અંતે તો તમારે શબ્દની સાથે જ ઊઠવાબેસવાનું, જીવવામરવાનું છે

કવિ સુરેન ઠાકર ‘મેહુલ’એ ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરતાં એક સરસ અભિવ્યક્તિ આપી હતી કે મેઘાણી શબ્દની સંતાન જેટલી કાળજી લેતા.

સંતાનને લાડ પણ લડાવવાનાં હોય અને કહ્યામાં ન રહે ત્યારે ધમકાવવાનાં પણ હોય. શબ્દો દરેક લેખક માટે પોતાનું ફરજંદ છે. એને કેવી રીતે ઉછેરવા, એને કેવા સંસ્કાર આપવા એ લેખકના પોતાના પર નિર્ભર છે. પણ આજે અહીં માત્ર લેખકના શબ્દની વાત નથી કરવી. જનસામાન્યના શબ્દની વાત છેડવી છે. માણસ શબ્દો દ્વારા – બોલીને કે લખીને – કોઈકને પ્રેમ કરી શકે છે, કોઈકનું દિલ તોડી શકે છે, કોકના પર વેર વાળી શકે છે, કોઈકને ગુસ્સે કરી શકે છે, કોઈકને શાતા આપી શકે છે, કોઈકના મનમાં રોમેન્ટિક તો ક્યારેક ગમગીનીનો માહોલ ઊભો કરી શકે છે, કોઈકને શૂરાતન ચડાવી શકે છે, હતોત્સાહ પણ કરી શકે છે, મહેણાં મારી શકે છે, ઉમળકો વ્યક્ત કરી શકે છે.

માનવસ્વભાવની ઘણીખરી, બધી જ નહીં, લાગણીઓ વ્યક્ત કરવા માટે આ શબ્દો કામ લાગે છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું હતું: મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા / ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

શબ્દની મર્યાદા વિશે અત્યારે વાત નથી કરતા. એ આખો જુદો વિષય છે. મર્યાદા કે સીમા ત્યારે આવે જ્યારે અમુક ચોક્કસ અંતર કપાઈ ચુક્યું હોય. ચિનુ મોદી ‘ભાવ-અભાવ’ નવલકથામાં લખી ચૂક્યા છે તે સાવ સાચું છે: ‘ભાષાનો આ સેતુ ખખડી ગયેલો છે, પસાર થતાં ક્યારે ગાબડું પડે એ કંઈ કહેવાય નહીં. એટલે અનિવાર્ય હોય તો જ આ પુલ પરથી પસાર થવાનું જોખમ ખેડવું.’

તો આ મર્યાદા વિશે ફરી ક્યારેક. આજે શબ્દની તાકાત વિશે, શબ્દના વપરાશ વિશે. શબ્દ દ્વારા અભિવ્યક્તિની ટેવ પડી ગયા પછી પણ ક્યારેક અજ્ઞાન તો ક્યારેક આળસને કારણે આપણે અનેક પ્રકારના ભાવ પ્રગટ કરવા એક જ શબ્દથી ચલાવી લેતા હોઈએ છીએ. ‘ફાઈન’ શબ્દ હવે લગભગ ગુજરાતી બની ગયો છે. પિક્ચર કેવું? ફાઈન. છોકરો કેવો? ફાઈન. ખાવાનું કેવું? ફાઈન. કપડાં પણ ફાઈન અને પ્રવાસ પણ ફાઈન અને કામવાળીએ આજે કરેલું કચરાપોતું પણ ફાઈન. જ્યાં ત્યાં ફાઈન વાપરવાની આ ટેવ પ્રત્યે, કોર્નેલ યુનિવર્સિટીમાં ભણીને શેક્સપિયર વિશે પીએચ.ડી. કરનારાં ડૉ. અંજના દેસાઈએ મારું ધ્યાન દોર્યું એ પછી હું એમની રસોઈને ટેસ્ટફુલ, એમની સાડીને કલરફુલ અને એમને પોતાને ગોર્જીયસ કહેતાં શીખ્યો છું.

આપણે કંઈ સાહિત્યકાર કે લેખક થોડા છીએ કે બોલતી/લખતી વખતે ધ્યાન રાખવું પડે? આ દલીલ જ ખોટી છે. ચાકુની ધારનું કેમ ધ્યાન રાખવું પડે છે? એ વાગી શકે છે. કાચનો કપ હાથમાંથી છૂટી ન જાય એનું શા માટે ધ્યાન રાખવું પડે છે? એ ફુટી જઈ શકે છે. શબ્દને બેદરકારીથી વાપરતાં ઘણા અકસ્માતો થઈ શકે છે અને કાળજીપૂર્વક એનો ઉપયોગ કરીને ઘણા સંભવિત અકસ્માતો નિવારી શકાય છે. શબ્દો પ્રત્યેની બેદરકારી માટે સામાન્યજન કરતાં ભાષાના વિદ્યાર્થીઓ કે લેખકો-પત્રકારો વધારે જવાબદાર છે. ફાધર વાલેસે ભાષાશાસ્ત્રના વિદ્યાર્થીઓને લઈને એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ અમેરિકાના સાહિત્યિક હાસ્યકાર માર્ક ટ્વેઈનના નામે ઓળખાય છે. માર્ક ટ્વેઈને એક વાર પોતે અંગ્રેજીમાં લખેલો એક ફકરો લીધો. કોઈની પાસે એમણે એનો ફ્રેન્ચમાં અનુવાદ કરાવ્યો. પછી એણે પોતે એને ફ્રેન્ચમાંથી પાછો અંગ્રેજીમાં ઉતાર્યો અને મિત્રો આગળ સંભળાવ્યો ત્યારે મિત્રો ખડખડાટ હસી પડ્યા.

ફાધર વાલેસે એક વખત એમની કૉલેજમાં વિદ્યાર્થીઓ માટે પન્નાલાલ પટેલના એક લેખમાંથી આ ફકરો પસંદ કર્યો. ફાધરના પ્રયોગ ઉપરાંત આમેય પન્નાલાલનો આ દીર્ઘ ગદ્યખંડ આ લેખ માટે રિલેવેન્ટ છે:

‘મને ક્યારેક લેખક થવાનો વિચાર તો આવેલો જ નથી પછી મથામણ કરવાની કે ચિંતન કરવાની તો વાત જ ક્યાં રહી! આ હિસાબે મારા માટે તો શબ્દની ઈચ્છા, પ્રતીક્ષા, પ્રયત્ન, ચિંતન કે અભ્યાસ – કશું જ કરવામાં આવ્યું ન હતું… ટૂંકમાં, કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ મેં કદી કર્યો નથી અને આમ સહજ રીતે સાપ મૂઠીમાં પકડાઈ ગયો એ પછી તો જેમ જેમ સમજાતું ગયું કે આ તો સાપ છે તેમ તેમ મૂઠી મજબૂત બનતી ગઈ. અને પછી ‘હીરો’ બની બેઠા પછી તો મૂઠી છોડવી એ પણ મૂર્ખામી કરવા જેવું હતું. મૂઠી પણ જેમ જાણે કે મડામૂઠ બની ગઈ હતી… આ ઉપરાંત આ રસ્તે મારા જીવનનો ખાસ પ્રશ્ર્ન રોજી રોટીનો પણ એમાંથી સહેજે ઊકલતો હતો. મેં ક્યાંક વાંચ્યું-સાંભળ્યું છે કે સર્જન કરવાનું કામ નશાના બંધાણી જેવું છે. છોડવા જાઓ તો પણ છૂટવું મુશ્કેલ છે. ટૂંકી વાર્તામાંથી નવલકથામાં પણ સહજ રીતે લસરી પડેલો – કદાચ મારા સર્જન-ઉન્મેષને ટૂંકી વાર્તા ટૂંકી પડી હશે!’

આ પેરેગ્રાફને ફાધર વાલેસના પ્રયોગ તરીકે વાંચવા ઉપરાંત સ્વતંત્રપણે પણ વાંચવો જોઈએ. પ્રયોગની વાત કરીએ. ફાધર વાલેસે આ ફકરાને વિદ્યાર્થીઓના એક જૂથ પાસે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવ્યો. અને બીજા જૂથને મૂળ ગુજરાતી પાઠ આપ્યા વિના, માત્ર અંગ્રેજી ભાષાંતર આપીને કહ્યું કે હવે તમે આનો ગુજરાતી અનુવાદ કરો. આ ગુજરાતી તરજૂમાનો ઉતારો પણ અહીં છે. તમે જોશો કે મથામણ, પુરુષાર્થ, સહજ રીતે મૂઠીમાં, મડામૂઠ, રોજીરોટી, બંધાણી કે લસરી પડેલા જેવા તદ્ભવ તેમ જ તળપદી અભિવ્યક્તિના શબ્દો કે ભાવપ્રયોગની વાયા અંગ્રેજી, કેવી દયાજનક હાલત થઈ છે. પન્નાલાલે વાપરેલા ‘સર્જન-ઉન્મેખ’ શબ્દપ્રયોગને ભલે કોઈ ટિપિકલ પન્નાલાલશાહી ન કહે પણ લેખનની વાત કરતી વખતે પન્નાલાલ માટે આ શબ્દ સાહજિક, હાથવગો હતો. પન્નાલાલે એમની અસલ ગુજરાતી બાનીમાં ‘હીરો’ જેવો અંગ્રેજી શબ્દ વાપર્યો છે જે મૂળ લખાણમાં એકદમ સાહજિક લાગે છે. એ જ શબ્દ જ્યારે અંગ્રેજીમાં રૂપાંતરિત થઈને ગુજરાતીમાં પાછો આવે છે ત્યારે કેટલો આગંતુક લાગે છે તે માર્ક કરજો. ઘણા અંગ્રેજી શબ્દપ્રયોગો ગુજરાતીમાં સાહજિક લાગતા હોય છે. ‘મુંબઈ સમાચાર’માં ૧૯૯૫ની સાલમાં મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ શરૂ થઈ ત્યારે કેટલાક ઉત્સાહીઓ મને કૉલમનું નામ ‘સુપ્રભાત’ નામ રાખવાનું સૂચવતા. ગુજરાતી કે ભારતીય સંસ્કારોમાં સવાર, બપોર, સાંજ કે રાતના સમયે શુભેચ્છા આપવા-લેવાની કોઈ પરંપરા નથી. સુપ્રભાત કે શુભરાત્રિ આપણે અંગ્રેજીમાંથી તોડીને જોડી કાઢેલી અભિવ્યક્તિ છે. (એ જ રીતે તહેવારો ટાંકણે કૃત્રિમ શુભેચ્છાના શબ્દો કહેવાની પણ આપણે ત્યાં કોઈ પરંપરા નથી પણ હૅપી ન્યુ યર કે હેપી ક્રિસમસના ચાળે ચડીને આપણે હૅપી મકરસંક્રાંતિ, હૅપી હોલી, હૅપી રક્ષાબંધન, હૅપી દશેરા વગેરે ચાંપલાવેડા કરતા થઈ ગયા છીએ.

ખેર, મુંબઈ-અમદાવાદ-મુંબઈની ટ્રેનની જેમ ગુજરાતી-અંગ્રેજી-ગુજરાતીના પ્રવાસ પછી પણ આપણને ફાધર વાલેસના વિદ્યાર્થીઓ જે નવા પન્નાલાલ પટેલ આપે છે એને ઓરિજિનલ સાથે સરખાવીને એક એક વાક્ય વાંચતા જાઓ. મઝા આવશે:

‘મેં કદીય લેખક થવાનો વિચાર કર્યો નહોતો એટલે પ્રયત્ન કરવામાં કે અભ્યાસ કરવામાં કોઈ માલ ન હતો. આ બાબતમાં, એટલે કે શબ્દો શોધવા, યોજવા, મેળવવા, શીખવાની બાબતમાં કોઈએ મારે માટે કશું કર્યું નથી. ટૂંકમાં, મેં કોઈ પણ પ્રયત્ન કદી કર્યો નથી. આ રીતે મેં અજ્ઞાનપણે સાપ હાથમાં પકડ્યો, અને જેમ મને ખબર પડી કે આ સાપ જ છે તેમ મારી પકડ વધારે મજબૂત બની. પછી હું કથાનો નાયક બની ગયો એટલે હાથની પકડ છોડવાનો વિચાર મૂર્ખાઈભર્યો લાગ્યો. હાથની પકડ હવે યમરાજની પકડ બની ગઈ. ઉપરાંત આ રીતે મારા જીવનમાં આપકમાઈના વિકટ પ્રશ્ર્નનો ઉકેલ આપોઆપ મળી ગયો. મેં ક્યાંક વાંચ્યું અથવા સાંભળ્યું છે કે સર્જનાત્મક કામ વ્યસન જ છે. તમે એ છોડવા જાઓ તોય એ મુશ્કેલીથી છોડાય. હું ટૂંકી વાર્તામાંથી આવીને નવલકથા પર સ્વાભાવિક રીતે ગોઠવાઈ ગયો. કદાચ મારા સર્જક તરીકેના ઉત્સાહને ટૂંકી વાર્તા ટૂંકી જ લાગી હશે.’

શબ્દને તમે સંતાન ગણો કે પછી એને પરભવનો દુશ્મન ગણો. અંતે તો તમારે એની સાથે જ ઊઠવાબેસવાનું છે, જીવવામરવાનું છે.

કાગળ પરના દીવા

ડર એટલે અશ્રદ્ધા.

– જ્યોર્જ મેક્ડોનાલ્ડ (૧૮૨૪-૧૯૦૫, સ્કૉટિશ કવિ અને નવલકથાકાર, ખ્રિસ્તી પાદરી.)

સન્ડે હ્યુમર

સ્કૂલ ગર્લ: મૅડમ, પ્રેમ એટલે શું?

ટીચર: તું મોટી થઈને સારી છોકરી બનીશ તો તને જરૂર કોઈ પ્રેમ કરવાવાળો મળી જશે.

સ્કૂલ ગર્લ: પણ મૅડમ, હું મોટી થઈને સારી છોકરી ન બની તો?

ટીચર: તો ઘણા બધા પ્રેમ કરવાવાળા મળશે.

( મુંબઇ સમાચાર : રવિવાર, 8 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *