ભાજપ તેમ જ હિન્દુવાદી લેખકોનાં માઈનસ પોઈન્ટ્સ

આવતી કાલે લખાનારો આજનો ઈતિહાસ બે ભાગમાં વહેંચાયેલો હશે – પ્રી મોદી ઈરા અને પોસ્ટ મોદી ઈરા. જેમ ભારતના ઈતિહાસના સ્વાતંત્ર્યતોત્તર (૧૯૪૭ પછી) અને સ્વાતંત્ર્ય સંગ્રામ (૧૯૪૭ પહેલાં) બે હિસ્સા પડે છે એ જ રીતે.

૨૬ મે ૨૦૧૪ મોદી પહેલાના યુગ અને મોદી પછીના યુગ વચ્ચેની ડિફાઈનિંગ ડિવાઈડિંગ રેખા હશે.

કોનરાડ એલ્સ્ટના પુસ્તક ‘ઑન મોદી ટાઈમ: મેરિટ્સ ઍન્ડ ફ્લૉઝ ઑફ હિન્દુ ઍક્ટિવિઝમ ઇન ઇટ્સ ડે ઑફ ઈન્કમ્બન્સી’માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી લખાયેલા લેખો પણ ઘણા છે. ‘થ્રી વ્યૂઝ ઑન હિન્દુ એક્ટિવિઝમ’ શીર્ષક હેઠળ લખાયેલા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫ની તારીખવાળા લેખમાં લેખકે કેટલાક જલદ મુદ્દા છેડ્યા છે.

મારે હિસાબે એ લેખનું સૌથી મહત્ત્વનું વાક્ય આ છે: ‘બીજેપી હજુ પણ જાણે એવી રીતે વર્તી રહી છે કે સેક્યુલરિઝમ એની પ્રથમ અને પરમ નિસબત છે.’

કોનરાડ એલ્સ્ટનું નિરીક્ષણ સાચું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જે જે હિંદુવાદી મુદ્દાઓ ગજવીને ભાજપના ઉમેદવારો સંસદમાં ચૂંટાય છે તે તમામ મુદ્દાઓને સત્તા હાંસિલ કર્યા પછી પડદાની પાછળ ધકેલી દઈને કેટલાક કિસ્સાઓમાં તો કૉંગ્રેસ જેવું જ વર્તન ભાજપ કરતો થઈ જાય છે. આમાં એક વાતની જરૂર સ્પષ્ટતા કરવી પડે અને એ માટે દાદ પણ આપવી પડે કે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે (તેમ જ સી. એમ. તરીકે પણ) અન્ય રાજકારણીઓની જેમ દેખાડા ખાતર કે અન્ય કોઈપણ કારણોસર મુસ્લિમોની વાટકા ટોપી પહેરી નથી કે રમઝાનમાં ઈફ્તારીઓ યોજી નથી, અટેન્ડ પણ નથી કરી કે ખભા પર ચોકડાવાળા સ્કાર્ફ જેવો કાપડનો ટુકડો પણ નથી ઓઢ્યો.

પણ ભાજપની સત્તાવાર પૉલિસીમાં પ્રચ્છન્નપણે મુસ્લિમ અપીઝમેન્ટ પ્રવેશી જાય છે- એઝ સૂન એઝ ધે ગેટ પાવર. એના કરતાં વધુ શોચનીય બાબત એ કે સત્તાપ્રાપ્તિ માટે અપાયેલાં હિંદુવાદી મુદ્દાઓની વચનપૂર્તિનું કામ પાછળ ધકેલાઈ જાય છે. કબૂલ કે અમુક મુદ્દાઓ જ્યાં સુધી રાજ્યસભામાં બહુમતી સ્થાપિત નહીં થાય ત્યાં સુધી હાથમાં લેવા જતાં ફાયદા કરતાં નુકસાન વધુ થવાનું. પણ જે હિંદુ મતદારોએ તેમ જ જે એન્ટી-સેક્યુલર લૉબીએ ભાજપને સત્તા પર લાવવામાં ચાવીરૂપ મદદ કરી હોય એમને ભાજપની આવી નીતિને લીધે લેટ ડાઉન થયા હોવાની લાગણી થાય એ સ્વાભાવિક છે. ભાજપ તેમ જ દેશનું સંચાલન નરેન્દ્ર મોદી જેવી નિષ્ઠાવાન વ્યક્તિને બદલે બીજી કોઈ પણ વ્યક્તિના હાથમાં હોત તો ૨૦૧૯માં ભાજપનાં વળતાં પાણીની આગાહી થઈ શકત.

પણ મોદીની દીર્ઘદૃષ્ટિ તથા ધીરજ તથા ઓનેસ્ટીને લીધે ભાજપની લાજ રહી છે અને હોપફુલી ૨૦૧૯ની ચૂંટણી જીત્યા પછી જ્યારે ૨૦૨૪ની ચૂંટણી આવશે ત્યાં સુધી પણ જળવાશે. આવી આશા રાખવાનું કારણ એ કે મોદીની સેક્ધડ ટર્મ એમની ફર્સ્ટ ટર્મ કરતાં પણ વધુ મજબૂત હોવાની એવા પૂરતા સંકેતો છેલ્લાં અઢી વર્ષ દરમિયાન આ દેશને મળી ચૂક્યા છે. છેલ્લામાં છેલ્લું ઉદાહરણ ડિમોનેટાઈઝેશનનું છે.

કૉનરાડ એલ્સ્ટ હિંદુવાદી કે આરએસએસવાદી લેખકો વિશે ટિપ્પણી કરતાં કહે છે કે ગત દાયકા દરમિયાન હિંદુવાદી લેખકોનાં અનેક પુસ્તકો બજારમાં આવ્યા પણ એ બધામાં જોઈએ એવું સત્ત્વ નથી. ડૉક્યુમેન્ટેશનને બદલે હેજિયોગ્રાફી કે પછી પ્રશંસાગાથા વધુ હોવાની.

કોનરાડ એલ્સ્ટની વાત સો ટકા સાચી છે. ભારતના મોટાભાગના હિંદુવાદી લેખકોનો આ ઘણો મોટો ડ્રો બેક છે. એક તો, તેઓ જ્યારે બોલવાનું હોય ત્યારે બોલતા ન હોય. ૧૯૯૨ના બાબરીધ્વંસ પછી ચૂપ રહેનારા અનેક હિંદુવાદી લેખકોની જુબાન છેક ૨૦૦૨ની ૨૭મી ફેબ્રુઆરી પછી ખુલી. ૨૦૦૨માં માત્ર ગણગણ્યા કરતા અનેક હિંદુવાદી લેખકો ૨૬ મે ૨૦૧૪ પછી જાણે પોતાની છાતી સિંહની હોય એમ બેફામ લખવા લાગ્યા. પણ આ તમામ પ્રકારના મોટાભાગના લેખકોમાં ખાટલે મોટી ખોડ એ કે તેઓ પ્રગટપણે આઉટ ઍન્ડ આઉટ સેક્યુર્લરિઝમ ખિલાફ હોવા છતાં અને હિંદુત્વમાં પાકેપાયે શ્રદ્ધા ધરાવતા હોવા છતાં એમનાં પુસ્તકોમાં સ્કૉલરશિપનો (અર્થાત્ વિદ્વતાનો, શિષ્યવૃત્તિનો નહીં, મારા ભાઈ) અભાવ દેખાતો હોય છે. રિસર્ચ કે હોમવર્કના નામે એમનાં લખાણોમાં મોટું મીંડું હોય છે. તેઓ માત્ર જિંગોઈઝમમાં, નારાબાજીમાં જ માનતા હોય એવું ક્યારેક લાગે. એમનો આશય શુભ અને એમની દાનત શુદ્ધ હોવા છતાં એમનાં પુસ્તકો તથા લેખો (જે અંગ્રેજી તેમ જ અન્ય ભારતીય ભાષાઓમાં પણ હોવાનો) જાણેઅજાણ્યે હિંદુત્વનો કૉઝ બગાડતાં હોય છે. હિંદુત્વના ટેકેદારો ગમાર અને બેવકૂફ હોય એવી છાપ પડતી હોય છે.

આની સામે મીનાક્ષી જૈન અને રાજીવ મલહોત્રા વગેરે જેવા ભારતીય કે એન.આર.આઈ. રાઈટરો તેમ જ ક્રિસ્ટોફ જેફ્રલો (ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી) જેવા ફ્રેન્ચ ભારતનિષ્ણાતો પણ છે. જેમનાં પુસ્તકો તમારી લાઈબ્રેરીનું ઘરેણું બની શકે.

પુસ્તકના અંતિમ પ્રકરણમાં કોનરાડ એલ્સ્ટે ૩૦ માર્ચ ૨૦૧૫ની તારીખવાળો લેખ મૂક્યો છે જેમાં એમણે ઝડપથી કેટલાક અગત્યના મુદ્દા નોંધીને બતાવ્યું છે કે ભાજપ પાસે પોતાની ભૂલોને સુધારવાની અત્યારે એક્સેલન્ટ ઑપોર્ચ્યુનિટી છે. એમાંના બે મુદ્દાની વાત કરીને આ લેખમાળા પૂરી કરીએ.

ભાજપે કિરણ બેદી જેવા તકવાદી નેતાઓને ઈમ્પોર્ટ કરવાનું બંધ કરવું જોઈએ. ગઈ કાલ સુધી જે જે બુદ્ધિજીવીઓ, રાજકારણીઓ વગેરેએ ભાજપનું કે હિન્દુત્વનું ભરપૂર નુકસાન કર્યું હોય તેઓ ભાજપને સત્તામાં જોઈને પોતાનું હૃદય પરિવર્તન થયું હોવાનો દાવો કરીને તમારા પાલામાં આવી જાય તો તમારે ચેતવું જોઈએ. નવજોત સિદ્ધુથી માંડી એમ. જે. અકબર અને બીજા સંખ્યાબંધ નામો રાષ્ટ્રીયસ્તરના (લેખક-પત્રકારો સહિત) એમાં આવી જાય. જેમની પાયાની વિચારધારા આ દેશની સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય એવા લોકોને હડસેલીને આગળ વધી જતા તકવાદીઓનું ટિમ્બર અંતે તો તકલાદી પુરવાર થતું હોય છે. પોતાને જોઈતા ફાયદાઓ ઉઠાવતાં રહીને એ લોકો હિંદુ સંસ્કૃતિનું અહિત થાય એવી જ પ્રવૃત્તિઓમાં રમમાણ રહેતા હોય છે.

બીજો મુદ્દો છે બેફામ અને બેકાબૂ બનીને બોલ્યા કરતા હિંદુવાદીઓનો. ભાજપે પ્રાદેશિક કક્ષાના કોઈ ઝાઝું પ્રજા-પીઠબળ ન ધરાવતા આવા તથાકથિત હિંદુવાદી નેતાઓ પોતાની વગ વધારવા જ્યારે જ્યારે પેલા ઓવૈસીની ભાષામાં નિવેદનો કરતા હોય ત્યારે એમને બીજી જ સેક્ધડે તેઓ લોકોની નજરમાંથી ઊતરી જાય તે રીતે નિષ્ઠુરતાથી કાબૂમાં લઈને પૂરતી શિક્ષા કરવી જોઈએ. દરેક પક્ષ અને દરેક ધર્મમાં આવા ભડભડિયાઓ હોવાના જ. ભલે. પણ ભાજપને કે હિંદુત્વને આવા ગાંડિયાઓ ન પોસાય. જો ભાજપ પણ એવાઓને ચલાવી લે તો એનામાં અને કૉંગ્રેસમાં ફરક શું રહ્યો?

કોનરાડ એલ્સ્ટની સાથે દોઢ કલાક પર્સનલ લેવલે મુલાકાત થઈ અને ત્યાર બાદ એમનું પ્રવચન સાંભળવાનો લ્હાવો મળ્યો એ નિમિત્તે એમના એક પુસ્તક વિશે વાત કરવાનો મોકો મળ્યો. બીજાં ડઝનેક પુસ્તકો એમણે લખ્યાં છે, પણ એ પુસ્તકો રેફરન્સ મટિરિયલ છે એટલે ભવિષ્યમાં જ્યાં, જ્યારે જરૂર જણાશે ત્યારે સંદર્ભ સાહિત્ય તરીકે એમનો ઉલ્લેખ કરીને ઉપયોગ કરીશું. ત્યારની વાત ત્યારે.

આજનો વિચાર

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું

– ડૉ. મુકુલ ચોક્સી

એક મિનિટ!

રાજકીય પાર્ટીઓ અને કૉલ ગર્લ બન્નેની હાલત એકસરખી જ છે.

બિચારાં બેય આવક દેખાડી શકે પણ આવકનું સાધન ન દેખાડી શકે!

– વૉટ્સએપ પર વાંચેલું.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 23 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *