ટકોરો કુંભારને મારવાનો હોય કે માટલાને?

તમારા કરતાં વધારે પૈસાદાર પાડોશી/સગાં/મિત્ર/ પરિચિતની અદેખાઈ સીધી રીતે વ્યક્ત ન થઈ શકે ત્યારે આપણે કેવી રીતે એમની ટીકા કરીએ? બધાને ખબર છે કે કેવી રીતે એણે આ પૈસા બનાવ્યા છે.

તમારા કરતાં વધારે રૂપાળી પડોશણ/સગલી/સખી/ એકવેન્ટન્સ/ ક્લીગની અદેખાઈ સીધી રીતે વ્યક્ત ન કરવી હોય ત્યારે તમે શું કહો? એ તો લિપોસક્શન અને બીજી ઘણી ‘આગળ-પાછળની’ સર્જરીઓ કરાવીને ફિગર ઠીકઠાક કરાવ્યું છે, બોટોક્સ અને સિલિકોનથી કંઈ પણ થઈ શકે.

અને તમારા કરતાં વધારે જાણીતા, ફેમસ, પૉપ્યુલર લોકોને તમે કેવી રીતે ઉતારી પાડો? સમજ્યા હવે, એની પર્સનલ લાઈફમાં એ કેવો/કેવી છે એ ખબર છે? વાત જ જવા દો ને.

ટેલિફોનની શોધ કરનારો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ પર્સનલ લાઈફમાં તદ્દન રેચેડ માણસ પણ હોય તો મારા કે તમારા કેટલા ટકા? ન્યૂટન, આઈન્સ્ટાઈન કે સ્ટીવન હૉકિંગ કે પછી શેક્સપિયર, ચાર્લ્સ ડિક્ધસ કે સ્ટીફન કિંગની પર્સનલ લાઈફ ભવાડાવાળી હોય તો આપણા બાપના કેટલા ટકા?

તમારે ત્યાં નળમાં વાઈસર ફિટ કરવા માટે તમે પ્લમરને બોલાવો છો ત્યારે તમે એની પાસે એના કૅરેક્ટરનું સર્ટિફિકેટ માગો છો? તમારો મિસ્ત્રી તમારું ફર્નિચર કેવું બનાવે છે એની સાથે તમારે નિસબત હોય છે કે એ પોતાની ઘરે એની બૈરીની મારપીટ કરે છે કે નહીં એની સાથે?

કોઈ પણ ફેમસ લોકોની ઉધાર બાજુને મહત્ત્વ આપીને ઈન્ડાયરેક્ટલી આપણે આપણી ઉધાર બાજુઓને જસ્ટિફાય કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. સભાનપણે નહીં. બહુ જ અનકૉન્શ્યસલી. આપણે જ્યારે ફિલ્મ સ્ટાર્સના એક્સ્ટ્રા મરાઈટલ રિલેશન્સ વિશે ગોસિપ કરીએ છીએ ત્યારે મનના કોઈ છાના ખૂણે આપણે આવા કોઈ રિલેશન્સ કેમ નથી રાખી શકતા એનો બળાપો વ્યક્ત કરીએ છીએ.

તમારો બાપ કે તમારો ભાઈ કે તમારો બેટો ડ્રન્કન ડ્રાઈવિંગમાં પકડાય કે પછી કોઈ ગંભીર ગુનામાં સંડોવાય તો તમે તમારાથી બનતી બધી જ કોશિશ કરીને એને પોલીસમાંથી કે કાયદાની ચુંગાલમાંથી બચાવવાની કોશિશ નહીં કરો. તમે તો મા કે બૈરીનાં ઘરેણાં વેચીને પણ બ્રાઈબ આપશો, મોંઘામાં મોંઘા વકીલો રોકશો, પણ સલમાન ખાનના પિતા, ભાઈઓ એને બચાવવાની કોશિશ કરશે ત્યારે તમે કહેશો કે આ તો સાલો સેલિબ્રિટી છે એટલે છટકી ગયો.

દિલ્હીના નિર્ભયા કેસના દિવસો યાદ છે ને? દિવસ-રાત ટીવી-છાપાં જોઈને એમ જ લાગતું કે આ ભારત દેશ જાણે બળાત્કારીઓનો દેશ છે. રૅપ કરનારાનું ફલાણું કાપી નાખવું જોઈએ ને રૅપ કરનારાને ફાંસી આપવાનો કાયદો બનાવવો જોઈએ એવી માગણીઓ તમે જ કરતા હતા કે નહીં? અરે, આ ભારત છે – કોઈ ઈસ્લામિક ક્ધટ્રી નથી કે અહીં શરિયાનો કાયદો લાગુ પડે. ફલાણું ને ઢીકણું કાપી નાખવું એટલે શું, સમજ પડે છે કાંઈ? તમારા બાપ, ભાઈ કે બેટા પર કોઈ રૅપનો કેસ ફાઈલ કરે ત્યારે કહેવાના છો આવું બધું?

બેઝિકલી, આપણે પોતે જ દોહરી જિંદગી જીવીએ છીએ અને આપણને પોતાને મૂલવવાનાં સ્ટાન્ડર્ડ તથા બીજાઓને મૂલવવાનાં સ્ટાન્ડર્ડ જુદાં રાખીએ છીએ. આપણાથી જે લોકો વધારે ટેલન્ટેડ છે અને એને લીધે વધારે કમાય છે, વધારે ફેમસ છે, વધારે લોકપ્રિય છે, વધારે માનપાન મેળવે છે એમના માટેની અદેખાઈ સીધી રીતે વ્યક્ત કરી શકતા નથી એટલે એમના વિશે કૂથલી કરીને, ગોસિપ કરીને, એમને પેડેસ્ટલ પરથી નીચે ઉતારીને વ્યક્ત કરીએ છીએ. આપણું ચાલે તો તો આ બધા જ ઈન્ટલેક્ચ્યુઅલ્સ, બૌદ્ધિકો, કળાકારો, વૈજ્ઞાનિકો વગેરેઓને નાગા કરીને જ જંપીએ.

આપણે સમજતા નથી અને ક્યારેક સમજવા છતાં સ્વીકારી શકતા નથી કે આ દુનિયામાં જે મેજર પ્રોગ્રેસ થાય છે તે આવા લોકોથી જ થાય છે – ચાહે એ અર્નેસ્ટ હેમિંગ્વે હોય, ચાહે એ ચાર્લ્સ ડાર્વિન કે ન્યૂટન હોય, ચાહે એ ગુટેનબર્ગ હોય, ચાહે એ મોત્ઝાર્ટ, લતા મંગેશકર કે આર. ડી. બર્મન હોય કે પછી ચાહે એ માર્લન બ્રાન્ડો, અલ પચીનો કે અમિતાભ બચ્ચન હોય.

એક સાદો સવાલ.

આપણા સૌનામાં જે કંઈ ખરાબીઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે તે બધી જ ખરાબીઓ આ લોકોમાં પણ ભરેલી છે એવું માની લઈએ અને પછી પૂછીએ આપણી જ જાતને કે આપણે આ દુનિયામાં શું કૉન્ટ્રિબ્યુશન આપ્યું અને કેટલું આપ્યું? અને એની સામે આ લોકોએ કેટલું આપ્યું?

આપણે બાળકોને જન્મ આપ્યો, સારી રીતે નોકરી-ધંધા કર્યા, સમાજમાં પ્રતિષ્ઠા મેળવી અને પછી? ગુજરી ગયા. આપણે ન જન્મ્યા હોત તો આ દુનિયા ગરીબ થઈ જવાની નહોતી અને આપણે જન્મ્યા તેને કારણે આ દુનિયા સમૃદ્ધ થઈ જવાની નથી.

પણ સ્ટીવ જૉબ્સ ન હોત તો? માઈકલ જેક્સન કે જસ્ટીન બીબર ન હોત તો? ઉમાશંકર જોશી કે રમેશ પારેખ ન હોત તો? ફોન, ફાઉન્ટન પેન, કૉમ્પ્યુટર, કૅમેરા કે રોકેટ, સ્પેસશિપના શોધકો ન જન્મ્યા હોત તો?

સૌ કોઈએ નીતિમત્તાભર્યું જીવન તો જીવવું જ જોઈએ, આ લોકોએ પણ એવું દોઢ ડહાપણ ડહોળવાને બદલે લેટ્સ એક્સેપ્ટ કે એમની પર્સનલ લાઈફ જેવી હોય તેવી, એને લીધે એમની આસપાસનાઓને જે કંઈ અસર પડતી હશે એ લોકો ફોડી લેશે એની સાથે, આપણને તો એમના કૉન્ટ્રિબ્યુશન સાથે નિસબત છે.

જ્યોતિન્દ્ર દવેએ આવું લખ્યું છે કે: પાણી રાખવાનું માટલું ખરીદવા જઈએ છીએ ત્યારે દુકાનદારને, કુંભારને કે ગધેડાને ટકોરો મારીએ છીએ? કે પછી માટલાને?

સિમ્પલ.

આજનો વિચાર

જ્યારે તમે એકલા જ સમજદાર હો છો ત્યારે જાણે તમે એકલા જ પાગલ છો એવું લોકો કહેતા હોય છે.

– ક્રિસ જૅમી (જન્મ: ૧૯૮૭, રાઈટર – થિન્કર)

એક મિનિટ!

ગર્લફ્રેન્ડે એના અંધ પ્રેમીને કહ્યું: કાશ, તું જોઈ શકતો હોત કે હું કેટલી બ્યુટિફુલ છું.

આંધળો પ્રેમી: તું ખરેખર એટલી રૂપાળી હોત તો શું તને જોઈ શકનારા લોકોએ તને મારા સુધી આવવા દીધી હોત? આંધળો છું, પાગલ નહીં!

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 15 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *