આવું બાળપણ ધરાવતો પંજાબી છોકરો અંગ્રેજી ફિલ્મોનો સ્ટાર ઍક્ટર બન્યો

અંબાલામાં જન્મ. તે વખતે પંજાબમાં હતું, હવે હરિયાણામાં. કઈ તારીખે અને ક્યા વર્ષે એની ચોક્કસ નોંધ નથી પણ મા કહેતી કે દશેરા પછી બે દિવસે ઓમનો જન્મ થયો. વરસ ૧૯૪૯નું હશે અથવા ૧૯૫૦નું. મામાજીએ સ્કૂલમાં ઍડમિશન વખતે ૯ માર્ચ, ૧૯૫૦ની તારીખ અઠ્ઠેગઠ્ઠે લખાવી દીધી હતી પણ ૧૯૭૬માં ઓમ પુરી મુંબઈ આવ્યા ત્યારે એમણે ૧૯૫૦ની સાલની આસો સુદ બારસ કઈ તારીખે હતી તેની જાણકારી મેળવ્યા પછી ૧૮ ઑકટોબરની તારીખ પોતાના જન્મદિન તરીકે સ્વીકારી.

જન્મતારીખ નક્કી કરતાં લગભગ અઢી દાયકા વીતી ગયા કારણ કે સ્કૂલમાં કે કૉલેજમાં ક્યારેય ઓમ પુરીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો નહોતો. મા જીવતી હતી ત્યાં સુધી દશેરાના બે દિવસ પછી ઘરમાં ખીર બનતી એ જ ઓમના જન્મદિવસની ઉજવણી. કેટલાક લોકો ‘બૉર્ન વિથ અ સિલ્વર સ્પુન ઈન ધેર માઉથ’ હોય છે પણ ‘ઓમ વૉઝ બૉર્ન વિથ અ વુડન સ્પુન ઈન હિઝ માઉથ’ એવું વર્ષો પછી નસિરુદ્દીન શાહ ઓમ પુરીના મિત્ર બન્યા ત્યારે કહેતા.

ટેકચંદ પુરી અને તારાદેવીનાં સંતાનોમાં ઓમ સૌથી નાનો. ઓમને આઠ ભાઈ-બહેનો જેમાંથી એક મોટોભાઈ, વેદ પ્રકાશ જ જીવ્યો બાકીનાં બધાં જ નાનપણમાં અલગ અલગ બિમારીઓને લીધત, યોગ્ય નિદાન ન થવાથી કે પૂરતી સારવાર ન મળવાને લીધે એક પછી એક ગુજરી ગયાં. એક મોટી બહેન હતી એવું ઓમને યાદ છે. વેદવતી. પરણેલી હતી. એક દીકરી પણ હતી. બાજુના ગામમાં પરણાવેલી. પણ એય બહુ નાની ઉંમરે ગુજરી ગઈ.

ઓમનો જન્મ થયો એ પહેલા ફૅમિલી ખાધેપીધે સુખી ગણાતું. પિતા ટેકચંદ પુરી અંબાલાના રહેવાસી જ્યાં દાદા શિવપ્રસાદ કાપડના ધંધા જેવું કંઈક કરતા. પણ પિતાને કે કાકા કિશનચંદને એમના બાપાના ધંધામાં રસ નહોતો એટલે ધંધો વિખેરાઈ ગયો. કાકાએ અલાહાબાદ બૅન્કમાં કૅશિયરની નોકરી લીધી અને પિતા લશ્કરમાં ભરતી થઈ ગયા. ઓમે પિતાને ક્યારેય લશ્કરી ગણવેશમાં જોયા નહોતા કારણ કે ઓમનો જન્મ થયો ત્યારે પિતા લશ્કર છોડીને રેલવેમાં જુનિયર ઑફિસર તરીકે નોકરી કરતા થઈ ગયેલા. પિતા આઠ કે નવ ચોપડી ભણેલા પણ મા અંગૂઠાછાપ હતી. પિતાનું ઉર્દૂ બધુ સારું હતું.

જીવનમાં પ્રથમ ચાર વર્ષ અંબાલામાં ભાડાની ખોલીઓમાં વીત્યા. કુટુંબ પરિવારના સભ્યો કોઈ પ્રસંગે સાથે મળીને ઉજવણી કરતા હોય કે તહેવારો મનાવતા હોય કે મેળા-બગીચામાં કોઈ ફરવા લઈ જતું હોય એવું બાળપણ ઓમના નસીબમાં નહોતું. પિતા ટેકચંદ ગરમ મિજાજના હતા. નાની નાની વાતે એમની કમાન છટકી જતી જેને લીધે દર છ મહિને નોકરી જતી રહેતી. બે મહિના નવી નોકરી શોધવામાં જતા. એ પણ છ મહિના ચાલતી. કુટુંબ માટે એ ગરીબીના દિવસો હતા. એક જમાનામાં ખાધેપીધે સુખી એવો પરિવાર બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી જિંદગી ધરાવતો થઈ ગયો હતો.

એ વખતે હજુ સ્કૂલમાં જવાનું શરૂ કર્યું નહોતું. ઘરમાં કોઈ ફૅન્સી રમકડાં તો હોય ક્યાંથી. બાળક ઓમ શેરીમાં ગિલ્લીદંડા અને લખોટીઓ રમતો. ઘણી વખત રમતાં રમતાં લખોટી ગબડીને ગટરમાં પડી જતી અને ઓમ ઊંડે સુધી હાથ ખુંપાવીને ગોટી શોધી કાઢતો. આવું થાય ત્યારે મા એને પરાણે ફરીવાર નવડાવતી-કડકડતી ઠંડી હોય કે ધોમધખતો ઉનાળો, ઓમે બીજીવાર નહાવું જ પડતું.

એક દિવસ કોઈ સગું બહારગામથી આવ્યું હશે. જતી વખતે ઓમના હાથમાં રમકડું લેવા માટે પાંચ રૂપિયા મૂકતા ગયા. ઓમ ખુશ થઈને એમાંથી દોઢ રૂપિયો ખર્ચીને લાલ રંગની ચાવીવાળી ગાડી ખરીદી લાવ્યો. પણ માએ રમકડાની એ ગાડી પાછી અપાવી દીધી. ઘરમાં ખાવાનું લાવવાના પૈસા નહોતા. રમકડાની ગાડીથી કોઈનું પેટ ભરાવાનું નહોતું.

નાનપણની બીજી એક દુખદ યાદ ઓમની સ્મૃતિમાં જડાઈ ગઈ છે. આખા શરીરે શીતળાનાં ચાઠાં નીકળ્યાં હતાં. ખૂબ ખંજવાળ આવતી. મોઢા પર સખત ચળ આવતી. ઓમ એને ખંજવાળીને વધુ હેરાન ન થાય એટલે એના હાથ ખાટલા સાથે બાંધી દેવામાં આવતા. પણ શીતળાનાં ચાઠાંએ આજીવન એના ચહેરા પર સ્થાન લીધું. પછી તો એ ચહેરો લાખો લોકોને પ્રિય થઈ ગયો.

અંબાલાથી રિવાડી, ત્યાથી મુલ્લાપુર, ત્યાંથી દગડુ. પિતાની નોકરીની સાથે ગામ બદલાતું, ભાડાનું ઘર બદલાતું. દિવસોના દિવસ સુધી ઘરમાં એક પૈસો ન હોય અને સગાંવ્હાલાં કે પાડોશીઓની મહેરબાનીથી થોડુંઘણું ખાવાનું મળી જતું. એક દિવસ બાપાને ક્યાંકથી પૈસા મળ્યા અને કુટુંબમાં સૌ ખુશ થયાં કે ચાલો, હવે થોડા દિવસની નિરાંત. ટેકચંદે રાત્રે જમ્યા પછી કુર્તાના ખિસ્સામાં રકમ મૂકીને એને બહાર ખીંટીએ ટિંગાડી દીધો. સવારે જોયું તો ખિસ્સું ખાલી હતું. કુટુંબ નિરાશ થઈ ગયું. દગડુથી પરિવાર ભટિંડા રહેવા આવ્યો. રેલવે યાર્ડમાં પાટાની નજીક જ ઘર હતું. ઓમનો ટ્રેન સાથેનો આજીવન નાતો અહીંથી બંધાયો.

ભટિંડાનો એક કિસ્સો ઓમના મનમાં જડબેસલાક જડાઈ ગયો છે. સાત વર્ષની ઉંમર હતી. પિતા રેલવે સ્ટોરના ઈન્ચાર્જ હતા. ચોરીના આરોપસર એમની ધરપકડ થઈ. ચાર મહિના સુધી કુટુંબ પર આભ તૂટી પડ્યું. એક દિવસ ઓમ ને એની મા ટ્રેનમાં જતાં હતાં. માનું હૃદય ભરાઈ આવ્યું. એ ખુલ્લામાં બીજા મુસાફરોની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એક સજ્જને ઊભા થઈને બધા પાસે થોડા થોડા પૈસા ઉઘરાવીને માના હાથમાં મૂક્યા હતા જેથી થોડા દિવસ પૂરતું એમાંથી ખાવાનું મળી રહે. મા તારાદેવીને ગરીબીનું દુ:ખ હતું એના કરતાં વધારે લોકોની દયા પર જીવવાનું દુ:ખ હતું કારણ કે એ સારા ઘરમાંથી આવતી. ઓમનું મોસાળ વેલ ટુ ડુ હતું.

પિતા જેલમાં હતા ત્યારે રેલવેનું કવાર્ટર ખાલી કરાવવા માણસો આવતા. માતા એમને સમજાવીને પાછા મોકલતી. પણ એક દિવસે એ લોકો ધમકી આપીને ગયા. બીજા દિવસે ધમકી અમલમાં મૂકી. રેલવેના સ્વીપર્સ ટોપલામાં મેલું લઈને આવ્યા. અબી ને અબી ઘર ખાલી નહીં થાય તો આખું ઘર વિષ્ટાથી ગંધાતું થઈ જશે. તાબડતોબ ખોલી ખાલી કરવી પડી. એક જગ્યાએ પાંચ રૂપિયાના ભાડે રૂમ લીધી. મોટો ભાઈ વેદે રેલવે સ્ટેશન પર કૂલીગીરી શરૂ કરી. ઓમે ચાની દુકાનમાં કપરકાબી ધોવાનું કામ કરવાનું શરૂ કર્યું.

એક સાંજે ચાની ટપરી ચલાવનારો માણસ ઘરે આવીને ઓમની માને વશ કરવાની કોશિશ કરવા લાગ્યો. એને ખબર કે આ સ્ત્રીનો પતિ અત્યારે જેલમાં છે. મા પેલાને વશ ના થઈ. ઓમને એટલું યાદ છે કે પેલાએ જતાં જતાં કહેલું કે કાલથી આ છોકરાને કામ પર નહીં મોકલતી. એના એક વર્ષ પછી ઓમને એક ઢાબા પર વાસણો ધોવાનું કામ મળ્યું એ પણ છૂટ્યું.

પિતા ટેકચંદ તો રેલવે ગોડાઉનમાંથી સિમેન્ટની ચોરીના કેસમાં કોર્ટમાં પોતાની નિર્દોષતા પુરવાર કરીને જેલમાંથી બહાર આવી ગયા પણ ઓમને પિતાની ચોરીનો એક કિસ્સો બરાબર યાદ છે. લુધિયાણામાં પિતાના કઝિન રહેતા. એક વખત એમને ત્યાં લગ્ન હતા. પિતા ઓમને પણ સાથે લઈ ગયા. મોડી રાતે બધા સૂતા હતા ત્યારે પિતાએ ઓમને જગાડ્યો. સૂવાની ગાદી, એના પરથી ચાદર, રજાઈ અને પાથરવાની શેતરંજીનું બેડિંગવાળીને એ ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા. દસ વર્ષનો ઓમ પિતાને પોતાના જ સગાના ઘરમાં ચોરી કરતાં જોઈને હક્કોબક્કો થઈ ગયેલો.

આજનો વિચાર

એક દિવસ સવારે ઊઠીને તમને ખ્યાલ આવશે કે જિંદગીમાં જે કંઈ બધું કરવાની તીવ્ર ઈચ્છાઓ હતી તે કરવાનો ટાઈમ હવે રહ્યો નથી. એટલે જે કંઈ કરવું છે તે આજે ને અત્યારે જ કરો.

– પાઉલો કોએલો

એક મિનિટ!

ચૂંટણી પંચે અખિલેશને સાઈકલ આપી એ પછી મુલાયમે અરજી કરી છે કે તો હવે મને વ્હીલચેર આપો!

( મુંબઇ સમાચાર : બુધવાર, 18 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *