ઇસ્લામના ટેરરિઝમની સામે હિન્દુ આતંકવાદ?

કરન્ટ ટૉપિક વિશે લખવામાં ફાયદો છે અને ગેરફાયદો પણ. આજે લખાયેલો લેખ બે વરસ પછી વાંચવામાં આવે તો એ વાસી લાગે, અપ્રસ્તુત લાગે. ફાયદો એ કે જો એ લેખની નીચે તમે તારીખ લખીને તમારા પુસ્તકમાં પ્રગટ કરો તો એનું દસ્તાવેજી મૂલ્ય બની જાય. સમકાલીન તવારીખનું એક પાનું બની જાય. 

કૉનરાડ ઍસ્સ્ટના ૨૦૧૫ની સાલમાં પ્રથમ વાર પ્રગટ થયેલા પુસ્તકના દરેક લેખ સાથે તારીખ મૂકેલી છે. ‘ઑન મોદી ટાઇમ: મેરિટ્સ ઍન્ડ ક્લોઝ ઑફ હિન્દુ એક્ટિવિઝમ ઇન ઇટ્સ ડે ઑફ ઇન્ક્રમબન્સી’ પુસ્તકમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે ચૂંટાયા તે પહેલાંના અને તે પછીના પણ ગાળામાં લખાયેલા કૉનરાડ એસ્સ્ટના લેખો છે કે એમનાં પ્રવચનોની ટેક્સ્ટ છે. 

૨૪ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ લખાયેલા (આમ તો છપાયેલા) લેખનું શીર્ષક છે :‘ હિન્દુ ટેરરિઝમ, હાઉ ટુ પ્રીવેન્ટ ઇટ.’ 

ઇસ્લામિક આતંકવાદથી જગતના અનેક દેશોએ નુકસાન સહન કર્યું છે. સેક્યુલર હરામખોરોએ ઇસ્લામિક આતંકવાદની સામે ‘હિન્દુ આતંકવાદ’ એવી ટર્મ કૉઇન કરી અને દલીલ કરવા લાગ્યા કે આતંકવાદને કોઇ ધર્મ હોતો નથી, હિંદુઓ પણ આતંકવાદ ફેલાવતા હોય છે. આની સામે જ્યારે દલીલો થઇ કે આતંકવાદને ભલે કોઇ ધર્મ ન હોય પણ જે પકડાય છે તે બધા જ આતંકવાદીઓ તો ઇસ્લામના જ અનુયાયીઓ હોય છે ત્યારે છૂટાછવાયા કિસ્સાઓમાં હિન્દુવાદીઓ પર ટેરરિઝમનો ચાર્જ લગાવીને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. 

હિન્દુદ્વેષી ચળવળ ચલાવનારાઓની હત્યા થાય કે મુસ્લિમ વિસ્તારોમાં બૉમ્બધડાકા થાય ત્યારે કૉંગ્રેસની સરકારના રાજમાં, કોઇ પણ હિન્દુને પકડીને એના માથે કાળી ટીલી લગાડી એને જેલમાં ધકેલી દેવાનો રિવાજ શરૂ કરવામાં આવ્યો. ઇસ્લામિક આતંકવાદી કે માઓવાદી આતંકવાદીઓએ આ દેશનું જેટલું નુકસાન કરેલું છે તેના સોમા નહીં, હજારમા ભાગનું નુકસાન પણ આ તથાકથિત ‘હિન્દુ આતંકવાદીઓ’ દ્વારા થયું નથી.

આમ છતાં મીડિયા એવો માહોલ ઊભો કરે છે કે એક તરફ ઇસ્લામિક આતંકવાદ છે ને બીજી તરફ હિન્દુ આતંકવાદ છે. મીડિયાને મુસ્લિમો અને સેક્યુલરોને ખુશ રાખીને કૉંગ્રેસ સરકાર પાસેથી જે લાભ મળતા રહ્યા એનો સીધો ઓડકારનો પડઘો ટીવી પરના કે પ્રિન્ટ માધ્યમમાંના એમના રિપોર્ટિંગમાં પડતો રહ્યો. આને કારણે ડૉ. ઝાકિર નાઇકો દેશપ્રેમી ગણાવા લાગ્યા અને બ્રિગેડિયરો અને સાધ્વીઓ દેશદ્રોહીઓમાં ગણાતા થઇ ગયા, હિંદુ આતંકવાદ જેવું કંઇ છે જ નહીં એવી દલીલોના જવાબમાં જ્યારે કંઇ જ કહેવાનું ન રહે ત્યારે સેક્યુલરો નથુરામ ગોડસેને ઘસડી લાવે અને તમે ગાંધી હત્યાને જસ્ટિફાય કરો છો એવો આક્ષેપ તમારા પર લગાવવામાં આવે. ગાંધીજીની હત્યા પછી નહેરુના આદેશથી ગૃહમંત્રી તરીકે સરદાર વલ્લભભાઇ પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)પર પ્રતિબંધ મૂકવો પડ્યો એ બીનાને ચગાવીને સેક્યુલરો આજની તારીખે પણ આર.એસ.એસ. જેવી ભારત દેશની પ્રજા માટે અત્યંત આદરણીય અને અનિવાર્ય અને ઉપયોગી અને ઉમદા એવી સંસ્થાને ઝૂડવામાં કંઇ બાકી રાખતા નથી. જેમ ઍકિ્સસ બૅન્ક કે કોઇ સહકારી બૅન્કના થોડાક કર્મચારીઓ બદમાશ નીકળે એેને કારણે તમે કંઇ દેશના તમામ બૅન્ક કર્મચારીઓએ ડિમોનેટાઇઝેશન પછી કરેલા ભગીરથ કાર્યને અવગણી ન શકો, અને જેમ રિઝર્વ બૅન્કના આંગળીના વેઢે ગણાય એવા કેટલાક નકામા કર્મચારીઓ ગેરકાયદે ચલણી નોટો બદલી કરી આપવામાં મદદ કરતા હોય તો દેશની રિઝર્વ બૅન્ક જેવી જવાબદાર સંસ્થા પર લાંછન લગાવી ન શકો એમ આર.એસ.એસ. સાથે સંકળાયેલા નથુરામ ગોડસેને કારણે તમે સમગ્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જો બદનામ કરતા હો તો તમારા જેવો મહામૂર્ખ બીજો કોઇ નહીં. 

આ વિષય પર મારે અત્યારે આટલું જ કહેવું છે. હવે જોઇએ કે કૉનરાડ એસ્સ્ટ‘હિન્દુ ટેરરિઝમ, હાઉ ટુ પ્રીવેન્ટ ઇટ’ નામના પ્રકરણમાં શું કહે છે. હવે પછીના બધા જ વિચારો કૉનરાડ એસ્સ્ટના છે. (મારે કોઇ કમેન્ટ કરવી હશે તો તેને આ રીતે કૌંસમાં મૂકીને છૂટી પાડીશ.)

ગાંધીજીની હત્યા કરતી વખતે કે એનું પ્લાનિંગ કરતી વખતે નથુરામ ગોડસે આર.એસ.એસ.નો સભ્ય નહોતો, હિંદુ મહાસભા નામના રાજકીય પક્ષનો સભ્ય હતો. વૈચારિક રીતે નથુરામને ગળામાં ફાંસો પહેરાવવામાં આવ્યો ત્યાં સુધી એ આર.એસ.એસ.ની વિચારધારામાં માનતો રહ્યો એ બાબતમાં કોઇ શક નથી. નથુરામને રા.સ્વ.સંઘની નીતિરીતિઓ બહુ જ ‘સૉફ્ટ’ લાગતી હતી એટલે એણે સંઘ છોડીને હિંદુ મહાસભા જોઇન કરી. (નથુરામ જો આર.એસ.એસ.માં જ રહ્યો હોત તો સંઘમાંના એના ઉપરીઓએ એને ગાંધીહત્યાનો પ્રયાસ કરતાં રોક્યો જ હોત એવું કૉનરાડ એસ્સ્ટના દૃઢપણે માને છે.)

ગાંધીજી ભારતના ભાગલા માટેનો વિરોધ પડતો મૂકીને કુદરતી આપત્તિથી પીડિત પ્રજાની સેવા માટે જતા રહ્યા ત્યારે ગાંધીજીની ખિલાફ આખા દેશમાં તીવ્ર વિરોધ ઊભો થયો હતો. આ વિરોધ પ્રગટ થતો હતો આર.એસ.એસ. તેમ જ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા, પરંતુ એ માત્ર આ સંસ્થાઓનો અવાજ નહોતો, દેશના કરોડો હિન્દુઓની લાગણીને આ હિંદુ સંગઠનો વાચા આપી રહ્યા હતાં. દેશભરમાં હિંદુ જુવાળ ઊભો થયો હતો. 

પણ ગાંધીજીની હત્યા થઇ અને આખી બાજી પલટાઇ ગઇ. (જો ગાંધીજીની હત્યા થઇ જ ન હોત તો આ હિંદુ જુવાળે હજુ વધારે જોર પકડ્યું હોત અને ૭૯ વર્ષની ઉંમર બાદ ગાંધીજીએ જ્યારે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં હોત ત્યારે આ દેશમાં ૨૬ મે, ૨૦૧૪ પછી જે વાતાવરણ સર્જાયું તેવું જ તે વખતે સર્જાયું હોત.) 

ગાંધીહત્યાના કમનસીબ બનાવનો ‘લાભ’ લઇને જવાહરલાલ નહેરુ તથા એમના સેક્યુલરિઝમની જડ વધુ મજબૂત બનાવી અને હિંદુ જુવાળ સાવ હાંસિયામાં ધકેલાઇ ગયો, દાયકાઓ લાગ્યા એને પાછા આવતાં. આર.એસ.એસ. ક્યારેય (ગાંધીહત્યા જેવું) આત્મઘાતી પગલું ભરે જ નહીં. એવા બનાવને લીધે સંઘે જે પ્રચંડ સેટબૅક ભોગવવો પડે એનો સંસ્થાને તેમ જ સંઘના દરેક સભ્યને ખ્યાલ હોય જ. આવું દુષ્કૃત્ય માત્ર એવી જ વ્યક્તિ કરી શકે જે સંઘની સભ્ય ન હોય પણ સંઘની વિચારધારામાં માનતી હોય પણ પોતાની પાસે કોઇ સંસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ન હોય, માત્ર પોતે એકલો એકલો જ આવું કાવતરું ઘડતો હોય. 

ગાંધીહત્યાના કાવતરામાં આર.એસ.એસ.ની સંડોવણી હતી એવો પ્રચાર કૉન્ગ્રેસે સાત દાયકા સુધી કર્યે રાખ્યો અને આ બાબતે આજની તારીખે રાહુલ ગાંધી પર બદનક્ષીનો દાવો પણ ચાલી રહ્યો છે. 

હવે સવાલ એ આવીને ઊભો છે કે શું આજની તારીખે હિન્દુ આતંકવાદ જેવું કંઇક છે આ દેશમાં?

કાલે ધીરજથી આ સવાલનાં તમામ પાસાં જોઇએ. 

આજનો વિચાર

લગ્ન વિષયક ટચૂકડી જા.ખ: 

‘મુરતિયાની સુરતમાં ભજિયાંની દુકાન છે.’

– વૉટ્સએપ પર વાંચેલું 

એક મિનિટ!

પત્ની મંદિર ગઇ. માનતા માનવા બે હાથ જોડ્યા પણ પછી તરત જ ઑન સેક્ધડ થૉટ, માનતા માનવાનું માંડી વાળ્યું. 

પતિ : કેમ, પ્રાર્થના નહીં કરી?

પત્ની : હું ભગવાન પાસે માગવા જતી હતી કે હે પ્રભુ, મારા પતિની તમામ મુસીબતો દૂર કરી નાખો-પણ ત્યાં જ મને વિચાર આવ્યો કે ક્યાંક એ મને જ ઉપાડી ન લે.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 20 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *