મોરારિબાપુ, કિન્નર સમાજ અને ચાર વત્તા ચાર વત્તા એક મુદ્દાઓ

‘માનસ : કિન્નર’ રામકથાના સમાપનના નવમા દિવસે પૂજ્ય મોરારિબાપુએ નવ મુદ્દા કહ્યા જે કિન્નર સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેનાં નવ પગથિયાં છે. આમાંથી ૪ મુદ્દાને આપણે અમલમાં મૂકવાના છે, ૪ કિન્નર સમાજે અને જે બાકીનો એક મુદ્દો છે, અતિ મહત્ત્વનો મુદ્દો – તે કોના માટે છે એની માહિતી આ લેખના અંતમાં આવશે.

આપણા માટેના ૪ મુદ્દા.

૧. સામાજિક: કિન્નરોનો મુખ્ય ધારામાં સમાવેશ થાય એ માટે સમાજે એમના માટેની દૃષ્ટિ બદલીને એમને બે હાથ ફેલાવીને આવકારવા જોઇશે. કિન્નરો પ્રત્યેના અત્યાર સુધીના આપણા વર્તનના પશ્ર્ચાત્તાપરૂપે હવે આપણે એમના માટે સહદયતા દાખવતા થઇએ. ભગવાનની, પરમાત્માની અવ્યવસ્થાને કારણે એમને તન પુરુષનું અને મન સ્ત્રીનું મળ્યું છે ને એમાં એમનો કોઇ વાંક નથી. આ દુનિયામાં સૌથી મોટું તપ જો કોઇ હોય તો તે છે બીજાનાં અપમાનો સહન કરીને જીવવાનું તપ. કિન્નરો સદીઓથી આ તપ કરતા આવ્યા છે. સમાજે, આપણે સૌએ હવે એમને આપણા જેવા જ, સ્ત્રી અને પુરુષો જેવા જ, મનુષ્ય ગણીને એમની સાથે એ જ રીતે વ્યવહાર કરતાં શીખવું જોઇએ.

૨. રાજકીય: આપણા સમાજે એમને રાજકારણીઓ દ્વારા જે કંઇ લાભ આપી શકાય તે અપાવવા જોઇએ. લોકસભામાં એમનું પ્રતિનિધિત્વ અત્યારના તબક્કે કદાચ કઠિન લાગે તો શરૂઆત એમને રાજ્યસભામાં નૉમિનેટ કરીને જરૂર થઇ શકે. એમના સમાજનો અવાજ સમગ્ર દેશ સુધી પહોંચે એ જરૂરી છે. રાજકીય સ્તરે શાસક પક્ષ કે સરકાર દ્વારા એમના માટે વિવિધ ક્ષેત્રે અને વિવિધ સ્તરે અનામતની જોગવાઇ કરી શકે. અભ્યાસ તેમ જ નોકરી માટેની તકો એમના માટે ખુલે. એમનાં શિક્ષણ તેમ જ તાલીમ માટેની વ્યવસ્થાઓ ગોઠવાય. એમના જીવનનું આર્થિક પાસું સુધરે એ માટેની વિવિધ યોજનાઓ સરકાર વિચારી શકે.

૩. પારિવારિક: જે કુટુંબમાં કુદરતની અવ્યવસ્થાનો ભોગ બનેલા આવા સંતાનનો જન્મ થાય એને તરછોડી દેવાને બદલે કુટુંબમાં જ એનો ઊછેર કરવામાં આવે, એને અન્ય સંતાનો જેટલું વાત્સલ્ય મળે, શિક્ષણ તથા સંસ્કાર મળે અને એ સંતાન મુખ્ય ધારાથી દૂર ફંટાઇ ન જાય તેવી માનસિકતા દ્વારા એનો ઊછેર થાય.

૪. ધાર્મિક: ધર્મક્ષેત્રની વ્યક્તિઓએ પણ કિન્નર સમાજથી આભડછેટ રાખવાને બદલે મુખ્ય ધારાનાં સ્ત્રી-પુરુષો સાથે જેવો વ્યવહાર રાખવામાં આવે છે તેવા નિ:સંકોચ અભિગમ સાથે એમને નજીક રાખવા જોઇએ.

સ્વીકારની સાથે આવે છે જવાબદારી. જેમનો સ્વીકાર થતો હોય એમણે સમજવું જોઇએ કે સ્વીકૃતિ મળવાની શરૂઆત થાય છે ત્યારે એની સાથે પોતાની જવાબદારી પણ વધતી જાય છે. બાપુએ પોતાના બાળપણનો દાખલો આપ્યો. નિષ્ફિકરાઇના એ દિવસો હતા. કલાકના દરે ભાડેથી સાઇકલ લઇને ફરતી વખતે પડતા આખડતા, ચેઇન ઊતરી જતી તો ચડાવતા. જવાબદારીમુક્ત ભ્રમણના એ દિવસો હતા. કથાકાર બન્યા પછી જવાબદારી વધતી ગઇ. સમાજમાં સ્વીકૃતિ મળ્યા પછી, બાપુ તરીકે સૌનાં હૃદયમાં વસી ગયા પછી જવાબદારી ઔર વધી ગઇ. સમાજની મુખ્ય ધારાના દરવાજા ખુલ્લા થઇ ગયા પછી એમાં પ્રવેશતી વખતે કિન્નર સમાજની ૪ જવાબદારીઓ રહે છે:

૧. શિક્ષણ: કિન્નર સમાજના દરેક સભ્ય માટે શિક્ષણ અનિવાર્ય હોવું જોઇએ. શિક્ષણ વિના વ્યવસાયની તકો ખૂલવાની નથી અને આજીવિકાનાં પરંપરાગત સાધનો જો છોડવામાં નહીં આવે તો સમાજની મુખ્ય ધારામાં પ્રવેશ નહીં મળે. સાથોસાથ કિન્નરનો વેશ કાઢીને પ્રપંચ કરનારાઓને કિન્નર સમાજે જ પોતાનામાંથી દૂર કરવા જોઇએ.

૨. જીદ: જ્યાં સુધી આજીવિકાનાં નવાં સાધનો ઊભાં ન થાય ત્યાં સુધી જે કોઇ શુભ પ્રસંગે આશીર્વાદ આપવા જવાનું થાય ત્યાં યજમાનના આર્થિક ગજા મુજબની દક્ષિણા સ્વીકારી લેવી જોઇએ. કિન્નરના આશીર્વાદ અમૂલ્ય છે, આશીર્વાદની કોઇ કિંમત ન હોય. સામેવાળાની ક્ષમતા મુજબ જે પ્રાપ્તિ થાય તેમાં સંતોષ માનીને જીદ છોડી દેવાની. બાપુએ છાતી ઠોકીને કહ્યું : ‘અને તમે જો કોઇ જગ્યાએથી બે હજાર રૂપિયાની આશા રાખતા હો પણ હજાર જ મળે તો ડાયરીમાં નોંધી લેજો. બાકીની રકમ તલગાજરડા આવો ત્યારે લેતા જજો.’

૩. કલા: કિન્નરોના જિન્સમાં કળાવિદ્યા છે. નૃત્ય અને સંગીત એમની સાથે અવિભાજિત રીતે જોડાઇ ગયેલાં છે. તેનો વિકાસ કરો. વધુ તાલીમ લો અને હજુ વધુ પારંગત બની સમાજના સૌ કોઇને એનો લાભ આપો. ‘ કેટલાક સાઉથ એશિયન દેશોમાં કિન્નરો ફેમસ સ્ટૅન્ડ અપ કૉમેડિયનો હોય છે’

૪. એકતા: દરેક સમાજમાં હોય છે એમ કિન્નર સમાજમાં પણ અનેક તડાં છે, જૂથ છે જે પરસ્પરની અદેખાઇ કરતાં રહે છે, અજુગતી સ્પર્ધા કરતાં રહે છે. અને દરેક સમાજના વિકાસ માટે જેમ સંગઠન અને સહકાર જરૂરી છે એમ કિન્નર સમાજના વિવિધ ગ્રુપ્સ વચ્ચે પણ સમતા હોય તે જરૂરી છે. તો જ એમનો અવાજ મુખ્ય ધારાના સમાજના દરેકે દરેક ખૂણા સુધી પહોંચાડી શકાશે. ઊંચનીચના ભેદભાવો મિટાવીને સમતા સ્થપાશે તો જ એકતા સર્જાશે.

બેઉ પક્ષના આ ચાર-ચાર મુદ્દાઓ ગણાવ્યા બાદ બાપુએ કહ્યું, ‘એક જે મુદ્દો બાકી રહ્યો છે તે મારા માટેનો છે. હું આ બેઉ વચ્ચેનો સેતુબંધ છું.’

આ મુદ્દા વિશે વધુ વિસ્તારથી કહેવામાં બાપુને પોતાનું સૌજન્ય, પોતાની વિનમ્રતા આડી આવી હશે. પણ હકીકત એ છે કે આ નવમો મુદ્દો સૌથી અગત્યનો છે. બાપુએ ‘માનસ: કિન્નર’ દ્વારા સેતુબંધ બનીને કિન્નરોને સમાજની મુખ્ય ધારામાં સ્વીકૃતિ મળે એની પહેલ ન કરી હોત તો આ કામ કંઇ સરકારી કાયદાઓથી કે કોર્ટના ચુકાદાઓથી થઇ શકવાનું નહોતું. હૃદયનો સ્વીકાર કોઇના દબાણથી કે કોઇના હુકમથી નથી સર્જાતો. નવ દિવસ દરમ્યાન બાપુએ એક પછી એક શાસ્ત્રોક્ત પ્રમાણો ટાંકીને અને પોતાની મૌલિક, તલગાજરડી પ્રયોગશાળામાંથી પ્રગટેલી, સમજણ દ્વારા બેઉ સમાજો સુધી જે જે વાતો પહોંચાડી તેની ફલશ્રુતિરૂપે આ બાબતમાં મંદબુદ્ધિ એવા મારા જેવાના દિમાગનાં બંધ દ્વાર તો ખૂલ્યાં જ સાથોસાથ ખુદ કિન્નરોને ખ્યાલ આવ્યો હોવો જોઇએ કે કઇ ભવ્ય પરંપરાના તેઓ વારસદાર છે. એમને નિ:સંદેહ પોતાની જાત માટે ગજબનું ગૌરવ થયું હશે આ રામકથા સાંભળતાં સાંભળતાં.

કિન્નરોને સમાજની મુખ્ય ધારામાં પ્રવેશ મળવાની શરૂઆત દુનિયાના કેટલાક દેશોમાં થઇ ચૂકી છે. કેટલાક દક્ષિણ એશિયાઇ દેશોમાં તેઓ અન્ય કોઇ પણ સ્ત્રી-પુરુષ કરતાં હોય એવા ધંધા-વ્યવસાય-નોકરી કરી રહ્યાં છે. કેટલાક દેશોની સરકારોએ પણ શાસકીય સ્તરે એમના ઉત્થાન તથા સામાજિક સ્વીકાર માટે યોજનાઓ બનાવેલી છે. ભારતમાં આજે નહીં ને આવતી કાલે, જ્યારે પણ એવું થશે, ત્યારે એના પાયામાં રવિવારે થાણેમાં પૂર્ણાહુતિ પામેલી રામકથા ‘માનસ : કિન્નર’ હોવાની.

પૂજ્ય મોરારિબાપુ આવું કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેઓ માને છે કે પોતે ઉપદેશક નથી, સુધારક નથી પણ સ્વીકારક છે. જે કોઇ પણ વ્યક્તિ જેવી હોય તેવી, એને સ્વીકારી લેવાની. આ ‘સ્વીકાર’ વિશેના બાપુના વિચાર પર લંબાણથી વાત કરવાની ચટપટી ઘણા દિવસોથી મેં રોકી રાખી છે. આવતી કાલે મારી આ ઇચ્છાનો મોક્ષ કરીને પૂરું કરીએ.

આજનો વિચાર

રામકથાનું કામ વચનાત્મક નહીં રચનાત્મક હોવું જોઇએ.

– પૂ.મોરારિબાપુ (‘માનસ: કિન્નર’માં)

એક મિનિટ!

મારા એક લેફ્ટિસ્ટ (સામ્યવાદી, વામપંથી) મિત્રે કહ્યું કે, ‘હું ભારતની સિટીઝનશિપ છોડીને વિદેશ જતો રહેવા માંગું છું.’

મેં એને પૂછ્યું કે, ‘કેમ?’

એણે કહ્યું : ‘બે કારણ છે. એક તો મોદીજીથી આ દેશનું સુકાન સંભાળી શકાતું નથી, ભાજપની નૈયા ગોથાં ખાઇ રહી છે, બીજું કોઇ તો શાસન કરે એવું દેખાતું નથી, રાજકીય અસ્થિરતા પેદા થશે અને તે વખતે લોકો કહેશે કે એના માટે જવાબદાર અમે વામપંથીઓ છીએ.’

મેં એને કહ્યું, ‘દોસ્ત, ચિંતા શું કામ કરો છો? ભાજપ હજુ તો પચાસ વરસ સુધી રાજ કરવાની છે.’

એમણે કહ્યું : ‘ આ જ તો મારું બીજું કારણ છે.’

-વોટ્સ એપ પર વાંચેલું.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 27 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *