ત્રાજવામાં એક તરફ નપુંસકતા, એક તરફ પૌરુષ અને વચ્ચે અર્ધસત્ય

જે ફિલ્મથી એમણે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકયો તે વિજય તેન્ડુલકર લિખિત ‘ઘાસીરામ કોતવાલ’ જેના પરથી બની તે મૂળ મરાઠી નાટક જોઈ લીધું હતું પણ ૧૯૭૬માં રિલીઝ થયેલી એ મરાઠી ફિલ્મ કોણ જાણે કેમ પણ મિસ થઈ ગઈ અને ઓમ પુરીના અભિનયને માણવાનો વખત જરા મોડો આવ્યો જિંદગીમાં.

એ વખત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સમાંતર ફિલ્મોનો સુવર્ણકાળ ગણાતો હતો. ઍડ ફિલ્મ મેકરમાંથી ફુલ લેન્થ ફીચર ફિલ્મ બનાવતા થઈ ગયેલા શ્યામ બેનેગલે પોતાના પુરોગામીઓ મૃણાલ સેન અને સત્યજિત રાય પાસેથી પ્રેરણા લઈને પોતાના સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાનીને સ્વતંત્રપણે ફિલ્મોનું દિગ્દર્શન કરવાની પ્રેરણા આપી તે સેવન્ટીઝના સુવર્ણયુગમાં બે અભિનેત્રીઓ અને બે અભિનેતાઓનાં નામ આ સમાતંર સિનેમા સાથે જડબેસલાક રીતે સંકળાયાં. હાલાકિ એ ચારેય ગજબના પ્રતિભાશાળી અદાકારોએ વખત જતાં મેઈન સ્ટ્રીમ કમશિયલ સિનેમામાં પણ કામ કર્યું. નસિરુદ્દીન શાહે ‘ત્રિદેવ’માં ઓયે ઓયે ગાયું, શબાના આઝમીએ તો એના એક દાયકા પહેલાં ‘અમર અકબર એન્થની’માં વિનોદ ખન્ના જોડે હમ કો તુમ સે હો ગયા હૈ પ્યાર ગાયું હતું અને સ્મિતા પાટિલે આ બે ફિલ્મોની વચ્ચેના ગાળામાં સફદે સેકસી સાડીમાં વરસતા વરસાદમાં ભીંજાઈને (બચ્ચનજી સાથે ‘નમકહલાલ’માં આજ રપટ જાયેં તો હમેં ના ઉઠઈયો, હમેં જો ઉઠઈયો તો ખુદ ભી રપટ જઈઓ ગાયું હતું અને ઓમ પુરીએ જરા મોડેથી પણ સુપર હિટ ‘હેરાફેરી’ ‘માલામાલ વીકલી’ જેવી અનેક કમશિયલ ફિલ્મોમાં કામ કર્યું.

પૅરેલલ સિનેમાના એ યુગના પ્રકાશમાં અનેક સૂર્યોનો ફાળો છે. અમોલ પાલેકરથી લઈને બાસુ ચેટર્જી તથા બાસુ ભટ્ટાચાર્ય સુધીનાં ડઝનબંધ નામ યાદ આવે. શબાના, નસિર, સ્મિતા અને ઓમ પુરીનું એક્ટર્સ તરીકે આ ગાળામાં ઘણું મોટું પ્રદાન. સ્મિતા પાટિલને દૂરદર્શન પર મરાઠી સમાચાર (‘બાતમ્યા’) વાંચતાં જોયેલાં અને પછી થોડા જ વખતમાં ‘મંથન’ (૧૯૭૭) અને ‘ભૂમિકા’ (૧૯૭૭) જેવી ફિલ્મોમાં. ૧૯૮૬માં માત્ર ૩૧ વર્ષની ઉંમરે એમણે અચાનક વિદાય લીધી. એવો જ આઘાત અચાનક વિદાય પામેલા ઓમ પુરીના અવસાનના સમાચારે આપ્યો. છઠ્ઠી જાન્યુઆરીએ સવારે આ અનબીલિવેબલ સમાચાર આવ્યા ત્યારે શૉક લાગ્યો હતો. ૬૬ વર્ષની ઉંમર કંઈ સાવ યંગ ન કહેવાય પણ આ ઉંમર કંઈ પાછી મરી જવાની પણ ના કહેવાય. માણસ લાંબા ખાટલા પછી મૃત્યુ પામે છે ત્યારે એમના મોત માટે ક્યાંક કોઈક રીતે આપણે તૈયાર હોઈએ છીએ. એ રીતે લાંબી ચાલતી બીમારી માણસના પોતાના માટે તો નહીં જ નહીં પણ એના સ્વજનો માટે આશીર્વાદરૂપ પુરવાર થતી હોય છે. તમે એ કારમા આઘાત માટે મેન્ટલી, ઈમોશનલી તેમ જ પતિ-પત્નીના કિસ્સામાં સોશ્યલી પણ પ્રીપેર્ડ હો છો.

ઓમ પુરીના અવસાન માટે આપણે કોઈ તૈયાર નહોતા. પોતાના ક્ષેત્રમાં એ એક્ટિવ હતા. ઘણી ફિલ્મો અને કદાચ પૃથ્વીમાં નાટકો પણ એમની પાસેથી મળી શકયાં હોત. માણસ ફુલ્લી એક્ટિવ હોય અને જતું રહે ત્યારે દુ:ખ બેવડાઈ જાય. નિવૃત્તિ પામીને સેમી-ગુમનામીમાં ખોવાઈને મૃત્યુ પામનારાઓના અવસાન સમયે જે શોક પ્રગટે એના કરતાં ઘણો મોટો વિષાદ પ્રવૃતિશીલ માણસ જતું રહે ત્યારે પથરાય, પછી એ ગમે તે ઉંમરનું હોય. કદાચ, એટલે જ લોકોને છેલ્લી ઘડી સુધી પ્રવૃત્ત રહું એવી ઈચ્છા રહેતી હશે, ટુ ડાય વિથ યૉર બૂટ્સ ઑન.

ઓમ પુરી ત્રણ ફિલ્મોથી અમારા જીવનમાં પ્રવેશ્યા: ‘આક્રોશ’, ‘ભવની ભવાઈ’ અને ‘અર્ધસત્ય’. એ પછી તો ‘જાને ભી દો યારોં’ અને ટીવી પર ‘તમસ’ અને બીજી ઘણી રીતે એમણે દિલ-દિમાગ પર સ્થાન જમાવી દીધું. પહેલી જ નજરે સેક્ધડ લુક આપવાનું મન ન થાય એવો શીળીનાં ચાઠાંવાળો ચહેરો. પણ યુનિક અવાજ. જય વસાવડાએ જેને કાંસાદાર કહ્યો એક્ઝટલી એવો એમનો બેરિટોન. એક શબ્દ નહીં, માત્ર ખોંખારો સાંભળીને ઓળખી જાઓ એવો.

‘આક્રોશ’ (૧૯૮૦) કરતાં ‘અર્ધસત્ય’ (૧૯૮૩) મોડી આવી પણ મારા મનમાં ઓમ પુરીની સૌથી જૂની છબી જો અંકાયેલી હોય તો તે ‘અર્ધસત્ય’ના મુંબઈ પોલીસના સબ ઈન્સ્પેક્ટર અનંત વેલંકરની. ‘ભવની ભવાઈ’ રિલીઝ થઈ ત્યારે પણ તે એક ઓવરરેટેડ ફિલ્મ લાગેલી અને એ પછી જેમ જેમ વર્ષો વીત્યાં તેમ આઈકોનિક ગુજરાતી ફિલ્મ બનતી ગઈ અને મારો એ ફિલ્મ માટેનો પ્રથમ અભિપ્રાય વધુ ને વધુ સજ્જડબંમ થતો ગયો. કેતન મહેતા હિમસેલ્ફ ઈઝ ઍન ઓવરરેટેડ ઍન્ડ મચ હાઈપ્ડ ફિલ્મ પર્સનાલિટી જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે. ફિલ્મમાં જ શું કામ દરેક ક્ષેત્રમાં એવા લોકો હોવાના – જેઓનું નક્કર કામ બહુ ઓછું સારું હોય પણ એમની આસપાસ એવડો મોટો હૅલો ચીતરવામાં આવ્યો હોય કે તમે એમના વિશે બે ઘસાતા પણ ૧૦૦ ટકા સત્ય હોય એવા શબ્દો બોલવાની હિંમત કરો તો અપ્રિય લાગો. એટલે જ મોટા ભાગના લૂઝર્સ પોલિટિકલી કર્રેક્ટ રહેવા માટે એમનું નામ બોલાય ત્યારે થાળીમાં દીવો-કપૂર પ્રગટાવીને ક્યા બાત હૈ ક્યા બાત હૈની આરતી ગાતા રહેતા હોય છે.

‘અર્ધસત્ય’માં ‘આક્રોશ’ કરતાં પણ વધુ ઈફેક્ટિવ રીતે મુખ્ય પાત્રના મનમાં ધુંધવાતો આક્રોશ બહાર આવે છે. રામા શેટ્ટી (સદાશિવ અમરાપુરકર)ના ત્રણ માણસો દ્વારા અનંત વેલંકર બોલે કે ઓમ પુરીને અંડર વર્લ્ડના આ બોસ સાથે દોસ્તી કરવાનું આમંત્રણ મળે છે. એ ઠુકરાવે છે. પછી એક કિસ્સામાં કસ્ટોડિયલ ટૉર્ચર કરવાના ગુનાસર સબ ઈન્સ્પેક્ટર વેલંકરને સસ્પેન્ડ કરવામાં આવે છે. એનો બૉસ ઈન્સ્પેક્ટર હૈદર અલી (શફી ઈનામદાર) એને રામા શેટ્ટીના શરણે જવાની સલાહ આપે છે.

અનંત વેલંકરના ખૂનમાં કોન્સ્ટેબલ પિતા (અમરિશ પુરી)ના સંસ્કારો છે અને સાથોસાથ બીજા એક સસ્પેન્ડેડ કૉપ માઈક લોબો (નસીરુદ્દીન શાહ)ની મોહતાજી પણ એણે જોઈ છે. અનંતની કૉલેજમાં લેક્ચરની નોકરી કરતી ગર્લફ્રેન્ડ (સ્મિતા પાટિલ)ને લીધે એનામાંનો દ્વંદ્વ પ્રગટપણે ખૂલે છે. ઓમ પુરી જે ગુસ્સામાં સદાશિવ અમરાપુરકર સામે વિષ્ટાના ગલીછાપ પર્યાયને વાપરીને જે ડાયલોગ બોલે છે તે શબ્દશ: અત્યારે નથી યાદ પણ ઓમ પુરીના એ દ્વંદ્વંને શબ્દોમાં મૂકતી કવિ દિલીપ ચિત્રેની કાવ્ય પંક્તિઓ મને જડી છે. વસંત દેવે આ ફિલ્મના સંવાદો લખ્યા હતા. (તેઓ તે વખતે મુંબઈની પાર્લે કૉલેજના પ્રિન્સિપાલ હતા). સ્ક્રિપ્ટ વિજય તેન્ડુલકરની હતી અને મૂળ કથા એસ. ડી. પનવલકરની હતી જેનું શીર્ષક હતું ‘સૂર્ય’ એના પરથી મરાઠી પ્લે ‘હૅન્ડ્સ અપ’ બનેલું. દિલીપ ચિત્રેની કવિતા પરથી આ હિંદી ફિલ્મનું ટાઈટલ ઈન્સ્પાયર થયેલું. ફિલ્મમાં આ કવિતા છે:

ચક્રવ્યૂહ મેં ઘુસને સે પહલે
કૌન થા મૈં ઔર કૈસા થા
યે મુઝે યાદ હી ના રહેગા.
ચક્રવ્યૂહ મેં ઘુસને કે બાદ
મેરે ઔર ચક્રવ્યૂહ કે બીચ
સિર્ફ એક જાનલેવા નિકટતા થી
ઈસકા મુઝે પતા હી ના ચલેગા.
ચક્રવ્યૂહ સે નિકલને કે બાદ
મૈં મુક્ત હો જાઉં ભલે હી,
ફિર ભી ચક્રવ્યૂહ કી રચના મેં
ફર્ક હી ના પડેગા.
મરું યા મારું
મારા જાઉં યા જાનસે માર દૂં
ઈસકા ફેંસલા કભી ના હો પાયેગા.
સોયા હુઆ આદમી
જબ નીંદ સે ઉઠકર ચલના શુરૂ કરતા હૈ
તબ સપનોં કા સંસાર.
ઉસે દોબારા દિખ હી ના પાયેગા,
ઉસ રોશની મેં જો નિર્ણય કી રોશની હૈ.
સબ કુછ સમાન હોગા ક્યા?
એક પલડે મેં નપુંસકતા
એક પલડે મેં પૌરુષ
ઔર ઠીક તરાજૂ કે કાંટે પર
અર્ધસત્ય.

સસ્પેન્ડ થયેલા અનંત વેલંકરના મનમાં તે વખતે આક્રોશ હતો જ્યારે એણે કસ્ટડીમાં એક મામૂલી રેડિયો ચોર (સતીષ શાહ)ને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો હતો: ‘દૂસરોં કા હક ચૂરાતા હૈ, સાલા…’

ખુમારીથી લઈને લાચારી સુધીના વિવિધ શેડ્સ વચ્ચે વિહરતી ઓમ પુરી જેવી ઍક્ટિંગ બીજું કોણ કરી શકયું હોત એ ફિલ્મમાં? અમિતાભ બચ્ચન, જેમણે વ્યસ્તતાને કારણે આ ફિલ્મ ઠુકરાવી હતી. કદાચ લીધી હોત તો પણ ‘કૂલી’ના અકસ્માતના એ ગાળામાં પૂરી ન થઈ હોત.

ઓમ પુરીની જીવનકથા એમનાં બીજાં પત્ની નંદિતા પુરીએ લખી છે જે સ્વયં સ્ટ્રગલિંગ પત્રકાર હતાં. ‘અનલાઈકલી હીરો’ શીર્ષકથી પ્રગટ થયેલી આ બાયોગ્રાફી રિલીઝ થઈ ત્યારે ઘણી કૉન્ટ્રોવર્સી સર્જાયેલી. ઓમ પુરીનાં પ્રથમ પત્ની સીમા કપૂર (અનુ કપૂરનાં બહેન) અને નંદિતા પુરી વચ્ચેના ખટરાગ તથા એ બંનેમાં સૂડી વચ્ચે સોપારીની જેમ ફસાયેલા ઓમ પુરી – એ એમનો જીવનની કેટલીક બદનસીબ ક્ષણો હતી જેના માટે આ ત્રણમાંથી કોણ, કેટલું જવાબદાર હતું એવા જજમેન્ટસ બનવાને બદલે આ મહાન અભિનેતાને ભાવપૂર્વક યાદ કરીએ, એક મિનિસિરીઝ લખીને. કાલથી.

આજનો વિચાર

કપડાંની શોધ થઈ પછી ‘નાગાઈ’નો જન્મ થયો.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

ભૂરો: તારી નવી રેસ્ટોરાં કેવી ચાલી રહી છે?

બકો: નહીં, યાર. ધંધો મંદ છે.

ભૂરો: વચ્ચે હું બે વાર તારી રેસ્ટોરાં પર આંટો મારી ગયો પણ બેઉ વાર તાળું હતું.

બકો: તું જમવાના ટાઈમે આવ્યો હશે. અમે લોકો બપોરે લંચ માટે ને રાત્રે વાળુ માટે જમવા ઘરે જતા હોઈએ છીએ.

( મુંબઇ સમાચાર : સોમવાર, 16 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *