આ દેશમાં હિંસાનો ડર દેખાડીને કામ થઈ શકે છે

હિંદુઓ દ્વારા મુસ્લિમો વિરુદ્ધ થતી છુટમુટ, અપવાદરૂપ હિંસક ઘટનાઓને સેક્યુલરો ‘હિંદુ આતંકવાદ’ તરીકે ઓળખે છે એવું કૉનરાડ એલ્સ્ટર એમના પુસ્તક ‘ઑન મોદી ટાઈમ…’માં કહે છે. લેખક કહે છે કે સેક્યુલરોના ફળદ્રુપ દિમાગની નીપજ જેવા આ બે શબ્દો એમના ‘હિન્દુફોબિયા’ (હિન્દુઓનો ડર)ને કારણે નથી આવ્યા, કારણ કે એમને હિંદુઓ તરફથી કોઈ ડર છે જ નહીં. સેક્યુલરો વાસ્તવમાં ડરે છે મુસ્લિમોથી, હિંદુઓથી નહીં. મુસ્લિમોથી ડરતા સેક્યુલરો માત્ર હિંદુઓથી ડરવાનો દેખાવ કરીને મુસ્લિમોને ખુશ ખુશ કરી નાખવા એમને ઝૂકી ઝૂકીને, કમરેથી બેવડ વળીને સલામો કરતા રહે છે. હિંદુઓથી જો તેઓ ડરતા હોત, જો એમનામાં ‘હિંદુફોબિયા’ હોત તો તેઓ હિંદુઓને રાજી રાખવા માટે એમને સાષ્ટાંગ દંડવત્ કરતાં હોત. કૉનરાડ એલ્સ્ટરના માનવા પ્રમાણે હિંદુઓએ જાણી જોઈને કોઈ કોમ કે જૂથ વિરુદ્ધ પૂર્વ આયોજિત હિંસા કરી હોય એવા બનાવો ભાગ્યે જ બન્યા છે. અન્ય કોમની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા માટે પહેલેથી તૈયારી કરીને હુમલો કર્યો હોય એવું પણ રેર બને. હા, હિંદુઓ રસ્તા પર ઊતરીને રમખાણો કરી શકે અને તે પણ ક્યારે, જ્યારે એમને પ્રોવૉક કરવામાં આવે ત્યારે, એમને ઉશ્કેરવામાં-છંછેડવામાં આવે ત્યારે. અત્યાર સુધીના ઈતિહાસમાં હિંદુઓના પક્ષે એવી કોઈ મોડસ ઑપરેન્ડી દેખાઈ નથી કે તમે કહી શકો કે હિંદુઓએ જાણી જોઈને બીજી કોમ સામે કોઈ ઉશ્કેરણી વિના કે કોઈ સતામણી વિના પૂર્વઆયોજિત હિંસા કરી હોય.

ઑસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સની જીપમાં ત્રણ જણને જીવતા સળગાવી દેવાનો આરોપ હિંદુઓ પર હતો, આ ઉપરાંત ‘હિંદુ ટેર્રિઝમ’ના થોડાક કિસ્સા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા, તેમ જ કેટલીક બહુ જાણીતી નહીં એવી હિંદુ સંસ્થાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ પર પણ વિધર્મીઓ પર હિંસક હુમલા કરવાના કેટલાક કિસ્સાઓ નોંધાયા છે. આવા છૂટાછવાયા કિસ્સાઓ સંખ્યાની દૃષ્ટિએ નગણ્ય છે પણ શૂન્ય કરતાં વધારે છે, ઝીરો તો નથી જ.

શું કારણ આનું? કેટલાક હિંદુઓ હિંસક બને છે તેનું કારણ શું? કૉનરાડ એલ્સ્ટર ત્રણ કારણો બતાવે છે:

૧. ઈસ્લામ ઈઝ કમ્ફર્ટેબલ વિથ વાયોલન્સ, એને હિંસાનો કોઈ વાંધો નથી અને લાર્જ સ્કેલ પર હિંસા આચરે છે. નાઈજિરિયાથી માંડીને માલિ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઝિંજિયાંગ, દક્ષિણ થાઈલૅન્ડથી માંડીને દુનિયાના ખૂણે ખૂણેથી તમને આવી હિંસાના જથ્થાબંધ સમાચાર મળતા રહે છે. આને કારણે કેટલાક ગરમ મિજાજવાળા હિંદુઓ રાઈટલી માનતા થઈ ગયા છે કે મુસ્લિમો હિંસાની ભાષા જ સમજે છે.

૨. સરકાર તરફથી હિંદુઓના પ્રોટેક્શન માટે ભાગ્યે જ પગલાં લેવામાં આવે છે. પશ્ર્ચિમ બંગાળમાં ઘૂસપેઠિયા બાંગલાદેશીનો પક્ષ લેવામાં આવે છે, હિંદુઓનો નહીં. પાકિસ્તાન અને બાંગલાદેશના હિંદુઓ સતત ફફડતા જીવે જીવન ગુજારે છે. ત્યાં મુસ્લિમો દ્વારા હિંદુ છોકરી-સ્ત્રીઓની છેડતી થાય છે, એમનાં અપહરણ થાય છે અને જબરજસ્તીથી એમની સાથે લગ્ન થાય છે. એમના પર ટોર્ચર પણ થાય છે ને એમના મર્ડર પણ થાય છે.

(કમનસીબી એ છે કે ગુજરાતમાં જો કોઈ મુસ્લિમ આપણી ગુજરાતી છોકરીને ફોસલાવીને ભગાડી જાય ત્યારે સેક્યુલરો આવી ઘટના જોઈને ગેલમાં આવી જાય છે અને ઉદારમતવાદી હોવાના અંચળા હેઠળ આવી ઘટનાઓને રોકવાની કોશિશ કરતાં હિંદુ સંગઠનો સામે ગાળા-ગાળી કરીને એના કાર્યકર્તાઓને બે બદામના કરી નાખે છે. આવા સેક્યુલરોએ મુસ્લિમ છોકરીઓને ભગાડી જવામાં હિંદુ યુવકોને મદદ કરીને મસ્જિદમાં જઈને ચાંપલાં પ્રવચનો કરવાં જોઈએ કે બે અલગ ધર્મની વ્યક્તિઓ પરસ્પર પ્રેમમાં પડીને લગ્નબંધનથી જોડાય એમાં મુલ્લા-મૌલવીઓને શું વાંધો હોઈ શકે? પ્રવચન પછી મસ્જિદમાંથી સેક્યુલર ભાષણકારનો જનાજો જ બહાર નીકળે.)

કૉનરાડ એલ્સ્ટર લખે છે કે બાંગલાદેશનો તો જન્મ ભારતને કારણે થયો અને એ ભૂખડીબારસ દેશ તો વિદેશી સહાય પર જ જીવે છે એટલે ભારત માટે ત્યાંની સરકારનું નાક દબાવીને હિંદુ વિરુદ્ધ થતાં અત્યાચારોને રોકવાનું કામ અઘરું નથી.

૩. ઈસ્લામની સ્થાપનાથી જ જે મર્ડર કરે, ખંડણી માટે અપહરણ કરે, બળાત્કાર કરે, ગુલામ તરીકે બીજાને બંધનમાં રાખે અને ગુલામોનો વ્યાપાર કરે એવા માણસને આદરથી જોવાની શરૂઆત થઈ હતી. હિંદુ ધર્મમાં આમાંનું કંઈ નથી.

આવી હિંસાને સેક્યુલરોએ હંમેશાં આડકતરી રીતે ઉત્તેજન આપ્યું છે. અથવા વાજબી ઠેરવી છે. અગાઉ માર્ક્સવાદના નામે થતાં હિંસક બનાવોને આ સેક્યુલરો ‘વર્ગવિગ્રહ’ના નામે જસ્ટિફાય કરતાં. અને હવે માર્ક્સવાદ દુનિયાભરમાંથી ભૂંસાઈ રહ્યો છે ત્યારે આ જ સેક્યુલરો ઈસ્લામના વાયોલન્સ માટે જસ્ટિફિકેશન શોધી લાવે છે. (દા. ત. બિન લાદેનને તો અમેરિકાએ બનાવ્યો. લો, બોલો!)

ભારતમાં મુસ્લિમોએ પુરવાર કરી દીધું છે હિંસાથી લોકોને ડરાવી શકાય છે, પોતાનો હેતુ બર લાવી શકાય છે. આ જ કારણ હતું કે ભારતના પાર્ટિશનની મુસ્લિમ લઘુમતીની ડિમાન્ડ મંજૂર રાખવામાં આવી. શાહ બાનો કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલાળિયો કરવામાં પણ હિંસાનો ભય હતો અને સલમાન રશ્દીની ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ લાદવામાં પણ મુસ્લિમો દ્વારા હિંસા ફેલાશે એવો ડર હતો.

આને કારણે મુસ્લિમો અસહમત થાય એવા મુદ્દાઓ દેશના હિતમાં હોય તો પણ તેને અડવામાં સરકાર પાછીપાની કરે છે. સેક્યુલર કૉન્ગ્રેસ પાર્ટીમાં કૉમન સિવિલ કોડ ઈમ્પ્લીમેન્ટ કરવાની તાકાત નથી (મુસ્લિમ બૅકલેશના ડરને લીધે, મુસ્લિમો હિંસા પર ઊતરી આવશે એવી વાજબી ભીતિને કારણે મોદી સરકાર પણ કૉમન સિવિલ કોડ, અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિર તથા કાશ્મીરની ૩૭૦મી કલમને રદબાતલ કરવા જેવા અતિ મહત્ત્વના મુદ્દાઓને ટાળી રહી છે.) સરકાર જ નહીં. સુપ્રીમ કોર્ટ પણ વારંવાર આવા મુદ્દાઓ ટલ્લે ચડાવ્યા કરે છે. ભાજપના નેતાઓએ બાબરી ડિમોલિશન માટે ખેદ વ્યક્ત કર્યો કે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવવી પડી તેનાં કારણો તપાસવાં જઈએ તો એનાં મૂળમાં આ જ નીકળશે – મુસ્લિમો હિંસા પર ઊતરી આવશે તો?

આ બધાંને કારણે હિન્દુઓ પણ માનતા થઈ ગયા કે હિંસા જરૂરી છે, હિંસાનો ડર બતાવીને તમે આ દેશમાં તમારું ધાર્યું કરી શકો છો અને આવી માનસિકતા બનવાને કારણે હિંદુઓ પણ છૂટાછવાયા કિસ્સામાં તથાકથિત ‘હિંદુ આતંકવાદ’ ફેલાવતા થઈ ગયા છે.

વધુ આવતી કાલે.

આજનો વિચાર

આપણે એ છેલ્લી પેઢી છીએ જેના બાળપણના ફોટાઓ મોબાઈલથી નથી ક્લિક થયા.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

પેશન્ટ! ડૉક્ટરસાહેબ, સુસ્તી બહુ રહે છે, આખો દિવસ ઊંઘ આવ્યા કરે છે:

ડૉક્ટર: આ સ્માર્ટફોન લો, ફોર-જી કનેકશન લઈને વૉટ્સઍપ ઈન્સ્ટૉલ કરી નાખજો, ચોવીસે કલાક જાગતા રહેશો.

( મુંબઇ સમાચાર : બુધવાર, 21 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *