ભગવાને એમને શરીર પુરુષનું અને મન સ્ત્રીનું આપ્યું

પૂ. મોરારિબાપુએ ગઈ કાલે પૂર્ણાહુતિ પામેલી થાણેની રામકથા ‘માનસ: કિન્નર’માં કહેલી એક વાત મારા ચિત્તમાં સજ્જડ ચોંટી ગઈ છે કે કુદરતમાં જેમ કર્મનો સિદ્ધાંત છે કે ખાડો ખોદે તે પડે તેમ એમાં વિશિષ્ટ અપવાદો પણ છે. કર્મ તમે કરો ને એનું ફળ મને મળે. કર્મ હું કરું અને એનું ફળ મને મળવાને બદલે તમને મળે. (અર્થાત્ મારું ભલું થયું હોય તો એમાં મારા નહીં પણ તમારા કર્મનો ફાળો હોય એવું બને. તમારું બૂરું થયું હોય એમાં તમને તમારા કર્મનો બદલો ન મળ્યો હોય પણ મેં ખોદેલા ખાડામાં તમે પડ્યા હોય એવું પણ બને).

કુદરતમાં આવી ઘણી અવ્યવસ્થા છે. કિન્નરો આવી જ અવ્યવસ્થાનો એક ભાગ છે. એમાં એમનો કોઈ વાંક નથી. ડૉ. પ્રકાશ કોઠારી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને માન્યતા પ્રાપ્ત સેક્સોલૉજિસ્ટ છે. સ્ત્રી અને પુુરુષની જાતીય સમસ્યાઓનું નિરાકરણ શાસ્ત્રીય રીતે સહૃદયતાથી કરવા માટે તેઓ જાણીતા છે. એમના કહેવા પ્રમાણે ભગવાને જેમને શરીર પુરુષનું આપ્યું પણ (ભૂલમાં કે ઉતાવળમાં) મન સ્ત્રીનું આપ્યું અથવા તો શરીર સ્ત્રીનું આપ્યું પણ મન પુુરુષનું આપ્યું તેમાંથી આ કિન્નર સમાજ બન્યો છે.

ભગવાનની આ ભૂલ, કુદરતની અવ્યવસ્થા આપણે સ્વીકારી લેવાની હોય. આ ‘સ્વીકાર’ની વાત બાપુએ કથાના પહેલાં જ દિવસે ભૂમિકા બાંધતી વખતે ઘણી ઉમદા રીતે શ્રોતાઓ સમક્ષ મૂકી હતી. ‘આપણને ઉપદેશકની જરૂર નથી, સુધારકની પણ જરૂર નથી, સ્વીકારકની જરૂર છે’ એવા એમના વિધાન વિશે એક આખો સ્વતંત્ર લેખ લખી શકાય, જે હું લખવાનો જ છું- મંગળવારે. પણ આજે કિન્નરસમાજ વિશેની બાપુની વાતને પૂરી કરું.

‘માનસ: કિન્નર’ રામકથા દ્વારા બાપુએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે નવ-નવ દિવસ સુધી ચાલતી એમની રામકથા કોઈ ધાર્મિક ટાઈમપાસ કે અધ્યાત્મિક મનોરંજન નથી. એમના માટે દરેક રામકથા એક નવો જ મુદ્દો સમાજ સુધી પહોંચાડવાનું સાધન છે. એ મુદ્દો સામાજિક હોય, વૈચારિક હોય, અધ્યાત્મિક હોય- જીવનના કોઈ ને કોઈ ખૂણાને સ્પર્શતો હોય.

રાજા રામમોહન રોય, જ્યોતિબા ફુલે, બાબાસાહેબ આંબેડકર વગેરે મહાનુભાવો હવે આપણા માટે ઈતિહાસનાં પાત્રો છે, ટપાલટિકિટ પર જેમનો ચહેરો છપાય છે એવી આ દેશની વિરાટ વિભૂતિઓ છે. વિધવા, કન્યા શિક્ષણ કે દલિતો માટે તેઓએ જે કામ કર્યું એને કારણે એ સૌને હવે આપણે સમાજની મુખ્યધારામાં સ્વીકારવાની શરૂઆત કરી છે.

આવતીકાલનો ઈતિહાસ લખાશે ત્યારે કિન્નર સમાજની બાબતમાં આ જ રીતે પૂ. મોરારિબાપુનું નામ લખાશે. એમણે કરેલી આ પહેલને પરિણામે આવતા એકાદ દસકામાં ક્રમશ: કિન્નરો પ્રત્યેનો તિરસ્કાર ભૂંસાઈને તેઓ પણ મારા તમારા જેવા જ કાળા માથાના માનવી છે એવી લાગણી સમાજમાં ફેલાશે અને જ્યારે એમની આવી સ્વીકૃતિ વ્યાપક બનશે ત્યારે તેઓ એમની આજીવિકાનાં પ્રચલિત સાધનોને છોડીને આપણી જેમ જ શૉપિંગ મૉલમાં સેલ્સ પર્સન તરીકે, બૅન્કમાં કૅશિયર તરીકે, તાતા-રિલાયન્સમાં પરચેઝ મૅનેજર તરીકે કે પછી નાની-મોટી કંપનીઓમાં કલાર્કથી લઈને મૅનેજિંગ ડિરેકટર તરીકેના પદ પર ફરજ બજાવતા થઈ જશે. પણ પહેલી શરત સમાજની સ્વીકૃતિની જેથી તેઓ આદરભર્યું જીવન જીવી શકે, શિક્ષણ તેમ જ વ્યવસાયી તાલીમ પામી શકે. અને આ સ્વીકૃતિ અપાવવાનું અશક્ય લાગતું કામ કરવાની પહેલ આ દેશમાં બાપુએ કરી છે. પાશેરામાં પહેલી પૂણી મુકાઈ ગઈ છે. કમ સે કમ એમના એક શ્રોતાના મનમાંથી તો ક્ધિનરો પ્રત્યેનો અગાઉનો ભાવ ભૂંસાઈને કોઈપણ નૉર્મલ વ્યક્તિ માટે જેટલો અને જેવો સ્વીકાર હોય તે સ્થપાઈ ચૂકયો છે.

આજનો વિચાર

જે કાર્યથી, જે સંગથી, જે સોબતથી, જે સંભાષણથી, જે વૃત્તિથી ચિત્તની પ્રસન્નતાની ક્ષીણતા થવા લાગે એનાથી

દૂર રહો.

– પૂ. મોરારિબાપુ (‘માનસ: કિન્નર’માં)

( મુંબઇ સમાચાર : સોમવાર, 26 ડિસેમ્બર 2016)

2 comments for “ભગવાને એમને શરીર પુરુષનું અને મન સ્ત્રીનું આપ્યું

 1. December 27, 2016 at 7:47 PM

  saurabha bhai,
  very nice awareness will circulate as pdf file in whats app.

 2. Vinod Bhatt
  December 28, 2016 at 2:39 PM

  શ્રી વિનય ભાઈ,
  પૂજ્ય શ્રી મોરારી બાપુ ના વિચારો ની ખૂબ જ સારી અભિવ્યક્તિ અને તમારા નિષ્ઠાવાન વિચારો ને જાગૃતિ નું સ્વાગત. હાલ ની અનિશ્ચિતતાઓ સામે બાથ ભીડવા યોગ્ય, કલમે લખવા માટે સલ્લામ અને અભિનંદન.
  વિનોદ ભટ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *