ઓગણીસમી સદીના ગુજરાતીઓ

આપણે કેટલા ઊંચા છીએ તે જોવા માટે કોના ખભા પર બેઠા છીએ તે જોવું જોઈએ. ગુજરાતીઓ પોતાના ભૂતકાળ માટે બહુ સજાગ નથી. બહુ ઓછા ગુજરાતીઓને પોતાની ગઈ કાલ વિશે જાણ હશે અને એમાંના બહુ ઓછાને પોતાના ભૂતકાળ વિશે ગૌરવ હશે. વીરચંદ ધરમશીએ એકાદ સદી પહેલાંના ગુજરાતી સામયિકો ખૂદીને ‘ગુજરાતગાથા’ નામના એક અદ્ભુત ગ્રંથનું સંકલન કર્યું હતું. આ પુસ્તક વાંચીને આપણી વીતેલી કાલ કેવી હતી તેની ઝાંખી મળે છે. ‘ગુજરાતગાથા’માં છગનલાલ વિદ્યારામ રાવળનો ૧૯૧૮ના મે મહિનાના ‘સાહિત્ય’ માસિકમાં પ્રગટ થયેલો એક લેખ છે.

છગનલાલ રાવળના દાદા રોજ જમી રહ્યા પછી થાળી-વાડકી ધોઈને પી જતા. એક દિવસ પૌત્રે એનું કારણ પૂછ્યું તો દાદા કહે: ‘ભાઈ, મેં નેવુંનો દુકાળ દીઠો છે તેથી આમ કરું છું.’

નેવુંનો દુકાળ એટલે સંવત ૧૮૯૦નો દુકાળ આજથી પોણા બસો કરતાં વધુ વર્ષ પહેલાંના એ દુકાળ વખતે આસપાસનાં ગામોનાં દુકાળિયાઓનાં ધાડેધાડાં ગાડામાં ભરેલા દાણા લૂંટી જતાં. પોઠીવાળા વણજારા ઉપર આવાં ટોળેટોળાં ચઢી આવી મરવાની ધાસ્તી રાખ્યા વિના તેમના પર તૂટી પડતા અને ગધેડા પર રાખેલી ગુણો ઉથલાવી પાડી ઊંચકી જતા.

લૂંટફાટનું પાયાનું કારણ ગરીબી અને પેટની આગ છે એ સનાતન સત્ય છે. શહેરી ગૅન્ગવૉર આખી જુદી દુનિયા છે અને દૂરના ગામડાઓમાં તેમ જ દેવગઢ બારિયા જેવા આદિવાસી ઈલાકાઓનાં જંગલોમાં એક જમાનામાં થતી ચોરી-લૂંટ-ડકૈતીનું વિશ્ર્વ આખું જુદું છે. છેક નીચલા સ્તરની પ્રજાની અવગણના થાય અને એમને સરકાર કે સમાજ તરફથી કામધંધો કે રોજી ન મળે ત્યારે તેઓ પોતાના અસ્તિત્વ માટે ગમે તે રસ્તો શોધી કાઢતા હોય છે. અધૂરામાં પૂરું આમાં અત્યાર સુધી સમાજે હડધૂત કર્યા હોવાનો રોષ ભળે ત્યારે લૂંટની વાત ખૂના-મરકી સુધી પહોંચી જતી હોય છે. આ આદિવાસીઓ પોતાની કાળી મજૂરીની કમાઈથી જીવનાવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા તાલુકા ગામોમાં જાય ત્યારે તેઓને અચૂક છેતરવામાં આવે છે. કપડું, ચાંદી, અનાજ, ફેન્સી ચીજો વગેરેના મનઘડંત દામ એમની પાસેથી વસૂલ કરવામાં આવતા હોય છે. આમાં કમનસીબી પાછી એ છે કે એમનું શોષણ કોઈક કરે છે અને એમનો રોષ મોત બનીને કોઈક બીજા જ ઉપર ઊતરે છે. મામૂલી આવક ધરાવતા આ વંચિત લોકો ઈન્કમ ટેક્સના મિનિમમ સ્લૅબની બહાર હોય છે એટલે ટેક્સ નથી ભરતા, પણ જે લોકો પોતાની વાર્ષિક આવક દસ-વીસ-પચાસ લાખ હોવા છતાં આવકવેરો નથી ભરતા અને દલીલો કરે છે કે સરકાર ક્યાં અમારા માટે કશું કરે છે કે અમે ટેક્સ ભરીએ એ લોકો ખરેખર તો આ વંચિતોને જે સરકાર દ્વારા જે સુવિધાઓ મળવી જોઈએ તે માટેનાં નાણાં કરવેરા દ્વારા સરકારને આપતા નથી અને એટલે એવા જ્યારે આમના દ્વારા લૂંટાય છે. ત્યારે દયાને પાત્ર નથી હોતા.

‘સરસ્વતીચંદ્ર’ કાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પોતાના દાદા ધીરજરામનાં સ્મરણો લખે છે. લગભગ પોણા બસો વર્ષ અગાઉ ધીરજરામનું અવસાન થયું એટલે આ બધી વાતો બસોએક વર્ષ અગાઉની. એ જમાનાની વાત કરતાં ગોવર્ધનરામ નોંધે છે કે દિવસમાં સવારે રસોઈ કરી મૂકે અને તેમાંથી બે વાર ચલાવે. રાત્રે અંધારું થતાં પહેલાં જમી લેવાનું જેથી દીવાનો ખપ ન પડે. ચાર જણ વચ્ચે પાંચ રોટલીના ભાગ થતા ને સૌ સવા સવા રોટલી લેતા. કોઈ મહેમાન આવે તો એને ખાવાનું તો શું પીવાનું પાણીય ન મળે. કારણ કે નળ હતા નહીં ને કૂવાનું પાણી વેચાતું મગાવવાનું જેમાંથી કોઈને આપવાનું પોસાય નહીં. એક અંગરખું ઘણા વર્ષ સુધી ચલાવવામાં આવતું. ૪૦-૫૦ વર્ષ સુધી એકનું એક કપડું ચાલતું. કમાણી થોડી પણ ચોખ્ખી રહેતી. આવી જાતનું ખર્ચ જાળવી જાળવીને પૈસા બચાવવામાં આવતા. એટલે જ જૂના સમયમાં માણસો મોટી પૂંજી મૂકીને ગુજરી જતા. નાદારી શું છે તે કોઈ સમજતું નહીં. થોડા ખરચમાં પોતાને સુખી માનતા અને મજૂરીવાળા દિવસ ગાળી, તંદુરસ્ત અને મજબૂત રહેતા.

ધીરજરામના પુત્ર અર્થાત્ ગોવર્ધનરામના પિતા માધવરામનું લગ્ન થયું ત્યારે લોકોએ આગ્રહ કર્યો કે વરઘોડો કાઢવો અને દારૂખાનું ફોડવું. ધીરજરામે લોકોને પૂછ્યું, ‘હું કેટલો ખરચ કરું તો તમે રાજી થશો?’ લોકોએ કહ્યું, ‘બસો રૂપિયા’ ધીરજરામે કહ્યું, ‘લ્યો, આ બસો રૂપિયાની સાંકળી છોકરાની કોટમાં પહેરાવું છું. મારા પૈસા નગારાવાળામાં અને દારૂખાનાના દેવતામાં નહીં નાખું.’ ધીરજરામે દીકરાનો વરઘોેડો ન કાઢ્યો.

ધીરજરામના પિતા દેવું મૂકીને ગુજરી ગયા હતા. ધીરજરામે મુંબઈમાં કમાણી કરી નડિયાદ જઈ પિતાના લેણદારોને તમામ રકમ ચૂકવી દીધી. પોતાના મૃત્ય સમયે ધીરજરામ પાસે ચાળીસ હજાર રૂપિયા હતા. આ તમામ પૈસાનો તેઓ ધર્માદો કરી નાખવા માગતા હતા. ‘મારે માટે મારા બાપ કંઈ મૂકી ગયા નહોતા છતાં રણછોડરાયે મારી સંભાળ લીધી તેમ જ મારા છોકરાઓની સંભાળ પણ એ જ લેશે. એમની ફિકર હું શું કરવા કરું?’

લોકોએ એમને બહુ વાર્યા, છેવટે ચાળીસમાંથી ત્રીસ હજાર ધર્માદા પાછળ વાપરવાનું કહીને ગુજરી ગયા. જીવતેજીવ તો ધીરજરામે પોતાના હાથે પોતાની પૂંજીમાંથી અડધોઅડધ ધર્માદા ખાતે વાપર્યું હતું. ગો.મા.ત્રિ. નોંધે છે: ‘(ધર્માદામાં રકમ આપી દેવાની) તેમની મરણ સમયની ઈચ્છા એમની એમ રહી. કોઈએ તેને પાળી નહીં.’

આજના ઉપભોકતાવાદના જમાનામાં કરકસર જ્યારે કંજૂસાઈનો પર્યાય બની ગઈ છે અને બચત એટલે ત્રણ લાખનું ટીવી અઢી લાખમાં ખરીદ્યા પછી જે રકમ બચે તે એવો અર્થ થઈ ગયો છે ત્યારે ધીરજરામદાદાને યાદ કરી કેટલાક જૂના પાઠ ફરીથી સ્મૃતિબદ્ધ કરવા પડશે.

૧૯૩૦ના જાન્યુઆરીના ‘કૌમુદી’ મૅગેઝિનના અંકમાં સુરેશ દીક્ષિતે ‘સોબસો વર્ષ પહેલાંના લહિયાઓ અને લેખકો’ વિશે લખ્યું હતું, એટલે કે ૧૯૩૦થી સો-બસો વર્ષ પહેલાંના લહિયાઓની આ વાત. ચોપડી પૂરી કર્યા પછી લહિયાઓ નીચે મુજબની નોંધ લખીને ભૂલચૂક કબૂલ કરતા.

“ઈતી શ્રી શોભદ્રાહરણં રામપુરણ ॥ સંવત ૧૮૩૬નાં રૂડો માસ છે ચૈઈતર શુદી ૬ સોમવારે રામપુરણ લખું છે ॥ લખનાર કામણે જ કશાબાવાશી ટલાટી નભુભાઈ જગદીશ॥ એ લ્ખાવનાર શોની જગજીવન શું॥ લખનારને દોસ મા દેશો॥ બાલક બુધીએ લખુ છું॥ અક્ષર વધઘટ હોએ તે ચલાવી લેજો ગાલ મા દેશો॥ અંબાજી માતે બુધી આપી ત્યારે લ્ખું ગઉ છે॥ ગીપોલ્જી॥

એ પછી તો ગુજરાતી છાપકામ થવા લાગ્યું જેનો ઈતિહાસ આ દૈનિકના વાચકો માટે અજાણ્યો નથી. છ-સાત મહિના પહેલાં જ ‘ગુડ મૉર્નિંગ’માં વિગતે લખાયો. ૧૯૧૨ની સાલના ‘ગુજરાતી’ માસિકના દિવાળી અંકમાં ‘ગુજરાતી મુદ્રણકળાની શતવર્ષિ’ વિશેનો લેખ છે. ઈ.સ. ૧૮૧૨ પહેલાં નાગરી કે ગુજરાતી અક્ષરોનાં બીબાંની હસ્તી નહોતી. એ અગાઉ છૂટક ગુજરાતી બીબાં બન્યાં હતાં, પણ પહેલું ગુજરાતી મુદ્રણાલય કાઢવાનું માન ફરદુનજી મર્ઝબાનને જાય છે. ૧૮૧૨માં એમણે ‘સમાચાર’ નામનું છાપખાનું શરૂ કર્યું અને એમાં ૧૮૧૪માં ‘મુંબઈ સમાચાર’ પંચાંગ પ્રગટ કર્યું. ૧૮૨૨માં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકરૂપે શરૂ કર્યું જેણે થોડાં જ વર્ષો બાદ દૈનિકરૂપ ધારણ કર્યું.

ગુજરાતીઓ ક્યાંથી શરૂઆત કરીને આજે ક્યાં પહોંચ્યા છે અને આવતી કાલે ક્યાંના ક્યાં પહોંચશે. ભૂતકાળનું ભાથું સાથે રાખ્યું હશે તો ભવિષ્યની મજલ કાપતી વખતે એ હોકાયંત્રની ગરજ સારશે.

કાગળ પરના દીવા

યાદ રાખીએ કે ક્યારેક જે જોઈતું હોય તે નથી મળતું એમાં પણ પ્રભુના આશીર્વાદ હોય છે.

– દલાઈ લામા

સન્ડે હ્યુમર

‘સાહેબ, આ માણસ આપઘાતની કોશિશ કરી રહ્યો હતો. હું એને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો છું.’

‘શાબાશ, પણ એ આપઘાત કેવી રીતે કરતો હતો?’

‘સાહેબ, દસ-પંદર કવિઓની વચ્ચે એ એકલો બેઠો હતો.’

( મુંબઇ સમાચાર : રવિવાર, 15 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *