ગુમ હૈ કિસી કે પ્યાર મેં

તમારા નોસ્ટાલ્જિયા સાથે સજ્જડ રીતે સંકળાયેલું કોઈ આ દુનિયા છોડીને જતું રહે છે ત્યારે તમે પોતે પણ એટલા અંશે એની સાથે આ દુનિયામાંથી વિદાય લેતા હો છો. આર.ડી. બર્મન ૪થી જાન્યુઆરી, ૧૯૯૪ના દિવસે ગુજરી ગયા તેની સાથે આપણો એમની સાથે સંકળાયેલો અંશ પણ મૃત્યુ પામ્યો. આર.ડી.ના જવાથી જે જગ્યા પડી તે હવે એમને સાંભરીને ભર્યા કરીએ છીએ.

‘કોરા કાગઝ થા યે મન મેરા…’ પહેલી વખત રેડિયો પર સાંભળ્યું ત્યારે જ સીધું મન પર અને જીભ પર ચોંટી ગયું હતું. ‘આરાધના’ (૧૯૬૯)માં મ્યુઝિક સચિન દેવ બર્મનનું હતું. પણ પછી ખબર પડી કે પિતાની બીમારીને કારણે આ ગીત પુત્રે કંપોઝ કર્યું હતું. ‘રૂપ તેરા મસ્તાના’ અને ‘મેરે સપનોં કી રાની’માં પણ આર.ડી.એ પોતાનો ફાળો આપ્યો હતો. ઈનફૅક્ટ, નિર્માતા-દિગ્દર્શક શક્તિ સામંતાએ ‘આરાધના’ના બંગાળી વર્ઝનનાં પોસ્ટર્સમાં સંગીતકાર: સચિન દેવ બર્મન અને મદદનીશ સંગીતકાર: રાહુલ દેવ બર્મન એવી ક્રેડિટ્સ છાપી હતી. પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ પર. ફિલ્મનાં ટાઈટલ્સમાં તો હોય.

એ પહેલાં દેવ આનંદની ‘ગાઈડ’ (૧૯૬૬)નું ‘ગાતા રહે મેરા દિલ’ પણ આર.ડી.એ પિતા માંદગીમાં પથારીવશ હતા એટલે કંપોઝ કર્યું હતું.

અફ કોર્સ ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬) એ પહેલાં રિલીઝ થઈ પણ એ ફિલ્મ તેમ જ એનાં ગીતોનું એક્સપોઝર મોડેથી મળ્યું. ‘પડોસન’ (૧૯૬૮) રિલીઝ થઈ તે જ ગાળામાં જોઈ પણ ‘મેરે સામનેવાલી ખિડકી’ તથા ‘એક ચતુર નાર’ અને ‘મૈં ચલી, મૈં ચલી’ તથા ‘કહના હૈ, કહના હૈ…’ અને ‘ભાઈ બત્તુર’ જેવાં યાદગાર ગીતો યાદગાર છે એવું રિયલાઈઝેશન મોડેથી થયું. એવું જ ‘પ્યાર કા મૌસમ’નું થયું. ફિલ્મનું ટાઈટલ સૉન્ગ અને ‘તુમ બિન જાઉં કહાં’ જિંદગીમાં મોડેથી પ્રવેશ્યાં. એટલે થિયોરિટિકલી નહીં પણ પ્રેક્ટિકલી જોઈએ તો ‘કોરા કાગઝ થા યે મન મેરા’થી આર.ડી. બર્મનનું નામ અમારા દિલ-ઓ-દિમાગ પર લખાયું, અને આર.ડી.ની ઑફિશ્યલ ક્રેડિટવાળી ફિલ્મમાં જોઈએ તો ‘કટી પતંગ’ (૧૯૭૦)થી. ‘યે શામ મસ્તાની, મદહોશ કિયે જાય…’, ‘પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ…’, ‘યે જો મોહબ્બત હૈ…’ ‘જિસ ગલી મેં તેરા ઘર ના હો બાલમા…’ બધાં જ ગીતો દસ વર્ષની ઉંમરે મોઢે થઈ ગયેલાં. ‘ના કોઈ ઉમંગ હૈ…’ ‘આજ ના છોડેંગે’ અને ‘મેરા નામ હૈ શબનમ’ પણ સાંભળવાં ગમતાં. એ જ વર્ષમાં ‘ધ ટ્રેન’ રિલીઝ થયેલી. ‘ગુલાબી આંખે જો તેરી દેખી…’, ‘ની સોનિયે’ અને ‘કિસ લિયે મૈંેને પ્યાર કિયા’ની સરખામણીએ ‘મેરી જાં મૈંને કહા, મેરી જાં તુને સુના’ ઘણું જુદું લાગતું. આર.ડી.ના પોતાના અવાજ માટેનો ટેસ્ટ કેળવતાં જરા વાર લાગી. ‘અપના દેશ’ (૧૯૭૨)માં ‘દુનિયા મેં લોગોં કો’ સાંભળ્યા પછી કેળવવાની શરૂઆત થઈ અને ‘શોલે’ (૧૯૭૫)ના ‘મહેબૂબા’ પછી તો એ અવાજના અમે દીવાના થઈ ગયા. પછી તો ‘ધન્નો કી આંખો મેં’ (‘કિતાબ’: ૧૯૭૭) હોય, ‘તુમ ક્યા જાનો’ (‘હમ કિસી સે કમ નહીં’: ૧૯૭૭) હોય કે ‘યમ્મા યમ્મા’ (‘શાન’: ૧૯૮૦) હોય. – આર.ડી. બર્મનનો અવાજ સીધેસીધો અંદર જઈને આત્માને છૂઈ જતો.

૧૯૭૧માં રિતિક રોશનના ફાધર રાકેશ રોશનની હીરો તરીકેની ફિલ્મ ‘પરાયા ધન’માં ‘આજ ઉન સે પહેલી મુલાકાત હોગી’ ગીત સાંભળ્યું. એ જ વર્ષે પ્રકાશ મહેરાએ ડિરેક્ટ કરેલી સંજય ખાન, ફિરોઝ ખાન અને મુમતાઝની ‘મેલા’માં ‘ગોરી કે હાથ મેં જૈસે યે છલ્લા’ અને ‘રુત હૈ મિલન કી સાથી મેરે આ રે…’ ગીતો પૉપ્યુલર થયાં. એ જ સાલમાં સાઉથના ફેમસ બૅનર ‘જેમિની’ ફિલ્મ્સે મહેમૂદની ‘લાખોં મેં એક’ રિલીઝ કરી. ‘ચંદા ઓ ચંદા’ અને ‘જોગી ઓ જોગી’ ગીતો પૉપ્યુલર થયાં. સલીમ – જાવેદે લખેલી ‘અધિકાર’નું ‘રેખા ઓ રેખા, જબ સે તુમ્હેં દેખા’ તથા ‘કોઈ માને યા ના માને’ ગીતો ખૂબ ચગ્યાં. આ બધાં ગીતો આર.ડી. બર્મને કંપોઝ કરેલાં પણ તે વખતે આપણને ખબર નંઈ. રિયલ ખબર એ જ વર્ષે રિલીઝ થયેલી ત્રણ ફિલ્મોનાં ગીતો પરથી પડી કે આમાં આર.ડી.નું મ્યુઝિક છે. એક તો અફ કોર્સ ‘દમ મારો દમ’વાળી ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’. ‘ફૂલોં કા તારોં કા’, ‘કાંચી રે કાંચી રે’ અને ‘દેખો ઓ દીવાનોં તુમ યે કામ ના કરો’ – બધાં ગીતો દોસ્તના ઘરે રેડિયોગ્રામ પર એલ.પી. રેકર્ડ લગાડીને સાંભળ્યા જ કરતાં, સાંભળ્યા જ કરતાં. બીજી ફિલ્મ આવી ‘બુઢ્ઢા મિલ ગયા’, નામ પરથી જરા વિચિત્ર લાગતી અને નવીન નિશ્ર્ચલ નામના કોઈ નવીન પ્રાણીને હીરો તરીકે લઈને બનાવેલી ફિલ્મમાં રિયલ હીરો તો પાછા ઓમપ્રકાશ હતા એવું સાંભળેલું છતાં જોવા ગયા, કારણ કે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ હતી. ફિલ્મ સારી હતી. સૉન્ગ્સ પણ: ‘રાત કલી એક ખ્વાબ મેં આયી ઔર ગલે કા હાર હુઈ… સુબહ કો જબ હમ નીંદ સે જાગે આંખ ઉન્હીં સે ચાર હુઈ…’, ‘ભલી ભલી સી એક સૂરત’ સાંભળતાંવેંત ગમી જાય અને ‘આયો કહાં સે ઘનશ્યામ…’ સ્કૂલમાં એ નામના સરને ચીડવવા માટે રિસેસમાં ગાવામાં આવે અને આ બધામાં શિરમોર એવી ત્રીજી ફિલ્મ: ‘કારવાં’ જે આમિર ખાનના પિતા તાહિર હુસૈને પ્રોડ્યુસ કરેલી અને કાકા નાસિર હુસૈને ડિરેક્ટ કરેલી. અલમોસ્ટ દરેક ગીત સુપરહિટ. ૮ ગીતો હતાં: ‘અબ જો મિલે હૈં તો…’, ‘ચડતી જવાની મેરી ચાલ મસ્તાની…’, ‘દૈયા યે મૈં કહાં…’, ‘દિલબર દિલ સે પ્યારે…’, ‘ગોરિયા કહાં તેરા દેસ રે…’, ‘હમ તો હૈં રાહી દિલ કે…’, ‘કિતના પ્યારા વાદા…’ અને ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ… પિયા તૂ અબ તો આ જા…’

૧૯૭૧ના વર્ષમાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આર.ડી. બર્મનના નામનો સિક્કો છવાઈ ગયો. આર.ડી. એ વખતે કેટલા વર્ષના? ૧૯૩૭માં જન્મ. એટલે પૂરા પાંત્રીસ વર્ષના પણ નહીં. અને એના બીજા જ વર્ષે એમણે પુરવાર કર્યું કે વેસ્ટર્ન મ્યુઝિક અને ઉછલકૂદ સોંગ્સની સાથે ઈન્ડિયન ક્લાસિકલ સંગીત પર આધારિત એમનાં ગીતો પણ એટલાં જ પૉપ્યુલર બને છે. ‘અમરપ્રેમ’ અને ‘પરિચય’ એના જડબેસલાક પુરાવા. શક્તિ સામંતા માટે એમણે ‘રૈના બીતી જાયે…’, ‘ચિનગારી કોઈ ભડકે…’, ‘કુછ તો લોગ કહેંગે…’, ‘યે ક્યા હુઆ’ અને ‘બડા નટખટ હૈ…’ ગીતોની ધૂન બનાવી તો ગુલઝાર માટે ‘બીતી ના બીતાઈ રૈના’ બનાવ્યું. ‘મિતવા બોલે મીઠે…’, ‘મુસાફિર હું યારોં…’ અને ‘સા રે કે સા રે ગ મા કો લે કર…’ તો ખરાં જ. એ જ વર્ષે ‘સીતા ઔર ગીતા’ (હવા કે સાથ સાથ, કોઈ લડકી મુઝે કલ રાત સપને મેં મિલી, અભી તો હાથ મેં જામ હૈ)માં મ્યુઝિક આપ્યું. લતાજીના અવાજમાં ‘સમાધિ’ માટે આશા પારેખે ‘બંગલે કે પીછે… કાંટા લગા’ ગાયું. ૧૯૭૨માં જ ‘મેરે જીવન સાથી’માં રાજેશ ખન્નાએ ‘ઓ મેરે દિલ કે ચૈન…’ અને ‘ચલા જાતા હૂં’ તથા ‘દીવાના લે કે આયા હૈ’ ગીતો ગાયાં. ‘જવાની દીવાની’ અને ‘રામપુર કા લક્ષ્મણ’નાં ગીતોએ રણધીર કપૂરની લાઈફ બનાવી દીધી અને ‘બૉમ્બે ટુ ગોવા’ના એક જ ગીત ‘દેખા ના હાય રે…’ ને લીધે બચ્ચનજી ટિપિકલ હિંદી ફિલ્મહીરોની જેમ ફ્રીક આઉટ પણ કરી શકે છે એવું એસ્ટાબ્લિશ થઈ ગયું. ‘સામને યે કૌન આયા દિલ મેં હુઈ હલચલ…’, ‘યે જવાની હૈ દિવાની…’, ‘જાને જાં ઢૂંઢતા ફિર રહા…’, ‘અગર સાઝ છેડા તો…’, ‘નહીં નહીં અભી નહીં’ – આ બધાં જ કલ્ટ સૉન્ગ્સ પુરવાર થયાં.

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં દિલ સુબહ-શામ, પર તુમ્હેં મ્હેં લિખ નહીં પાઉં મૈં ઉસકા નામ, હાય રામ…’ સાંભળીને આજે પણ ભોળા દિલના ગામડિયા રણધીર કપૂરનો સ્માર્ટ અને પેપી એવી સિટી ગર્લ રેખા સાથેનો ફિલ્મી રોમાન્સ યાદ આવી જાય. હાય રામ!

આજનો વિચાર

દીકરાનું દિમાગ વધારે ચાલે તો મુસીબત (અખિલેશ) અને ઓછું ચાલે તોય મુસીબત (રાહુલ).

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો બહુ ગુસ્સામાં હતો કે એટીએમની લિમિટ ખાલીસાડા ચાર હજારની અને અઠવાડિયે બૅન્કમાંથી ઉપાડવાની લિમિટ હજુ પણ ચોવીસ જ હજારની. આવું કેમ ચાલે, બકો રાડ્યું પાડી પાડીને વૉટ્સઍપ પર ફોરવર્ડિયા મોકલ્યા કરતો હતો.

પછી જ્યારે એને સમજાવવામાં આવ્યું કે બકા, ૭ દિવસમાં ૨૪,૦૦૦ રૂપિયા ઉપાડવા માટે મહિનામાં ૯૬,૦૦૦ રૂપિયા કમાવવા પડે ત્યારે જઈને એણે કીટલી પર કપરકાબી ધોવાનું કામ પાછું શરૂ કર્યું.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 5 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *