હૅટટ્રિક મુલાકાતો

એક જ અઠવાડિયાના ગાળામાં ત્રણ-ત્રણ મહાનુભાવોને મળવાનો યોગ ઊભો થાય એવું બહુ ન બને.

જ્યોતિ પુનવાનીને હું ભલે મહાનુભાવની કૅટેગરીમાં ન મૂકું પણ શી ઈઝ ક્વાઈટ ફેમસ. ઍન્ડ વેલ રિસ્પેક્ટેડ. ખાસ કરીને સેક્યુલર પ્રજામાં. ૧૯૮૦ના ગાળામાં વિનોદ મહેતાનું ‘સન્ડે ઑબ્ઝર્વર’ શરૂ થયું ત્યારથી હું જ્યોતિ પુનવાનીને વાંચુ. શરૂમાં એમની છાપ એક સ્પષ્ટવકતા જર્નલિસ્ટ તરીકેની પડી પણ પછી જેમ જેમ બિટ્વીન ધ લાઈન્સ વાંચવાની સમજ વધતી ગઈ તેમ તેમ લાગ્યું કે તટસ્થતાના અંચળ હેઠળ ભારોભાર દ્વેષીલું લખાણ તેઓ લખે છે. ૧૯૯૨ના બાબરી ડિમોલિશન પછી અને ૨૦૦૨ના ગોધરા હિન્દુ હત્યા કાંડને કારણે થયેલાં ગુજરાતનાં રમખાણો પછી જ્યોતિ પુનવાનીનો હિંદુ દ્વેષ ચરમસીમાએ પહોંચ્યો હતો.

મારા હિન્દુવાદી મિત્રોને ખબર પડે કે આ મહિનાના આરંભે હું જ્યોતિ પુનવાનીને મળ્યો હતો એટલું જ નહીં, બે કલાક એમની સાથે બેસીને ચા પણ શૅર કરી હતી તો તેઓ મને નાતબહાર મૂકે. મીઠીબાઈ કૉલેજના ‘ક્ષિતિજ’ ફેસ્ટિવલની વન ઑફ ધ ઈવેન્ટ્સ જર્નલિઝમને લગતી હતી અને એના એક જજ તરીકે મારે ત્યાં જવાનું હતું. જઈને ખબર પડી કે બીજાં જજ જ્યોતિ પુનવાની છે. આપણે તો એમનાં લખાણો વિશેનો તમામ ગુસ્સો બાજુએ મૂકીને બહુ જ સભ્યતા, વિવેક અને વિનયપૂર્વક એમની સાથે વાત કરી એટલું જ નહીં મુંબઈની વિવિધ કૉલેજોમાંથી આવેલાં ટીનેજર કોન્ટેસ્ટન્ડટ્સ સમક્ષ જ્યોતિ પુનવાનીની ઓળખાણ ખૂબ જ ઉષ્માભર્યા શબ્દોમાં આપી. પણ રસ્સી બળે તોય વળ ના છોડે. જ્યોતિ પુનવાણીએ રિઝલ્ટ વિશે ટિપ્પણ કરતી વખતે છોકરાંઓને ટકોર કરી કે આ ‘ક્ષિતિજ’ ફેસ્ટિવલ ઉપર મોદીના ડિમોનેટાઈઝેશનના નિર્ણયને લીધે કેવી કેવી અસરો પડી એના વિશે પણ તમે રિપોર્ટિંગ કર્યું હોત તો સારું થાત!

હું મોઢા પર સ્મિત ચિપકાવીને એમને સાંભળતો રહ્યો. નેશનલ લેવલ પર જેમનું નામ હોય અને સેક્યુલરોમાં જેમનાં આટલાં માનપાન હોય એમણે શું કામ યંગ સ્ટુડન્ટ્સ સમક્ષ આવી કોઈ વાત પણ કરવાની હોય.

જોકે, બધા જ સેક્યુલરો આવા નથી હોતા. નગીનદાસ સંઘવી, મહેન્દ્ર મેઘાણી, પ્રકાશ ન. શાહ કે સંજય છેલ જેવા કટ્ટર સેક્યુલરવાદીઓ સાથે મારે ભારે વિચારભેદ કે મતભેદ હોય પણ એ દરેક વડીલ (કે સમવયસ્ક સમકાલીન) સાથે મારે ખૂબ જ આત્મીયતાભર્યા સંબંધો રહ્યા છે. એ કથા ફરી કોઈ વાર.

જ્યોતિબેનને મળ્યો એ જ અઠવાડિયે સ્વામી ચિન્મયાનંદજીના મિશન સાથે સંકળાયેલા સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના ગીતા પ્રવચનમાં હાજરી આપવાનો મોકો મળ્યો. સ્વામી બ્રહ્માનંદજીના કંઠે ગવાયેલી (કે પઠન પામેલી) સંપૂર્ણ ભગવદ્ ગીતા વર્ષોથી સાંભળી છે. અગાઉ કૅસેટરૂપે મળતી, પછી સીડીરૂપે અને હવે એમપી થ્રીરૂપે મળે છે. બુલંદ કંઠ, અતિ સ્પષ્ટ ઉચ્ચારો. મોટાભાગના ગુજરાતીઓ જ્યારે ‘શ’ ‘સ.’ અને ‘ષ’ના ઉચ્ચારોમાં પણ ગોટાળા કરે છે ત્યારે સ્વામીજી ‘હૃદય’ અને ‘ઋષિકેશ’ના ‘રૂ’ વચ્ચે કેવો ભેદ કરે છે તે તો તમે યુટ્યુબ પર અપલોડ થયેલી એમની ભગવદ્ ગીતાની સીડીને વિનામૂલ્યે સાંભળો તો જ ખબર પડે. સંસ્કૃતનું નાદ માધુર્ય કેવું હોય તે માણવા રોજ મળસ્કે એમનું ગીતાપઠન સાંભળવું.

આ બે રાષ્ટ્રીય સ્તરની સેલિબ્રિટીઝ ઉપરાંત એક ઈન્ટરનૅશન ફેઈમ ધરાવતી વ્યક્તિને મળવાનો મોકો મળ્યો. કોનરાડ એલ્સ્ટ બેલ્જિયન છે. ભારતના ઈતિહાસ, વેદકાળ તથા હિન્દુ-મુસ્લિમ સંબંધો વિશે એમનું જ્ઞાન અગાધ છે. બેલ્જિયમમાં રહેતા હોવા છતાં ભારત વિશેની એમની જાણકારી મારાતમારા કરતાં અનેકગણી છે. ત્યાંની યુનિવર્સિટીમાંથી પી. એચડીની ડિગ્રી મેળવી છે અને એ પહેલાં અહીંની બનારાસ હિન્દુ યુનિવર્સિટીમાં ચાર વર્ષ તેઓ ગાળી ચૂક્યા છે. ૧૯૯૨માં બાબરી ઢાંચાના ડિમોલિશન પછી એમણે ડઝનેક પુસ્તકો લખ્યાં જેમાંના ઘણાં સીતારામ ગોયલ અને રામ સ્વરૂપજીએ ‘વૉઈસ ઑફ ઈન્ડિયા’માં પ્રગટ કર્યાં.

કૉનરાડ એલ્સ્ટ જેવી તોતિંગ પ્રતિભા મુંબઈ આવે અને કોઈ મેઈન લાઈન ઈંગ્લિશ મિડિયા (ટીવી ચેનલ તેમ જ છાપાં) એમની નોંધ પણ ન લે તે ખૂબ જ શોચનીય કહેવાય. આ સેક્યુલર પ્રજા કેટલી દ્વેષીલી છે તેનો આ પુરાવો છે. આની સામે હિન્દુવાદી વિચારો ધરાવનારાઓ હજુ પણ અત્યંત ગરીબ મનોદશા ધરાવે છે એની પણ ખાતરી થઈ. થાણેના એક મામુલી સ્થળે પાંખી હાજરી ધરાવતા પ્રવચનમાં અમે તો હાજરી આપી પણ જો આ પ્રવચન વેલ ઓર્ગેનાઈઝ્ડ હોત અને કોઈ સારી જગ્યાએ યોજાયું હોત તો કેટલા બધા લોકો એનો લાભ લઈ શકયા હોત. મહાભારતનો રચનાકાળ એક્ઝેટલી ક્યો હોઈ શકે તે મુદ્દો એમના પ્રવચનના કેન્દ્રમાં હતો. પ્રવચન પહેલાં એમણે જે બે મિત્રોને એક કલાકનો સમય આપીને એમની હૉટેલના રૂમમાં પર્સનલ ગોષ્ઠિ માટે બોલાવ્યા હતા તેઓ મને પણ લઈ ગયા. લિટરલી ઋષિ જેવું વક્તવ્ય. વાત કરતા જાય ને સાથે લૅપટૉપ પર પ્રવચનની તૈયારી કરતા જાય. ૫૭ વર્ષની ઉંમરે, હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યા પછી, જે જોશભેર કામ કરે છે તે જોતાં આશ્ર્ચર્ય થાય. દુનિયા આખી રખડીને ભારત અને હિન્દુત્વના રિસર્ચ થકી સ્કોલર લોકોમાં તેમ જ જનસામાન્યમાં એવી એવી માહિતી તો પ્રસાર કરે છે જે કામ હજુ સુધી કોઈપણ હિન્દુવાદી દ્વારા થયું નથી. કૉનરાડ એલ્સ્ટનાં સંશોધનભર્યાં પુસ્તકો ભારત માટે વેદ-ઉપનિષદ જેટલાં જ મૂલ્યવાન છે.

ઈસ્લામ વિશેના એમના અભિપ્રાયો સ્પષ્ટ છે. આ દુનિયામાં છેવટે તો એક જ ધર્મ ટકવાનો છે અને તે છે સનાતન ધર્મ અર્થાત્ હિન્દુ ધર્મ એવું એમનું માનવું છે. પણ તે પહેલાં બેકાબુ બની ગયેલા વસ્તીવધારાને કારણે વિધર્મી આખા વિશ્ર્વને હચમચાવી નાખશે અને સૌ કોઈએ સહન કરવાનું આવશે એવી એમની થિયરી છે. જર્મનીનાં ‘ઉદારમતવાદી’ ગણાતાં ચાન્સેલર એન્જેલા મર્કેલ માત્ર જર્મનીનું જ નહીં આખા યુરોપનું (અને ઈન અ વે દુનિયાના બાકીના દેશોનું) શરણાર્થીઓને સ્વીકારીને અહિત કરી રહ્યા છે એવો સ્પષ્ટ અભિપ્રાય કૉનરાડ એલ્સ્ટનો છે.

શ્રી શ્રી રવિશંકર, કેન્દ્રીયમંત્રી સુરેશ પ્રભુ અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવલ સહિતના અનેક મહાનુભાવોની હાજરીમાં ગોવાની એક ચર્ચાસભામાં કૉનરાડ એલ્સ્ટે કહ્યું હતું કે ભારતમાંના મુસ્લિમો અગાઉ હિન્દુ જ હતા પણ હવે એમને પાછા હિન્દુ બનાવવાની પળોજણ કર્યા વગર જો માત્ર એટલું જ કરવામાં આવે કે એમને રિયલાઈઝ થાય કે મુસ્લિમ હોવું ‘અનકૂલ’ છે તો આપોઆપ તેઓ ઈસ્લામને ઓળંગીને બહાર આવી જશે.

આ સાંભળીને જોર્ડનના ભૂતપૂર્વ વડા પ્રધાન, જે ત્યાં હાજર હતા, અને ઑર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક ક્ધટ્રીઝના સેક્રેટરી જનરલને ચટકું લાગી ગયું હતું અને તેઓએ પોતાનો વિરોધ નોંધાવવા ચાલુ સમારંભે વિદાય લઈ લીધી હતી.

આપણો પ્રૉબ્લેમ જ આ છે. હિંદુત્વ વિશે કોઈ ગમે તે કહે તે સાંભળી લેવાનું અને પ્રોટેસ્ટ કરીએ તો આપણને ‘અસહિષ્ણુ’નું લેબલ લાગે. પણ તથાકથિત ‘ઉદારમતવાદી’ઓ કંઈ પણ કરે કે કહે તે ચાલે. આવા માહોલમાં કૉનરાડ એલ્સ્ટ જેવા વિદ્વાનોની ખૂબ જરૂર રહેવાની. ભગવાન એમને સો વર્ષનું આયુષ્ય આપે.

આજનો વિચાર

વાત ક્યાં ક્યારેય પૂરી થાય છે?
-ને અચાનક સાંજ ઢળતી જાય છે.

માંડ ચપટીક મર્મ પણ સમજાય છે
-ને અચાનક સાંજ ઢળતી જાય છે.

– નીતિન વડગામા

એક મિનિટ!

બ્રેકિંગ ન્યૂઝ:

ગામોમાં પૂજાતા ‘રોકડિયા હનુમાન’નાં નામ બદલીને ‘કૅશલેસ હનુમાન’ કરવાની વિચારણા.

– વૉટ્સઍપ પર વાંચેલું

( મુંબઇ સમાચાર : શનિવાર, 17 ડિસેમ્બર 2016)

1 comment for “હૅટટ્રિક મુલાકાતો

 1. अजितदेव पारगी
  December 22, 2016 at 10:06 PM

  जय श्री राम तमारा विचारों विचारधारा पहेलाथी वांचु छु
  खुबज सरस साची अने सारी वातो लखवामा तमे कोई कचास राखता नथी.
  बस आवीज रीते हिन्दुत्वने आपनु प्रोत्साहन मली रहे.

  शुभकामना ओ सहित जय श्री राम
  आपनो ज
  अजितदेव पारगी.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *