ઉપદેશક, સુધારક કે પછી સ્વીકારક: કોની જરૂર છે

‘આ દુનિયાને ઉપદેશકની જરૂર નથી, સુધારકની પણ જરૂર નથી, આ જગતને સ્વીકારકની જરૂર છે’ એવું પૂજ્ય મોરારિબાપુએ મુંબઈની સીમાએ આવેલા થાણે શહેરમાં યોજાયેલી રામકથા ‘માનસ: કિન્નર’ના પહેલા જ દિવસે કહ્યું. એમણે કિન્નરોના સામાજિક સ્વીકારના સંદર્ભમાં આ વાત વહેતી મૂકી અને પછી વ્યાપક અર્થમાં આગળ લંબાવી.

બાપુની આ વાતને હું જે રીતે સમજ્યો છું અને જે રીતે ઉપનિષદના પવિત્ર મંત્ર જેવી આ વાતને જીવનમાં ઉતારવાની કોશિશ શરૂ કરી છે તે તમારી સાથે વહેચવી છે. આમાં મારા ઈન્ટરપ્રીટેશનમાં મારી કોઈ ગેરસમજણ થતી હોય તો તે મારો વાંક અને આ વાત તમારા પણ ગળે ઊતરતી હોય તો તે જશ બાપુની વાણીનો છે.

સ્વીકાર એટલે આપણી આસપાસ સારું-ખરાબ જે કંઈ છે તે બધાની મૂલવણી કર્યા વગર તેને અપનાવી લેવું. આનો અર્થ એ નથી કે ખરાબને અનુમોદન આપવું. કોઈ દારૂ પીએ છે એટલે એની સાથે સંબંધ ન રાખવો કે એનો દારૂ છોડાવવા એને ઉપદેશ આપવો અથવા એને સુધારવાની કોશિશ કરવી એવું નહીં પણ એને અપનાવી લેવાનો જેથી એનામાં જે સારું છે તેનો તમને લાભ મળે અને તમારી સારપ એને સ્પર્શે તો એનામાં પણ વધારાની સારપ ઉમેરાય. તમે આવું કરો છો ત્યારે એના શરાબીપણાને ન તો ઉત્તેજન આપો છો, ન અનુમોદન. તમે એની દારૂ પીવાની આદતની ટીકા નથી કરતા એનો અર્થ એ કે બીજું કોઈ એવો ન કરી શકે કે તમને ગમે છે એ દારૂ પીએ છે તે. પણ એનો અર્થ એવો કે એ દારૂ પીએ છે તે છતાં એ તમને ગમે છે. આનું નામ સ્વીકાર.

દારૂને અહીં કોઈ પણ દુર્ગુણના પ્રતીક તરીકે લઈએ. વ્યક્તિને એના તમામ દુર્ગુણો સહિત સ્વીકારવાની વાત છે. અથવા તો કહો કે એની તમામ ખામીઓ સહિત એને સ્વીકારવાની વાત છે. અથવા તો એમ પણ કહી શકો કે સમાજમાં પ્રચલિત ધારાધોરણો જેવું એનું જીવન કે વ્યક્તિત્વ ન હોય તો પણ એનો સ્વીકાર કરવાનો, એને ઉપદેશ આપવા બેસી જવાનું નહીં કે એને સુધારવાની કોશિશ પણ કરવાની નહીં.

ઉપદેશ આપવામાં તમારો અહમ્ સંતોષાય છે. બસ, એટલું જ. બીજાઓ કરતાં તમે કેટલા સમજદાર અને ડાહ્યા છો એવો દેખાડો કરી શકાય ઉપદેશ આપીને. ઉપદેશને છુટ્ટો ફેંકી દીધા પછી તમારી કોઈ જવાબદારી રહેતી નથી; મેં તો મારી ફરજ નિભાવી, હવે એણે શું કરવું તે એણે સમજવાનું, હું તો છુટ્ટો…

સુધારક બનવાની હોંશ રાખનારાઓ જિદ્દી અને એકાંગી બની જતા હોય છે. હું દારૂ પીતો નથી તો તમે લોકો શું પીઓ છો? હું રોજ બે કલાક ચરખો કાંતું છું તો તમે કેમ પાનના ગલ્લે ગપ્પાં મારવાને બદલે ચરખો કાંતવા બેસી જતા નથી? મેં ક્યારેય ચોરી કરી નથી, હું ક્યારેય જુઠ્ઠું બોલતો નથી, હું ક્યારેય ટેક્સચોરી કરતો નથી એટલે મને જાણે પરવાનો મળી જાય છે તમને ચોરી કરતાં અટકાવવાનો, જુઠ્ઠું બોલતાં અટકાવવાનો અને બ્લેક મની સંઘરતાં રોકવાનો. બીજાઓને સુધારવાની હોંશમાં ને હોંશમાં હું બીજાઓની જિંદગીમાં દખલગીરી કરતો હોઉં છું. બીજાઓના વ્યક્તિત્વની નહીં દેખાતી બાજુઓની હું અવગણના કરું છું. એમનું બૅકગ્રાઉન્ડ, એમનો ઉછેર, એમની આસપાસનું વાતાવરણ, એમની ઈચ્છાઓ, એમની ભવિષ્યની યોજનાઓ આ બધા વિશે હું આંખ આડા કાન કરીને એમને મારી કલ્પના મુજબની વ્યક્તિ બનવાનું બીડું ઝડપું છું. એમને સુધારવાની જીદમાં હું એમની મૂળ ઓળખ ભૂંસી નાખવાનો છું એવો વિચાર પણ મને નથી આવતો. અને આખરે જ્યારે મને એ વ્યક્તિમાં સુધારો દેખાતો નથી ત્યારે હું નાસીપાસ થઈ જાઉં છું અથવા તો એ વ્યક્તિ મારી આગળ દંભ કરતી થઈ જાય છે કે જુઓ, તમારા પ્રયત્નોથી મારામાં આટલો સુધારો થયો. આ બેઉમાં અંતે તો નુકસાન જ છે.

વ્યક્તિ જેવી હોય એવી એને સ્વીકારી લો છો ત્યારે એને તમારા માટે સમભાવ પ્રગટે છે. તમે એની સાથે સંઘર્ષમાં નથી ઊતરવાના એવી એને ખાતરી થાય છે. એ પોતાની અસલ પહેચાન ગુમાવ્યા વિના તમારી સાથે સંબંધ રાખતી થાય છે એટલે એણે કશું ગુમાવવું પડતું નથી અને કશું ગુમાવવું પડતું નથી એટલે એને તમારી સાથે રહેવામાં હૂંફ મળે છે, એ તમારી સાથે ઉષ્માભર્યા સંબંધો રાખે છે. સ્વીકાર કરવાથી તમને ફાયદો એ થાય છે કે એનામાં રહેલી બાકીની તમામ સારી વાતો તમારા સુધી પહોંચે છે. દારૂ પીવાને કારણે જો તમે એ શાયરની સાથે સંબંધ ન રાખતા હોત તો એની ઉત્તમોત્તમ શાયરી તમારા સુધી પહોંચતી ન હોત.

વ્યક્તિ ઉપરાંત પરિસ્થિતિઓનો સ્વીકાર કરી લેવાથી, તમારી નવ્વાણુ ટકા પળોજણ દૂર થઈ જાય છે. તમારા ધાર્યા મુજબની ગોઠવણ ન થઈ, તમે અગવડભરી પરિસ્થિતિમાં મુકાયા, તમે જે સુવિધાઓની અપેક્ષા રાખી હતી તે ન મળી – આવા સમયે જો તમે સંજોગો સામે લડવા જશો તો વિખેરાઈ જશો. સ્વીકારી લેશો તો જે કામ કે જે હેતુસર તમે આ પરિસ્થિતિમાં છો તે હેતુને શાંતિથી પાર પાડી શકશો.

બીજી બે નાની વાત. સ્વીકાર એટલે દુરાગ્રહ છોડી દેવો. સ્વીકારવાનો અર્થ તમારા પોતાના નીતિનિયમો કે સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી એવું નહીં. અને જે વ્યક્તિના સ્વીકારને કારણે તમારાં આ નીતિનિયમો કે સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવાના સંજોગો ઊભા થશે એવું લાગે તેને તો તમારાથી દૂર જ રાખવી પડે – સલામત અંતરે.

બીજી નાની વાત. તમારા આ સ્વીકાર પછી જેનો સ્વીકાર થયો છે એ વ્યક્તિ જો પોતાની જવાબદારીમાં આગળ ન વધે તો તમારે તમારા સ્વીકાર વિશે ફેરવિચારણા કરવી પડે.

પણ આ બે તો ગૌણ બાબતો છે.

મહત્ત્વની વાત છે સોને સ્વીકારવાની, બધું જ સ્વીકારવાની. તમારી પાસે નીરક્ષીર વિવેકની ગળણી કે ચાળણી હશે તો આ સ્વીકારની પ્રક્રિયા અવિરત ચાલશે, અખંડિત રહેશે. છેવટે આને કારણે તમારા હૃદયની વિશાળતા વધશે, જિંદગીમાં જે કંઈ કરવું છે તે કરવામાં ઘણા બધાનો સાથ મળશે, જિંદગી સુખમય, શાંતિમય અને સંતોષમય બનશે.

પૂ. મોરારિબાપુનો આ સ્વીકારમંત્ર જીવનમાં ઉતારવાની સૌને સમજ મળે, શક્તિ મળે અને તક મળે એવી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના.

આજનો વિચાર

સાવ અદૃશ્ય ત્રાજવાં આંખે,
જ્યાં ગયા ત્યાં દુકાનમાં જીવ્યા.

એક ઠોકર ગઈ લો સમજાવી,
વ્યર્થ કેવા ગુમાનમાં જીવ્યા.

– હર્ષ બ્રહ્મભટ્ટ

એક મિનિટ!

પત્ની: મને ખબર નથી પડતી કે ન હું ક્યારેય કડવા ચોથનું વ્રત રાખું છું, ન તમે તમારી કુટેવો સુધારો છો, તો પછી આટલી સારી તબિયત કેમ રહે છે તમારી!

પતિ: મને શું ખબર, વહાલી?

પત્ની: મને ખબર છે, કોઈક ચુડેલ તમારા માટે કડવા ચોથના ઉપવાસ કરતી લાગે છે. બોલો, એ કોણ છે?

( મુંબઇ સમાચાર : બુધવાર, 28 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *