દંભનું જન્મસ્થાન બીજાઓની આપણા પ્રત્યેની અપેક્ષા છે

નીતિ એટલે શું? નિયમો એટલે શું? એ કોણે બનાવ્યાં? જેમણે બનાવ્યાં એમને એ અધિકાર કોણે આપ્યો? નીતિનિયમો ઘડનારાઓએ એ નિયમો પાળ્યા ખરા? સિદ્ધાંતોમાં માનતા અને ઉપદેશ આપતા મોટા મોટા ચિંતકો, બૌદ્ધિકો, વિચારકો અને લેખકોની સ્ટડી રૂમના એકાંતમાં લખવાની પેન અને શર્ટ કે ઝભ્ભાના છાતી પરના ખિસ્સામાં રાખીને બધાને દેખાડવાની પેન શું જુદી જુદી હોય છે? હાથીના ચાવવાના અને દેખાડવાના દાંતની જેમ?

કે પછી ચંદ્રનો શુકલ પક્ષ આવે અને કૃષ્ણ પક્ષ પણ આવે એમ દરેક વ્યક્તિની ઉજળી તથા અંધારી બાજુ પણ હોય છે એ વાત સ્વીકારી લેવાની?

દુનિયાને અને સમાજને માન્ય હોય એવા નીતિનિયમોને અનુસરી નથી શકતા ત્યારે જે ગિલ્ટ ફીલિંગ થાય છે તે થવી જરૂરી છે?

કોઈકે ચીતરી આપેલાં શમણાંઓ શા માટે આપણે જોવાં જોઈએ? એકાદ-બે રંગ ઓછા હશે તો ભલે, પણ આપણે આપણું પોતાનું પાંચ-સાડા પાંચ રંગનું મેઘધનુષ શા માટે ન રચીએ?

પણ એની સામે-

નીતિનિયમો વિનાના સમાજમાં ફેલાઈ શકે એવી અંધાધૂંધીમાં જીવવું શું શક્ય છે?

તો કરવું શું?

દંભનું મહોરું પહેરી લેવું?

કે પછી, એથીય ઉત્તમ-

નિખાલસતાના આવરણ હેઠળ આ દંભને છુપાવી દેવો.

પૉલ જ્હૉન્સનના પુસ્તક ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’ વાંચ્યા પછી થતા સામસામા છેડાના આ સવાલો છે અને એ સવાલોનો ઉત્તર મેળવવાનો અહીં પ્રયાસ થઈ રહ્યો છે.

એક આદર્શ આપણી સામે મૂકવામાં આવ્યો કે સત્ય બોલવું. ભગવાન રામથી માંડીને ગાંધીજી અને પશ્ર્ચિમના આધુનિક ચિંતકોથી માંડીને આપણા સંતમહાત્માઓએ આ આદર્શ આપણા પર લાદ્યો.

સત્ય બોલવાને કારણે ધંધામાં લાખો રૂપિયાનું સહન કરવું પડે એમ હોય ત્યારે પણ તમે સત્ય બોલો?

સત્ય બોલવાથી તમારી નોકરી છૂટી જવાની હોય અને તમારી પાસે પછી બીજો કોઈ જ વિકલ્પ રહેવાનો ન હોય, સિવાય કે ફૂટપાથ પર બેસીને ભીખ માગવાનો કે પછી ભૂખે મરવાનો તો તમે સત્ય બોલો?

સત્ય બોલવાને કારણે જો તમે જતનપૂર્વક ઉછેરેલો અને તમારે મન ખૂબ મહામૂલો હોય એવો સંબંધ કાયમ માટે તૂટી જવાનો હોય તો તમે સત્ય બોલો?

આમ છતાં સૌ કોઈ તમને સત્ય બોલવાનું કહેશે. નીતિમત્તાના પાઠ શીખવવા સહેલા છે. અમલમાં મૂકવા માત્ર અઘરા જ નથી, કેટલીક વખત અશક્ય પણ હોય છે.

આ નીતિમત્તા કોણ શીખવતું હોય છે આપણને?

માબાપ? મિત્રો? પુસ્તકો? ગુરુ? સમાજ? એમને કોણે શીખવ્યું? અગાઉ ઋષિમુનિઓ હતા, આજે તેઓ ચિંતકો-વિચારકો-લેખકો કહેવાય છે. પૉલ જ્હૉન્સન એમને ઈન્ટલેક્ચ્યુઅલ્સ કે બૌદ્ધિકો કહે છે.

વિદ્વત્તાભર્યા ગ્રંથો લખનારા કે ચિંતન મનનભર્યાં પ્રવચનો કરનારા આ મહાન પુરુષોનાં અંગત જીવનમાં પણ શું સત્ય, સિદ્ધાંત અને સારપને એટલું જ ઊંચું સ્થાન હોય છે જેટલું તેઓ બીજાના જીવનમાં એને રોપવાની કોશિશ કરે છે?

આ વિશે બે ભિન્ન મંતવ્યો છે સહેજ વિગતે જોયા પછી તારણ કાઢીએ.

બૌદ્ધિકો જ્યારે ઊંચા ઊંચા આદર્શોની વાતો પોતાના શ્રોતા કે વાચકો સુધી પહોંચાડતા હોય છે ત્યારે આ શ્રોતાઓ-વાચકો માની લેતા હોય છે કે આ ઈન્ટલેક્ચ્યુઅલ્સના અંગત જીવનમાં પણ આદર્શોનું કે નીતિમત્તાનું એટલું જ ઊંચું સ્થાન હશે જેટલું એમનાં પ્રવચનો કે લખાણોમાં હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ પ્રવચનો કે લખાણોમાં જે પ્રગટ થાય છે તે એમની ‘સ્ક્રીન ઈમેજ’ છે. આપણે સ્વીકારી શકતા નથી કે ફિલ્મ સ્ટાર્સની જેમ આ બૌદ્ધિકોની ‘સ્ક્રીન ઈમેજ’માં અંગત જિંદગીમાં ફરક હોઈ શકે છે. આવો ફરક નજરે ચડે કે તરત જ આપણે એમને દંભી હોવાનું લેબલ લગાડી દઈએ છીએ. સામે પક્ષે આ બૌદ્ધિકો પણ, માની લે છે કે પોતાની ‘સ્ક્રીન ઈમેજ’ અને અંગત જિંદગીમાં કોઈ તફાવત નથી અને જ્યારે એ તફાવત પ્રગટ થઈ જવાની એમને બીક લાગે છે ત્યારે તેઓ દંભનો આશ્રય લે છે.

તો શું આ તફાવત આપણે ચૂપચાપ સ્વીકારી લેવો જોઈએ?

એક મંતવ્ય એવું છે કે હા, સ્વીકારી લેવો જોઈએ કારણ કે દરેક વ્યક્તિની જિંદગીમાં જે જમા બાજુ હોય છે એમ ઉધાર બાજુ પણ હોઈ શકે છે. વ્યક્તિના વિચારોમાં તથા આચરણમાં રહેલો ભેદ સ્વીકારીશું તો જ એ વ્યક્તિની પાસે જે કંઈ સારું છે તે પામી શકીશું. ઓશો માટે આવો અભિપ્રાય ઘણાનો છે. રજનીશજીનાં પ્રવચનો તથા પુસ્તકોથી પ્રભાવિત થનારાઓનું કહેવું છે કે અમને માત્ર એમના શબ્દો સાથે નિસ્બત છે, એમની પાસે કેટલી રોલેક્સ કે રોલ્સ રૉયસ હતી કે તેઓ કેટલી શિષ્યાઓ સાથે શું શું કરતા એની વિગતોમાં કોઈ રસ નથી.

તો આ એક મત થયો કે જેમાં વ્યક્તિના અંગત જીવન તરફ આંખ આડા કાન કરીને એની ‘સ્ક્રીન ઈમેજ’ પૂરતી જ નિસબત રાખવામાં આવે. આ મત ધરાવનારાઓ પાસે એમની પોતાની સચોટ દલીલો પણ છે કે: માની લો કે તમને લતા મંગેશકરના પાડોશી પાસેથી ખબર પડે કે લતાબહેનનો સ્વભાવ એકદમ કંકાસિયો કે કકળાટભર્યો છે અને બહેન મહાન ગાયિકા હશે તો એમના ઘરે પણ બિલ્ડિંગની સોસાયટીવાળાઓ તો એમને કજિયાખોર તરીકે જ ઓળખે છે તો તમને શું ફરક પડે? લતા મંગેશકરે ગાયેલાં ગીતો સાંભળીને તમને જે આનંદ આવે છે એ આનંદ તસુભાર પણ ઓછો થાય? એ જ રીતે, ધારો કે તમને ખબર પડે કે એલિસ્ટર મેક્લીન કે જુલે વર્ન જેવા સાહસકથાઓના લેખક ઘરમાં વાંદો જોઈને છળી મરે છે એવી ખબર પડે તો શું એમની નવલકથાઓમાંથી મળતા સાહસના રોમાંચમાં ઓટ આવી જાય?

તો પછી શા માટે જેઓ જીવન વિશેના ઉત્તમ વિચારો તથા નીતિમત્તાની વાતો પોતાનાં વક્તવ્યો કે લખાણો દ્વારા રજૂ કરતા રહે છે એવા બૌદ્ધિકોનાં અંગત જીવનની કોઈ અવળી અસર આપણા મન પર પડવી જોઈએ? આપણને એમના વિચારો સાથે નિસબત હોવી જોઈએ, આચાર સાથે નહીં એવી સમજણ એ સમાજ કેળવે તો જ આ બાબતનો દંભ ઓછો થઈ શકે, કદાચ નામશેષ પણ થઈ શકે, કારણ કે દંભનું જન્મસ્થાન બીજાઓની આપણા પ્રત્યેની અપેક્ષા છે. આવી અપેક્ષામાંથી આપણે જો મુક્ત થઈ જઈએ તો સામેની વ્યક્તિએ દંભ રાખવાની કોઈ જરૂર નહીં પડે. એવું થાય તો તો નિખાલસતાની પણ જરૂર નહીં પડે, કારણ કે જ્યારે બધા બધું જ પ્રગટ થવા દેતા હોય ત્યારે જે પ્રગટે તે સહજ સ્વભાવ બની જાય, એને નિખાલસતાના વિશેષણથી શણગારવાની કોઈ જરૂર નહીં પડે.

દંભની જેમ નિખાલસતાથી બચવાની પણ જરૂર છે. કદાચ વધારે, કારણ કે નિખાલસતા પણ દંભનો જ એક પ્રકાર છે. સ્વભાવને નિખાલસતાનો ઢોળ ચડાવી દીધા પછી માણસો જન્મજાત દંભીઓ કરતાં પણ વધુ દંભ ખૂબ સગવડતાપૂર્વક આચરી શકતા હોય છે. આવી નિખાલસતા વધુ ખતરનાક એટલા માટે કે દેખીતા દંભથી તો બચીને ચાલી શકીએ પણ નિખાલસતા પાછળ છુપાયેલા દંભને ઓળખવો અને એનાથી બચવું વધારે કપરું કામ છે.

તો આ એક મત પ્રમાણે સ્વીકારી લઈએ કે ચંદ્રમાં પંદર દિવસ સુધી વત્તુંઓછું અજવાળું દેખાતું રહે અને પછી પંદર દિવસ સુધી ઓછુંવત્તું અંધારું દેખાય એ સ્વાભાવિક છે અને ક્યારેક પૂર્ણિમા તો ક્યારેક અમાસ દેખાડતો ચંદ્ર દંભી છે એવું આપણે કહેતા નથી (ઊલટાનું એને ચંદ્રની ‘કળા’ કહીએ છીએ) અને એની બેઉ બાજુઓને જેમ આપણે સ્વીકારી લીધી છે એ જ રીતે આપણને આદર્શો-સિદ્ધાંતોના પાઠ શીખવાડતા ઈન્ટલેક્ચ્યુઅલ્સ કે બૌદ્ધિકોની પણ બેઉ બાજુઓને આપણે સ્વીકારી લેવાની હોય.

રાઈટ?

રૉન્ગ!

ખલિલ જિબ્રાનનો દાખલો આપીને કિશોરલાલ ઘ. મશરૂવાળાએ શું કહ્યું હતું, યાદ છે?

કાલે યાદ કરીએ.

આજનો વિચાર

હોઠ સુધી પહોંચતા તારા સ્પર્શને
બે હાથોથી મહેસુસ કરું છું…
અંતે તારી ખુશ્બુ હું
મારા રોમેરોમમાં મહેસુસ કરું છું…

(આમાં કવિ ૧૩૫ના માવાને ઘસીને ખાતી વખતે તેની પ્રશંસા કરી રહ્યા છે!)

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

શિક્ષક: એક બંધ બાંધવાનો ખર્ચ ૧૦ કરોડ રૂપિયા આવે તો બે બંધ બાંધવાનો ખર્ચ કેટલો આવે?

બકો: ૧૦૦ કરોડ.

શિક્ષક: નાલાયક, કઈ સ્કૂલમાંથી આવું શીખી લાવ્યો?

બકો: સર, શરદ પવાર પ્રાથમિક મહાવિદ્યાલય, બારામતી.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 13 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *