વિદેશીઓ શું કામ તમારાં વખાણ કરે?

સેક્યુલર હોવું એટલે નરેન્દ્ર મોદીના હરેક પગલાનો વિરોધ કરવો અને એટલે ડિમોનેટાઈઝેશન જેવા ભારતની પ્રજા માટે અત્યાર સુધી લેવામાં આવેલા કોઈ પણ સરકારી નિર્ણયો કરતાં વધુ ઉપયોગી એવા નિર્ણયોમાંના એકનો પણ વિરોધ કરવો એવું માનીને છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી અણસમજુ, અધકચરા અને દ્વેષીલા એવા કેટલાક લોકો નોટબંધીને ગાળાગાળ કરી રહ્યા છે ને એમનું જોઈને નકલખોર વાનરો પણ ચાળાં પાડી રહ્યાં છે.

પહેલી વાત તો એ કે ભારતના અર્થતંત્ર પર આ નિર્ણયની કેટલી અસર ક્યાં ક્યાં થશે એના ગપગોળા વિદેશી એજન્સીઓ કે વિદેશી મિડિયા દ્વારા જે છોડવામાં આવે છે તેના પર ભરોસો કરવો નહીં. ભારત મજબૂત રાષ્ટ્ર બનતું હોય તો કઈ વિદેશી સત્તાને તે ગમવાનું છે? તેઓ તો હજુય ભારત એટલે દહેજ માટે વહુઓને બાળી મૂકનારા દેશ તરીકે ઓળખવા માગે છે. આપણી ભલમનસાઈ છે કે આપણે એ લોકોની ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જોકરને ચૂંટી કાઢનારા બેવકૂફોના દેશ તરીકે હાંસી નથી ઉડાવતા.

બીજું, રાષ્ટ્રપતિનો હોદ્દો ગરિમામય છે અને એ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ તટસ્થ જ હોય એવું આપણે માની લીધું છે. પણ હકીકત એ છે કે પ્રણવદા હાર્ડકોર કૉન્ગ્રેસી છે, કૉન્ગ્રેસી વડા પ્રધાનોની યથાશક્તિ સેવા કરીને અનેક વખત કેબિનેટના સિનિયર પ્રધાન રહી ચૂક્યા છે, કૉન્ગ્રેસના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે. નોટબંધી વિશેની એમની નાનીમોટી ટીકાઓને ચગાવવાની ના હોય.

ત્રીજું, જેમ કચ્છના ૨૦૦૧ની સાલના ભૂકંપ વખતે મિડિયા પોતાની રીતે મૃત્યુના મનઘડંત આંકડા ચગાવતું હતું કે પાંત્રીસ હજાર મર્યા ને પિસ્તાલીસ હજાર મર્યા એવું જ કેટલી જૂની ૫૦૦/૧,૦૦૦ની નોટો બૅન્કોમાં જમા થઈ એ વિશેના આંકડાઓનું છે. ભૂકંપમાં ફાઈનલ સરકારી આંકડો ૧૯,૦૦૦ની આસપાસનો થયો. એકમાત્ર સરકાર પાસે જ ચોક્કસ આંકડા હોવાના આ બધી બાબતોના. મિડિયા ક્યાંથી તમામ લાશની ગણતરી કરવાનું હતું? એ જ રીતે મિડિયાને ક્યાંથી ગણતાં આવડવાનું કે ભારતભરની તમામ બૅન્કોમાં કેટલી જૂની નોટો જમા થઈ?

ચોથું, નોટબંધી પહેલાં પંદર લાખ કરોડ જેટલી ૫૦૦/૧૦૦૦ની નોટો ચલણમાં હતી. આમાંથી જેટલી નોટો ઓછી બૅન્કોમાં જમા થશે એટલી આ નિર્ણયની સફળતા ગણાશે એવું ધુપ્પલ કોઈ બની બેઠેલા ‘અર્થશાસ્ત્રી’એ ચલાવ્યું અને આપણે વૉટ્સઍપિયાઓએ એ માની લીધું. ધારો કે, પૂરેપૂરી નોટો પણ બૅન્કોમાં જમા થઈ ગઈ તોય તે આ નિર્ણયની સફળતાની જ નિશાની છે, કારણ કે છેવટે તો એ તમામ રકમ હવે ટેક્સપેઈડ નાણાં તરીકે બજારમાં ફરવાની, બે નંબરનાં નાણાં તરીકે નહીં. ઉપરાંત બૅંકમાં જૂની નોટો જમા થઈ જવાથી એ વ્હાઈટની નથી થઈ જતી એવું વારંવાર, ગાઈબજાવીને, સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે છતાં આપણે એ વાતને કાને ધરતા નથી. એ રકમમાંથી જેના પર ટેક્સ નહીં ભરાયો હોય તેના પર ટેક્સ વત્તા દંડ લીધા પછી જ એને વ્હાઈટની ગણી શકાય એવું સિમ્પલ લૉજિક હજુ આપણા ગળે નથી ઊતર્યું.

પાંચમું, કૉમનમૅનની હાલાકીના નામે છાજિયા લેનારાઓમાંથી કોણે ભૂતકાળમાં કઈ બાબતમાં આ કૉમનમૅનનું ઉપરાણું લીધું છે? ઑર ફૉર ધૅટ મેટર કૉમનમૅનનું હિત થાય એવું કામકાજ પોતાના પ્રોફેશન કે બિઝનેસ કે કામકાજ દરમિયાન કર્યું છે? મને જ્યારે એટીએમની લાઈનમાં ઊભા રહેવાનો વાંધો નથી તો તમને શું કામ મારા પર દયા આવે છે? તમારો કૅશનો પ્રૉબ્લેમ તો તમે તમારી રીતે સગેવગે કરીને સૉલ્વ કરી જ નાખ્યો છે. તમને દુ:ખે છે પેટ ને તમે કૂટો છો માથું. યા તો તમે હાડોહાડ સેક્યુલર હો અને મોદીનો ચહેરો તમને દીઠો ન ગમતો હોય ત્યારે તમે નોટબંધીનો વિરોધ કરો છો, યા મોદીની પૉપ્યુલારિટી આને લીધે ભવિષ્યમાં એટલી વધી જશે કે હિંદુ મતદારો હવે પછી ક્યારેય કૉન્ગ્રેસને વોટ નહીં આપે એવું માનીને તમે મોદીને હીણા ચીતરો છો યા પછી નોટબંધીને કારણે રાતોરાત તમારો ગરાસ લૂંટાઈ ગયો છે એટલે તમે મોદીના આ નિર્ણયને ઉતારી પાડો છો અને તમે કંઈક એવા કારોબારમાં છો કે ભવિષ્યમાં તમારા એ ધંધા પર ઘણી મોટી અવળી અસર થવાની કે તમારો પ્રોફિટ માર્જિન સાવ ઘટી જવાનો એટલે તમે હજુ સુધી ‘મોદી હાય હાય’ના નારા લગાવ્યા કરો છો.

મોદીએ જે કર્યું છે તે લૅન્ડમાર્ક પગલું છે એવું મોદીપ્રેમી લોકોને પણ સમજતાં વાર લાગે છે એનું કારણ મિડિયામાં થતો ‘નિષ્ણાતો’નો કોલાહલ છે. જેમ ૨૦૦૨નાં ગુજરાત રમખાણો વખતે સેક્યુલર મિડિયા દ્વારા દિવસરાત થતી મોદીની, ગુજરાતની અને હિંદુઓની ટીકા સાંભળી સાંભળીને તમારું હિંદુ લોહી ઊકળી ઉઠવાને બદલે સહમી ગયું હતું, આ બધી ટીકામાં ક્યાંક તો સત્ય છે એવું માનીને જરા ઠંડું બની ગયું હતું એવું જ અત્યારે પણ તમારી, મોદીપ્રેમીઓ, સાથે બની રહ્યું છે. ૨૦૦૨ વખતની એ ટીકાઓ તદ્દન બોગ્ગસ હતી, વિદેશી ડોનેશન્સ લઈને તગડી થયેલી એનજીઓઝ તેમ જ વિદેશી ઈન્વેસ્ટમેન્ટસ થકી ચાલતી ન્યૂઝ ચેનલો દ્વારા થતી હતી એવી તમને મોડે મોડે ખબર પડી અને તમે બમણા જોરથી એ બાબતે મોદીની તરફેણ કરવા લાગ્યા એવું જ નોટબંધીની બાબતમાં તમારું થવાનું છે, લખી રાખજો.

નોટબંધી વિશે આટઆટલું લખ્યું હોવા છતાં ફરી એક વાર મારે લખવું પડ્યું એનું કારણ છે નાણામંત્રી અરુણ જેટલીએ આ લખેલો એક આર્ટિકલ જે એમના બ્લૉગ પર છે, ભાજપની વેબસાઈટ પર છે તેમ જ ફેસબુક પર પણ વિવિધ જગ્યાએ છે. રવિવાર, ૮ જાન્યુઆરીએ લખાયેલા આ લેખમાં અરુણ જેટલીએ ડિમોનેટાઈઝેશન વિશેના મુદ્દા એટલા સટિક રીતે રજૂ કર્યા છે જે જાણવા માટે તમારે એ લેખ ઓરિજિનલ અંગ્રેજીમાં શબ્દશ: વાંચી જવો પડે. કોઈક કારણોસર ન વાંચી શકો તો એના મુખ્ય મુદ્દાઓનું વિશ્ર્લેષણ કાલે આ જગ્યાએ વાંચજો.

આજનો વિચાર

લખવું એટલે રાત્રે ડ્રાઈવિંગ કરવું. તમારી હેડલાઈટના પ્રકાશમાં જેટલું નજરે પડે એનાથી આગળ કશું ન દેખાય. પણ એ જ રીતે આગળ વધી વધીને તમે આખી યાત્રા પૂરી કરી લો.

– ઈ. એલ. ડૉક્ટરૉ (૧૯૩૧-૨૦૧૫, અમેરિકન નોવેલિસ્ટ, એડિટર અને પ્રૉફેસર).

એક મિનિટ!

વાઈબ્રન્ટ ગુજરાત.

બકો: તમે ક્યાંથી આવો છો?

ફોરેનર: કેમ્બ્રિજથી. અને તમે?

બકો: એલિસબ્રિજથી.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 10 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *