સાત પગલાં ભારતના ભવ્ય આર્થિક આકાશમાં

દેશના નાણામંત્રી અને એક અત્યંત વિચક્ષણ, પ્રામાણિક તથા કાર્યક્ષમ રાજકારણી એવા અરુણ જેટલીએ ‘ડિમોનેટાઈઝેશન: અ લુક બૅક ઍટ ધ લાસ્ટ ટુ મન્થસ’ નામના લેખના આરંભે લખ્યું છે કે દેશમાં ફરતા ચલણના ૮૬ ટકા જેટલી નોટો અને દેશની જીડીપીમાં ૧૨.૨ ટકા ફાળો ધરાવતું ચલણ જ્યારે પાછું ખેંચીને બદલી નાખવાનું હોય ત્યારે એનાં ગંભીર પરિણામ આવવાનાં એ સ્વાભાવિક છે.

એ પછી ૭ મુદ્દાઓમાં જેટલી પોતાની વાત કહે છે.

૧. મોદી સરકારે સત્તા પર આવતાની સાથે જ બ્લેક મની અને પૅરેલલ ઈકોનોમી સામે સખત પગલાં લેવાની ઘોષણા કરી હતી. આ જાહેરાતના અનુસંધાને સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ (એસ.આઈ.ટી.)ની રચના થઈ. બ્રિસ્બેનમાં યોજાયેલી જી-ટ્વેન્ટી સમિટમાં વડા પ્રધાને ટૅક્સચોરીના ઈરાદાથી બીજા દેશમાં પ્રોફિટ ઘસેડી જવાની પ્રક્રિયા પર રોક લગાવવા માટે વિશ્ર્વનું દરેક રાષ્ટ્ર એકબીજાને ઈન્ફર્મેશન આપીને સહકાર આપે એવું સૂચન કર્યું હતું. એ પછી સ્વિટ્ઝર્લેન્ડે ભારત સાથે કરાર કર્યા કે ૨૦૧૯ની સાલથી બેઉ દેશો એકમેકના નાગરિકોએ એકબીજાના દેશોમાં રાખેલી અસેટ્સ વિશે માહિતીનું આદાનપ્રદાન કરશે. ૧૯૯૬ની સાલથી મૉરેશિયસ સાથેની ડબલ ટૅક્સેશન અવૉઈડન્સ સંધિ રિનેગોશ્યેટ થઈ રહી છે. હવે એ કામ પૂરું થઈ ગયું છે એટલું જ નહીં સાયપ્રસ અને સિંગાપોર સાથેની આ બાબતની સંધિ પણ રિનેગોશ્યેટ થઈ ગઈ છે. ભારતના બ્લેક મની લૉ અંતર્ગત દેશની બહાર ગેરકાયદે અસેટ્સ ધરાવનારાઓને ૬૦ ટકા ટૅક્સ અને દસ વર્ષ સુધીની કેદ થાય છે. ૨૦૧૬ની આઈડીએસ (ઈન્કમ ડિક્લરેશન સ્કીમ) હેઠળ ૪૫ ટકા ટૅક્સ ભરીને પોતાની છુપાવેલી આવક જાહેર કરવાની નાગરિકોને તક આપવામાં આવી જેને સારી એવી સફળતા મળી. બે લાખ રૂપિયાથી વધુના કૅશ ટ્રાન્સેક્શન માટે પાન કાર્ડ અનિવાર્ય બનાવી દીધા પછી બ્લેક મનીથી ખર્ચો કરવાનું અઘરું બની ગયું. ૧૯૮૮માં ઘડાયેલો પણ ક્યારેય અમલમાં ન આવેલા બેનામી પ્રોપર્ટીઝને લગતો કાયદો હવે લાગુ પાડવામાં આવી રહ્યો છે. ટૅક્સચોરીને રોકવા માટે, આ વર્ષે લાગુ પાડવામાં આવી રહેલો જીએસટી (જનરલ સેલ્સ ટૅક્સ)નો કાયદો ઘણો મહત્ત્વનો પુરવાર થવાનો અને ઈન્ડાયરેક્ટ ટૅક્સનું કલેક્શન સરળ બનાવવાનો. રૂ. ૫૦૦/૧૦૦૦ની નોટના ડિમોનેટાઈઝેશનનું પગલું આ જ દિશામાં એક ઘણું મોટું પગલું હતું.

૨. ૨૦૧૫-૧૬ની સાલમાં આ દેશની કુલ ૧૨૫ કરોડ પ્રજામાંથી ૩.૭ કરોડ લોકોનાં નામ ઈન્કમ ટેક્સને ચોપડે નોંધાયેલાં છે. આમાંથી ૯૯ લાખ લોકોએ પોતાની આવક રૂપિયા અઢી લાખથી ઓછી છે એવું જાહેર કરીને એક પણ રૂપિયો ટૅક્સ ભર્યો નથી; ૧.૯૫ કરોડ લોકોએ રૂપિયા પાંચ લાખથી ઓછી આવક જાહેર કરી છે; બાવન લાખ લોકોએ પોતાની આવક રૂપિયા પાંચ લાખથી દસ લાખની વચ્ચે છે એવું જાહેર કર્યું છે અને માત્ર ૨૪ લાખ લોકોએ પોતાની આવક રૂપિયા ૧૦ લાખથી વધુ છે એવી જાહેરાત કરી છે. ભારતમાં ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ ટૅક્સ પૂરતા પ્રમાણમાં નહીં ભરનારા લોકોની સંખ્યા ઘણી વિશાળ છે એનો આથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે?

ગરીબી દૂર કરવા, દેશના સંરક્ષણ માટે તેમ જ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે જે ખર્ચો કરવો પડે તે આ (પૂરતો) ટૅક્સ નહીં ભરનારાઓને લીધે આપણે કરી શકતા નથી. છેલ્લા સાત દાયકાઓથી ભારતીયો માટે પાર્ટલી કૅશમાં અને પાર્ટલી ચેકમાં સોદા કરવા નૉર્મલ ગણાતું આવ્યું છે. ‘કાચામાં’ અને ‘પાકામાં’ આ બે શબ્દો બિઝનેસ કમ્યુનિટી માટે સ્વીકાર્ય બની ગયા હતા, એમના લોહીમાં વણાઈ ગયા હતા. ટૅક્સ આપવાનું ટાળવું એ જાણે અનએથિક્લ કે ઈમ્મોરલ છે એવું લાગતું જ નથી કોઈને. આ જ રીતે ધંધો થાય એવું સૌ કોઈએ સ્વીકારી લીધું છે. અત્યાર સુધીની ઘણી સરકારોએ આવા ‘નૉર્મલ’ ગણાતા આર્થિક વહેવારોને ચલાવી લીધા, દેશની મોટા ભાગની પ્રજાનું અહિત કરતાં હોવા છતાં ચલાવી લીધા. વડા પ્રધાનનું ડિમોનેટાઈઝેશનનું પગલું આ ‘નૉર્મલ’ વહેવારોને અટકાવીને એક નવા પ્રકારના, સાચા, પ્રામાણિક ‘નૉર્મલ’ વહેવારોને અમલમાં લાવવા માટેનું છે. આને લીધે ભારતમાં ચાલતી અને ભારતીયો દ્વારા ચાલતી ખર્ચ કરવાની આખી પદ્ધતિ બદલવાની છે. કોઈ પણ સુધારો થાય ત્યારે ઊથલપાથલ તો થવાની જ. જડબેસલાક રીતે સિસ્ટમમાં ખૂંપી ગયેલા અમુક વહેવારો ઉખાડીને ફેંકી દેવાના હોય ત્યારે ઊથલપાથલ તો થવાની જ. ડિમોનેટાઈઝેશનનું પગલું પ્રામાણિકતાથી થતા વહેવારોને નવાજવા માટેનું છે અને અપ્રામાણિક વહેવારોને દંડ ફટકારવા માટેનું છે.

(જેટલીનો આ મુદ્દો સમજવા જેટલી અક્કલ જેમનામાં હશે તેઓ કેટલાક સમયથી વૉટ્સઍપ ફરતા પેલા ગાંડાઘેલા જેવા ફાલતુ અને કોઈ જડભરતે લખેલા ફૉરવર્ડિયા મોકલનારને જવાબમાં જેટલીનો આ લેખ મોકલી આપશે. કયા ફૉરવર્ડિયાનો ઉલ્લેખ થાય છે, ખબર છે ને? પેલો ‘ભારતીયો ટૅક્સ શા માટે નથી ભરતા?’ મથાળાવાળો પીસ જેમાં લખ્યું છે કે, ‘ભારતીયો ટૅક્સ ચોરી નથી કરતા (પણ) ભારતીયો ટૅક્સની બચત કરે છે (વાહ, વાહ!) જેથી કરીને (તેઓ) પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે, સારી રોજગારી આપી શકે, સારું સ્વાસ્થ્ય આપી શકે અને સારું ભવિષ્ય આપી શકે જે તમારા જેવા નેતાઓ આવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે. અમે ઈન્વેન્ટરો અને જનરેટરો વસાવ્યા કેમ કે તમે અવિરત વીજળી આપવામાં નિષ્ફળ ગયા, અમે સબમર્સિબલ પંપ વસાવ્યા કેમ કે તમે પાણી ન આપી શક્યા, અમે સિક્યુરિટી ગાર્ડ રાખ્યા કેમ કે તમે સુરક્ષા ન કરી શક્યા… અમે કાર કે બાઈક વસાવી કેમ કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન આપી શક્યા… વગેરે… વગેરે… વગેરે…’

આવી બાલિશ દલીલો લખનારા અને આવી બેવકૂફ વાતોને બિરદાવનારા લોકોને શું કહેવું આપણે? ન્યૂ યોર્ક, પેરિસ, લંડન, શાંઘાઈ કે સિંગાપોરમાં કાર, બાઈક છે એનું કારણ શું ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો અભાવ છે? ત્યાં શું પ્રાઈવેટ સિક્યુરિટી નથી? અહીંની પોલીસ જો તમને સુરક્ષા ન આપતી હોત તો આજે તમારી મા-બહેન-પત્ની-દીકરી કે તમે પોતે પણ સલામત હોત? તમારી પ્રોપર્ટીઝ સલામત હોત? એક તો ટૅક્સ ભરવો નહીં અને ઉપરથી આવી શાણપટ્ટી કરવી? યુ. ચોરી પર સિનાજોરી તે આનું નામ).

૩. આપણી નોટો આર્થિક વ્યવહારોને ગુમનામ રાખવાનું એક મોટું માધ્યમ છે. આ ચલણી નોટ કોની છે અને ક્યા આર્થિક વ્યવહારમાં એની લેવડદેવડ થઈ છે એનો કોઈ ઈતિહાસ એની સાથે જોડાયેલો નથી હોતો. ક્રાઈમ તો કૅશથી કે કૅશ વગર પણ થઈ શકવાનો જ છે, પણ અંડરગ્રાઉન્ડ ઈકોનોમીને બહુધા કૅશનું માધ્યમ માફક આવે છે. આવી ઈકોનોમી ટૅક્સ ભરવાની બાબતમાં ચોરી કરવાનું ઉત્તેજન આપે છે જેને લીધે કરચોરો વધુ સમૃદ્ધ બને છે અને ગરીબો તથા વંચિતોનું અહિત થાય છે. કૅશના વહેવારોથી સર્જાતી આ પૅરેલલ ઈકોનોમીમાંથી કમાવવામાં આવતું ઢગલો નાણું હવાલા દ્વારા વિદેશોમાં મોકલી દેવામાં આવે છે, (એવા દેશોમાં જ્યાં સત્તાવાર રીતે ટૅક્સચોરીને પ્રોત્સાહન આપવામાં આવે છે, કારણ કે એ દેશો પાસે આવક માટેનાં બીજા કોઈ પ્રામાણિક સાધનો ઓછાં હોય છે). કૅશ ટ્રાન્ઝેકશન્સને લીધે ક્યારે, ક્યાં કઈ બાબતમાં સોદો થયો તેની જાણકારી તે ને તે જ વખતે સરકારને મળતી નથી. કૅશના માધ્યમ દ્વારા લાંચ આપવી, ભ્રષ્ટાચાર કરવો, બનાવટી નોટો છાપવી અને આતંકવાદને ફેલાવવો સુગમ બને છે. કૅશના વધુ પડતા ઉપયોગને બદલે બૅન્કિંગ તેમ જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કરવાનું કાર્ય વર્ષોથી બીજા ઘણા દેશો દ્વારા થઈ રહ્યું છે, જ્યાંના લોકો એથિકલ છે અને જ્યાંનો સમાજ ડૅવલપ્ડ છે. તેઓ ટૅક્નોલૉજીના સહારે આ કામ કરી રહ્યા છે. ચલણી નોટોનું માધ્યમ ઘણાં ઘણાં દૂષણો સર્જે છે. સરકાર જ્યારે ટૅક્સની ચોરી કરતા લોકો પાસેથી વધુ ટૅક્સ કલેક્ટ કરવામાં સફળ જશે ત્યારે તે પ્રામાણિક કરદાતાઓ પાસેથી ઓછો ટૅક્સ લેતી થઈ જશે. કૅશના વ્યવહારો કમી કરવાથી ક્રાઈમ કે ટેરરિઝમ પર ફુલસ્ટૉપ નથી મુકાઈ જવાનું પણ એ બંને પ્રવૃત્તિઓ પર જબરજસ્ત ધક્કો લાગવાનો, એમાં કમી આવવાની. દરેક દેશનો અનુભવ છે કે કૅશમાં થતા વ્યવહારો આપોઆપ નથી ઘટતા હોતા, એ માટે સરકારે જ સામે ચાલીને ચલણી નોટોનો વપરાશ ઓછો થાય એવાં પગલાં લેવાં પડે.

જેટલીના બાકીના મુદ્દાઓ જોઈને કાલે પૂરું કરીએ – ત્યાં સુધી આ મુદ્દાઓ વિશે છાતી પર હાથ મૂકીને વિચારો. તમારા હૈયે જો ખરેખર આ દેશનું હિત હશે તો આ વિચારો થકી તમારી છાતી ફૂલશે.

આજનો વિચાર

માણસ અને પતંગની વ્યથા સરખી છે. પતંગને બૅલેન્સ્ડ રાખવા પૂંછડી બાંધવામાં આવે. માણસને બૅલેન્સ્ડ રાખવા પરણાવી દેવામાં આવે.

– ચાણક્યની સોસાયટીનો વૉચમૅન

એક મિનિટ!

ફક્ત કહેવા ખાતર ઉત્તરાયણ બે દિવસની છે. બાકી સિસ્ટમ તો બધા આખું વર્ષ ફૉલો કરે જ છે:

‘તું મારી કાપ અને હું તારી કાપું.’

( મુંબઇ સમાચાર : બુધવાર, 11 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *