હરખચંદ વિરુદ્ધ ગંગાપ્રસાદ

બરાબર એક વર્ષ પહેલાં નાણામંત્રી અરુણ જેટલીએ દિલ્હીમાં વાનરવેડા કરવામાંથી ઊંચા ન આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એના બીજા જમુરાઓ પર રૂપિયા દસ કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટમાં દર્જ થયેલો આ સિવિલ કેસ રદ કરાવવા કેજરીવાલે ધમપછાડા કર્યા પણ કોર્ટે થોડા સપ્તાહ અગાઉ કહ્યું કે કેસ ચાલવા દો. કુમાર વિશ્ર્વાસ, આશુતોષ, સંજય સિંહ, રાઘ વ ચડ્ડા અને દીપક બાજપાયી નામના આપિયા ન્યુસન્સ મેકર્સને પણ જેટલીએ કેજરીવાલની જોડે સાણસામાં લીધા છે. આ લોકોએ પોતાની આદત મુજબ જેટલી પર આડેધડ આક્ષેપબાજી કરીને એમને બદનામ કર્યા હતા. સિવિલ ઉપરાંત જેટલીએ ક્રિમિનલ કેસ પણ દાખલ કર્યો છે.

મુંબઇની કાનૂની આલમમાં ખૂબ આદરપૂર્ણ નામ ગણાતા અને એક જમાનામાં જેમની ફી રામ જેઠમલાની જેટલી જ રહેતી એવા એક ગુજરાતી ધારાશાસ્ત્રી અને મારા વાચકે મને વર્ષો પહેલાં એક પુસ્તક ભેટ મોકલ્યું હતું : ‘ધ લૉ ઑફ ડિફેમેશન ઍન્ડ મેલિશ્યસ પ્રોસિક્યુશન’ વી. મિત્તર દ્વારા લખાયેલું અને વી. પ્રસાદ દ્વારા સંમાર્જન પામેલું આ ૩૭૬ પાનાનું છે.

બદનક્ષીના કે આબરૂભંગના કાયદા વિશે અગાઉ અનેકવાર હું લખી ચૂક્યો છું. ઇન ફેક્ટ એ વિષયની કાનૂની છણાવટ કરતા લેખો ઉપરાંત એક પર્ટિક્યુલર લાયબલ કેસ વિશે આખી નવલકથા પણ લખી ચૂક્યો છું. એટલું જ નહીં આવા અનેક કેસો વકીલ મિત્રોની મદદ વડે લડી પણ ચૂક્યો છું-આરોપી તરીકે !

આબરૂનો દાવો માંડવા માટે પહેલવહેલી શરત એ હોય છે કે દાવો માંડનારની આબરૂ હોવી જોઇએ. અરુણ જેટલીની છે એટલે એ દાવો માંડી શક્યા. અરવિંદ કેજરીવાલ સપોઝ કોઇના પર ડિફેમેશનનો કેસ દાખલ કરવા જાય તો સૌથી પહેલાં તો એમણે એસ્ટાબ્લિશ કરવું પડે કે સમાજમાં એમની આબરૂ છે. કેજરીવાલ માટે એ પુરવાર કરવાનું કાર્ય જરાક કઠિન બને. કારણકે કોર્ટમાં રેપ્યુટેશનનું કામ હોય છે, કૅરેકટરનું નહીં. કોર્ટની ભાષામાં માણસની શાખ અને એનું ચારિત્ર્ય એ બંને જુદી જુદી વસ્તુઓ છે. કાયદો કહે છે કે ચારિત્ર્ય એટલે માણસ હકીકતમાં જેવો છે તે, જ્યારે શાખ એટલે બીજા લોકો એના વિશે શું કહે છે તે. બદનક્ષીનો કાયદો માંડ્યા પછી ફરિયાદીએ સૌ પ્રથમ તો પોતાની આ શાખ, આબરૂ, રેપ્યુટેશન પુરવાર કરવી પડે અને ત્યાર બાદ પુરવાર કરવું પડે કે આ રેપ્યુટેશનને ધક્કો લાગ્યો છે. સમાજમાં તમારી રેપ્યુટેશન પાવલી-આઠ આનાની હોય તો તમે કોર્ટમાં દસ-વીસ કરોડ રૂપિયાનો આબરૂની નુકસાનીનો દાવો ન માંડી શકો. એક કરોડ રૂપિયાનો દાવો દાખલ કરવા એક લાખ ચૌદ હજાર રૂપિયાની કોર્ટ ફી ભરવી પડે. લાગે તો લૉટરી.

અન્ય દરેક કાયદાની જેમ બદનક્ષીના કાયદામાં પણ પારાવાર છટકબારીઓ છે. અમેરિકા કે બ્રિટનની સરખામણીએ ભારતની અદાલતોમાં જજ સાહેબો બદનક્ષીના કાયદાની બાબતમાં ઘણો લિનિયન્ટ વ્યૂ અપનાવતા હોય છે. બ્રિટનની કોર્ટમાં હેરિયટ વિરુદ્ધ સ્ટુઅર્ટના એક કેસમાં ચુકાદો આપતાં ન્યાયાધીશ લૉર્ડ કેન્યને નોંધ્યું હતું કે એક છાપું બીજા છાપાને ‘અત્યંત બીભત્સ’ કહે અથવા ‘અભણ’ કહે અથવા ‘મોેટામાં મોટા કૌભાંડો ચલાવતું’ કહે તો એ શબ્દો બદનક્ષીભર્યા ન કહેવાય. પરંતુ જો એમ કહે કે એ ‘છાપાનું સર્ક્યુલેશન એકદમ ઓછું છે’ પણ હકીકતમાં એવું ન હોય અથવા એ છાપું ‘જાહેરખબર આપનારાઓને ધ્યાનમાં રાખીને જ સમાચાર છાપે છે’ એવું કે ( અને હકીકત એવી ન હોય) તો એ શબ્દો બદનક્ષીભર્યા કહેવાય.

આવો જ એક ચુકાદો ભારતની કોર્ટે પણ એક જમાનામાં આપ્યો હતો જે કાયદાની આલમમાં ઘણો ફેમસ છે. ઉત્તર પ્રદેશના આઝમગઢની મ્યુનિસિપલ બોર્ડની ચૂંટણીમાં હરખચંદ નામનો લોકલ લીડર ઊભો હતો ગંગાપ્રસાદ એનો જૂનો શત્રુ. ચૂંટણીના દિવસે ગંગાપ્રસાદ પોતાના માણસોને લઇને હરખચંદને ત્યાં આવ્યો. ગંગાપ્રસાદે પેટ ભરીને હરખચંદને ગાળો આપી. મહોલ્લાના બધા માણસોએ એ સાંભળી. આ તમામ ગાળ કોર્ટની કાર્યવાહીમાં છપાઇ છે અને હવે જાહેર દસ્તાવેજ બની ચૂકી છે. આપણા માટે અહીં રિપીટ કરવાનો કોઇ અર્થ નથી. ગાળો આપ્યા પછી ગંગાપ્રસાદે હરખચંદને કહ્યું : ‘તું બોર્ડનો ચેરમેન બનવાને લાયક નથી. સાલા વાણિયા, તું તારે દુકાનમાં બેઠાં બેઠાં દાળ-આટો જોખ્યા કર’.

હરખચંદે બદનક્ષીનો દાવો માંડ્યો. સામસામી ખૂબ દલીલો થઇ. છેવટે ન્યાયમૂર્તિએ ચુકાદો આપતાં કહ્યું : ‘ગાળો આપવાની બાબતમાં ગંગાપ્રસાદ નિર્દોષ છે. એણે આવેશમાં આવીને હરખચંદને માટે જે અપશબ્દો ઉચ્ચાર્યા તે માત્ર અપમાનજનક હતા, બદનક્ષીભર્યા નહીં (ન્યાયમૂર્તિના હવેના શબ્દો ધ્યાનથી વાંચજો) ગંગાપ્રસાદનો ઇરાદો ખરેખર કંઇ હરખચંદના કુટુંબનાં સ્ત્રીસભ્યો સામે અપશબ્દોમાં વ્યક્ત થયેલી લાગણીઓ જેવા સંબંધો ધરાવવાનો નહોતો (!) એ તો માત્ર પોતાનો રોષ ઠાલવવા માગતો હતો. પરંતુ ગંગાપ્રસાદ એક બાબત માટે કસૂરવાર જણાય છે. એણે ફરિયાદીનું નામ લઇને એની ક્ષમતા પર પ્રહાર કરતાં જે કહ્યું કે તું બોર્ડનો ચેરમેન થવાને લાયક નથી, પણ દુકાનમાં બેસીને દાળ-આટો જોખવાને જ લાયક છે, એ આક્ષેપ ઘણો ગંભીર ગણાય(!)

લૉ ઑફ મેલિશ્યસ પ્રોસિક્યુશન કહે છે કે કોઇ તમને માત્ર રંજાડવા ખાતર કોર્ટમાં ઘસડી જાય તો એ કેસમાં વહેલીમોડી તમારી જીત થાય તો પણ કેસ ચાલે એ ગાળામાં તમને જે હેરાનગતિ થઇ એ બદલ તમે તમારા પર દાવો ઠોકનારને ઠમઠોરવા માટે આ કાયદાની જોગવાઇ હેઠળ કેસ કરી શકોે છો.

કાયદો બેધારી તલવાર જેવો છે, વાપરતાં ન આવડે તો વાપરનાર પોતે જ ઘાયલ થઇ જાય.

આજનો વિચાર

કોર્ટમાં ચાલતા દરેક કેસ દરમ્યાન વાસ્તવમાં તો એ કેસને લગતા કાયદાના અસ્તિત્વ વિશે કાર્યવાહી ચાલતી હોય છે.

– જસ્ટિસ હાર્લન એફ. સ્ટોન

એક મિનિટ!

ગર્લફ્રેન્ડ : આય લવ યુ જાનુ,

આય કાન્ટ લીવ વિધાઉટ યુ,

મર મિટ જાઉંગી,

ઝહર પી જાઉંગી,

તેરે પ્યાર મેં ફના હો જાઉંગી,

યે દુનિયા છોડ દૂંગી

બૉયફ્રેન્ડ : દેખ, તેરે કો કૈસા જમતા હૈ, વૈસા કર…

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 16 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *