સદ્ગુણોની શાલ ઓઢવા કરતાં દિગંબર રહેવું સારું

‘લેખક કે ઉપદેશક મોટો હોય કે નાનો હોય, જ્ઞાની અને પંડિત હોય કે મૂઢ અને અભણ હોય, અવતાર કોટિનો હોય કે પામર હોય, તેના વિચારો નિરક્ષીરવિવેકથી જ લેવાના હોય એમ કહેવાની જરૂર ન હોય. તેમાં કવિઓના વિચારો વિશે ખાસ કાળજી રાખવી ઘટે. એમનું વાણીચાતુર્ય વિવેક કરવામાં ભૂલ ખવરાવી દે એવો સંભવ વધારે હોય છે. કવિની વાણી તોળેલી ભાગ્યે જ હોય. તે તોળીને બોલે તો કાવ્ય ન રહે. એ તો જે પક્ષ લે તેને ખૂબ ચીતરી નાખવામાં જ પોતાની શક્તિ ખર્ચે. આવું આ કવિની (ખલિલ જિબ્રાનની) વાણીમાંય છે. અને હોવું સ્વાભાવિક છે. એટલે એ વિચારોને વાચકે જાતેય વિચારવા જ.’

ગાંધીજીના ચુસ્ત અનુયાયી અને વિચારક કિશોરલાલ ઘ. મશરૂવાળાએ ખલિલ જિબ્રાનની ખ્યાતનામ કૃતિ ‘ધ પ્રોફેટ’નો સુંદર અનુવાદ ‘વિદાય વેળાએ’ શીર્ષક હેઠળ કર્યો ત્યારે, ૧૯૩૫, એ પુસ્તકની પ્રસ્તાવનાના અંતે ઉપરોક્ત વાત લખી.

સમાજ જેમને માનની નજરે જુએ છે એવા વિચારકોના દરેક વિચારને યથાતથ સ્વીકારી લેવા સામે મશરૂવાળા લાલ બત્તી ધરે છે. આ વિચારો સમાજને આપનારા લોકો પોતે કેવા હોય છે? ખલિલ જિબ્રાને ‘વિદાય વેળાએ’માં જ જે વાત લખી તે જ વાત મશરૂવાળાએ અલગ સંદર્ભમાં પ્રસ્તાવનામાં મૂકી છે. જિબ્રાનની આ વાતના પૂર્વાર્ધમાં તમને ભગવાન ઈસુ ખ્રિસ્તના સંદેશની પણ ઝલક દેખાશે. જિબ્રાન લખે છે: ‘અને તમારામાંથી કોઈ જો એકાદ બેવફા સ્ત્રીને સજા ફરમાવવા ઈચ્છે તો તેણે એના ધણીનાય હૃદયને કાંટામાં તોળી જોવું અને એનાય આત્માને માપી જોવો. અને જે ગુનેગારને ફટકારવા ઈચ્છે છે તેણે ફરિયાદીના જીવનનેય તપાસી લેવું અને હે ન્યાય તોળવા ઈચ્છનારા ન્યાયાધીશો, તેને તમે શી શિક્ષા ફરમાવો છો ભલા, કે જે શરીરે પ્રામાણિક છતાં મનથી ચોર છે?’

નીતિમત્તાની વાતમાં આ પ્રશ્ર્ન ઘણો અગત્યનો છે. જે ત્યાગ માત્ર તકના અભાવે ટકી રહ્યો છે એવા ત્યાગનું મૂલ્ય કેટલું? ચોરી કરવાની ખૂબ ઈચ્છા હોય છતાં એ માટેના અનુકૂળ સંજોગો ન સર્જાતા હોય એટલે જ માણસ આચરણમાં પ્રામાણિક દેખાતો હોય એને પ્રામાણિક કહી શકીએ?

ચોરી એટલે અહીં માત્ર ધનની જ ચોરી નહીં. નીતિની વ્યાખ્યામાં ન બંધાઈ શકે એવા સંબંધોથી માંડીને કોઈકનું અહિત કરવા સુધીનાં અનેક આચરણો આ ‘ચોરી’ના પરિઘમાં સમાઈ જાય. પણ આ દુનિયામાં છીંડે ચડે એ જ ચોર કહેવાય છે. એટલે જ આપણે ચોરી ન કરવાનો પ્રયત્ન નથી કરતા, માત્ર છીંડે ન ચડી જવાય એનો જ પ્રયત્ન કરતા રહીએ છીએ. મનમાં પ્રગટેલી ચોરીનો કોઈ હિસાબ હોતો નથી એટલે જ એવા ચોરનું આચરણ જ્યારે નીતિમય હોય તો એની પણ સમાજ પૂજા કરતો રહે છે. ખલિલ જિબ્રાનના જ શબ્દોમાં આ વાત મૂકીએ તો: ‘જે નીતિને (સદ્ગુણને) માત્ર પોતાના સારામાં સારા વસ્ત્ર તરીકે જ પહેરે છે તે દિગંબર રહે તો વધારે સારું’.

કોઈ વ્યક્તિનું એક પાસું આપણને ઉત્તમ લાગે ત્યારે આપણે એવું કેમ માની લઈએ છીએ કે એ વ્યક્તિનાં બધાં જ પાસાં ઉત્તમ હશે? ટીવીની કમર્શ્યલમાં રૂપાળી, પરફેક્ટ ફિગરવાળી યંગ મધર તરીકે દેખાતી મૉડેલગર્લને જોઈને તમને ક્યારેય એવો વિચાર નથી આવતો કે આ છોકરી જેટલી સેક્સી દેખાય છે એટલી જ સરસ દાળઢોકળી પણ બનાવતી હશે. પણ ધારો કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનું ઉત્કૃષ્ટ બાંસુરીવાદન સાંભળ્યા પછી તમને કોઈ લેખ કે સમાચાર દ્વારા ખબર પડે કે દાદા તરીકે એમણે પોતાના પૌત્ર – પૌત્રીઓનું અહિત કર્યું છે તો તરત તમારો ચહેરો પડી જાય (આ માત્ર કલ્પિત ઉદાહરણ છે. હકીકતમાં આવું કંઈ નથી બન્યું). સરસ સાહિત્ય લખતા લેખકની કલમના પ્રેમમાં તમે પડો અને રૂબરૂ પરિચય થાય ત્યારે એ માણસ ભયંકર તુંડમિજાજી, અતડો, અહંકારી, સ્વાર્થી, નીચ, હલકટ, લંપટ, ધોખેબાજ, નીરસ અને બેસ્વાદ લાગે ત્યારે શા માટે તમને નિરાશા થતી હોય છે? હાસ્યલેખકો અને હાસ્યકલાકારો પાસે સૌની અપેક્ષા હોય કે એમને રૂબરૂ મળીશું ત્યારે એ અમને ખૂબ હસાવશે પણ શક્ય છે કે એ વખતે તમને એ હાસ્યકાર એકદમ ગંભીર મિજાજના અને કદાચ મૂંજી પણ લાગે. કોઈ કવિ સાથે તમે દરિયાકિનારે સૂર્યાસ્ત જોતાં જોતાં ચાલતા હો ત્યારે તમે આશા રાખતા હો કે સંધ્યાનાં રંગો જોઈને કવિના મુખમાંથી કોઈ સુંદર પંક્તિઓ નીકળી પડશે પણ તે વખતે કવિ મહાશયની નજર ભેળપૂરીવાળાને શોધતી હોય એવું પણ બને. આવું બનવું સ્વાભાવિક છે. પણ જેઓ ઈમેજથી આકર્ષાયા હોય છે તેઓ આ વાત સ્વીકારી શકતા નથી.

આપણને મન જે વ્યક્તિ આદર્શ મિત્ર છે તે વ્યક્તિ એના કુટુંબ માટે આદર્શ પિતા કે આદર્શ પતિ ન પણ હોઈ શકે એવું આપણે સ્વીકારી શકતા નથી. ઑફિસમાં ખૂબ વફાદારીપૂર્વક કામ કરતો વર્ષો જૂનો કર્મચારી એના અંગત સંબંધોમાં એવી વફાદારી ન પણ દાખવી શકે એ વાત આપણે સ્વીકારી શકતા નથી.

આ જ દલીલને આગળ લઈ જઈએ. શહેરમાં કેળવણીકાર તરીકે વિખ્યાત બનેલા કે શાળા – કૉલેજોને લાખોનાં દાન આપનારાઓનાં ઘરના નોકરો કે એ એ નોકરોનાં છોકરાંઓને તેઓ ભણાવતા ન હોય કે ભણવાની પ્રેરણા ન આપતા હોય તો શું તેઓ કેળવણીકાર તરીકે નકામા થઈ ગયા? સ્કૂલ – મહાવિદ્યાલયોને એમણે આપેલાં લાખો – કરોડોનાં દાન એળે ગયાં?

હજુ આગળ વધીએ.

કોઈ સાધુસંતમહાત્માવિચારક – ચિંતક વ્યાખ્યાન આપતી વખતે ત્યાગની વાતો બહુ સરસ સમજાવે. અપરિગ્રહની ક્ધસેપ્ટ બરાબર આપણા મનમાં ઉતારી દે. આપણા જીવનનો આધ્યાત્મિક સ્તર ઊંચે લાવવાની કોશિશમાં આવાં વ્યાખ્યાનો અને પ્રવચનો કામિયાબ રહે. પણ એ જ સાધુસંતમહાત્માચિંતકવિચારકને તમે મોંઘીદાટ બીમરમાં કે મર્કમાં કે જેગ્વારમાં ફરતો જુઓ, ફાઈવ સ્ટાર્સના વૈભવમાં આળોટતા જુઓ કે લાખો – કરોડોનો વહીવટ કરતાં જુઓ તો તમને ધક્કો લાગે? શું કામ લાગવો જોઈએ? એમની વાતોથી તમારું જીવન તો સુધરી જ ગયું છે. હવે એમનું જીવન જેવું હોય તેવું, તમને શું કામ કોઈ ફરક પડવો જોઈએ?

બસ, કાલે વાત પૂરી.

આજનો વિચાર

બહેતી હવા સા થા વો…
ઉડતી પતંગ સા થા વો…
કહાં ગયા ઉસે ઢૂંઢો…

… ઓ ઊભો એટીએમની લાઈનમાં…

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

જ્યોતિષ: શેઠજી, માત્ર સો રૂપિયામાં તમારું ભવિષ્ય કહી આપું.

શેઠજી: મહારાજ, સૌ નહીં આ લો બે હજાર, પણ મોદીના મનની વાત કહો મને!

( મુંબઇ સમાચાર : બુધવાર, 14 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *