૨૦૧૬ના વરસની ‘ગુડ મૉર્નિંગ’ યાત્રા

આવું બીજા કોઈ લેખકે કર્યું છે કે નહીં એની મને ખબર નથી, પણ મારે કરવું છે. ૨૦૧૬ની સાલ પૂરી થવા આવી છે. વીતેલા ૩૬૫ દિવસ દરમિયાન ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે અને એમની સંપાદકીય ટીમમાંના મારા તમામ મિત્રોના સહકારથી મારી ‘ગુડ મૉર્નિંગ’ દૈનિક કૉલમમાં ૩૫૦થી વધુ લેખો લખ્યા. રોજેરોજ સતત લખતાં રહેવાથી મારી માનસિક સ્ફૂર્તિ બરકરાર રહેતી હોય છે. નિયમિત એક્સરસાઈઝ કરનારાઓને અનુભવ હશે કે બે દિવસ જો તમે જિમમાં ન ગયા તો શરીર સુસ્ત બની જતું હોય છે. હું મારા લેખનને કસરત કે વ્યાયામ સાથે નહીં, પણ રિયાઝ સાથે સરખાવું છું. પંડિત જસરાજજી, પંડિત હરિપ્રસાદ ચૌરસિયાજી, પંડિત શિવકુમાર શર્માજી-પ્રેક્ટિકલી આવા દરેક મહાન સંગીતકારો કારકિર્દીના અને જીવનના ઉચ્ચતમ શિખરે પહોંચ્યા પછી આજની તારીખે પણ રોજ નિયમિત કલાકો સુધી રિયાઝ કરતા હોય છે. હું આ શિખરની તળેટીના પ્રથમ પગથિયે છું એટલે મારા માટે તો રિયાઝ છોડી દેવો એ મારા માનસિક મૃત્યુ જેટલું ઘાતક પુરવાર થાય.

૨૦૧૬ના વીતેલા વર્ષમાં મેં કરીબ કરીબ પ૦૦થી વધુ લેખો લખ્યા તથા અન્ય સાહિત્યનું લેખન કર્યું જેમાંનો વિપુલ હિસ્સો આ કૉલમના મારા વાચકો સમક્ષ મૂક્યો. મારે વરસના આ બે છેલ્લા દિવસોમાં પાછળ નજર કરીને એક સરવૈયું કાઢવું છે કે મેં ‘ગુડ મોર્નિંગ’માં શું શું લખ્યું ગત બાર મહિના દરમિયાન . કેવું લખ્યું (કે કેવું લખાયું) એ હું નક્કી ન કરી શકું, પણ શું શું લખાયું એ તો મારે જોવું જ પડે. તો આ છે હિસાબ.

ર૦૧૬ની પહેલી જાન્યુઆરીએ ‘આ નવા વર્ષે માત્ર એક જ સંકલ્પ’ લેખ લખ્યો. લેખનો સુર એવો હતો કે નવા વર્ષે લીધેલા આપણા સંકલ્પો પૂરા કેમ નથી થતાં? નકશામાં દોરેલી ગંતવ્ય સ્થાનની જાડી રેખા પર એક ઇંચ પણ આગળ કેમ નથી વધી શકતા? હજારો માઈલનો પ્રવાસ કરવા માટેના પ્લાનિંગમાં કોઈ કસર નથી છોડી હોતી છતાં હતા ત્યાંના ત્યાં જ કેમ છીએ?

આ સવાલનો જવાબ વિચારતાં મેં મારી જાતને કહ્યું હતું: ‘વિચારો, પ્લાનિંગ કરવાનું બંધ કરો. સપનાં જોવાનું સમાપ્ત. લાંબી યાત્રા કરવી છે તો નકશા સામે તાકી રહેવાને બદલે ચરણ લઈને ચાલવા માંડો… સપનાં જોવાના તબક્કાઓ હવે પૂરા થઈ ગયા. હવે રોજ સવાર પડે એટલે આગામી આઠ, બાર, સોળ કલાકમાં ક્યારે શું કરવું છે એટલું જ નક્કી કરવાનું. કાલે શું કરીશું, આવતા અઠવાડિયે શું કરીશું, આવતા મહિને શું કરીશું. એવા પ્રમાદમાં રહીશું તો આવતી જિંદગીમાં શું કરીશું એવો વિચાર કરવો પડશે એટલું તો સમજાઈ ગયું છે.’

અને એ વિચારોને લેખ દ્વારા તમારી સાથે શેર કરતાં મને સમજાઈ ગયું કે આવતી કાલનો વિચાર આજે કામ નહીં કરવાનું રૂપાળું બહાનું છે. આજની જવાબદારીમાંથી છટકવા માટે ભવિષ્યનાં ભવ્ય પ્લાનિંગોને આપણે પંપાળ્યા કરીએ છીએ. અને પછી લેખના અંતે બે જ વાક્યો લખ્યાં: ‘નવા વર્ષનો’ એક જ સંકલ્પ. આવતી કાલના વિચારો કર્યા વગર આજે કામ કરવું, માત્ર કામ કરવું.’

વર્ષના આરંભે આ વિચારો મનમાં સર્જવા અને તમારી સમક્ષ વ્યક્ત કરવા મારા માટે એકદમ જરૂરી હતા, કારણ કે આપણે પોતે જ વિચારેલી આપણા વિશેની મોટી મોટી વાતોથી આપણે આપણી જાતથી અંજાઈ જતા હોઈએ છીએ. પછી મગજમાં હવા ભરીને ફરતા રહીએ છીએ કે અમે તો આ કરવા માગીએ છીએ ને તે કરવાના છીએ, પણ એવા ફાંકામાં રહેવાનો કોઈ અર્થ નથી. જે નકશા મુજબ યાત્રા થઈ જ નથી એ નકશાનું મૂલ્ય સીમિત છે. જે ડ્રોઇંગ્સ મુજબ ઈમારત બંધાઈ નથી તે ડ્રોઇંગ્સનું મુલ્ય સીમિત છે. ખરી મહત્તા યાત્રાની છે, ઈમારતની છે. તાજમહાલ કે એફિલ ટાવર બાંધતી વખતે બનેલા સ્થપતિઓના નકશાઓ અત્યારે ક્યાં હશે કોને ખબર. આ ઈમારતો કરોડોએ જોઈ છે, સરાહી છે. નકશાનું અને પ્લાનિંગનું મહત્ત્વ ખરું પણ જો એ મુજબની યાત્રા ન થવાની હોય કે ઈમારત ન બંધાવાની હોય તો એ માત્ર કાગળ બનીને જ રહી જવાની.

પહેલી જાન્યુઆરીના શુક્રવારે નાના પાટેકર અભિનીત મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’ રિલીઝ થઈ. બીજી જાન્યુઆરીથી મેં ‘કુસુમાગ્રજ’ના ઉપનામે જાણીતા મહાન કવિ-નાટ્યકાર વિષ્ણુ વામન શિરવાડકર લિખિત આ નાટક ‘નટસમ્રાટ’ વિશેની શ્રેણી શરૂ કરી. ડૉ. શ્રીરામ લાગુએ આ નાટકમાં કામ કરીને ખૂબ નામના અને ચાહના મેળવી. એ બધું યાદ કર્યું. મૂળ નાટક વિશે અને કુસુમાગ્રજ વિશેની વાતો લખી. ગુજરાતીમાં આ નાટક ચંદ્રવદન ભટ્ટે અને ત્યાર બાદ સિદ્ધાર્થ રાંદેરિયાએ રજૂ કર્યું. એ બધી વાતો વહેંચી. નાટકમાંના કવિતા જેવા ફેમસ ડાયલોગ્સ યાદ કર્યા.

શ્રેણી પૂરી એ જ દિવસોમાં કવિ લાભશંકર ઠાકરના અવસાનના સમાચાર આવ્યા. લા.ઠા.ની કવિતા તથા લા.ઠા. દાદાનાં સંસ્મરણો બે દિવસ સુધી ‘ગુડ મૉર્નિંગ’માં વાગોળ્યા.

જાન્યુઆરી મહિનામાં જ એક જમાનામાં જેમનાં ગીતો સાંભળી/સંભળાવીને ઈશ્ક ફરમાવતા એ કુમાર સાનુની એક કૉન્સર્ટ સાંભળીને અત્યારની એમની દુર્દશા વિશે લખ્યું: ‘કોની સાથે ઊઠવુંબેસવું, બોલવુંચાલવું, હળવુંભળવું.’ ગુલઝારસાહેબની પંક્તિ ‘ખાલી હાથ શામ આયી હૈ, ખાલી હાથ જાયેગી’ને શીર્ષકમાં મૂકીને જિંદગી ખાલીખમ લાગતી હોય તો એનું કારણ શું, નિવારણ શું એ વિશે થોડી વાતો કરી. મકરસંક્રાન્તિના દિવસે ‘હવે ઉત્તર તરફ પ્રયાણ, છ મહિના પછી દક્ષિણ તરફ’ શીર્ષકવાળા લેખમાં સાતત્યમાં રહેલા અપવાદોનો મહિમા ગાયો: ‘કોઈ એક ચોક્કસ વ્યક્તિ સાથે કે કોઈ એક ચોક્કસ સંજોગોમાં કરેલું આપણું વર્તન, વ્યક્તિ બદલાતા કે સંજોગો બદલાતાં, બદલાઈ જાય. ઉત્તરનું દક્ષિણ કે દક્ષિણનું ઉત્તર થઈ જાય ત્યાં સુધી બદલાઈ જાય એ શક્ય છે’ એવો વિચાર પ્રગટ કર્યો.

અમેરિકામાં કોઈને દસ હજાર કરોડ રૂપિયાની લૉટરી લાગી એના પરથી વિચાર આવ્યો કે આપણને એવી લોટરી લાગે તો આપણું શું થાય? શું કરીએ આટલી મોટી રકમનું. ફૅન્ટસીની પતંગ ચગાવતાં ચગાવતાં થોડીક રિયાલિસ્ટિક વાતો કરી.

મકરન્દ દેશપાંડેના નાટક ‘સર, સર, સરલા…’થી પ્રભાવિત થઈને એની જે થીમ છે-પ્રત્યક્ષ પ્રેમ અને અપ્રત્યક્ષ પ્રેમ એના વિશે, એ નાટકના સંદર્ભમાં કેટલીક વાતો સૂઝી તે તમારી સાથે શૅર કરી.

છવ્વીસમી જાન્યુઆરી આવતી હતી એટલે એક થીમ તરતી મૂકી: દેશમાં જે કંઈ માઠું થાય છે એ બધા માટે સરકાર કેટલી જવાબદાર.

અમર સંગીતકાર મોત્ઝાર્ટના જીવન વિશે લખ્યું, કારણ કે એ જ દિવસોમાં એના વિશેની ફિલ્મ ફરી એકવાર જોઈ એ ર૭ જાન્યુઆરીએ જન્મતિથિ હતી. ‘ક્રિયેટિવિટી અને કંગાલિયત: આજનો ફાયદો જોવો કે આવતી કાલનો’ આ કેન્દ્રીય વિચાર હતો મોત્ઝાર્ટ વિશેની લેખશ્રેણીનો.

જાન્યુઆરી પૂરો થતો હતો અને આ લેખ લખાયો: ‘શું તમારી જિંદગી આજે એવી જ છે જેવી તમે ધારી હતી?’ ફેબ્રુઆરીની શરૂઆત મહત્ત્વાકાંક્ષા વર્સીસ સંતોષની ક્ધસેપ્ટસ વિશે સ્પષ્ટતા કરીને થઈ. પછી નિર્મલ વર્માના સાહિત્ય વિશે વાતો કરી, સલિલ દલાલના પુસ્તક ‘કુમાર કથાઓ’ વિશે વાત કરી, જગજિતસિંહની ૭૫મી જન્મતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ વિશે વાત થઈ, વધુ એક વિચાર તરતો મૂક્યો કે ‘તમારું મૂલ્ય કેટલું છે એ તમારા મોઢે બોલવાની જરૂર છે?’ પછી ઈશરત જહાં અને ડી. જી. વણઝારાનો ટૉપિક લઈને સેક્યુલરોને ઝૂડ્યા, કારણ કે વણઝારા સાહેબે પોતાની વાત કરવા માટે મુંબઈ મરાઠી પત્રકાર સંઘના હૉલમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. એ ગાળામાં દિલ્હીની સેક્યુલરોનો અડ્ડો ગણાતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખૂબ ગાજી-પેલા ક્ધહૈયાને કારણે. મેં મથાળામાં લખ્યું ‘ચાલો, જેએનયુને એસવીપીયુ બનાવીએ.’ એ શ્રેણીમાં પંડિત નહેરુના હિન્દુઓ વિશેના વિચારો પણ ખોદી ખોદીને બહાર કાઢ્યા. એ જ અનુસંધાનમાં ત્રીજો લેખ લખાયો: ‘ભારતનો સાચો ઈતિહાસ કોણ છુપાવી રહ્યું છે?’ ઈન્સિડેન્ટલી, અગાઉ આ થીમના અનેક પાસાઓમાંના કેટલાક વિશે મેં ખૂબ લખ્યું હતું, પણ આ લેખ લખાયા પછી મેં નક્કી કર્યું કે આ થીમ વિશે વધુ ઊંડા ઊતરીને આ વિષયમાં ખૂબ વ્યાપક રીતે સંશોધન કરી શકાય એવો એક પ્રોજેક્ટ હાથમાં લેવો છે. છ-આઠ મહિનાની તૈયારી કર્યા પછી ર૦૧૭માં એ કામ હવે કરીશ.

સત્યાવીસમી ફેબ્રુઆરીએ ર૦૦રની સાલની એ તારીખે બનેલી ગોધરાની ઘટનાને યાદ કરો.

ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાના આરંભે મુંબઈમાં શાસ્ત્રીય સંગીતક્ષેત્રે એક મસ્ત વાત બની જેના વિશે બે લેખો લખાયા: ‘આઠ પ્રહર: ૧૯ કલાકારોનો સળંગ ૧૯ કલાક સુધી ચાલેલો જલસો.’ આ વર્ષે બધા જ અલગ ગાયકો-સંગીતકારો સાથેનો એવો જ કાર્યક્રમ ૧૪મી જાન્યુઆરીએ સવારના છ વાગ્યે પરવીન સુલતાનાથી શરૂ થશે અને આઠમો પ્રહર ૧૫મી જાન્યુઆરીના રોજ મળસ્કા પહેલાંના બે વાગ્યા પછી પંડિત જસરાજથી સમાપન પામશે. અમે તો આ વર્ષ પણ જવાના છીએ અને ઈન્શાઅલ્લાહ, દર વર્ષે જઈશું. બધી જ જવાબદારીઓ શ્રીજીબાવાને સોંપી દેવાને બદલે કેટલીક અલ્લા-ઈસુને પણ સોંપી દેવી જેથી ઈષ્ટદેવતા પરનું બર્ડન જરા ઓછું થાય અને એમની પાસે આપણાં બીજા કામો કરવા માટે સમય અને એનર્જી બચેલાં રહેશે.

ફેબ્રુઆરીના ઓગણત્રીસમાં દિવસે ‘ઘર જેવો બાર નહીં, ઘર જેવી ઑફિસ નહીં’ લખીને લીપ યરની ઉજવણી કરી! માર્ચમાં: ઑસ્કાર અવૉર્ડ વિશે લખ્યું: આ વખતે કાળિયાઓ કેમ નૉમિનેટ ન થયા. બેસ્ટ પિક્ચરનો અવૉર્ડ મેળવનારી ફિલ્મ ‘સ્પૉટલાઈટ’ વિશે બીજા દિવસે લખ્યું: ‘અમેરિકાના ખ્રિસ્તી પાદરીઓના ચાઈલ્ડ અબ્યુઝ પર સ્પૉટલાઈટ’ એ જ શ્રેણીમાં ત્રીજો લેખ લખ્યો. ‘ર૦૧૫માં હોલીવૂડમાં નવલકથા કે પુસ્તક પરથી ૬૩ ફિલ્મો બની.’ ચોથો લેખ ઑસ્કારમાં ગાજેલી એનિમેશન ફિલ્મ ‘ઈનસાઈડ આઉટ’ વિશે લખ્યું.

માર્ચમાં મારી લેખનયાત્રાનો એક ખૂબ મહત્ત્વનો લેખ લખાયો: ‘સ્મોકિંગ છોડવું અઘરું નથી.’ સિગરેટ છોડ્યાના ૧૦૦ દિવસ પછી લખાયેલો આ લેખ મારા માટે બહુ મહત્ત્વનો હતો. આજે તે સિગરેટ છોડ્યે વરસ ઉપર થઈ ગયું છે. જલસા છે. યુ.પી.ના બરેલી શહેરને જગમશહૂર કરનાર ગીતની યાદમાં ત્યાંના સત્તાવાળાઓ એની બજારમાં પૂરા ર૧ ફીટ ઊંચું ઝુમકું મૂકવાના છે એ સમાચાર વાંચીને અમે ઝૂમી ઊઠ્યા અને મદનમોહન, રાજા મહેન્દી અલી ખાન, રાજ ખોસલા, આશા ભોસલે અને સાધનાને યાદ કરીને એક જલસાવાળો પીસ લખી નાખ્યો.

ધૂળેટી આવતી હતી, પાણી વગરની તિલક-હોળી રમો એવો પ્રચાર કરનારાઓને રીતસરના ધોઈ નાખ્યા, ધીબેડી નાખ્યા પછી નીચોવીને તડકે મૂકી દીધા. માર્ચ પૂરો થતો હતો અને ‘રેંજીપેંજી’ શબ્દ જે મનમાં ચોંટી ગયો હતો તેને ઉખાડીને સાચવીને બાજુએ મૂકી દેવા એક લેખ લખ્યો: ‘ઘસાઈ ગયેલા શબ્દોને માંજીને ચકચકિત બનાવીએ, લપટી પડી ગયેલી ગુજરાતી ભાષાને ચુસ્ત બનાવીએ.’

આ થયો મારા ફર્સ્ટ ક્વાર્ટરનો હિસાબ, બાકીનાં ત્રણ ક્વાર્ટર્સની ઝડપી ઝલક કાલે પૂરી કરીને રિટર્ન સબમિટ કરી દઈએ એટલે છુટ્ટાં, ઈસુને નવા વર્ષને આવકારવા માટે.

આજનો વિચાર

જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યા પછી કુદરતી સૂર્યોદય જોવાની તક મળતી નથી.

(‘ગુડ મૉર્નિંગ’: ર૦૧૬ના એક લેખનું મથાળું)

એક મિનિટ!

ક્રિસમસની રાતે બકો આખી રાત જાગ્યો.

પણ…

શાંતા ક્લૉઝ આવી જ નહીં!

– વૉટ્સઍપ પર વાચેલું.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 30 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *