તમને દૂધી ભાવે છે કે નથી ભાવતી?

એક જમાનામાં મારુતિ એઈટ હન્ડ્રેડ ઉર્ફે ફ્રન્ટી લક્ઝુરિયસ કાર ગણાતી. ફિયાટ – ઍમ્બેસેડર મારુતિના આવ્યા પછી ડાઉનમાર્કેટ થઈ ગઈ. ફ્રન્ટી પછી મારુતિએ ઝેન નામની હજુ વધુ વૈભવશાળી એવી કાર બજારમાં મૂકી. ઝેન સ્ટેટસ સિમ્બોલ ગણાતી તે વખતે!

ઝેન એટલે શું? મઝાની વાત એ છે કે ભૌતિક સુખના પ્રતીક જેવી કારના મૉડેલને આ નામ મળ્યું પણ ઝેન એટલે ભૌતિક સુખોથી તદ્દન વિપરીત પરિસ્થિતિ.

ઝેન વિશે ચોક્કસપણે જાણવું હોય તો ગાંધીધામ (કચ્છ)ના વિદ્વાન વિચારક માવજી કે. સાવલા પાસે જવું પડે. ગાંધીધામમાં માવજીભાઈ એપ્લાઈડ ફિલોસોફી સેન્ટર ચલાવે. ઝેન વિશેનો એમનો અભ્યાસ નહિવત્ હતો ત્યારે ઓશોનાં પ્રવચનોમાં આવતા ઝેન ગુરુઓ વિશેનાં દૃષ્ટાંતોને કારણે ‘ઝેન’ શબ્દ કંઈક પરિચિત થયો. માવજી સાવલા કૉલેજમાં હતા ત્યારે બૌદ્ધ ફિલસૂફીના અભ્યાસ દરમ્યાન ઝેન બુદ્ધિઝમ વિશે જરાતરા ખ્યાલ મળ્યો હતો. એક વાર માવજીભાઈના પ્રાધ્યાપક હરીશ વાસવાણીને મળ્યા ત્યારે અનાયાસે એમણે હરીશભાઈને પૂછયું કે આજકાલ શું વાંચો છો? જવાબમાં પ્રાધ્યાપક વાસવાણીએ અકળાવી નાખે એવું ત્રણ મિનિટનું મૌન સેવ્યું અને છેવટે બોલ્યા: ‘હું જે વિષય વાંચી રહ્યો છું એની ખરેખર તો વાતો કરવાની હોય નહીં.’

માવજી સાવલાએ વિનંતી કરી ત્યારે હરીશભાઈએ એ પુસ્તક એમને વાંચવા મેળવી આપ્યું. નેન્સી વિલ્સન રૉસે જેનું સંપાદન કર્યું છે એ પુસ્તક ‘ધ વર્લ્ડ ઑફ ઝેન’ વાંચતાં જ માવજી સાવલા માટે ફિલસૂફીના ક્ષેત્રે એક નવા જ જગતનો ઉઘાડ થયો. પછી તો એમણે ઝેન વિશે ઘણો ઊંડો અભ્યાસ કર્યો અને એક નાનકડું પુસ્તક પણ લખ્યું જે એમણે લખેલાં અનેક પુસ્તકોમાંનું અમૂલ્ય ઘરેણું છે: ‘ઝેનમાર્ગ: સિદ્ધાંત અને સાધના.’

ઝેનને સમજવા માટેની રીત ઘણી અટપટી છે. માવજી સાવલા કહે છે કે: ‘ઝેન શબ્દનો અર્થ ‘ધ્યાન’ થતો હોવા છતાં આ પ્રણાલીમાં ‘ધ્યાન’ માટે ક્યાંય કોઈક નિર્ધારિત આકાર – પ્રકારની યાંત્રિકતાપૂર્ણ પદ્ધતિ પ્રવેશી નથી. આમ છતાં આપણે એને એક સાધનાપદ્ધતિ અવશ્ય કહીશું.’

ઝેન ગુરુઓની વાત એકદમ સરળ હોવા છતાં દેખીતી રીતે વિરોધાભાસી કે તર્કની સાથે સુસંગત ન હોય એવી લાગે છે. માવજીભાઈએ ચાઈનીઝ ઝેન પરંપરાના ત્રીજા ગુરુ સેન્ગ ત્સાનના પ્રસિદ્ધ કાવ્ય ‘ઑન ટ્રસ્ટ ઈન ધ હાર્ટ’નો એકદમ હૃદયસ્પર્શી ભાવાનુવાદ કર્યો છે. સરળ વાકયોમાં મુકાયેલી આ કવિતામાં એક રીતે જોઈએ તો જીવનને વધુ સારી રીતે જીવવાની નવ જડીબુટ્ટીઓ છે:

(૧) દ્વિધાઓને નકારીએ તો પૂર્ણ માર્ગે કશું જ દુષ્કર નથી. પ્રેમ અને ઘૃણામાંથી મુકત થઈએ ત્યારે જ એ સત્ય કશા પણ નકાબ વગર પૂર્ણપણે સામે આવે છે. જો તમારી સગી આંખે એનું દર્શન કરવું હોય તો એના વિશેની એની વિરુદ્ધની તમામ વિચારગ્રંથિઓથી મુક્ત બનો.

અર્થાત્…

કોઈ પણ ઘટનાને કે વ્યક્તિને કે ચીજવસ્તુને તમે તમારાં ચશ્માંથી મૂલવો નહીં. તમારા પ્રીક્ધસીવ્ડ નોશન્સથી એમને મૂલવો નહીં. જજમેન્ટલ બન્યા વિના જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને નિહાળો, વ્યક્તિએ જે વર્તન કર્યું છે તે સારું છે કે ખરાબ એવી દ્વિધામાં ન પડો અને કઈ ચીજવસ્તુ તમારા માટે સારી છે કે ખરાબ એ વિચારની પળોજણમાં પણ પડવાની જરૂર નથી.

જે કંઈ થાય છે, થઈ રહ્યું છે તેને માત્ર સાક્ષીભાવે નિહાળો. એનો પાસ્ટ શું, એનું ફયુચર શું એવું વિચારવા જશો તો દ્વિધામાં મુકાશો. અને એ પછી તમને સાચો જવાબ નહીં જડે. સત્ય જોઈતું હશે તો કોઈ પણ ઘટના/વ્યક્તિ/ચીજવસ્તુનું મૂલ્યાંકન કરવાની આદતથી મુક્ત થઈ જવું પડશે.

શાકવાળાના ટોપલામાં દૂધી જોઈને તમને એવો વિચાર આવે કે આ શાક તમને ભાવે છે કે નથી ભાવતું. એવો વિચાર આવવાને બદલે તમે દૂધીને માત્ર એક શાક તરીકે જોતા થઈ જાઓ અને તમને એ ભાવે છે કે નથી ભાવતી એવા અનુગ્રહ-પૂર્વગ્રહથી મુક્ત થઈ જાવ તો તમે ઝેન બુદ્ધિઝમની નજીક જવાને પાત્રતા કેળવી છે એવું કહેવાય.

(૨) આપણા ગમાની સામે અણગમાઓને મૂકીને મન રોગિષ્ઠ બન્યું છે. ઝેનનું સાચું હાર્દ ન સમજાય ત્યાં સુધી મન અકારણ અશાંતિથી વિચલિત હોય છે.

અર્થાત…

આપણું મન શાંત કેમ નથી રહેતું? કારણ કે એ જેવું શાંત બને કે તરત જ કોઈને કોઈ વિચારનો કાંકરો એમાં ફેંકાય છે અને ફરી એમાં વલયો સર્જાય છે. આવા કાંકરાઓ ફેંકાવાનું કારણ શું? કારણ એ કે આપણે સતત ગમા-અણગમાની દુનિયામાં રહેતા હોઈએ છીએ. કોઈપણ પરિસ્થિતિ કે વ્યક્તિ કે ચીજ માટે આપણી પાસે આ બેમાંથી એક અભિપ્રાય હોવાનો – મને એ પસંદ છે/ મને એ પસંદ નથી.

પસંદ અને નાપસંદ આપણા આગલા અનુભવો તથા ધારી લીધેલા પ્રતિભાવો પર આધાર રાખે છે. આ અનુભવો અને પૂર્વગ્રહો આપણા મનમાં તાજી હવા આવતી રોકે છે. આને લીધે મન વાસી થઈ જાય છે.

ફ્લેક્સિબલ બનવાનું શરૂ કરીએ. મને તો આમ જ જોઈએ અને આવા લોકો મને ગમે જ નહીં કે આવી ચીજ મેળવવા માટે તો હું કંઈ પણ કરું એવા પૂર્વાનુમાનોમાં જીવવાનું છોડી દઈએ. જે સર્જાય છે તેને એની રીતે બનવા દઈએ. કોઈ પ્રતિકાર વિના. કોઈ ઘર્ષણ વિના. માત્ર સાહજિકતાથી એને સર્જાતાં જોઈ રહીએ. આવું થવાને કારણે ભવિષ્યમાં શું થશે એવું પણ ન વિચારીએ. માત્ર અત્યારે જે બની રહ્યું છે એને ઊંડા રસ સાથે જોતાં રહીએ. ઝેન બુદ્ધિઝમ ભણી જવાનું આ બીજું પગલું.

(૩) અસીમ અવકાશની જેમ સત્ય તો પૂર્ણ જ હોય છે, કારણ કે એને કશાની ખામી નથી કે કશું વધારાનું નથી. આથી જ્યારે આપણે પસંદગીઓના દ્વૈતમાં પડીએ છીએ ત્યારે એનાથી છવાઈ જઈએ છીએ.

અર્થાત્…

હું આ કરું કે તે કરું એવા વિકલ્પોમાં અટવાઈ જઈને સ્થગિત થઈ જવાને બદલે મારે આ કરવું છે તો હું આ જ કરીશ એવા વિચાર સાથે દિશાને ચીંધે છે. ઝેન પણ તમને એ જ કહે છે: એક જ માર્ગ પકડો અને એ માર્ગે ચાલતા રહો. ત્રિભેટા પર કે ચાર રસ્તે આવીને જો વિચારવાનું શરૂ કરશો તો જિંદગી આખી ત્યાંને ત્યાં જ તંબુ નાખીને રહી પડશો.

બાકીનાં ૬ પગથિયાં નેક્સ્ટ વીક.

કાગળ પરના દીવા

સાલું ગજબ કહેવાય. બૅન્કો સિવાય બીજી બધી જ જગ્યાઓએથી નવી નોટો મળી આવે છે.

– વૉટ્સઍપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

આટલી બધી નફરત પણ સારી નહીં.

એક માણસ ઠંડીમાં ધ્રૂજતો હતો.

મેં કહ્યું: મફલર બાંધી લે, ભાઈ.

તો એણે સ્મિત કરીને મને કહ્યું: ‘હું ભાજપમાં છું.’

( મુંબઇ સમાચાર : રવિવાર, 18 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *