તમે સ્વીકારક છો એવું ક્યારે પુરવાર થાય

સ્વીકારભાવની વાત આજે પૂરી કરીએ.

ઉપદેશક કે સુધારક બનવાને બદલે તમે જ્યારે સ્વીકારક બનો છો ત્યારે બીજાઓ માટે જજમેન્ટલ બનવાની લાલચમાંથી મુક્ત થઈ જાઓ છો, સામેની વ્યક્તિ સાચી છે કે ખોટી એ નક્કી કરવાની લાલળયમાંથી મુક્ત થઈ જાઓ છો. કોઈ સાચું છે કે ખોટું એ તમે કેવી રીતે નક્કી કરી શકો? તમારી બુદ્ધિ, જાણકારી તથા અનુભવને સીમા હોવાની. આ મર્યાદા હોવા છતાં તમે જ્યારે બીજા વિશે ઓપિનિયન બાંધો છો ત્યારે એમાં તમારા પૂર્વગ્રહો ઉમેરાય છે. કોઈ પણ વ્યક્તિને એની તમામ ખામીઓ સાથે સ્વીકારવાની તૈયારી નહીં હોય તો તમે આ દુનિયામાં સાવ એકલા પડી જવાના. સ્વીકારક બનવાનો સૌથી મોટો ફાયદો એ કે જેમ તમે બીજા સૌને એમની અધૂરપો સહિત, એમના આગ્રહો-દુરાગ્રહો સહિત, એમની સાથેના મતમતાંરો બાવજૂદ સ્વીકારો છો એમ તમને પણ એ બધા જ તમારી આવી તમામ ખાસિયતો સાથે સ્વીકારતા થઈ જશે.

સ્વીકારક હોવાનો એક ઔર લાભ. તમારું જીવનદર્શન સ્થળકાળથી પર થઈ જશે. એક જમાનામાં બાળલગ્નનો સામાજિક સ્વીકાર હતો અને વિધવાવિવાહનો વિરોધ હતો. આજે બાળલગ્ન ગેરકાનૂની છે અને વિધવા વિવાહ સ્વીકાર્ય છે. આ કે આવા અનેક મુદ્દાઓને લઈને તમે તમારી માન્યતાઓને વળગી રહીને જો કોઈનો સ્વીકાર ન કરો તો સમય બદલાતાં તમારે કાં તો એ વ્યક્તિ સાથેના સંબંધ કે તમારા પોતાના વિચારો બદલવા પડે. એ જ રીતે તમે દારૂબંધીવાળા વિસ્તારમાં રહેતા હો અને શરાબ પીનારાઓ સામે તમને સૂગ હોય તો તમારે દારૂની છૂટ હોય એવા સ્થળે આવો ત્યારે એ સૂગ છોડવી પડે. સ્થળકાળ ઘણાં મોટાં ફેક્ટર્સ છે અને એ બદલાતા રહે છે. તમારા પોતાના વિચારોમાં પણ સ્વતંત્ર રીતે પરિવર્તનો આવતાં રહેવાનાં. દરેકનો સ્વીકાર કરવાની તૈયારી હશે તો સ્થળ-કાળ બદલાતાં કે તમારા પોતાના વિચારોમાં સ્વતંત્ર રીતે પરિવર્તન આવતાં તમારે જીવનમાંથી કોઈની બાદબાકી નહીં કરવી પડે.

સ્વીકારક બનવાથી તમારે નક્કી કરવું પડતું નથી કે આ દુનિયામાં કોણ પાપી છે ને કોણ નહીં. ‘સ્કારલેટ લેટર’ નામની અંગ્રેજી ફિલ્મમાં પોતાની માતાના એક પાદરી સાથેના આડા સંબંધોને લીધે જન્મેલી દીકરી અંતમાં માતાનો પક્ષ લેતાં કહે છે: કોણ કહેશે કે ભગવાનની નજરે પાપ એટલે શું?

ભગવાન પણ જે નક્કી નથી કરી શકવાનો તે બાબતમાં આપણે ન્યાય તોળનારા વળી કોણ? તમારા વિચારોમાં તમે જરૂર દૃઢ રહો પણ એ વિચારોને બીજા પર લાદીને એમની સ્વતંત્રતા ઝૂંટવી લેવાનો તમને હક નથી. તમારે જે રીતે જીવવું છે તે રીતે જીવવાની છૂટ તમને મળી છે, કોઈ તમારી આડે આવતું નથી તો પછી તમારે શું કામ બીજાઓ માટે બાધારૂપ બનવું જોઈએ? બીજાઓને આપણા ત્રાજવે તોળવાની પ્રવૃત્તિ બંધ થશે ત્યારે આપોઆપ સ્વીકારની ભાવના પ્રગટશે.

તમે સ્વીકારક છો એવું ક્યારે પુરવાર થાય? જ્યારે તમે તમારા કરતાં જુદા વિચારો કે ભિન્ન મત ધરાવતા લોકોનો અનાદર ના કરો. તમારા વૈચારિક વિરોધીઓને તમે ઉતારી ના પાડો.

આ કામ દુર્ગમ છે. હું ભિન્ન મતનો આદર કરું છું એ કહેવું ઘણું સહેલું છે, પણ તમારા કરતાં જુદા વિચારો ધરાવનારાને અંતરના ઉમળકાથી આદર આપવાનું કામ અઘરું છે. અનેક બૌદ્ધિકો વિરોધીઓને છેતરામણો આદર આપીને પોતે કેટલા વિશાળ હૃદયના છે એવું જતાવવાની કોશિશ કરતા હોય છે.

સૌનો સ્વીકાર કરવામાં બીજાઓને તો ફાયદો છે જ, સૌથી મોટો લાભ તમને છે. તમારા મનમાંથી બીજાઓને દરેક બાબતે નાણવાની વૃત્તિ દૂર થઈ ગયા પછી તમારી ઘણી બધી એનર્જી બચી જાય છે. લોકોને એસેસ કરવામાં તમારી ઊર્જા વેડફવાને બદલે તમે એ જ શક્તિનો ઉપયોગ લોકોને સ્વીકારવામાં કરો છો ત્યારે તમને એમની એનર્જીનો પણ વધારાનો લાભ મળતો થઈ જાય છે. તમે કરવા ધારી હોય એના કરતાં અનેકગણી ગતિથી તમારી પ્રગતિ થાય છે.

એક ભ્રમણા એવી છે કે સૌનો સ્વીકાર કરવાથી હું મારી ઓળખ, મારી અસલિયત ગુમાવી બેસીશ. સ્વીકારકે પોતાના આગ્રહોને અકબંધ રાખીને સ્વીકારવાનું હોય છે કે મારી જેમ બીજાઓને પણ એમના પોતપોતાના આગ્રહો હોવાના. એમના આગ્રહોને આદર આપવા માટે તમારે પોતાના આગ્રહો જતા કરવાના નથી.

સ્વીકારની દુનિયામાં રહેવાનું આવડી ગયા પછી નકારને કારણે નીપજતાં ટેન્શનો દૂર થઈ જાય છે. તમે કોઈને નકારશો કે અવગણશો તો એ વ્યક્તિ પણ તમારા માટે નકારાત્મક એટિટયૂડ ધરાવતી થઈ જશે એવો ભય સ્વીકારકને સતાવતો નથી.

હૃદયની વિશાળતાનું જન્મજાત વરદાન બધાને મળતું હોતું નથી. મોટાભાગનાઓએ પ્રયત્નપૂર્વક, ધીરજ ધરીને વિશાળ હૃદયના બનવું પડતું હોય છે. તમારી પાસે આ જન્મજાત વરદાન ન હોય તો તમે તમારી આસપાસ નજર કરો. કોણ કોણ તમામ લોકોને એમની ખામીઓ સહિત સ્વીકારીને ચાલે છે અને કોણ કોણ પોતાની આંખે ડાબલા બાંધીને આસપાસની વ્યક્તિઓમાં રહેલી ખામીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે? પ્રથમ પ્રકારની વ્યક્તિ જીવનમાં વધુ સફળ હોવાની, વધુ સંતોષી હોવાની, વધુ શાંત હોવાની, અચવર હોવાની. રાજકારણથી માંડીને ફિલ્મ, બિઝનેસ, ઉદ્યોગ, સાહિત્ય, સંગીત અને ધર્મ-અધ્યાત્મ સુધીનાં તમામ ક્ષેત્રો લઈ લો. જે સ્વીકારકની ભૂમિકા અપનાવે છે તે જ સૌથી આગળ હોય છે. જે ઉપદેશક કે સુધારક બનવામાં પડી જાય છે તેઓ આગળ નથી વધી શકતા એટલું જ નહીં, તેઓ સમાજનું નુકસાન પણ કરે છે. પૂજ્ય મોરારિબાપુએ ‘માનસ: કિન્નર’માં જ્યારે આ વાત કરી ત્યારે કોઈનુંય નામ લીધા વગર કંઈક આ મતલબનું કહ્યું હતું: આ દેશમાં તો એવા પણ સુધારકો થઈ ગયા જેમણે આખી જિંદગી સમાજને સુધારવાની કોશિશ કરી પણ તેઓ પોતાની નેક્સ્ટ જનરેશનને પણ બગડતાં અટકાવી શક્યા નહીં!

આજનો વિચાર

આમ તો દુનિયાના દરેક દેશમાં એક ‘રાહુલ ગાંધી’ હોય છે.

પણ…

આપણી સમસ્યા એ છે કે આપણી પાસે ઓરિજિનલ છે.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

પછી કૃષ્ણસખાએ પૂછયું: ‘હે, સુદામા ભાભીએ કાંઈ મારા માટે મોકલ્યું છે?’

‘હા’ એમ કહીને સુદામાએ પોટલીમાંથી સ્વાઈપ મશીન કાઢ્યું.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 29 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *