મોરારિબાપુ અને કિન્નર સમાજ: અવ્યવસ્થાનો સ્વીકાર

છક્કા, હિજડા અને પાવૈયા – આ શબ્દો જિંદગીમાં મેં ક્યારેય મારાં લખાણોમાં વાપર્યા નથી ને આજે આ પહેલી ને છેલ્લીવાર વાપરી રહ્યો છું. વ્યંઢળ શબ્દ પ્રત્યે પણ મને અણગમો છે અને એક કબૂલાત કરું તો એ આખા સમાજ પ્રત્યે જ અણગમો છે, સુધારીને લખું, અત્યાર સુધી અણગમો હતો, પણ પૂ. મોરારિબાપુની મુંબઈના પાદરે આવેલા મુલુંડ ચેક નાકા પાસે થાણેમાં ચાલતી રામકથા નામે ‘માનસ: કિન્નર’માં ગયા શનિવારના પહેલા જ દિવસે બાપુએ જે વાત કરી તેને કારણે આ કિન્નર સમાજ વિશે હું ગંભીરતાથી વિચારતો થઈ ગયો. રવિવારે, બીજા દિવસની, કથામાં બાપુએ તુલસીકૃત રામચરિત માનસમાંની ૧૬ ચોપાઈઓનો ઉલ્લેખ કર્યો જેમાં આદરપૂર્વક કિન્નરોનો ઉલ્લેખ થયો છે. ત્રીજા અને ચોથા દિવસે રામાયણ ઉપરાંત આપણા બીજાં અનેક શાસ્ત્રોનાં ઉદાહરણો આપીને બાપુ કહેતા રહ્યા કે આ કિન્નર સમાજ પરમાત્માએ સર્જેલી અવ્યવસ્થાનો એક ભાગ છે. ભગવાને એમને આવા બનાવ્યા એમાં એમનો કોઈ વાંક નથી. શતાબ્દીઓથી આ સમાજને વગર કારણે આપણે, સભ્ય ગણાતા લોકો, ધુત્કારતા આવ્યા છીએ અને એને કારણે તેઓ અપમાનિત થતા આવ્યા છે. એમને આપણે મેઈન સ્ટ્રીમમાં સ્વીકાર્યા નથી એટલે એમની પાસે આજીવિકા માટે અત્યારે એમની જે પ્રચલિત પ્રવૃત્તિઓ છે તે જ છે. સદીઓથી તેઓ મુખ્ય પ્રવાહની બહાર રહ્યા હોવાથી સ્વાભાવિક રીતે જ એમનો બંડખોર મિજાજ જોઈને આપણે એમનાથી વધુ દૂર જઈએ છીએ.

પૂ. મોરારિબાપુએ અનેક ઉદાહરણો ટાંકીને કિન્નર સમાજનું મહત્ત્વ સ્થાપિત કર્યું. એ પછી ચોથા દિવસે, મંગળવારે સાંજે મારાથી ન રહેવાયું અને મેં બે હાથ જોડીને બાપુને કહ્યું કે તમે મારી આંખો ખોલી નાખી. મને અત્યારે પસ્તાવો થાય છે કે મેં હંમેશાં આ લોકો સાથે દુર્વ્યવહાર કર્યો છે. મેં ક્યારેય રિક્શામાં જતાંઆવતાં સિગ્નલ પર આ લોકો આવે ત્યારે એમની સાથે માનવીય વ્યવહાર કર્યો જ નથી. બીજા કોઈ ભિક્ષુક આવે ત્યારે કોઈ વખત એમના હાથમાં કંઈક મૂકીએ, મોટાભાગે કંઈ ન મૂકીએ અને ‘માફ કરો’ કહીને દૂર કરીએ, પણ કોઈ કિન્નર આવીને હાથ લંબાવે તો એનું અપમાન કરીને તરછોડીએ અને ભૂલેેચૂકેય જો એ સ્પર્શ કરે તો ગુસ્સામાં બે ભલાબૂરા શબ્દો કહીને એને વધારે તિરસ્કૃત કરીએ.

મેં મંગળવારે સાંજે બાપુને કહ્યું: ‘આ ચાર દિવસની કથા સાંભળ્યા પછી મને મારી જાત માટે ધિક્કાર છૂટે છે કે આ લોકોને પૈસા આપવાની મારી ત્રેવડ ન હોય કે ત્રેવડ હોય છતાં દાનત ન હોય તો મારે એમને હડધૂત કરવાને બદલે શાંતિથી બે હાથ જોડીને માફી માગી લેવાની હોય પણ આવું વર્તન તો ન જ કરવાનું હોેય.’

આ લખું છું ત્યારે તો નવ દિવસીય કથામાં બીજા ત્રણ દિવસ ઉમેરાઈ ગયા છે અને બાપુ હજુ વધુ ને વધુ પ્રમાણો ઉમેરતા જ જાય છે જેને કારણે તમારો એ સમાજ ઉપરનો તિરસ્કાર તો ઓગળી જ જાય, એટલું જ નહીં હવે તો એમના માટે સહાનુભૂતિ થઈ રહી છે અને સાતમા દિવસની કથા પછી તો કિન્નર સમાજ માટે આદરભાવ થઈ રહ્યો છે. આપણા બધા કરતાં તેઓ ઘણી ઊંચી કોટિના જીવ છે. આ નાનકડા લેખમાં હું બાપુએ આપેલાં શાસ્ત્રોક્ત પ્રમાણો તેમ જ એમની ‘તલગાજરડી સમજ’ની સ્પષ્ટતાઓનો સમાવેશ નહીં કરી શકું. બાપુ જ્યારે જ્યારે કથામાં પોતાના મૌલિક અને આગવા વિચારો રજૂ કરે છે ત્યારે ‘આ મારું પોતાનું મૌલિક છે’ એવા અહમભાવવાળી જુબાનને બદલે એકદમ અહંકારરહિત શબ્દપ્રયોગ વાપરે છે: ‘તલગાજરડી સમજ’. (તલગાજરડા એટલે શું એ પણ હવે તમને સમજાવવાનું? ન એ ગામ તલના વ્યાપાર માટે ફેમસ છે, ન ગાજરની ખેતી માટે. મહુવાની બાજુમાં આવેલું બાપુનું આ વતન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોરબંદર અને વડનગર જેટલું જ મશહૂર છે).

જો તમને પૂ. મોરારિબાપુની વાણીમાં શ્રદ્ધા હોય અને મારી વિશ્ર્વસનીયતામાં, તો એક કામ તમે કરો. યુ ટ્યુબ પર માનસ: કિન્નર સર્ચ કરીને પહેલા દિવસથી શરૂ કરીને સાતેય દિવસની કથાના ચાર-ચાર કલાકની વીડિયો ધ્યાનથી સાંભળો. આજની તો લાઈવ ‘આસ્થા’ પર જોઈ શકશો. સાડા નવથી દોઢ. કાલે રવિવારે છેલ્લો દિવસ. અનુકૂળતા હોય તો ટીવી પર જોવાને બદલે સીધા થાણે જ પહોંચી જજો. હું તમને ચેલેન્જ મારીને કહું છું કે નવ દિવસની કથાના કુલ પાંત્રીસ-છત્રીસ કલાકનું શ્રવણ-દર્શન કરીને કિન્નર સમાજ પ્રત્યેનો તમારો અભિગમ બદલાઈ ન જાય તો મારું નામ બદલી નાખજો. નવું નામ બાપુ જે કહે તે રાખીશું, પણ એવી નોબત જ નહીં આવે એવી મને ગળા સુધી ખાતરી છે.

બાકીની વાત સોમવારે.

આજનો વિચાર

દેવ દનુજ કિન્નર નર શ્રેની
સાદર મજ્જહિ સકલ ત્રિબેની॥

સુર કિન્નર નર નાગ મુનીસા
જય જય જય કહિ દેહિ અસીસા॥

(સંત તુલસીદાસકૃત રામચરિત માનસના પ્રથમ સોપાન (બાલકાંડ)ની બે અલગ અલગ ચોપાઈના અંશનો ભાવાર્થ કંઈક આ મુજબનો છે:

(માઘ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર જઈ રહ્યો હોય છે ત્યારે બધા લોકો તીર્થરાજ પ્રયાગ પર આવે છે અને) દેવતા, દૈત્ય, કિન્નર તથા મનુષ્યોનો સમૂહ- સૌ આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે (૧: ૪૩)

અને બીજી ચોપાઈ સીતારામનાં લગ્ન સમયની.

(નગર અને આકાશમાં વાદ્યો સંગીત છેડવા લાગ્યા. દુષ્ટ લોકો ઉદાસ થઈ ગયા અને સજ્જનો પ્રસન્ન થઈ ગયા) દેવતા, કિન્નર, મનુષ્ય, નાગ અને મુનીશ્વર જય જયકાર કરીને આશીર્વાદ આપી રહ્યા છે.

( મુંબઇ સમાચાર : શનિવાર, 24 ડિસેમ્બર 2016)

3 comments for “મોરારિબાપુ અને કિન્નર સમાજ: અવ્યવસ્થાનો સ્વીકાર

 1. hemangbarot
  December 24, 2016 at 1:28 PM

  kub saras ….. Tamara sabdo jene khabar pade ane j pade……

 2. December 24, 2016 at 7:15 PM

  સર, પારદર્શિતા જાળવી જાહેરમાં કરેલ કબૂલાત બદલ આપશ્રીને વંદન!👏👏👏 🙏પણ બે વાતે હુંય સતત કિન્નર સમાજથી ભયત્રસ્ત રહ્યો છું. ખૂબ આદર છે એ સમાજ માટે 🙏🙏🙏 ૧) ભલે આજીવિકાનું એક માત્ર સાધન હોય, પણ આપણે સ્વેચ્છાએ આપેલી રકમ તેઓ કેમ સ્વીકારતા નથી? હમણાં જ મારા એક સ્વજનનાં ઘરનાં વાસ્તુ હતું, સર! ૧૦,૦૦૦/-થી ઓછી રકમ ન જ સ્વીકારી! એ તેમનો હક્ક છે છતાં મને એક મધ્યમવર્ગીય નોકરિયાત તરીકે એ રકમ ઊંચી લાગી! ૨) ટ્રેનની સફર દરમિયાન..તેમાં પૈસા આપવામાં પણ વાંધો નહીં પણ એ વ્યક્તિ કિન્નર સમાજની છે કે કેમ? તે કેવી રીતે સમજાય?! વેશપલટો કરી ફરનારા પણ ક્યારેક પકડાયા હોવાનું સાંભળ્યું છે.પરમ વંદનીય પૂજ્ય બાપુએ કથા દ્વારા કિન્નર સમાજની વેદનાને વાચા આપી અને આપશ્રીએ અત્રે ચર્ચી; અન્યોનાં મનમાં રહેલ રહ્યોસહ્યો આ સમાજ માટેનો અણગમો અવશ્ય દૂર થયો/થશે. આભાર.

  • December 26, 2016 at 10:13 AM

   કમલેશભાઇની વાત સાચી છે…. લોકો દુવ્યવહાર તેમના હઠાગ્રહના કારણે થયો છે… બાકી જે આપે તે લઇ લેતા હોય તો કદાચ તેમના પ્રત્યે અણગમો લોકોને ન હોત….બાકી તો સરની નિખાલસ કબુલાત ગમી.. વધુ તો બાપુનો વિડિયો જોયા પછી કહી શકાય….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *