે ઓમના પિતાને આવવાની મનાઈ હતી. રજાઓમાં ઓમ માબાપને મળવા જતો. મામા તારાચંદ અને મામી ગોમતીદેવીએ ઓમના ઉછેરની, એને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી. મોસાળમાં રહીને ઓમની અભિનયશક્તિ બહાર આવી. કલાકો સુધી એ બજારમાં, સ્ટેશન પર ઊભો રહીને લોકોને જતાં આવતાં જોતો અને ઘરે આવીને એણે જોયેલાં ચિત્ર-વિચિત્ર પાત્રોની મિમિક્રી કરતો. ભણવામાં અને ભણવાની સાથે કબડ્ડી, હોકી જેવી સ્પોર્ટ્સમાં પણ ઓમ આગળ રહેતો. એક વખત સ્કૂલમાં કોઈ નાટકમાં ઓમ સૈનિકનો રોલ ભજવતો હતો ત્યારે સલામી આપતી વખતે એણે એટલો જોરથી પગ પછાડ્યો કે સ્ટેજ તૂટી ગયું. સાતમા ધોરણમાં ભજવેલા એક નાટકમાં ઓમની પત્નીનો રોલ સુરિન્દર નામના એના એક સરદાર મિત્રે ભજવેલો. ૧૯૮૨ની સાલમાં ઓમે મુંબઈથી અમદાવાદ જવાનું હતું. બાન્દ્રાથી મુંબઈ સેન્ટ્રલ જવા માટે ટેક્સી પકડી. સ્ટેશન પર ઊતરીને ટેક્સી ડ્રાયવરને પૈસા આપવા માંડ્યા ત્યારે ડ્રાયવરે કહ્યું: ‘ગુડ્ડુ?’ ગુડ્ડુ ઓમ પુરીનું લાડકું નામ. ઓમ પુરીએ ડ્રાયવરની લાંબી દાઢી પાછળનો ચહેરો ઓળખ્યો અને કહ્યું, ‘સુરિન્દર!’

હિંદી ફિલ્મોની કોઈ સિચ્યુએશનની જેમ દાયકાઓ પછી બે મિત્રો મળ્યા. સુરિન્દર તે વખતે સાયન – કોલિવાડા રહેતો. પોતાના ફેમિલી સાથે ઓમને મળવા એના ઘરે પણ ગયો. ત્યારથી બેઉ એકબીજાના ફરી સંપર્કમાં આવ્યા.

૧૪ વર્ષની ઉંમરે ઓમના જીવનમાં એક અજીબ વળાંક આવ્યો. ઉનાળાની એક રાત્રે અગાસી પર આખો પરિવાર સૂતો હતો ત્યારે નાની મામીને જોઈને ઓમની દાનત બગડી. બીજી જ સવારે મામા તારાચંદે એને લાફો મારીને કાયમ માટે ઘરની બહાર કાઢી મૂક્યો. ઓમે જેમ તેમ સ્કૂલનું ભણવાનું પૂરું કર્યું. ઓમ પુરી જિંદગીભર માનતા રહ્યા કે મામા ન હોત તો પોતે ક્યારેય ભણી શક્યા ન હોત અને મામાએ ઘરની બહાર કાઢી ન મૂક્યો હોત તો નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવાનું સપનું જોવાને બદલે ક્યાંક સરકારી નોકરી લઈને ‘લાઈફમાં સેટલ’ થઈ ગયો હોત.

પંદર વર્ષની ઉંમરે ઓમને આર્મીમાં જવાનું મન હતું. ૧૯૬૫ની પાકિસ્તાન સામેની વૉર પછી લુધિયાણાના રસ્તાઓ પર બસો જવાનોની પરેડ જોઈને ઓમે પિતાને પોતાના આ સપનાની વાત કરી હતી. એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી કરી હતી પણ પિતા એની તાલીમ માટેની ફી ભરી શકવાને સમર્થ નહોતા. એ જ વર્ષોમાં ઓમને ફિલ્મોમાં કામ કરવાનું મન પણ થતું. નવમા ધોરણમાં હતો ત્યારે એણે એક છાપામાં ઑડિશન માટેની ઍડ જોઈ. એપ્લાય કર્યું તે જવાબમાં એક રંગીન પોસ્ટકાર્ડ આવ્યું જેમાં લખનૌ આવીને પચાસ રૂપિયાની ફી ભરીને ઑડિશન આપવાનું આમંત્રણ હતું. ઓમ માટે અને એ જમાના માટે પણ, પચાસ રૂપિયા બહુ મોટી રકમ હતી. ફિલ્મોમાં જોડાવાનું સપનું એ વખતે અધૂરું રહ્યું. એ ફિલ્મ હતી ‘જિયો ઔર જિને દો’ જે થોડાં વર્ષ પછી રિલીઝ થઈ હતી.

૧૯૬૭માં ઓમ પુરી પતિયાલાની ખાલસા કૉલેજમાં જોડાયા. આર્ટ્સ લીધું. કોઈ પણ રીતે બી.એ. થઈ જવું હતું. વકીલને ત્યાં મુન્શીનું કામ કરતા અને ટ્યુશનો કરતા. મહિનેદહાડે એંશી રૂપિયા મળી જતા. આઠ મહિના પછી વકીલ ગુપ્તાજીએ ઓમને કૉલેજના એક નાટકમાં કામ કરવા માટે બે દિવસની છુટ્ટી આપવાની ના પાડી દીધી. ઓમે નોકરી છોડી દીધી. ‘સમુંદર પાર’ નાટકમાં મુખ્ય પાત્ર ભજવનાર આ યુવાનથી કૉલેજમાં સૌ ખુશ હતા. કોઈએ જઈને પ્રિન્સિપાલને વિનંતી કરી અને પ્રિન્સિપાલે ઓમને કૉલેજમાં લૅબ આસિસ્ટંટનું કામ આપી દીધું. ઓમને હવે દર મહિને અગાઉના કરતાં ૪૦ રૂપિયા વધારે મળતા થઈ ગયા.

ફર્સ્ટ યરમાં કૉલેજના યુથ ફેસ્ટિવલ વખતે જીવનમાં સૌથી મહત્ત્વનો વળાંક આવ્યો. આધુનિક પંજાબી રંગમંચના પ્રણેતા ગણાતા હરપાલ તિવાનાએ ઓમને ‘અનહોની’ નામના નાટકમાં પૅરેલલ લીડ રોલમાં જોયા. તિવાનાનું પંજાબ કલા મંચ નામનું ગ્રુપ હતું. ઓમના અભિનયથી પ્રભાવિત થઈને એમણે ગ્રુપમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું. ઓમ અવઢવમાં. નાટકના ગ્રુપમાં જોડાઈ જાય તો પાર્ટટાઈમ કામ કરીને જે કમાણી થતી હતી તે જતી કરવી પડે. તિવાનાએ ઓમને મહિને દોઢસો રૂપિયાનો પગાર આપવાનું નક્કી કર્યું. આ પગારમાં ઓમ પુરીએ તિવાનાનાં ઘરનાં કામો પણ કરવાનાં. બજારમાંથી ઈંડાં – કરિયાણું લાવવાથી લઈને ઘરમાં નાની દીકરીને સાચવવાની અને રિહર્સલ માટેની તૈયારી પણ કરવાની, એકટરોને ચા બનાવીને પીવડાવવાની. ફિલ્મોમાં જવાનું સપનું હવે દૂરની વાત થઈ ગઈ હતી. પતિયાલામાં મૉલ રોડ પર કેપિટોલ, માલવા અને ફુલ – ત્રણ થિયેટરો હતા. બલરાજ સાહની અને દિલીપકુમાર તેમ જ જૉય મુખરજી અને વિશ્ર્વજીતની ફિલ્મો જોવાતી.

હરપાલ તિવાના પોતે કોઈ આર્ટિસ્ટિક ફૅમિલીમાંથી નહોતા. પિતા પુલિસ ઑફિસર હતા અને ખાનદાની શ્રીમંત ખેડૂતોનું ઘર હતું. દિલ્હીમાં સરકારે ૧૯૫૯માં નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામા શરૂ કરેલી. એ ઈન્સ્ટિટ્યૂટના શરૂઆતના એક બૅચમાં તિવાના ગ્રેજ્યુએટ થયેલા. બંગાળી અને ગુજરાતીની જેમ પંજાબી ભાષામાં રંગમંચનો કોઈ ઝાઝો વિકાસ નહોતો થયો. લોકો ફિલ્મો પાછળ વધારે પૈસા ખર્ચતા. ઓમ પુરી કહેતા કે હરપાલ તિવાના મારા સૌથી પહેલા ગુરુ. એમણે મને આ માધ્યમની ગંભીરતાનો ખ્યાલ આપ્યો. રોજ સાંજે પાંચથી આઠ ગ્રુપના સભ્યો ભેગા મળતા. આ ગ્રુપ સાથે ઓમ પુરીએ ઘણાં નાટકો કર્યાં. લાઈટો લગાડવાથી માંડીને સેટ ઊભા કરવા અને સ્ટેજ પરનો કચરો વાળવા સુધીનાં કામો કરવાની તાલીમ મળતી. તિવાનાના ગ્રુપ સાથે જ ઓમ પુરી પહેલવહેલીવાર પંજાબની બહાર ગયા. આલ્બેર કામુના ‘મિસઅન્ડરસ્ટેન્ડિંગ’ પરથી બનેલા હિંદી નાટક ‘અધૂરે સપને’ લઈને બધા બેંગલોર, મુંબઈ, પૂના જતા. ૧૯૬૮માં મુંબઈમાં ષણ્મુખાનંદ હૉલમાં એક પંજાબી નાટક કરેલું. તિવાનાને કારણે ઓમ પુરીને બહારની સારી જિંદગી કોને કહેવાય એની ખબર પડી. જિંદગીમાં પહેલીવાર તિવાના ઓમને ચંદીગઢની મોંઘી ગણાતી રેસ્ટોરાં ‘ગ્રેટ પંજાબ’માં જમવા લઈ ગયેલા ત્યારે ઑમને બહુ ઑકવર્ડ ફીલ થયેલું. નાટકનો શો પત્યા પછી આખી ટીમ ડિનર માટે ગઈ ત્યારે જમ્યા પછી આવેલા ફિંગર બૉલમાંના ગરમ પાણી અને લીંબુનું શું કરવું તે જાણવા માટે ઓમ પુરીએ રાહ જોઈ અને બીજા લોકોએ એમાં લીંબુ નીચોવીને પાણી પી જવાને બદલે હાથ ધોયા ત્યારે ઓમ પુરીએ પણ એમનું અનુકરણ કર્યું. થોડાં જ વર્ષમાં ઓમ પુરીએ નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો જ્યાં એમની ઓળખાણ નસિરુદ્દીન શાહ સાથે થઈ. નસિર એમના કરતાં ઉંમરમાં એક વર્ષ નાના.

આજનો વિચાર

પીપલ સે નથિંગ ઈઝ ઈમ્પોસિબલ, બટ આય ડુ નથિંગ એવરીડે.

– એ. એ. મિલ્ન (‘વિની ધ પુ’ના રાઈટર)

એક મિનિટ!

‘મેં અમસ્તાં જ એક સર્વે કર્યો ને મારી આસપાસના લોકોને પૂછયું કે છવ્વીસમી જાન્યુઆરી એટલે શું?’

‘શું કહ્યું લોકોએ?’

‘૯૩ ટકા લોકોએ કહ્યું ડ્રાય ડે!’

‘એનો મતલબ એ કે હજુ ૭ ટકા લોકોને એની ખબર જ નથી!’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 19 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *