૨૦૧૭: થોડીક આશાઓ, થોડાંક સપનાંઓ

૨૦૧૬ની સાલને ધ્યાનમાં રાખીને આજથી શરૂ થતા ૨૦૧૭ના વર્ષ માટે તમે કઈ કઈ આશાઓ રાખી શકો? ક્યાં કયાં સપનાંઓ સેવી શકો?

૧. રાજકીય ક્ષેત્રે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે વધુ મજબૂત બનશે એવી આશા રાખી શકો. મમતાકૂમતા, રાહુલબાહુલ કે કેજરીબેજરીની ગાળોને મીડિયા ગમ્મે એટલી ચગાવે, મોદીને જનસામાન્ય તરફથી જે સમર્થન ૨૦૧૪ની ચૂંટણીમાં મળ્યું હતું તેમાં સહેજ પણ ઘટાડો થયો નથી, ઊલટાનું સામેના પાલામાંથી કુદકો મારીને લોકો આ તરફ આવી ગયા છે. ૨૦૧૭ની સાલમાં મોદી દ્વારા અત્યાર સુધી થયેલાં કામ (ડિમોનેટાઈઝેશન સહિતના કામ) કરતાં પણ વધુ જલદ, વધુ વ્યાપક અને શુભ દૂરગામી અસરોવાળાં કામ થવાનાં. કયાં? એ તો મોદી જ જાણે, કોઈ એક દિવસે રાત્રે આઠ વાગ્યે ટીવી પર આવીને એ ફરી કહેશે કે “મિત્રો ત્યારે જાણ થશે કે એમની જાદુઈ છડી આ દેશને ગુડમાંથી બેટર અને બેટરમાંથી બેસ્ટ બનાવવા માટે કેવી કેવી કમાલો કરે છે, પણ એટલું લખી રાખજો કે ૨૦૧૭માં મોદી વધુ કમાલો જરૂર કરવાના.

૨. આર્થિક ક્ષેત્રે ૨૦૧૭માં પુરવાર થશે કે ડિમોનેટાઈઝેશનનો નિર્ણય દેશના અર્થતંત્ર માટે, ઉત્પાદન વ્યવસ્થા અને બજારો માટે અને અલ્ટીમેટલી તમારા-મારા જેવા ક્ધઝયુમર્સ માટે કેટલો ફાયદાકારક છે. ડિમોનેટાઈઝેશનને કારણે સર્જાયેલા ખળભળાટને અંધાધૂંધીમાં ખપાવી દેનારા બાળ-વિશ્ર્લેષકો તેમ સીઝન્ડ મોદીદ્વેષીઓની બોલતી બંધ થઈ જાય એવાં પરિણામો આ દેશને ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં મળવાનાં. તમે જો જો તો ખરા.

૩. સામાજિક ક્ષેત્રે ખુબ મોટી ક્રાંતિ આવી રહી છે જે દેશમાં એક જમાનામાં વિધવા પુનર્વિવાહ પર પાબંધી હતી અને વિદેશપ્રવાસે જવું પાપ ગણાતું એ દેશના લોકો આજે કોઈ જાતના ભય વિના ‘ટિન્ડર’ જેવી બીજી અનેક ડેટિંગ સાઈટ્સ દ્વારા કોઈ છોછ વિના પોતાની અંગત જિંદગી પોતાની રીતે સમૃદ્ધ બનાવી રહ્યા છે. છૂટાછેડા શબ્દ સામેની સૂગ ઘટી રહી છે. લગ્ન પહેલાં મા-બાપની ચોકી હેઠળ જ મળતાં ભાવિ વરવહુનાં સંતાનો આજે માબાપની સંમતિથી લિવિંગ ઈન રિલેશનશિપ રાખતાં થઈ ગયાં છે. વ્યક્તિના વિચારો બદલાઈ રહ્યા છે એટલે સમાજ બદલાઈ રહ્યો છે. ૨૦૧૭ની સાલ તમને એ સંદેશો આપે છે કે સામાજિક, પારિવારિક કે અંગત બાબતોમાં બીજાને નડ્યા વિના તમતમારે જે કરવું હોય તે છૂટથી કરો. શું? તમે જે કરવા માગો છો તે અત્યાર સુધી કોઈએ નથી કર્યું! તમે કરો. બીજાઓ તમારું જોઈને કરવા માંડશે. ૨૦૧૮માં તમે આવું કરવાવાળા એકલા નહીં હો. આખો સમાજ તમારી સાથે જોડાઈ જશે.

૪. શિક્ષણ ક્ષેત્રે જબરજસ્ત ક્રાન્તિ આવી રહી છે. સોફટવેર એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી લેતાં લઈ લીધી પણ હવે હાઈકિંગ ક્ધસલ્ટન્ટ બનવું છે તે ડિગ્રીમાં મૂક્યો પૂળો. આવું અત્યાર સુધી થતું આવ્યું’તું. કારણ કે પિયર પ્રેશરને લીધે તમારે આવા સોફિસ્ટિકેટેડ ગણાતા કોર્સીસ કરીને લાઈફમાં સેટલ થવાની પ્રોસેસ શરૂ કરવી પડતી. શિક્ષણનું મહત્ત્વ વધ્યા પછી નિરર્થક ભણતરની નિરુપયોગિતા પરનું ફોક્સ પણ વધવા માંડ્યું છે. શિક્ષણ લેવું જ હોય તો તે ‘લાઈફમાં સેટલ’ થવા માટે નહીં પણ લાઈફને મસ્તીથી જીવવા મળે એટલા માટે લેવું અને શિક્ષણ કરતાં વધુ અગત્યની ટ્રેનિંગ છે એવો મંત્ર ૨૦૧૭ની સાલમાં અનેક યુવાનો અમલમાં મૂકતા થઈ જવાના.

૫. વ્યક્તિગત રીતે અત્યાર સુધી ઑડ વન આઉટ ગણાતા કે પછી બ્લૅક શીપ ગણાતા લોકો માટે ૨૦૧૭નું વર્ષ પોતાની આગવી ઓળખને અકબંધ રાખીને મેઈન સ્ટ્રીમમાં જોડાઈ જવાનું વર્ષ પુરવાર થવાનું. તમારા વિચારો, તમારી એટિટયૂટ કે તમારી અપેક્ષાઓ કે પછી તમે પોતે બીજાઓ કરતાં સાવ જુદા છે એટલે તમને હાંસિયામાં ધકેલી દેવા એવા વ્યવહાર અત્યાર સુધી ભલે થતો આવ્યો હોય. પણ હવે તમારા જેવા, બીજાઓ કરતાં અલગ હોય એવા, લોકોનો સમુદાય એટલો બહોળો બની ગયો છે કે આ સમૂહના દબાણ હેઠળ મેઈન સ્ટ્રીમે પોતાના દરવાજા ખુલ્લા મૂકવા જ પડવાના. તમે ગમે તે ક્ષેત્રમાં કામ કરતા હો, તમે ગમે તે ઉંમરના હોય કે તમે ભારતના કોઈ પણ છેડે વસતા હો – તમારે હવે તમારી યુનિકનેસ માટે શરમાવવાનું નથી, ગૌરવ લેવાનું છે.

૬. ૨૦૧૬ની હિંદી ફિલ્મો જોયા પછી ૨૦૧૭માં રિલીઝ થનારી એક પણ ફિલ્મ માટે આતુરતાથી રાહ જોવાનું મન થાય એવું નથી. આમ છતાં ટેવવશ જોઈશું ખરા. કોને ખબર, એસ્ટાબ્લિસ્ડ ફિલ્મ મેર્ક્સને બદલે કોઈ ટેલન્ટેડ નવા નિશાળિયાની ફિલ્મ ગમી પણ જાય. હોલિવૂડની ફિલ્મોની બાબતમાં પણ એવું જ છે. ત્યાંની ને અહીંની ફિલ્મો માટે ૨૦૧૬નું વર્ષ નવા મિલેનિયમનું સૌથી નબળું વર્ષ પુરવાર થયું. ૨૦૧૭ પર પણ એનો ઓછાયો રહેવાનો,. મે બી, ૨૦૧૮થી ફરી પાછી આપણને ગમે એવી ફિલ્મો બનવા માંડે. ત્યાં સુધી ‘પરઝાનિયા’કાર રાહુલ ધોળકિયાની ‘રઈસ’ જેવી ફિલ્મો જોતાં રહેવાનું.

૭. જર્નલિઝમ કે મીડિયાની હાલત સુધરે એવી કોઈ શક્યતા નથી. અર્ણબ ગોસ્વામી ‘રિપબ્લિક’ નામની નવી જ ચેનલ શરૂ કરે છે એવું સંભળાય છે. સારું છે. પણ ફ્રેન્કલી, જે લોકોના રાજકીય વિચારોમાં ૧૮૦ ડિગ્રીનો તફાવત આવી જાય છે એવા પબ્લિક પર્સન્સનો અંગત રીતે હું બહુ ભરોસો કરતો નથી. અર્ણબે ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણો દરમ્યાન કેવાં કાંડ કર્યાં હતાં તે લોકો ભૂલી ગયા છે, અમે નથી ભૂલ્યા. એ જ રીતે ઈન્ડિયા ટીવીવાળા રજત શર્મા તેમ જ ઝી ન્યૂઝની ચેનલ પણ ચાલતી ગાડીએ ચડી જનારા તકવાદીઓ છે. ગુજરાતી પત્રકારત્વમાં તો એવા ડઝનબંધ લેખકો-પત્રકારો-વિશ્ર્લેષકો તમને મળી આવશે જેઓ હાડોહાડ સેક્યુલરવાદીમાંથી સોફ્ટ હિન્દુવાદી બની ગયા હોય, જેઓએ મોદી માટે માબેનની ગાળો આપવાનું જ બાકી રાખ્યું હોય અને આજે મોદી પોતાને ક્યારે તિલક કરે એની રાહ જોઈને ઊભા હોય. ૨૦૧૭માં આવા લેભાગુઓની સંખ્યામાં વધારો થવાનો. મોદીને ક્યારેક ફટકારીને, ક્યારેક માથે ચડાવીને પોતાને તટસ્થ અને નિરપેક્ષ ગણાવનારાઓ ૨૦૧૬માં જેટલા હતા એના કરતાં ૨૦૧૭માં વધવાના જે વાચકો માટે, ટીવી દર્શકો માટે શોચનીય આગાહી છે.

૮. ગુજરાતી સાહિત્યમાં અકાદમી અને પરિષદના વાડાઓ રિડન્ડન્ટ થઈ જવાના. સાહિત્ય પર ન તો સરકારી હાકેમોનું વર્ચસ્વ હોવું જોઈએ, ન પેધા પડી ગયેલા તથાકથિત સાહિત્યકારોનું, સાહિત્ય વાચકોની જાગીર છે. વાચકો નક્કી કરશે કે કોણ મૂર્ધન્ય છે, કોણ લોકપ્રિય છે અને કોણ સડકછાપ છે. ૨૦૧૭નું વર્ષ પુરવાર કરશે કે વાંચનારાઓમાં આ મૅચ્યોરિટી આવી ગઈ છે, લખનારાઓમાં આવે કે ન આવે.

૯. ભારતીયજનોની પર્સનલ લાઈફમાં સંતોષ વધવાનો, સુખ વધવાનું અને શાંતિ પણ વધવાની. ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાને કારણે હવે થયું છે શું કે તમારે માહિતી તથા ઓપિનિયન માટે પરંપરાગત સોર્સીઝ પર આધાર રાખવો પડતો નથી. અત્યાર સુધી તમારા જીવનનાં ખુશી, સંતોષ, શાંતિની બાગડોર જેમના હાથમાં હતી તેમના હાથમાંથી આ ઈન્ફર્મેશનના ધોધ જેવા નવાં માધ્યમોએ છીનવી લીધી છે, તમારા હાથમાં મૂકી દીધી છે. કઈ બાબતમાં, ક્યારે, કોનું અને કેટલું માનવું એ હવે તમારે નક્કી કરવાનું. ક્યાંથી તમને સલાહ મળશે ને ક્યાંથી નહીં, એ પણ તમારે એકલાએ જ ડિસાઈડ કરવાનું, તમારા સ્પાઉઝ કે પાર્ટનર કે ડિયર વનને પણ એનો હક્ક નહીં રહે. ૨૦૧૭માં એક ઈન્ડિવિજ્યુઅલની વેલ્યુ કરતાં જમાનો શીખશે, એને આદર આપતાં શીખશે. વ્યક્તિ સ્વાતંત્ર્યની દિશામાં ૨૦૧૭માં એક વિરાટ પગલું ભરાશે.

૧૦. ૨૦૧૭નું વર્ષ આ લખનાર માટે કેવું રહેશે? અત્યાર સુધી વીતેલાં ૫૬ વર્ષ કરતાં મારા માટે આ વર્ષ સૌથી શ્રેષ્ઠ નીવડવાનું છે એની મને ગળા લગી ખાતરી છે. આ મારી ઈન્ટયુઈશન છે, સપનું કે આશા નહીં. મારી અંદરનો અવાજ આ કહી રહ્યો છે. જેની પાછળનું દેખીતું લૉજિક કંઈ નથી. રાહ જોઈએ ને ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી. પછી એક ઔર સરવૈયું કાઢીશું.

કાગળ પરના દીવા

ઉસ શખ્સ કો બિછડને કા સલીકા ભી નહીં,
જાતે હુએ ખુદ કો મેરે પાસ છોડ ગયા.

– અહમદ ફરાઝ

સન્ડે હ્યુમર

સમાચાર: જેની પાસે ૫૦૦ ગ્રામથી વધુ વજનનું સોનું હશે તો સરકાર જપ્ત કરી લેશે.

સોનુનો પતિ: લઈ જાવ, મારી પાસે ૬૩ કિલો છે.

( મુંબઇ સમાચાર : રવિવાર, 1 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *