વ્યક્તિ, પરિસ્થિતિ અને જગ્યા અનુકૂળ ન આવે તો દૂર જતા રહેવું

ઝેન બુદ્ધિઝમની કન્સેપ્ટને સામાન્ય જન સુધી પહોંચાડવાના હેતુથી તદ્દન સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન ચાલે છે. માવજી સાવલાએ ‘ઑન ટ્રસ્ટ ઈન ધ હાર્ટ’નો જે ભાવાનુવાદ કર્યો છે તેનાં સૂત્રો વિશે આપણે આપણી સમજમર્યાદા મુજબ ટિપ્પણીઓ ઉમેરી રહ્યા છીએ. ત્રણ સૂત્રો ગયા રવિવારે જોયાં. આજે બીજાં ત્રણ, આવતા રવિવારે છેલ્લાં ત્રણ:

૪. બાહ્ય ઉપાધિઓમાં અટવાઓ નહીં અને એથી વિરુદ્ધ, અંદરની શૂન્યતામાં પણ અટકી ન પડો. જગતની તમામ વસ્તુઓમાંથી એકરૂપતાને પ્રસન્નતાથી માણો; પછી તમામ દ્વિધાઓ અને દ્વૈતનો અંત આવશે.

અર્થાત્… વ્યવહારની દુનિયામાં વિખેરાઈ જવાનો કોઈ અર્થ નહીં. રોજનાં બે બેસણાં અને ચાર લગ્નમાં જઈને વહેવારો સાચવી સાચવીને અડધા થઈ જવાનો કોઈ મતલબ નથી. આનો અર્થ એ નથી કે તમારે તમારા એકદંડિયા મહેલમાં પુરાઈ રહેવું. એવું કરશો તો એકલા એકલા મૂંઝાઈ જશો. જગત માણવા જેવું છે અને એકાંત પણ. પરંતુ એ બંનેને માણવા માટેની સજ્જતા કેળવવી પડે. તમારા વ્યક્તિત્વ સાથે જે એકરૂપ થઈ શકે છે એવી જ વ્યક્તિઓ/ પરિસ્થિતિઓ/ જગ્યાઓની નિકટ જવાનું. જે વ્યક્તિ, પરિસ્થિતિ કે જગ્યા તમારામાં વિસંવાદ સર્જે છે એનાથી સલામત અંતર રાખવાનું. મૂંઝાવું એટલે દ્વિધામાં મુકાવું. આ દુવિધા જ દ્વૈત છે, ત્રિભેટે ઊભા રહીને દેખાતા બે રસ્તા છે જ્યાં તમને મૂંઝવણ થાય છે કે આ બેમાંના કયા રસ્તે આગળ વધવું. જો તમે તમારી પરિસ્થિતિ સાથે એકરૂપ થતી વ્યક્તિના સાંનિધ્યમાં હશો તો જ તમે પ્રસન્ન હશો. જે વ્યક્તિ તમારી સાથે અનુકૂળ ન થઈ શકે એમ હોય એવી વ્યક્તિની હાજરી તમને અપ્રસન્ન બનાવશે, ટેન્સ્ડ બનાવશે. જીવનમાં સામે ચાલીને ક્યારેય એવી પરિસ્થિતિ ઊભી ન કરવી જે છેવટે તમારા માટે પ્રતિકૂળ પુરવાર થાય. તમારી હેસિયત મુજબનાં પગલાં ભરતાં રહેશો તો એવી પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાવાના ચાન્સીસ ઓછા. આમ છતાં જો તમારા કોઈ વાંકગુના વિના પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાઈ તો એમાં પડ્યા રહેવાને બદલે એમાંથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જવું. એવું જ જગ્યાઓની બાબતમાં જે ઘર, જે શહેર, જે ગામ કે જે પ્રદેશ તમારી પ્રકૃતિને માફક ન આવે તો ત્યાં રહેવાની બીજી લાલચો હોવા છતાં ત્યાંથી નીકળી જવું. તમારા સ્વભાવને, તમારા વ્યક્તિત્વને અનુકૂળ આવે એવી વ્યક્તિ, પરિસ્થિતિ, જગ્યાઓ જ તમને પ્રસન્નતા બક્ષતી હોય છે.

૫. હલચલને બળપૂર્વક રોકવાથી શાંતિ કે નિરાંત પ્રાપ્ત થશે નહીં, કારણ કે આ રીતે પ્રાપ્ત કરેલી શાંતિ પોતે જ ચંચળ સ્વરૂપની હશે, જ્યાં સુધી દ્વંદ્વ અને દ્વિધાઓમાં અટવાયેલા હો ત્યાં સુધી એકત્વની પ્રાપ્તિ કેમ થાય?

અર્થાત્… મનની શાંતિ કૃત્રિમ રીતે ધ્યાનમાં બેસવાથી નથી સર્જાતી. મારે અમુક વિચારો નથી જ કરવા એવો હુકમ તમે વારંવાર મનને આપો છો ત્યારે તમે એ જ વિચારને ઘૂંટ્યા કરતા હો છો. શાંતિ મેળવવાનો ઉપાય એક જ છે – ઉચાટને દૂર કરવો. અને જ્યાં સુધી મન દ્વિધામાં હશે કે હું આ કરું કે પેલું કરું, હું આની પાસે જઉં કે એની પાસે, હું પેલું મેળવું કે આ – ત્યાં સુધી મન રખડપટ્ટી કર્યા કરશે. પણ એક વખત તમે એ દ્વિધામાંથી બહાર આવી ગયા અને નક્કી કરી લીધું કે મારે આ કરવું છે અને મારે આની પાસે જ જવું છે અને મારે આ જ મેળવવું છે તો મન આપોઆપ નિરાંત અનુભવતું થઈ જશે. મનની ચંચળતા દૂર થતાં એ આપોઆપ શાંતિમય બની જશે.

૬. એક માત્ર પરમ તત્ત્વની પૂરી સમજ આવે નહીં ત્યાં સુધી બંને દિશાઓમાં સતત વ્યય થતો રહેશે. વાસ્તવિકતાનો ઈનકાર એ વાસ્તવિકતાનો સ્વીકાર સમાન જ છે, અને ખાલીપાનો સ્વીકાર એ ખાલીપાનો ઈનકાર બરાબર છે.

અર્થાત્… પ્રથમ દૃષ્ટિએ અટપટા કે ગૂઢ લાગતા શબ્દોને જો ફરીવાર ધ્યાનથી વાંચવાની કોશિશ કરશો તો એ સાવ સિમ્પલ લાગશે.

વાસ્તવિકતા જે ઊભી થઈ છે તેનો ઈનકાર કરશો એટલે આપોઆપ એટલું તો સિદ્ધ થઈ ગયું ને કે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ તમને દેખાઈ છે, અર્થાત્ આવી પરિસ્થિતિ સર્જાઈ છે એટલું તો તમે સ્વીકારી જ લીધું! તો પછી એનો ઈનકાર શું કામ કરવાનો? પરિસ્થિતિ અણગમતી હોય તો પણ એને સ્વીકારવાની જ હોય.

જીવનમાં ખાલીપો સર્જાય ત્યારે એનો સ્વીકાર નહીં કરવાનો હોય, એ ખાલીપાનેે ભરવાનો પ્રયાસ કરવાનો હોય. કારણ કે ખાલીપાનો સ્વીકાર કરી લઈને તમે જ્યારે કહો છો કે મને તો આવી એકલવાયી/ ખાલી જિંદગી માફક આવી ગઈ છે ત્યારે હકીકતમાં તો તમે તમારા એ ખાલીપાથી મોં ફેરવી રહ્યા હો છો, ખાલીપો હોવા છતાં એ નથી એવું કહીને તમે તમારા મનને છેતરી રહ્યા હો છો.

હકીકત તો એ છે કે વાસ્તવિકતા કે ખાલીપો – આ બેઉનો સ્વીકાર-નકાર હોય જ નહીં. જીવનમાં આ બંનેનું એટલું મહત્ત્વ નથી જેટલું પરમ તત્ત્વનું. હવે આ પરમ તત્ત્વ એટલે શું એ સવાલ ઊભો થાય જેનો જવાબ દરેકની પાસે પોતપોતાનો હોઈ શકે. મારા માટે પરમ તત્ત્વ એટલે જિંદગીનો હેતુ, જીવનનું લક્ષ્ય, લાઈફનો ગોલ. દાખલા તરીકે મારા માટે પરમ તત્ત્વ છે લખવાનું. મારું લક્ષ્ય, મારો હેતુ-ગોલ જે કહો તે એ જ છે. દરેકના માટે પોતપોતાનાં લક્ષ્યો હોઈ શકે. એટલું જ નહીં દરેકની પાસે પરમ તત્ત્વની પોતપોતાની વ્યાખ્યા, પોતપોતાની સમજણ હોઈ શકે.

કાગળ પરના દીવા

દુકાને કંઈ લેવા જઈએ છીએ તો દુકાનવાળો પૂછે છે કે પેમેન્ટ ગાંધીમાં કરો છો કે મોદીમાં.

– વૉટ્સએપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

ટ્રેનના ડબ્બામાં લખ્યું હતું: ‘બિના ટિકટ યાત્રા કરને વાલે યાત્રી હોંશિયાર…’

વાંચીને બકો બોલ્યો: વાહ, ટિકિટ વિના પ્રવાસ કરે તે હોંશિયાર, ને અમે ટિકિટ લીધી એટલે બેવકૂફ!

( મુંબઇ સમાચાર : રવિવાર, 25 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *