ક્યા ભૂલું, ક્યા યાદ કરું

૨૦૧૬માં કરેલી ‘ગુડ મૉર્નિંગ યાત્રા’ વિશેની વાત ગઈ કાલે શરૂ કરી હતી, વરસના આ છેલ્લા દિવસે પૂરી કરીએ. ખેડૂતોના આપઘાતને લઈને મીડિયા સરકારની મારઝૂડ કરતું હતું ત્યારે ઍન્ટી-ખેડૂત હોવાનો આક્ષેપની તૈયારી સાથે લેખ લખ્યો: ‘આળસ અને આપઘાત’ જેમાં લખાયું: ‘વરસ આખું કામ કરવું નહીં, વારતહેવારે દેવાં કરવાં, પછી એ દેવાં સરકાર પાસે માફ કરાવવાં અને માફ ન કરી શકાય એવાં દેવાં કર્યાં હોય તે ચૂકવી ન શકાય ત્યારે આપઘાત કરવો. ખેડૂતોના આવા આપઘાતના કિસ્સાઓના આંકડાઓનું રાજકારણ વર્ષોથી ખેલાય છે… તમે ઉદ્યમ ન કરો તો તમારી આર્થિક બેહાલી માટે સરકાર કે બીજા કરદાતાઓ વળી કેવી રીતે જવાબદાર ગણાય?’

‘ગાંધીજીના આશ્રમો લેભાગુઓ માટે જાહેર જીવનના સ્ટેપિંગ સ્ટોન બની ગયા છે’ લેખમાં અને એના બીજા દિવસે લખાયેલા લેખમાં બનાવટી ગાંધીવાદીઓ વિશે વાત કરી. ‘ઝૂટોપિયા’ નામની નવી એનિમેશન ફિલ્મ માણી અને તમારી સાથે એ આનંદ વહેંચ્યો: ‘સસલી બીકણ જ હોય? શિયાળ લુચ્ચું જ હોય?’

શાહરૂખ ખાનની ‘ફૅન’ મને ખૂબ ગમી, તમારામાંના મોટાભાગનાઓએ નકારી કાઢી. ‘ફૅન’ વિશે પણ લેખો લખ્યા પછી સેલિબ્રિટીઝ અને ફૅન્સ વચ્ચેના સંબંધો વિશે પાંચ હપ્તાની શ્રેણી લખી. મને તો લખવાની ખૂબ મઝા આવી. ચોવીસ કલાકમાં જે ફિલ્મ એક નહીં, બે નહીં, ત્રણ ત્રણ વાર જોઈ હોય અને તે પણ ઈન્ટરનેટ પરથી ફોગટિયા ડાઉનલોડ કરીને પાયરેટેડ કૉપી નહીં, થિયેટરમાં પૈસા ખર્ચીને જોઈ હોત, એ ફિલ્મ વિશે લખવાની મજા આવવાની જ છે. ‘તમારી ડૂબતી ટાઈટેનિકમાં ટિકિટ ખરીદીને જે ચડે તે તમારો ખરો ચાહક છે’, ‘તમારો પ્રેમ-આદર મને ભીખમાં નથી મળ્યો, એ મારી આપકમાઈ છે’ અને ‘ગુલઝારસા’બ તમારા ખભા પર હાથ મૂકીને સેલ્ફી પડાવે ત્યારે તમારાથી એમના ખભા પર હાથ મુકાય કે નહીં’ જેવા મથાળા આ સિરીઝમાં કેટલાક લેખોમાં હતા.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર એક સભામાં પ્રાઈમ મિનિસ્ટરની હાજરીમાં રડી પડ્યા ત્યારે ‘ચીફ જસ્ટિસશ્રીને રડવા માટેનાં વધુ પાંચ કારણો’ વિશે લખ્યું. ‘પ્રેરણાત્મક પ્રવચનો, ફિલ્મો, સાહિત્યના ગોરખ ધંધા’ વિશે લખ્યું. ૨૦૦૪ની દિવાળીમાં જગદ્ગુરુ શંકરાચાર્ય (કાંચી પીઠ) જયેન્દ્ર સરસ્વતીની એક બનાવટી ખૂનકેસમાં ધરપકડ થઈ હતી જેનો ફાઈનલ ચુકાદો ૨૦૧૬ના એપ્રિલમાં આવ્યો ત્યારે એક ફલૅશ બૅક આપીને ફરી એકવાર સેક્યુલર મીડિયા અને સેક્યુલર રાષ્ટ્રદ્રોહીઓની ખબર લઈ નાખી. ગુલઝારે ટાગોરનાં કાવ્યોનો અનુવાદ કર્યો જે હાર્પર કોલિન્સે બે વોલ્યુમના બૉક્સમાં ક્લેક્ટર્સ આયટમ તરીકે પ્રગટ કર્યો. એના વિશે વિસ્તારથી ચાર લેખોમાં લખ્યું. ‘જેનો ચહેરો જ નથી જોવો એને ઓળખવી કેવી રીતે.’

અરુણ શૌરીની મોદી વિશે ફરિયાદ હતી તો એના વિશે મોદીને જસ્ટિફાય કરતો લેખ લખ્યો: ‘મોદીનું યુઝ ઍન્ડ થ્રો.’

મનુભાઈ પંચોળી ‘દર્શક’ના નવલકથાકાર તરીકેની સર્જકતા તથા સજ્જતા વિશે પુનર્વિચાર કરતું એક અભ્યાસપત્ર, જે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં મેં રજૂ કર્યું હતું, તેના આધારે એક મિનિ સિરીઝ લખી. બહુ ગાજેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ સામેના મારા વાંધાવચકા રજૂ કર્યા. એક નવી સિરીઝ પ્રેમના વિવિધ તબક્કાઓ વિશે લખી ત્યારે મને પોતાને આશ્ર્ચર્ય થતું કે સંબંધો અને પ્રેમ વિશે આટઆટલું હું લખી ગયો છું એ પછી પણ મારે આ વિષય પર આટલું બધું નવું કહેવાનું છે હજી!’

ઑલ ઈન્ડિયા (સમથિંગ) ઉર્ફે એ. આઈ. બી.ના તન્મય ભટ્ટે લતા મંગેશકરની હલકા પ્રકારની મિમિક્રી કરી ત્યારે ‘હસવામાંથી ખસવું’ લેખ લખાયો. કળામાં મિનિમાલિ સ્ટિક ક્વૉલિટીનો મહિમા ગાતો લેખ ‘બસ ઈતનાહી કાફી હૈ’ લખ્યો. મોહમ્મદ અલી, ધ ગ્રેટેસ્ટ બૉકસરનું અવસાન થયું. એના જીવનને બિરદાવતી નાની લેખમાળા લખી: ‘પતંગિયાની હળવાશ અને મધમાખીનો ડંખ.’

“‘અમારા જમાના’નાં રોદણાં ન રડવાં હોય તો શું કરવું એ વિશે લખવાની મઝા આવી. શશી કપૂરની બાયોગ્રાફી પ્રગટ થઈ. શશીજીના જમાનાને યાદ કર્યા. બાબા રામદેવના જીવન અને કાર્ય વિશે પણ એક સિરીઝ કરી. ‘એક યોગ, એક યોદ્ધા’. આર. ડી. બર્મન ‘પંચમ’ વિશે ખૂબ લખ્યું છે છતાં એમના વર્ષગાંઠ નિમિત્તે ફરી એકવાર નવા એન્ગલથી, નવી માહિતી રજૂ કરીને લખ્યું. ‘પરફેક્શનનું દુ:ખ અને અપૂર્ણતાનું સૌંદર્ય’ લેખ સાથે ૨૦૧૬નું મારું સેક્ધડ કવાર્ટર પૂરું થયું.

૧ જુલાઈ ‘મુંબઈ સમાચાર’નો સ્થાપના દિવસ. ‘બસોમાં છ કમ: બે સદીનું જર્નલિઝમ’ હેડિંગ સિરીઝની શરૂઆત કરી અને એક પછી એક લેખમાં ‘મુંબઈ સમાચાર’નો ભવ્ય ઈતિહાસ રજૂ થતો ગયો અને આ કૉલમના વાચકો હજુ વધુ, હજુ વધુની માગણી કરતા રહ્યા. ૧૫ જુલાઈએ ‘હરિ બિલ્ડિંગથી રેડ હાઉસ’ લેખ સાથે શ્રેણીની પૂર્ણાહુતિ કરી.

મનુસ્મૃતિ વિશે ફરી એકવાર લખ્યું: ‘મનુસ્મૃતિને બાળવાનું હવે બંધ કરો.’ રજનીકાન્તની ફિલ્મ ‘કબાલી’ રિલીઝ થઈ. સવારે છ વાગ્યાનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો અનુભવ કેવો હોય? વાચકો સાથે એ અનુભવ શેર કર્યો.

‘તારા ધર્મની ભાષા તું નહીં શીખે? શીર્ષક હેઠળ સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલી કેટલીક ભ્રમણાઓ દૂર કરીને આ દેવભાષાનો મહિમા ગાયો. ‘ખોવાઈ ગયેલું એકાંત કેવી રીતે પાછું આવે’ એ વિશે લખ્યું. ચીની ફિલસૂફ ક્ધફયુશિયસ વિશે ફરી એકવાર લખ્યું. ‘મેઘધનુષ, ચાંદની અને ભીની માટીની સુગંધ કરતાં વધારે અગત્યનું શું છે?’ એવો વાસ્તવિકતાની ભૂમિ પર મંડપ નાખીને લખાયેલો લેખ તમારી સમક્ષ રજૂ કર્યો. ‘ડરવાના ફાયદા’ વિશ લખ્યું. સ્ત્રીઓ, દલિત તથા લઘુમતીઓને સંબોધીને લખ્યું: ‘સમાન હક્ક લીધા પછી સમાન અન્યાયોમાં પણ ભાગ પડાવવાના છો તમે?’ એન્ટિબાયોટિક્સના આડેધડ ઉપયોગ સામે મોદીજીએ ‘મન કી બાત’માં લાલ બત્તી ધરી ત્યારે મેડિકલ સાયન્સના ધંધાની બીજી બાજુ ખોલતો લેખ લખ્યો: ‘તમે માંદા પડો એની કોણ રાહ જુએ છે.’

‘આ જિંદગી રડકુ લોકો માટે નથી’ શીર્ષકથી એક લેખ લખાયો. ‘પૂર્વગ્રહ નિખાલસતા અને દંભ’ની ક્ધસેપ્ટ્સ વિશેના પ્રચલિત ખયાલોને ખંખેરીને એક તાજગીભરી આબોહવા સર્જતો લેખ લખ્યો. ‘મેં તો પહેલેથી જ કીધેલું’ એવું કહેવાવાળાઓ વિશે લખ્યું. ‘માણસનો મત એના આગવા વ્યક્તિત્વનો અભિન્ન અંશ છે’ એ લેખ પણ એ જ વિષયના અનુસંધાને લખાયો. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાના શોકમાં એમના વિશેની થોડીક વાતો, થોડાંક સંસ્મરણોને સાંકળી લેતા બે લેખો લખ્યા. ભારતના પ્રાચીન ધર્મગ્રંથો વિશે એક શ્રેણી લખી. જન્માષ્ટમી નિમિત્તે દહીંહાંડીની ઊંચાઈ પર અદાલતે મર્યાદા લાદી ત્યારે હિંદુ તહેવારો સામે આંગળી કરવાના સેક્યુલરોની ટેવને કચકચાવીને ઝૂડતા પીસ ફટકાર્યો: ‘જરા મટકી સમ્હાલ બ્રિજબાલા’. એરિક સીગલની મશહૂર નવલકથા અને એના પરથી બનેલી આર્થર હિલરની ફિલ્મ ‘લવ સ્ટોરી’ વિશે લખ્યું. કારણ કે આર્થર હિલર ૯૨ વર્ષની વયે ગુજરી ગયાના સમાચાર આવ્યા એ ઉદાસી ઉજવવાનો આ જ અવસર હતો.

‘કૃષ્ણ એમની દૃષ્ટિએ, કૃષ્ણ આપણી દૃષ્ટિએ’ વિશે બે લેખ લખીને સ્વામી વિવેકાનંદની આંગળી પકડીને સિદ્ધ કર્યું કે કૃષ્ણને વેવલી નજરે જોનારા બાયલા અને વાયડા લોકો કૃષ્ણના અસલ સ્વરૂપનો પૂરો આદર કરતા નથી. એના જ અનુસંધાને એક લેખ જન્માષ્ટમીએ પૂરેપૂરા ટ્રાન્સમાં લખાયો: ‘એ આપવા બેસે તો તમે શું માગો.’

‘તમારે શું વાંચવું, કેટલા રૂપિયામાં વાંચવું એ કોણ નક્કી કરશે’ અને ‘લેખકની જરૂરિયાત, વાચકની જરૂરિયાત’ એ બે લેખોમાં નવી સીઝનમાં પ્રગટ થનારાં અંગ્રેજીનાં બેસ્ટ સેલર રાઈટર્સની આગામી નવલકથાઓની વાત કરતાં કરતાં પબ્લિશિંગની દુનિયામાં લેટેસ્ટ ખબર અંતર વિશે વાત કરી.

ટૉમ હૅન્ક્સ અભિનીત એક જબરજસ્ત ફિલ્મ રિલીઝ થઈ ‘સલી’ જેમાં પોતાના વિમાનને ક્રેશ થતાં થતાં બચાવી લઈને ૧૫પ માણસોનો જીવ બચાવનાર કૅપ્ટનની સત્યઘટનાનું થ્રિલિંગ વર્ણન છે. ક્લિન્ટ ઈસ્ટવુડે ડાયરેક્ટ કરેલી ‘સલી’ ફિલ્મ વિશે એક લેખમાળા લખી હોવા છતાં હું ધરાયો નથી એટલી બધી ઈમ્પેક્ટ આ ફિલ્મની મારા મન પર છે.

ફોર્થ ક્વાર્ટરના આરંભે ‘દેશભક્તિ કોને કહેવાય, કોને ન કહેવાય’ હેડિંગથી લખેલા લેખમાં લખ્યું: ‘ભારતની ભૂમિને તમારી માતૃભૂમિ માનતા હો અને આ દેશ છે તો તમારા માથે એક છત્ર છે એવી ફીલિંગ તમને થતી હોય તો રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની નાની મોટી ખામીઓ માટે પણ એ જ એટિટ્યૂડ રાખવી જે તમે તમારાં માબાપ માટે રાખો છો. બાકી, મા તુઝે સલામ ગાયા કરવાનો કોઈ અર્થ નથી.’

નવરાત્રિના નવ દિવસ દરમિયાન વૈષ્ણોદેવીની તળેટીમાં આવેલા કટરામાં પૂજ્ય મોરારિબાપુની રામકથામાં ઓતપ્રોત હતો. ત્યાંથી લખીને મોકલેલા પ્રેક્ટિકલી દરેક લેખમાં કથામાં સાંભળેલી બાપુની કોઈ ને કોઈ વાતનો વિસ્તાર હતો. ‘ધ્યાન કરવું કે ધ્યાન રાખવું’, ‘પુરુષાર્થનો જોડીદાર કોણ’, ‘ટૉચ પર પહોંચવું છે અને ઊંચાઈનો ડર લાગે છે’, ‘નિ:સ્વાર્થ થવું, એમાં તમારો જ સ્વાર્થ છે’ અને ‘ચલો બુલાવા આયા હૈ’ તથા ‘હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, જંગમાં જીત દે, મા ભવાની!’ લેખો મા વૈષ્ણોદેવીની કૃપાથી જ લખાયા.

‘આ જિંદગીનો અર્થ શું છે એવો સવાલ થતો હોય ત્યારે’ તથા ‘ગઈ કાલનો પડછાયો આજ પર પડતો રહે ત્યારે’ લેખોમાં ગૂઢ વિષયને મેં મારી સમજ ચાલે એ રીતે સરળતાથી સમજવાની કોશિશ કરી. મોદી વિશે એક ઔર લેખ ‘જેણે એક પણ રજા લીધી નથી’ રજનીશજીએ કર્મયોગ વિશે કરેલી વાતો પણ મમળાવી. ‘તમાશાઓ અને દેખાડાઓની દુનિયાથી દૂર, ખૂબ દૂર’માં સમારંભોમાં પડતી બિનજરૂરી તાળીઓની ખાલ ઉતારી. યુવાન ગુજરાતી ધ્રુપદ છે. ગાયક ચિંતન ઉપાધ્યાય વિશે જાણકારી મળી તે તમારી સાથે વહેંચી.

કૉમન સિવિલ કોડની તરફેણમાં એક લેખ લખ્યો:

‘ટ્રિપલ તલાક જોઈએ છે? હા. કાંડાં કપાવવાં છે? ના.’

‘દિવાળીની ખરીદી અને દિવાળીની સાફસૂફી’ લેખ પછી ‘તહેવારોનો આનંદ કંઈ માત્ર ભૂતકાળની વાત નથી’ અને ‘વાક્ બારસનો મહિમા અને મા સરસ્વતીના આશીર્વાદ’ અમે ધનતેરસે ‘પૈસો, પ્રામાણિકતા અને તમે’ તથા કાળીચૌદસે ‘કલેશ, કકળાટ અને કંકાસમુક્ત બાકીનું જીવન’ તથા દિવાળીએ ‘ભાગ્યદા લક્ષ્મી બારમ્મા’ અને બેસતા વર્ષે ‘ખોંખારો નહીં તો પછી ડંડૂકો: નવા વર્ષનો એક માત્ર સંકલ્પ’ લખીને આ વર્ષની દિવાળીના તમામ ઉત્સવોને મનભરીને ઉજવ્યા.

‘એક કૂતરું, ત્રણ ચકલાં’ લેખમાં ફરી એકવાર દિવાળી તથા હિન્દુ તહેવારોની, ઉજવણીના હવનમાં હાડકાં નાખનારી સેક્યુલર પ્રજાને ઊંધી લટકાવીને નીચે મરચાંની ધૂણી કરી. એટલેથી સંતોષ ન થયો ત્યારે ‘મારા બાથરૂમની દુર્ગંધ અને તમારો મઘમઘતો પૂજાખંડ’ લેખ ફટકાર્યો. હરિ મહિધરના નર્મદા વિશેના પુસ્તકનો આસ્વાદ આપવાનું શરૂ કર્યું ત્યાં તો ૮મી નવેમ્બર આવી ગઈ. રાત્રે આઠ વાગ્યે ટીવી પર મોદીજીનું લાઈવ ‘મિત્રોં…’ અને અમે મંડી પડ્યા. ડિમોનેટાઈઝેશન વિશેના પહેલાં લેખનું મથાળું હતું: ‘મોદીનો માસ્ટરસ્ટ્રોક: અંતરાત્મા તમને પ્રામાણિક ન બનાવે ત્યારે એ કામ કાનૂને કરવું પડે.’ લગભગ આખો મહિનો આ વિષયના એક પછી એક ખુલતાં ગયેલાં નવાં નવાં પાસાંઓ વિશે લખાતું ગયું. ભવિષ્યમાં આ તમામ લેખો ક્ધટેમ્પરરી હિસ્ટરીના ડૉક્યુમેન્ટેશન માટે કામ લાગવાના. ‘ઘરમાં રાખેલી કૅશથી કોના કોના હક્ક ડૂબ્યા’, ‘અખંડ સૌભાગ્યવતી રૂપિયા બે હજારની નોટ’, ‘દસ રૂપિયાના સિંગદાણા ખાનારો બે હજારના છુટ્ટા! માગી શકે?’, ‘આવો, પેટ દુખતું હોય ત્યારે માથું કૂટવાની કળા શીખીએ’, ‘હાર્ડ અર્ન્ડ મની, ઈઝી મની’, ‘પ્રિય મોદીજી કે પૂજનીય મોદીજી?’ અને ‘ખોટી બૂમરાણ મચાવનારા આ કોણ લોકો છે?’ શીર્ષકો આમાંના કેટલાક લેખોનાં છે.

નર્મદા વિશેની બાકીની વાત નવેમ્બરના ઍન્ડમાં પૂરી કરી!

‘જે લોકો ચાલુ છે તેઓ દેશને બંધ રાખવા માગે છે’ લેખમાં મોદીવિરોધી રાજકારણીઓને ધોપટ્યા. ‘મોરારજીભાઈ અને મોદી’ વચ્ચે સરખામણી કરીને ‘મક્કમતા અને જિદ’ વિશેનો લેખ લખ્યો. ‘રાષ્ટ્રગીત ગાવું કે ન ગાવું’ વિશે નિર્ભિક બનીને લખ્યું. છઠ્ઠી ડિસેમ્બરે બાબરીધ્વંસની ચોવીસમી તિથિ ઉજવી. ફોર્ટની જૂની ઈરાનીમાં રવિવારની સવારે ચા અને બ્રુનમસ્કા પાઉંનો નાસ્તો કર્યા પછી ‘પૈસો તમારો પરમેશ્ર્વર છે?’ લેખની થીમ સૂઝી. એ પછી પૉલ જહૉન્સનના ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’ પુસ્તક વિશે અને સેલિબ્રિટીઝની પણ ચંદ્રની જેમ સુદ તથા વદ એવી બે બાજુઓ હોય તે વિશેની સિરીઝ કરી. છેલ્લે જયોતીન્દ્ર દવેને ક્વોટ કર્યાં. તમે માટીનો ઘડો લેવા જાઓ છો ત્યારે ટકોરો કોને મારો છો? કુંભારને કે ઘડાને? વાત સ્પષ્ટ થઈ ગઈ! ઝેન વિશે લખ્યું અને હિન્દુવાદી બેલ્જિયન વિદ્વાન કૉનરાર્ડ એલ્સ્ટની મુલાકાત વિશે પણ લખ્યું.

પૂજ્ય મોરારિબાપુની થાણેમાં યોજાયેલી રામકથા ‘માનસ: ક્ધિનર’ મારી આંખો ખોલી નાખી. આ સમાજને જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ. આ વિશે થોડાક લેખો લખીને પ્રાયશ્ર્ચિત્ કર્યું. ઉપદેશક, સુધારક અને સ્વીકારક વિશેના બાપુના વિચારો વહેંચ્યા અને લો, વરસ તો પૂરું પણ થવા આવ્યું. છેલ્લાં બે લેખ વીતેલા વરસના સરવૈયાના. આવતા વરસથી નવી ગિલ્લી, નવો દાવ. કૉમન એટલું કે વીતેલા વરસમાં જેમ લખતી વખતે જલસા કર્યા એમ આવતા વરસે પણ એ જ કરવાનું. જલસા.

આજે રાત્રે સાચવીને પીજો. જાત ન સચવાય તો કંઈ નહીં પણ પીધા પછી ડ્રાઈવિંગ નહીં કરતા. બીજાના જાનની ભલે ફિકર ન કરો, પણ તમારી ગાડીને નુકસાન થશે તો પાંચ-પચીસ હજારનું ગૅરેજનું બિલ આવશે. એવો ખર્ચો કરવાને બદલે બે હજાર ખર્ચીને ડ્રાઈવર બોલાવી લેશો તો બાકીના પૈસામાંથી બ્લેક લેબલ પી શકશો ને મિત્રોને પણ પીવડાવી શકશો.

વિશ યુ અ વેરી હૅપી, ન્યુ યર!

આજનો વિચાર

આજકલ ‘દોસ્તોં’ સે ડર નહીં લગતા, સાહબ! ‘મિત્રોં’ સે લગતા હૈ

-વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

લગ્નમંડપમાં છોકરાએ છોકરીને કહ્યું: ‘મારે ૧૦ છોકરીઓ સાથે લફરાં હતાં’

છોકરી: ‘મને ખબર છે. લગ્નકુંડળી મળી છે તો લખ્ખણ પણ મળવાનાં જ ને!’

( મુંબઇ સમાચાર : શનિવાર, 31 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *