કાળાં નાણાંની માલિકી પરથી પડદો હટી ગયો

ડિમોનેટાઈઝેશન વિશે ભારતના વિચક્ષણ, પ્રામાણિક તથા કાર્યક્ષમ, (હા, આ ત્રણેત્રણ વિશેષણ એમને લાગુ પડે) નાણાં મંત્રી અરુણ જેટલીએ જે સાત મુદ્દાનો લેખ લખ્યો તેમાંના ત્રણ મુદ્દા ગઈ કાલે જોયા.

બાકીના આજે.

૪. પ૦૦-૧,૦૦૦ની નોટોનું ડિમોનેટાઈઝેશન કરવાનો વડા પ્રધાનનો નિર્ણય હિંમત અને સ્ટેમિના બેઉ માગી લે છે. એનું અમલીકરણ સૌના માટે તકલીફદેહ હતું. આને કારણે ટૂંકા ગાળામાં એની ટીકા થઈ, કેટલાકને કામચલાઉ અગવડો પણ પડી. આ ગાળા દરમિયાન આર્થિક વહેવારોમાં જે ઓટ આવી તેને લીધે દેશના અર્થતંત્ર પર કામચલાઉ અસર દેખાવાની. આ નિર્ણય ટોચની કક્ષાની સિક્રસી માગી લે તેવો હતો. એના અમલીકરણ માટે ઘણી મોટી સંખ્યામાં નવી ચલણી નોટોનું પ્રિન્ટિંગ કરવાનું હતું અને બૅન્ક, પોસ્ટ ઑફિસ તથા એટીએમ દ્વારા દેશભરમાં એનું વિતરણ કરવાનું હતું.

ડિમોનેટાઈઝ થયેલી ચલણી નોટો ઘણા મોટા પ્રમાણમાં બૅન્કમાં ડિપોઝિટ થઈ હોય એનો મતલબ એ નથી કે એ બધું જ નાણું કાયદેસરનું ધન છે. બૅન્કમાં ભરી દેવાથી જ કંઈ કાળાં નાણાનો રંગ બદલાઈ નથી જતો. ઊલટાનું, એ નાણું હવે ગુમનામીમાંથી બહાર આવીને કોની માલિકીનું છે તેની સરકારને ખબર પડે છે. એ નાણાં પર હવે ટેક્સ લઈ શકાશે. ઈન્કમ ટેક્સ ઍક્ટમાં થયેલા સુધારાઓ પછી આવાં નાણાં પર વધારાનો ટેક્સ તેમ જ પેનલ્ટી લઈ શકાશે-ચાહે આ નાણું સ્વૈચ્છિક રીતે ડિક્લેર કરવામાં આવ્યું હોય કે પછી એને છુપાવવાની કોશિશ થઈ હોવા છતાં એને પકડી પાડવામાં આવ્યું હોય.

(અરુણ જેટલીની આ સ્પષ્ટતા પછી બૅન્કોમાં પંદર લાખ કરોડ રૂપિયાની પ૦૦-૧,૦૦૦ની નોટોમાંથી કેટલી જમા થઈ અને કેટલી નહીં એનું સ્પેક્યુલેશન એક નિરર્થક ટાઈમપાસ બની જાય છે. બૅન્કોમાં આવેલી રકમમાંથી કેટલી વ્હાઈટની છે અને કેટલી રકમ ટેક્સ ભર્યા વિનાની છે તે રાતોરાત નક્કી નથી થઈ શકવાનું. જે રકમ બેનંબરી હતી અને બૅન્કમાં આવી છે તેના પર ટેક્સ વત્તા દંડ ઉઘરાવવાની પ્રોસેસ પણ રાતોરાત પૂરી નથી થવાની. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં તો એ પ્રોેસેસ મહિનાઓ સુધી ચાલવાની, કારણ કે ઈન્કમ ટેક્સવાળા કહેશે કે આ બ્લૅકમની છે જ્યારે એના માલિક કહેશે કે એ રકમ મારા ચોપડે કૅશ ઑન હૅન્ડ બોલે છે. પછી એ ચોપડાનો હિસાબ સાચો છે કે બનાવટી એની સ્ક્રુટિની થવાની).

પ. ડિમોનેટાઈઝેશનથી પડેલી તકલીફોનો હવે અંત આવી રહ્યો છે. આર્થિક વહેવારો ફરી પાછા શરૂ થવા લાગ્યા છે. આજની તારીખે બૅન્કો પાસે અગાઉના કરતાં ખૂબ બધા પૈસા છે જે હવે પ્રજાને પોતાના ધંધાપાણી માટે વાપરવા મળશે. બૅન્કોએ આ રકમ પર ઓછું વ્યાજ આપવાનું છે એટલે સામે ધિરાણનો વ્યાજદર પણ સ્વાભાવિક રીતે જ ઘટવાનો છે. લાખો કરોડો રૂપિયા જે અત્યાર સુધી માર્કેટમાં લૂઝ કરન્સીરૂપે ફરતા હતા તે હવે બૅન્કિંગ સિસ્ટમમાં આવી ગયા છે. એ રકમનું બેનામીપણું તો દૂર થયું જ છે, એના માલિકીપણા પરથી પડદો હટી ગયો છે એટલું જ નહીં, હવે એ રકમનો માલિક એના પર ટેક્સ ભરીને એ રકમનો વધુ સારો ઉપયોગ કરી શકશે. આગામી મહિનાઓમાં અને વર્ષોમાં બૅન્કિંગ ટ્રાન્ઝેકશન્સનું પ્રમાણ ઘણું વધવાનું જેને કારણે આપણા અર્થતંત્રનું કદ વધવાનું અને પરિણામે આપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) બિગર અને ક્લીનર બનવાની.

બૅન્કિંગ સિસ્ટમમાં આવેલા વધારાના નાણાંને લીધે અને ઑફિશિયલ ટ્રાન્ઝેકશનમાં થનારા વધારાને લીધે ડાયરેક્ટ તેમ જ ઈન્ડાયરેક્ટ ટેક્સની આવકમાં વધારો થવાનો જેનો ફાયદો કેન્દ્ર સરકાર તેમ જ રાજ્ય સરકારો બેઉને થવાનો. કૅશના તેમ જ હાઈલી ડિજિટાઈઝ્ડ આર્થિક વ્યવહારોને લીધે અર્થતંત્ર વધુ વેગવાન બનવાનું.

૬. આટલો મોટો નિર્ણય સરકારે લાગુ પાડ્યો તે છતાં ક્યાંય એના અમલીકરણ સામે પ્રજાએ વિદ્રોહ કર્યો નથી. જે સ્વતંત્ર તેમ જ તટસ્થ મિડિયા હાઉસીસ છે તેમણે કરાવેલા ઓપિનિયન પોલમાં ભારતની બહોળી સંખ્યાની પ્રજાએ આ નિર્ણયને ઉમળકાભેર વધાવી લીધો છે તે પુરવાર થઈ ચૂક્યું છે. વિરોધ પક્ષોએ પાર્લામેન્ટની એક આખી સેશન ચાલવા ન દીધી. એમનો વિરોધ પાંગળો પુરવાર થયો. અર્થતંત્ર પર આ નિર્ણયને લીધે ભયંકર માઠી અસર પડી છે એવા એમના અતિશયોક્તિભર્યા દાવાઓ છેવટે જુઠ્ઠાણાં પુરવાર થયા. કમનસીબી તો એ વાતની છે કે કૉન્ગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષે પણ પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા આ સુધારાનો અને નવી ટેક્નોલોજીનો વિરોધ કર્યો. કૉન્ગ્રેસે બ્લેકમનીને પોષતા અર્થતંત્રનો પક્ષ લીધા કરવાનું છોડ્યું નહીં.

૭. વડા પ્રધાન અને એમના વિરોધીઓના અભિગમમાં ઊડીને આંખે વળગે એવો તફાવત જોવા મળ્યો. વડા પ્રધાને દૂરંદેશી દેખાડી, વધુ આધુનિક અને ટેક્નોલોજીના સહારે ચાલતા વધુ ચોખ્ખા અર્થતંત્ર ભણી પગલાં માંડ્યાં. હવે એમણે પોલિટિકલ પાર્ટીઓને મળતાં દાનની સિસ્ટમને પણ સફાઈદાર-ટ્રાન્સપરન્ટ બનાવવા તરફ પગલાં માંડ્યાં છે. એમના વિરોધીઓને હજુય કૅશ ડોમિનેટેડ, કૅશ જનરેટિંગ અને કૅશ એક્સચેન્જ સિસ્ટમ ચાલુ રાખવામાં રસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો તફાવત સ્વયંસ્પષ્ટ છે- વડા પ્રધાન ભારતની નેકસ્ટ જનરેશન વિશે વિચારી રહ્યા છે, રાહુલ ગાંધી પાર્લામેન્ટની નેકસ્ટ સેશનને કેવી રીતે ખોરવી નાખવી એના વિશે ચિંતન કરી રહ્યા છે.

અરુણ જેટલીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં, વિગતે વાત કરી છે. ડિમોનેટાઈઝેશનનો હજુય ઝનૂનભેર વિરોધ કરી રહેલા ગણ્યાગાંઠ્યાં ડફૉળોના દિમાગમાં જો આટલી સીધી-સ્પષ્ટ વાત પણ ન ઊતરતી હોય તો નક્કી કાં તો તેઓ મોદીદ્વેષી છે, કાં પછી નોટબંધીને કારણે તેમનો ગરાસ લૂંટાઈ ગયો છે એવું માનવું પડે. ભારતની પ્રજાએ મોદીના આ નિર્ણયને વધાવી લીધો છે અને પ્રજા જાણી ગઈ છે કે આ નિર્ણયનો વિરોધ કરનારા અડુકિયા-દડુકિયાઓની ઓકાત કેટલી છે. ર૦૦રનાં રમખાણો વખતે મોદીને બદનામ કરવાની આંતરરાષ્ટ્રીય સાઝિશનું છેવટે શું થયું તે પરિણામ આપણા સૌની સમક્ષ છે. એ પછી, મોદી બાર વર્ષે પી.એમ. બન્યા. અત્યારે મોદીની જે લોકો બદબોઈ કરી રહ્યા છે તેઓએ બાર વર્ષ માટે પણ રાહ નહીં જોવી પડે, બાર મહિનામાં જ આ તમામ વિરોધીઓ ‘મોદી, મોદી’ કહીને વડા પ્રધાનની પાલખી ઊંચકીને સરકારી લાભો મેળવતા થઈ જવાના. લખી રાખજો.

આજનો વિચાર

જ્યારે જ્યારે મને સફળતાની ચાવી મળી છે ત્યારે જ કોઈક નવરીનો આવીને તાળું બદલી ભાગી જાય છે.

-વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

પિતા: તારા રિઝલ્ટનું શું થ્યું, બકા?

બકો: સરે કહ્યું છે કે હજુ એક વર્ષ આ જ ક્લાસમાં રહેવું પડશે.

પિતા: ભલે, બે-ત્રણ વરસ રે’વું પડે તો પણ ફેલ નો થાતો.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 12 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *