આજના હિન્દુત્વનાં પ્લસમાઈનસ

કોઈ તમને છંછેડે નહીં ત્યાં સુધી તમે ચૂપ બેસી રહેતા હો છો, તમારું કામ કર્યા કરતા હો છો. કોઈ તમને વારંવાર છંછેડે કે પછી એક જ વખત પણ એવી જબરજસ્ત રીતે છંછેડે ત્યારે તમારે રિટેલિયેટ કરવું જ પડે, સામો જવાબ આપવો જ પડે. ૨૦૦૨ની ૨૭મી ફેબ્રુઆરીના ૫૯ હિન્દુઓને ગોધરા સ્ટેશન પર ઊભેલી સાબરમતી એક્સપ્રેસના ડબ્બાઓમાં પેટ્રોલ રેડીને જીવતા સળગાવી દેવામાં આવ્યા તે હિન્દુઓને છંછેડવાની હદ હતી. (આ નરાધમ કૃત્યમાં સંડોવાયેલા મુસ્લિમોને ફાંસીની સજા, જનમટીપની સજા વગેરે સંભળાવાઈ ચૂકી છે). ગોધરામાં ૫૯ હિન્દુઓને જીવતા સળગાવી દીધા પછી ગુજરાતના હિન્દુઓ રિટેલિયેટ ન કરે શું? પણ ગુજરાતનાં રમખાણો વખતે સેક્યુલરો દ્વારા માહોલ એવો ઊભો કરવામાં આવ્યો હતો કે તમે જો એવો ઈશારો પણ કરો કે આ તો ‘રિએક્શનરી રાયટ્સ હતાં’ તો તમે જાણે દિલ્હીમાં નિર્ભયા પર બળાત્કાર કરનારાઓમાંના એક છો એવી રીતે તમને જોવામાં આવે.

હિન્દુત્વનો ‘હ’ પણ ન જાણનારા લોકોએ તે વખતે હિન્દુ ધર્મને ગાળો આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. મણ મણની ગાળો આપ્યા પછી પણ તેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગઢનો એક કાંકરો પણ ખેરવી શક્યા નહીં ત્યારે આ જ સેક્યુલરખોરોમાંના કેટલાક બાબાબેબીઓ મોદીની ચાલતી ગાડીમાં બેસી ગયા, પણ કોઈ એમને એમનાં પુરાનાં પાપ યાદ કરાવે ત્યારે મોદીની ગાડીમાં બેઠાં બેઠાં જ તેઓ હિન્દુત્વની કેટલીક ખામીઓને ધોકો લઈને ધોઈ નાખે. આવી જ અને આટલી જ ખામીઓ એમને મુસ્લિમ સમાજમાં કે ઈસ્લામમાં કે ખ્રિસ્તી સમાજ કે ઈસાઈયતમાં દેખાતી હોવા છતાં એને તેઓ લવિંગ કેરી લાકડીએ ફટકારશે.

હિંદુવાદીઓની પંગતમાં લાડવો પીરસાતો જોઈને હમ ભી ડિચ કરીને પોતાની પતરાળી નાખનારાઓ જ્યારે મુસ્લિમવાદી સેક્યુલરોની બિરાદરીમાં સેવૈયાં પીરસાતી જુએ તો ત્યાં પણ બિસ્મિલ્લાહ કરીને માથે વાટકા ટોપી પહેરી લેતા હોય છે. આ પ્રકારના લોકો સમાજની ઉધઈ છે. સેક્યુલરો તો ઊલટાના સારા કે તરત દેખાઈ આવે કે હા, આ હિન્દુદ્વૈષી છે, પણ કભી હમ ભી ડિચ અને કભી વાટકા ટોપી ઘાલનારા લોકો ઉધઈ જેવા કારણ કે તેઓની અસલિયત ક્યારેય પ્રગટ ન થાય એનું ધ્યાન રાખતા હોય છે. કોઈ સેક્યુલર એમને કહે કે તમે તો હિન્દુવાદી છો તો એ કહેશે કે ના, આ જુઓ હું તો હિન્દુઓની પણ આકરી ટીકા કરી જાણું છું અને પુરાવારૂપે તમારા માથે પોતાના કોઈ જૂના લેખમાંના કે પોતાના પ્રવચનમાંના વાક્યો ફટકારશે. કોઈ હિન્દુવાદી કહે કે તમે તો મુસ્લિમોને પંપાળો છો ત્યારે તેઓ પોતાના કોઈ જૂના લેખમાંના કે પોતાના પ્રવચનોમાંના વાક્યો ટાંકીને કહેશે કે જુઓ, હું તો ઈસ્લામ ધર્મની પણ ટીકા કરી જાણું છું – છે હિંમત તમારા કોઈ હિંદુવાદીમાં જેમણે આવી ખુલ્લેઆમ ટીકા કરી હોય અને હવે કોઈ હિંદુવાદી એમને ચેલેન્જ કરે કે તમે તો બધાની ટીકા જ કર્યા કરો છો તો એ કહેશે કે ના, આ જુઓ મેં તો હિંદુત્વની સારી બાજુ વિશે કેટલું બધું લખ્યું છે. આવો જ જવાબ તો મુસ્લિમોને પણ આપશે કે આ જુઓ, મેં તમારા લોકો વિશે, તમારા ધર્મની ઉદાત ભાવના વિશે કેટલું બધું લખ્યું છે!

બેઝિકલી ભીરુ લોકોની આ ચાલબાજી હોય છે. કોઈ પણ ઈશ્યુ વિશે ક્યારેક ટીકા કરવી, ક્યારેક વખાણ કરવાં અને ભવિષ્યમાં કોઈ તમને ચેલેન્જ કરે ત્યારે કહી દેવાનું કે: ભાઈ, હું તો પહેલેથી જ લખી ચૂક્યો છું કે… અને આવું કહીને છટકી જવાનું. ડિમોનેટાઈઝેશન વિશે પણ કેટલાંક બાબાબેબીઓ અને કેટલાંક કાકાકાકીઓ આ જ અભિગમ અપનાવી રહ્યા છે: મોદીએ જે કર્યું તે સાચું કર્યું પણ… મોદી બેવકૂફ છે કે એમણે આવું કર્યું! પોતાના ઘરનાં નોકરચાકરો પર ગુસ્સો કરતા હોય એવાં તુમાખીભર્યાં વિશેષણો વડે આ બાબાબેબી કાકાકાકી મોદીને ઉતારી પાડતા હોય છે. જરાક તો શરમાઓ, જરાક તો વિવેક દેખાડો, એ તમારા પીએમ છે, કોઈ મામૂલી માણસ નથી.

હં તો આપણે કયાં હતા? હિન્દુત્વ વિશે કે હિન્દુ ધર્મ વિશે કે જગતભરમાં હિન્દુત્વનો ઝંડો લહેરાવતા રાજનેતાઓ-સાધુસંતો વિશે ટીકા થઈ જ ન શકે એવું નથી, પણ એ ટીકા કયા અભિગમથી થાય છે, કઈ સમજણથી થાય છે અને ખાસ કરીને કયા બૅકગ્રાન્ડવાળી વ્યક્તિ એ ટીકા કરે છે તેના પર એ ટીકાની યોગ્યાયોગ્યતાનો આધાર રહેલો છે. દા.ત. ડૉ. ઝાકિર નાઈક હિન્દુત્વની ટીકા કરે તો તમને ખબર છે કે એ ટીકાનું કેટલું વજન હોય. એ જ રીતે સેક્યુલરમાંથી ડબલઢોલકી બની ગયેલી બાબાબેબીઓની પ્રજા હિન્દુત્વની ટીકા કરે તો એનું વજન પણ ડૉ. ઝાકિર નાઈકની ટીકા જેટલું જ હોય.

પણ કૉનરાડ એલ્સ્ટ જેવી હસ્તી જ્યારે ‘ઑન મોદીટાઈમ: મેરિટ્સ ઍન્ડ ફ્લૉઝ ઑફ હિન્દુ એક્ટિવિઝમ ઈન ઈટ્સ ડે ઑફ ઈન્કમ્બન્સી’ નામનું આખું પુસ્તક લખે જે બીજા કોઈએ નહીં પણ ખુદ સીતારામ ગોયલે સ્થાપેલી પ્રકાશન સંસ્થા ‘વૉઈસ ઑફ ઈન્ડિયા’એ પ્રગટ કર્યું હોય ત્યારે તમારે ઈન્ટરનૅશનલ ફેમ ધરાવતા આદરણીય હિન્દુવાદી રિસર્ચર-લેખકનો એકેએક ટીકાત્મક શબ્દ ધ્યાનથી વાંચવો જોઈએ એટલું જ નહીં, એને બરાબર સમજીને બીજાઓ સુધી પહોંચાડવો પણ જોઈએ.

કાલે.

આજનો વિચાર

યે સોચના ગલત હૈ
કિ તુમ પર નઝર નહીં હૈ
મશરૂફ હમ બહુત હૈ
મગર બેખબર નહીં હૈ

(આ શાયરી નથી. ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટની ચેતવણી છે)

– વૉટ્સેપ પર વાંચેલું

એક મિનિટ!

બકાનો પાડોશી ગુજરી ગયો.

બકો પાડોશીના ઘરે ગયો અને પૂછયું: ડેડ બૉડી આવી ગઈ?

ત્યાં જ ડેડ બૉડી લઈને હૉસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ આવી.

બકો: લો, કેટલી લાંબી ઉંમર છે!

( મુંબઇ સમાચાર : સોમવાર, 19 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *