નસિરુદ્દીન શાહને ઓમ પુરીની ઇર્ષ્યા થતી

ઓમ પ્રકાશ પુરીએ ફિલ્મોમાં પોતાનું ઓરિજિનલ નામ રાખવું કે પછી બદલી નાખવું એ વિશે અસમંજસ હતી. ઓમ શિવપુરી નામના અભિનેતા ઓલરેડી આ લાઇનમાં હતા. ઓમ પુરીએ પોતાનાં નામને બદલે કોઇ તખલ્લુસ વાપરવાનું પણ વિચાર્યું હતું અને નસિરુદ્દીન શાહે ‘વિનમ્ર કુમાર’ તથા ‘અંતિમ ખન્ના’ જેવાં બે નામ સૂચવ્યાં પણ હતાં. એ પછી છેવટે નક્કી થયું કે આખા નામમાંથી પ્રકાશને બાદ કરીને માત્ર ઓમ પુરી નામ રાખવું, હાલાંકિ તે વખતે અમરિશ પુરીનું નામ ઓલરેડી ચલણી થઇ ગયું હતું પણ પુરી અટક સામે બીજો કોઇ વાંધો નહોતો. ઓમ પુરીએ શરૂઆતની બેએક ફિલ્મોમાં ‘વિલોમ પુરી’ જેવાં નામો પણ ટાઇટલ્સમાં મૂકવા માટે વાપર્યાં હતાં પણ ફાઇનલી નક્કી કરી લીધું કે ઓમ પુરી જ બેસ્ટ રહેશે.

આ માહિતી ઓમ પુરીની જીવનકથા ‘અનલાઇક્લી હીરો’ની પ્રસ્તાવનામાં નસિરુદ્દીન શાહે આપી છે. નસિરુદ્દીન શાહ લખે છે ‘ઓમ અને હું એકસમાન એ રીતે ગણાઇએ કે અમારા બેમાંથી કોઇ પણ જન્મજાત અભિનેતા નથી, ‘ગિફ્ટેડ પરફોર્મર્સ’ નથી. મનોરંજન કરવું અમારા માટે ડાબા હાથનો ખેલ નથી. અમારે ખૂબ મહેનત કરીને એક્ટિંગ કરવી પડે છે. અને કદાચ એટલે જ, જાતનાં વખાણ થતાં હોય એવું લાગે તો ભલે લાગે, પણ હું કહીશ કે અમારા માટે એક્ટિંગ કરવાની પ્રવૃત્તિ માત્ર મનોરંજન કરવા કરતાં જરાક વધુ ઉમદા પ્રકારનું કામ બની જાય છે.’

૧૯૭૦ના અરસામાં દિલ્હીની નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં આ બંને અભિનેતા મળ્યા અને મિત્રો બન્યા, પ્રતિસ્પર્ધી પણ નસિરના શબ્દોમાં ‘…છોકરીઓની બાબતમાં નહીં પણ રોલ મેળવવાની બાબતમાં રાઇવલ્સ બન્યા, અને એ પછી કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું અને આમ છતાં અમે એકમેકના મિત્રો બનીને રહ્યા. (ઓમ) એક એવી વિદ્યામાન વ્યક્તિ છે જેની હિંમત અને નિષ્ઠા માટે, જેની કરેજ અને ઇન્ટિગ્રિટી માટે, મને સતત ઇર્ષ્યા થતી રહે છે.’

મારા ભાઇઓ કરતાં પણ હું ઓમની વધુ નજીક છું એવું નસિરુદ્દીન શાહે આ પ્રસ્તાવનામાં કહ્યું છે.

એન.એસ.ડી.માં નસિર-ઓમ મળ્યા ત્યારે ઓમ એકદમ અંતર્મુખી અને શાંત પ્રકૃતિના હતા. ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ વખતે ઑડિશન્સ ચાલતાં હતાં ત્યારે બેઉ એકબીજાને એપ્રિશ્યેટ કરતા પણ નસિર કહે છે કે ‘અમને બંનેને એકબીજાની ઇર્ષ્યા થતી, અલબત્ત તંદુરસ્તી-ભરી, પણ ઇર્ષ્ષા થતી.’ એ અરસામાં નસિરે ઓમને એન.એસ.ડી.માં ભજવાયેલા એક જપાનીસ નાટક ‘ઇબારગી’માં જોયા. ઓમનું જે પાત્ર હતું તે ઓમની પર્સનાલિટી કરતાં તદ્દન જુદું, એમના સ્વભાવથી સાવ વિપરીત. એકદમ ફ્લેમ બોયન્ટ, આઉટગોઇંગ અને ચુલબુલી પર્સનાલિટી ધરાવતું એ પાત્ર ભજવતા ઓમને જોઇને નસિર લખે છે કે, ‘મારી તો આંખો ઊઘડી ગઇ, મારી એન્વી-જેલસી બધું જ મટી ગયું અને પરાણે હું એના પર્ફોમર્ન્સને એડમાયર કરતો થઇ ગયો.’

૧૯૭૦થી અત્યાર સુધી ઓમની જિંદગીને નિકટથી નિહાળી રહેલા નસિરે ઓમની પોતાની પ્રતિભાની ધાર કાઢવા માટેની સ્ટ્રગલ જોઇએ છે અને મની, ટાઇમ તેમ જ અફેક્શનની બાબતમાં ઓમની ઉદારતાના તેઓ સાક્ષી પણ રહ્યા છે અને બીજી કોઇ પણ વ્યક્તિ કરતાં તેઓ ઓમ પાસેથી સૌથી વધુ પ્રેરણા પામ્યા છે એવી નિખાલસ કબૂલાત નસિરે કરી છે. નસિર કહે છે કે ઓમને મુંબઇ લાવવા માટેનો અને ફિલ્મોમાં પ્રવેશવા માટેનો જશ ઓમ મને આપ્યા કરે છે જે વાતની મને ખુશી છે પણ મારું માનવું છે કે એમણે જો સ્ટેટ બૅન્ક ઑફ પતિયાલામાં જ નોકરી ચાલુ રાખી હોત તો પણ ફિલ્મોએ એમને ગમે ત્યાંથી શોધી કાઢ્યા હોત એ વાતે કોઇ બેમત નથી!’

ઓમ પુરીનું જીવન દરેક સ્ટ્રગલિંગ ઍક્ટરની ફેન્ટસી જેવું છે, એક તદ્દન સામાન્ય માણસ જેની પાસે ભરપૂર ટેલેન્ટ સિવાય બીજું કંઇ જ નથી, કોઇ ગોડફાધર નહીં, કોઇ ઓળખાણો નહીં, કંઇ જ નહીં, એ માણસ શિયર હાર્ડ વર્ક કરીને અને પોતાની નિયત સાફ રાખીને ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે એ તમે જોઇ લીધું છે. નસિરુદ્દીન શાહે ઓમ પુરીને બિરાદાવતાં કહેલા શબ્દોનો આ સાર છે.

ઓમ પુરીની લાઇફ, ફિલ્મોમાં આવતાં પહેલાં કઇ હદ સુધીની સાધારણ-સામાન્ય હતી તે વિશે વાત માંડતાં પહેલાં એમને અંજલિ આપવા માટે ખાલિદ મોહમ્મદે લખેલા એક પીસની બે વાત તમારી સમક્ષ રજૂ કરવાની લાલચ રોકી શકાતી નથી.

ઓમ પુરી અવસાન પામ્યા એ જ દિવસે લખાયેલી અને એના બીજા દિવસે પ્રગટ થયેલી અંજલિમાં ખાલિદ મોહમ્મદે એમની સાથેના બે કિસ્સા યાદ કર્યા છે જે એક રીતે જુઓ તો એક જ કિસ્સો છે. ખાલિદ મોહમ્મદ સેવન્ટીઝ અને એઇટીઝમાં ટાઇમ્સમાં ફિલ્મ રિવ્યુ લખતા. ફિલ્મવિવેચક તરીકે બહુ યંગ એજમાં મોટું કાઠું કાઢ્યું હતું એમણે. અમિતાભ બચ્ચન વિશે એક સરસ પુસ્તક ‘ટુ બી ઓર નોટ ટુ બી’ લખ્યું છે. ‘ઝુબેદા અને ‘સરદારી બેગમ’ જેવી ફિલ્મો લખી છે અને ‘ફિઝા’ જેવી ફિલ્મો ડાયરેક્ટ પણ કરી છે. ‘ફિલ્મફેર’ની એડિટરશિપ પણ સંભાળી છે. આ બધું કરતાં પહેલાં એ જ્યારે માત્ર ફિલ્મ રિવ્યુઅર હતા ત્યારે એમનો દબદબો એવો કે એ વખતે કોલાબાના ‘બ્લેઝ’ કે ચર્ચગેટ પર ‘ઇરોસ-મિનિ’માં યોજાતા ફિલ્મના પ્રિવ્યુ શોઝમાં ખાલિદ મોહમ્મદ ના આવે ત્યાં સુધી અમારે બધાએ રાહ જોઇને બેસી રહેવું પડે. એમના આવ્યા પછી જ ફિલ્મ શરૂ થાય. આ ખાલિદ મોહમ્મદ લખે છે કે ૧૯૭૦ના દાયકાના કોઇ એક વર્ષના લેઝી રવિવારે એમણે ઓમને ફોર્ટ વિસ્તારમાં રખડતા જોયા. રવિવારે ફોર્ટનો એ રસ્તો સાવ ભેંકાર લાગતો. ખાલિદે ઓમને પૂછ્યું છે કે અત્યારે તમે અહીં શું કરો છો? તમારે તો (સન્ડેની છુટ્ટીનો લાભ લઇને) કોઇ પ્રોડ્યુસર સાથે મીટિંગબીટિંગ કરવી જોઇએ અને કોન્ટ્રાક્ટ બોન્ટ્રાક્ટ પર તમે સહીસિક્કા કરતા હોવા જોવ અત્યારે તો…આ સાંભળીને ઓમ જરા શરમાઇ ને કહે કે :‘ જો હોના હૈ વો હોગા…હું એ યશ ચોપડા કે મનમોહન દેસાઇને કોઇને મળવા જાઉં તો મારા પર એક નજર નાખીને મને એમની ઑફિસમાંથી તગેડી મૂકશે. એના કરતાં હું એમનાથી દૂર જ રહું તે સારું છે. પછી ઓમ પુરીએ ખાલિદ મોહમ્મદને કહ્યું, ‘ન્યૂ એમ્પાયરમાં હિચકોકની ફેમિલી પ્લૉટ જોવા જઉં છું આવવું છે?’ ખાલિદ જોડાઇ ગયા ટિકિટો ખાલિદે કઢાવી અને ઓમ પુરીએ કોઇ આગ્રહ કે આનાકાની કર્યા વિના સ્મિત સાથે કહ્યું, ‘થેન્કસ. આજે ડિનરની સાથે ડિઝર્ટ પણ ખાઇશ!’

કટ ટુ ૨૦૦૯. ઓમની બાયોગ્રાફી પબ્લિશ થઇ ગયા પછીના દિવસો. ખાલિદ મોહમ્મદે શ્યામ બેનેગલ પરની ડૉક્યુમેન્ટરી માટે ઓમ પુરીનો ઇન્ટરવ્યુ લેવા ફોન કર્યો, ‘અફકોર્સ, એની ટાઇમ…’ ઓમ પુરીએ તરત જ કહ્યું, ‘હું જો આ ડૉક્યુમેન્ટરીનો પાર્ટ ન હોઉં તો મને ખૂબ બહુ માઠું લાગે…’

કલાક કરતાં વધુ સમયનો ઇન્ટરવ્યુ પૂરો કર્યા પછી ખાલિદ મોહમ્મદને વળાવવા લિફ્ટ સુધી આવ્યા અને તરત કંઇક યાદ આવ્યું હોય એમ તરત જ ઘરમાં જઇને પાછા આવ્યા, બોલ્યા, ‘આ તમારા માટે…ખબર નહીં તમને યાદ છે કે નહીં,’ કહીને ઓમ પુરીએ ખાલિદ મોહમ્મદના હાથમાં આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ફેમિલી પ્લૉટની ડીવીડી મૂકી અને સાથે મીઠાઇનું બોક્સ આપતા કહ્યું, ‘રાત્રે જમ્યા પછી ખાજો… ડિઝર્ટમાં!’

આજનો વિચાર

કોઇ પણ કામને શ્રેષ્ઠતાથી કરવાની રીત એક જ છે. કરો.

– અમિલિયા એરહાર્ટ (એટલાંટિક મહાસાગરને પાર કરનાર પ્રથમ ફીમેલ પાઇલટ, ૧૮૯૭થી ૧૯૩૯. પેસિફિક મહાસાગરમાં એમનું વિમાન ૧૯૩૭માં અદૃશ્ય થઇ ગયાના બે વર્ષ પછી એમને મૃત ઘોષિત કરવામાં આવ્યા.)

એક મિનિટ!

પત્ની : ક્યાં છો?

નવજોત સિદ્ધુ : કોમેડી શોમાં…

પત્ની : ક્યા ? કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીવાળા?

( મુંબઇ સમાચાર : મંગળવાર, 17 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *