ફ્રી, કોસ્ટલી, એક્સપેન્સિવ અને વેલ્યુ ફૉર મની

એક માણસ પોતાની મૃત પત્નીની ઑડિયન્સ સાથે ઓળખાણ કરાવે છે એટલી જ વન લાઈનર ફોન પર સાંભળીને સામે છેડેથી પૂછવામાં આવ્યું: ક્યારે મળીએ?

મકરંદ દેશપાંડેના નવા નાટક ‘પત્ની’ની આ વન લાઈનર. અને નાટક પણ વન મૅન શો. એક પાત્રીય. આમ તો વન મેન શો ન કહેવાય. બીજા ડઝનેક લોકો નાનીમોટી જવાબદારી નિભાવે છે, પણ એ બધા બેક સ્ટેજ સહાયકો. સ્ટેજ પર માત્ર મકરંદ દેશપાંડે અને ફોન પર જેમણે પૂછયું કે કલ મિલતે હૈ તે નિલાદ્રીકુમાર. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે સિતારવાદનમાં નિલાદ્રીકુમાર નવી જનરેશનનું ટોચનું નામ. સિતાર ઉપરાંત ગિટાર વત્તા સિતારને જોડીને સર્જેલા નવા વાદ્ય ઝિટારમાં પણ એમની ગજબની નિપૂણતા.

જુહુના પૃથ્વી થિયેટર્સમાં ‘પત્ની’ના સવા કલાકના નાટકમાં મકરંદ દેશપાંડે અને નિલાદ્રીકુમારની સ્ટેજ પર જાણે જુગલબંદી ચાલે. એક બાજુ અભિનય અને બીજી બાજુ સિતાર/ઝિટારવાદનનો પ્રવાહ અસ્ખલિત વહેતો રહે. બેઉ જણ પોતપોતાની ધૂનમાં. પૃથ્વીના નાનકડા રંગમંચની સજ્જા ટેડી મૌર્યની. ઈમ્તિયાઝ અલીની બધી ફિલ્મોમાં ટેડી મૌર્યની પ્રોડક્શન ડિઝાઈન અને ‘લવ: આજ-કાલ’માં ટૅક્સીવાળાનો નાનકડો રોલ પણ ખરો. બીજી ફિલ્મોમાં પણ એવા નાનકડા રોલ. ‘પત્ની’ના આ શોમાં ઉસ્તાદ ઝાકિર હુસૈન પણ ઑડિયન્સમાં ખોવાઈ ગયા હોય એ રીતે ગોઠવાઈ ગયેલા. ઝાકિર હુસૈન અને નિલાદ્રીકુમારની જુગલબંધી સાંભળવી હોય તો હજુ થોડા મહિના પહેલાં જ ક્યોટો (જપાન)માં યોજાયેલી મોરારિબાપુની રામકથા યુ ટ્યુબ પર સર્ચ કરજો. દોઢ કલાક કરતાં વધુ ચાલેલી સંગત ઘેરબેઠાં (અને વિનામૂલ્યે!) માણવા મળશે તમને. ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોન્સ આવી ગયા પછી બધાને બધું જ ફોગટનું જોઈએ છે. કોઈ પુસ્તકમાં ઉલ્લેખ કરો તો કેટલાક વાચકો પૂછશે કે એની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરાય. કોઈ ગીત કે પ્રવચનની વાત કાઢો તો એની લિન્ક માગશે. હું તો કહું છું કે અમે લોકોએ આ ટેવ જ ખોટી પાડી છે. ટોકન તરીકે છેવટે રૂપિયો તો રૂપિયો પણ લેવો જોઈએ. ડિમોનેટાઈઝેશન પછી પેટીએમ જેવી સુવિધાઓ પૉપ્યુલર થવા માંડી છે તો એના દ્વારા રૂપિયો ટ્રાન્સફર કરો, પછી જે જોવું-સાંભળવું-વાંચવું હોય તે માણો. બજારમાં તમને વડાપાંઉ કે શિંગચણા પણ મફત નથી મળતા. પૌષ્ટિક આહારની તો વાત જ ન્યારી. હોંશેહોંશે આપણે સો-બસો-પાંચસો રૂપિયા પિત્ઝા-બર્ગર-ગુજરાતી થાળી-પંજાબી/ચાઈનીઝ ડિશીઝ- વગેરે પાછળ ખર્ચી નાખીએ છીએ. બધો તનનો ખોરાક છે તો આ બધો મનનો ખોરાક છે. પેલા ખોરાક વિના જેમ તમે નથી જીવી શકતા એમ આ મનનો ખોરાક ન હોત તો આપણે મનુષ્યમાંથી પાછા જંગલી અસ્તિત્વ ધરાવતા થઈ જઈએ.

જોઈ લે જો આ બધું જ્યાં સુધી મફતમાં મળે છે ત્યાં સુધી. ‘પત્ની’ નાટક વિશે તો મારે એની વન લાઈનર જ આપવાની હતી, કારણ કે આ નાટક એક અલગ પ્રકારનો એક્સપીરિયન્સ છેે. તમે મકરંદ દેશપાંડે દ્વારા લખાયેલા કે બોલાયેલા શબ્દો ક્વોટ કરશો પણ નિલાદ્રીકુમારે વગાડેલી સિતાર કે ઝિટારના સૂરને કેવી રીતે કાગળ પર ઉતારશો. નૉર્મલમાં નાટકો જે કંઈ હોય તેમાંનું અહીં કશું જ નથી છતાં બધું જ છે એટલું જ નહીં, કંઈક વિશેષ છે. આ વધારાનું શું શું છે તે જોવા-માણવા આપણે પૃથ્વી સુધી લાંબા થવું પડે, પણ એ પહેલાં એવો ટેસ્ટ કલ્ટિવેટ કરવો પડે.

એક ઍક્ટર પાસે તમે શું અપેક્ષા રાખો? એનું બોડી પરફેક્ટ હોય, ટ્રેડિશનલી હૅન્ડસમ ચહેરો હોય, જોતાંવેંત પ્રેમમાં પડી જાઓ એવું વ્યક્તિત્વ હોય વગેરે. મકરંદ દેશપાંડેના હાથ પાતળા છે, પગ પાતળા છે, ચહેરો નોર્મલ છે અને એટલું ઓછું હોય એમ માથે એટલા લાંબા અને જટા જેવા વાળ છે કે જોતાંવેંત તમને થાય કે આ ઍક્ટર! હવે એમનો ચહેરો ફેમસ થયો છે એટલે આશ્ર્ચર્ય કે આઘાત ન લાગે, પણ રંગમંચ પર એમની અદાકારી, એમનું લેખન-દિગ્દર્શન એમને આપણી નજીક લાવે છે. ઍક્ટરોમાં કે ફૉર ધૅટ મૅટર કોઈ પણ સર્જકમાં એમનું શરીર કે એમનો દેખાવ સોશિયલી એક્સેપ્ટેબલ છે કે નહીં એવું તો ચીપ, છીછરા લોકો વિચારે. જેમની પાસે સર્જકતા છે એમણે પોતાની સર્જકતા દ્વારા લોકો સુધી પહોંચવાનું હોય. જેમની પાસે ભગવાને આપેલું આ વરદાન નથી હોતું એ લોકોએ પોતાના પૈસા દ્વારા કે ટાપટીપ દ્વારા કે ઠીકઠાક કરાવી દીધેલા શરીર દ્વારા બીજાઓને આકર્ષવા પડે. એવા જ લોકો પોતાની હીનતાગ્રંથિ અર્થાત્ ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ છુપાવવા આવા મહાન સર્જકો વિશે કમેન્ટ કરતા હોય કે આની તો હાઈટ ઓછી છે કે આના તો પગ પાતળા છે કે આના તો વાળ આવા ને આની તો કાર તેવી છે કે આનું તો… વગેરે.

મકરંદ દેશપાંડેની પ્રતિભા કેટલી મોટી કે નિલાદ્રીકુમાર સાથેનું એમનું નાટક જોવા સાક્ષાત્ ઝાકિર હુસૈન આવે. મુંબઈની આ જબરી મઝા છે. કલ્ચરલી મુંબઈ સૌથી વાઈબ્રન્ટ શહેર છે. કમર્શિયલી થતી કલ્ચરલ પ્રવૃત્તિઓ માટે મુંબઈનો શિયાળો બેસ્ટ ગાળો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી અને એ માટે ખાસ તો ડિસેમ્બર/જાન્યુઆરીના બે મહિનામાં તમે અંગ્રેજી છાપામાં જુઓ કે કેટલી બધી કલ્ચરલ એક્ટિવિટીઝની જાહેરખબરો છપાતી રહે છે. મોંઘી ટિકિટો હોવા છતાં ઑડિટોરિયમ છલકાઈ જાય છે. મોંઘી ચીજવસ્તુ માટે અંગ્રેજીમાં બે એક્સપ્રેશન્સ છે. એક્સપેન્સિવ અને કોસ્ટલી. જે ચીજની કિંમત તમે ચૂકવી શકતા નથી એ ચીજને તમે કોસ્ટલી કહો છો. કોઈ ચીજને તમે કોસ્ટલી કહો એટલે તરત જ તમારું આર્થિક સ્તર લોકોને ખબર પડી જાય કે આ શું ખરીદશે આ ચીજને? પણ જે ચીજ ખરીદવાની તમારી આર્થિક તાકાત હોય. એટલી આર્થિક સમૃદ્ધિ હોય તમારી પાસે એ તમને કોસ્ટલી નહીં પણ એક્સપેન્સિવ લાગવાની. એ ચીજ પાછળ એટલા પૈસા ખર્ચવા વ્યર્થ છે એવું તમને લાગવાનું.

અને હા, આ બધામાં વેલ્યુ ફૉર મનીની મિડલ ક્લાસી ટર્મને ભૂલી જ જજો, કારણ કે કોઈને દસ રૂપિયામાં ટ્રેનમાં કાંજુર માર્ગથી વીટી જવામાં વેલ્યુ ફૉર મની ન લાગે અને કોઈને બિઝનેસ ક્લાસમાં મુંબઈથી ન્યૂ યોર્ક જવામાં વેલ્યુ ફૉર મની લાગે એવું પણ બને. ડિપેન્ડ્સ ઑન યૉર મેન્ટાલિટી એટલે વેલ્યુ ફૉર મની શબ્દો તમને કંજૂસ કે મખ્ખીચૂસ ગણાતી કેટલીક ભારતીય પ્રજાની હરોળમાં મૂકશે અને કોસ્ટલી તથા એક્સપેન્સિવમાંથી તમને શું લાગે છે એ બાબત તમારા ઈન્કમ ટૅક્સ રિટર્નની ઝાંખી આપશે.

કલ્ચરલ કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં છલકતી સર્જકતા તમને વેલ્યુ ફૉર મની નથી જ આપવાની માટે એમાં એ શોધતા જ નહીં, કારણ કે આ બધો ખાનદાની સંસ્કારને લીધે તમારામાં ઊતરી આવતો ટેસ્ટ કોસ્ટલી નથી એક્સપેન્સિવ છે.

આજનો વિચાર

આ વરસે કેટલાકને ઠંડી બહુ લાગશે. જે માણસોને પૈસાની ગરમી હતી એ નીકળી ગઈ છે.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકાનો દોસ્તાર: એવી કઈ સ્ત્રી હશે જેને પાક્કી ખબર હોય કે આ ઘડીએ એનો પતિ ક્યાં હશે?

બકો: વિધવા

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 13 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *