હૃદયહીન આદર્શોના જુલમ જેવી સરમુખત્યારી બીજી એકેય નથી

એક આખી પેઢીના દિમાગમાં નવા આર્થિક-રાજકીય-સામાજિક વિચારોની ચિનગારી પેટાવનાર કાર્લ માર્ક્સ પોતાની થિયરી લોકોને ગળે ઉતારવા વૈચારિક છેતરપિંડી કરતા. આવી માહિતી પૉલ જ્હૉન્સને ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’માં આપી છે. આંકડાઓથી લોકો ઈમ્પ્રેસ થતા હોય છે. માર્ક્સ પોતાની થિયરીને અનુકૂળ આવે એવા જૂના આંકડાઓ પોતાના લેખોમાં પાથરતા. મૂડીવાદ વિરુદ્ધ વાત કરતી વખતે જે ઉદ્યોગોના દાખલા ટાંકતા તે એવા જ ઉદ્યોગો હતા જેની બજાર પરિસ્થિતિ એકદમ કંગાળ હોય. માર્ક્સ ભયંકર ક્રોધી હતા, આપખુદ હતા, કડવા હતા અને કોઈ પોતાની ટીકા કરે તો ખૂબ ગુસ્સે થતા. રૂસોની જેમ જ એ બધા સાથે ઝઘડતા, કોઈ સારી સલાહ આપવા આવે ત્યારે તો ખાસ. પૈસાની તકલીફ માર્ક્સને સતત રહેતી. માર્ક્સે દુનિયાભરના મજૂરોનાં શોષણ વિરુદ્ધ ચેતના જગાવી. પણ માર્ક્સના પોતાના જ ઘરમાં જે બાઈએ કપડાં, વાસણ, રસોઈ અને ઘરકામ ચાર દાયકા સુધી કર્યા તેને માર્ક્સે એક પાઈ પરખાવી નહોતી. સિત્તેરેક વર્ષનીઉંમરે ગુજરી ગયેલી આ સ્ત્રી નામે લેન્શેન પચ્ચીસ વર્ષની હતી ત્યારે એને માર્ક્સથી એક પુત્ર થયો હતો. આની જાણ માર્ક્સની પત્નીને થઈ ત્યારે પતિ પ્રત્યેનો એનો પ્રેમ ઓસરી ગયો હતો. આ દીકરો ફ્રેડી અદ્લોઅદ્લ માર્ક્સ જેવો જ દેખાતો પણ મરતાં સુધી માર્ક્સે કબૂલ્યું નહીં કે પોતે એનો પિતા છે.

‘ડોલ્સ હાઉસ’ જેવાં અનેક ઉત્કૃષ્ટ નાટકોના વિશ્ર્વવિખ્યાત લેખક હેન્રિક ઈબ્સનને જિંદગીભર પારિતોષિક, અવૉર્ડો તથા સન્માનોની ગજબની વાસના હતી એવું પૉલ જ્હૉન્સને ‘ઈન્ટલેકચ્યુઅલ્સ’માં નોંધ્યું છે. નાટકો દ્વારા ઈબ્સન જેમ જેમ શ્રીમંત થતા ગયા એમ એ પોતાનાં માબાપ, ભાઈ-ભાંડુથી દૂર થવા લાગ્યા. કારણ કે એમને ડર હતો કે આ કુટુંબીજનો પોતાની પાસે પૈસા માગ માગ કરશે. પોતાના સગા અપંગ નાના ભાઈ સાથે પણ એમણે સંબંધ ન રાખ્યો. પોતાનાથી દસ વર્ષ મોટી એક ઘરનોકરાણીથી ઈબ્સનને પુત્ર થયો હતો જે આજીવન અનોરસ રહ્યો. આ પુત્ર હાન્સ જેકબને ઈબ્સન જિંદગીમાં એક જ વાર મળ્યા. આ દીકરો ૪૬ વર્ષનો થયો ત્યારે સાવ નિર્ધન દશામાં એ પિતા પાસે પૈસા માગવા ગયો. ઈબ્સને એને ઓળખ્યો ખરો પણ એના હાથમાં માંડ પાંચ ક્રાઉન પકડાવીને કહ્યું, ‘તારી માને પણ મેં આટલી જ રકમ આપી હતી, તારા માટે પણ પૂરતી થઈ રહેશે.’ અને બાપે ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો. એ પછી બાપ-દીકરો ક્યારેય મળ્યા નહીં. ઈબ્સનના વિલમાં પણ આ દીકરાને એક પાઈ પરખાવવામાં આવી નહોતી.

ઈબ્સન ભયંકર સ્વાર્થી હતા અને પૈસાના જબરજસ્ત ભૂખ્યા હતા. પૈસા મેળવવા જુઠ્ઠું બોલતાં જરાય અચકાતા નહીં. ઈબ્સનને સ્ત્રીઓ ગમતી, જુવાન છોકરીઓ વધારે ગમતી. બીજાઓની જેમ ઈબ્સને પણ મિત્રોની ઈર્ષ્યા કરીને એમની સાથે ઝઘડા કર્યા છે અને પોતાના પર ઉપકાર કરનારાઓ પ્રત્યે કાં તો ઠંડું વલણ અપનાવ્યું છે કાં તો એમની સાથેય ઝઘડો કર્યો છે.

‘થ્રી પેની ઓપેરા’ જેવા જગમશહૂર નાટકોના લેખક બર્ટોલ્ટ બ્રેખ્ત નાટકમાં કામ કરવા આવતી છોકરીઓને ફસાવતા. આજીવન વુમનાઈઝર તરીકે ઓળખાયેલા બ્રેખ્ત ઓછામાં ઓછા બે અનૌરસ સંતાનોના પિતા હતા.

૧૯૭૦માં અઠ્ઠાણું વર્ષની ઉંમરે ગુજરી ગયેલા વિશ્ર્વવિખ્યાત ચિંતક-લેખક બર્ટ્રાન્ડ રસેલ શાંતિના ચાહક હતા, યુદ્ધના વિરોધી હતા. ૧૯૫૯માં બીબીસીના ‘ફેસ ટુ ફેસ’ ઈન્ટરવ્યૂમાં રસેલને અમુક દસ્તાવેજો દેખાડવામાં આવ્યા ત્યારે એમણે જાહેરમાં કબૂલ્યું કે, ‘હા, મેં રશિયા સાથે યુદ્ધ કરવાની સલાહ આપી હતી. મને એવું બોલવાનો પસ્તાવો નથી! ત્યાર બાદ રસેલે બી.બી.સી.ના ‘લિસનર’ નામના સાપ્તાહિકમાં પત્ર લખીને ખુલાસો કર્યો કે: ‘હકીકતમાં હું સાવ ભૂલી જ ગયો હતો કે મેં આવો કોઈ વિચાર કર્યો હતો. ગયા વર્ષે બે ભાઈઓએ દસ વર્ષ પહેલાં મેં વ્યક્ત કરેલા આ વિચારો તરફ મારું ધ્યાન દોર્યું ત્યારે મેં મારા જ વિચારો અચંબાથી વાંચ્યા હતા.’ પાછળથી રસેલે આત્મકથાના ત્રીજા ભાગમાં લખ્યું: ‘મેં એવી સલાહ આપી ત્યારે મને ખબર નહીં કે લોકો એને આટલી ગંભીરતાથી લેશે. મેં તો સાવ વાતવાતમાં આવા વિચારો વ્યક્ત કર્યા હતા અને પાછળથી એક અંગત પત્રમાં લખ્યા હતા અને એક જાહેરસભામાં કહ્યા હતા. પ્રેસવાળાઓ એની આટલી બારીકાઈથી છણાવટ કરશે એની તો મને કલ્પના જ નહીં.’

ફ્રી લવ અથવા તો મુક્ત સહચાર, લગ્નમાં સાથીદારીની ભાવના, છૂટાછેડાની પ્રથામાં ફેરફારો, છોકરા-છોકરીનું સહશિક્ષણ – આ બધા વિષયો વિશેના બર્ટ્રાન્ડ રસેલના વિચારો દાયકાઓથી દુનિયાભરમાં જાણીતા થયા છે. સ્ત્રી, સમાજજીવન, બાળકો અને માનવીય સંબંધો વિશેના રસેલના વિચારોમાં કવિ પર્સી શૈલી ડોકાય છે, અને શૈલીની જેમ જ રસેલના સ્ત્રીઓ સાથેના સંબંધો એમની કાગળ પરની થિયરી જેવા નહોતા. રસેલે પોતે જેમને ત્યાં મહેમાન બનીને ઊતર્યા હતા એમની જ પત્નીને પતિની ગેરહાજરીમાં પોતાના તરફ આકર્ષી હતી. રસેલ પોતાની સ્ત્રીસાથીઓ સાથે સંપૂર્ણ નિખાલસતાથી બધી જ વાતો એકબીજાને કહી દેવાનું વચન માગતા, આપતા પણ ખરા, પરંતુ ભાગ્યે જ પાળી શકતા. રસેલના શારીરિક સંબંધોમાં હાય સોસાયટીની મહિલાઓથી માંડીને ઘરની નોકરાણી સુધીનાં પાત્રોનો સમાવેશ થાય છે.

ઘણા ચિંતકો અને વિચારકો ફિલોસોફીને પોતાના વ્યવસાયરૂપે અપનાવતા હોય છે, જીવનશૈલીરૂપે નહીં. આવા ‘પ્રોફેશનલ ફિલોસોફરો’માં બર્ટ્રાન્ડ રસેલ ઉપરાંત પૉલ જ્હૉન્સન ઝયાં પૉલ સાર્ત્રનો પણ સમાવેશ કરે છે. અસ્તિત્વવાદનો વિચાર સાર્ત્ર તરફથી પશ્ર્ચિમી દુનિયાને મળ્યો. પ્રસિદ્ધ બૌદ્ધિકોની જેમ સાર્ત્ર પણ ભારોભાર અહંકારી હતા. દેખાવમાં કદરૂપા લાગતા સાર્ત્રનું દિમાગ તેજ હતું. સુંદર સ્ત્રીઓને એ આ દિમાગ વડે આકર્ષી લેતા. સાર્ત્ર કહેતા: ‘હું બેડોળ છું એવો ભાર મારા મન પર ન રહે એટલે હું આવું કરું છું.’ સાર્ત્ર દારૂડિયા હતા. દારૂડિયા શબ્દ જે લોકો રોજ ક્ધટ્રોલમાં રહીને દારૂ પીએ છે એમના માટે નથી વપરાતો. દારૂ પીને છાકટા બની જાય અને દારૂ વિના તરફડિયાં મારે એવા લોકોને દારૂડિયા કહેવામાં આવતા હોય છે. સાર્ત્રને એક વખત દારૂના નશામાં પ્રવચન કરતાં ન ફાવ્યું એટલે સ્ટેજ પરથી નીચે ઊતરી જવું પડ્યું હતું. માણસનું ચારિત્ર્ય અને માણસનું મહત્ત્વ એના વ્યવહાર-વર્તન પરથી નક્કી થાય છે, એના વિચારો પરથી નહીં; એના કર્મ પરથી નક્કી થાય છે, એના શબ્દો પરથી નહીં. અસ્તિત્વવાદનો આ સાર છે. પણ સાર્ત્રે જિંદગી આખી લખ લખ કર્યું, બોલ બોલ કર્યું અને વિચારોને અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો ખરો પણ બહુ જ ઓછો. સિમોન દ બુવાર સાથેના સંબંધો ઉપરાંત બીજી અનેક છોકરીઓ તથા સ્ત્રીઓ સાથેના સંબંધો વિશે પોૅલ જ્હૉન્સને ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’માં વિગતે લખ્યું છે. સાર્ત્ર પોતાનું વ્યક્તિત્વ પારદર્શક હોય એની કાળજી રાખતા, પણ એમની આ પારદર્શિકતામાં, નિખાલસતામાં પણ તકવાદીપણું હતું. માત્ર પોતાને અનુકૂળ આવે એવી નિખાલસતા સાર્ત્રમાં હતી. સાર્ત્રની ઉંમર જેમ જેમ વધતી ગઈ તેમ તેમ એમની સ્ત્રી સાથીઓની ઉંમર ઘટતાં ઘટતાં સત્તર અઢાર વર્ષ પર આવી ગઈ.

સાર્ત્ર ઉપરાંતના કેટલાક બૌદ્ધિકો વિશે પણ પૉલ જ્હૉન્સને લખ્યું છે. આ અને એ તમામ બૌદ્ધિકો વિશે ટૂંકમાં તમે કહી શકો કે આ બધા જ સ્ત્રીઓની બાબતમાં એકપત્નીત્વધારી અથવા તો એકમિત્રત્વધારી નહોતા. બીજું મોટાભાગનાઓએ મિત્રો સાથે દગાખોરી કરી. ત્રીજું, પૈસાની બાબતમાં બહુ ઓછા બૌદ્ધિકોના હાથ ચોક્ખા હતા. ચોથું અને સૌથી મહત્ત્વનું પાસું એ કે પોતાની નીતિઓ, પોતાના વિચારોની બાબતમાં તથા પોતાના જીવન-વ્યવહારોની બાબતમાં આ લોકોએ મોટેભાગે ડબલ સ્ટાન્ડર્ડઝ રાખ્યાં.

આ ચારસો પૃષ્ઠના પુસ્તકનો એક પાનામાં જ ઉપસંહાર લખતાં પૉલ જ્હૉન્સન કહે છે: ‘આ બૌદ્ધિકો સમગ્ર માનવજાત પ્રત્યે કેવા ભવ્ય વિચારો ધરાવતા એ વાત એક પલ્લામાં છે અને પોતાના મિત્રો, સાથીઓ, નોકરો તથા સૌથી વધુ તો કુટુંબીજનો સાથે કેવો વ્યવહાર કરતા એ વાત બીજા પલ્લામાં છે… ગમે એટલો મોટો શિક્ષણશાસ્ત્રી, લેખક કે ફિલોસોફર ઊભો થઈને આપણે કેવું જીવન જીવવું જોઈએ એ વિશે ઉપદેશ આપવા મંડી પડે છે ત્યારે મેં જોયું છે કે સામાન્ય પ્રજાને હવે લાગે છે કે આવું બોલવાનો એમને હક્ક નથી. મંદિરના પૂજારીઓ, મઠના મહંતો કે ભૂવાઓ કરતાં આ બૌદ્ધિકો વધુ ડાહ્યા નથી એવી માન્યતા હવે જોર પકડતી જાય છે. આ બૌદ્ધિકો જે વાત હંમેશાં ભૂલી જાય છે એ વાત આપણે સતત યાદ રાખવી જોઈએ કે વિચાર કરતાં વ્યક્તિનું મહત્ત્વ વધારે છે. ચાહે એ જાહેર જીવન હોય કે અંગત – હૃદયહીન આદર્શોના જુલમ જેવી સરમુખત્યારી બીજી એકેય નથી.’

પૉલ જ્હૉન્સનના આ પુસ્તકમાંની માહિતીનો મધ્યવર્તી ધ્વનિ છે કે દરેક વ્યક્તિને બે બાજુ હોય છે. તમારે નક્કી કરવાનું કે તમને કઈ બાજુથી નિસબત છે. આવતી કાલનો છેલ્લો લેખ વાંચવા પહેલાં નક્કી નહીં કરી લેતા કે તમને કઈ બાજુથી નિસબત છે.

આજનો વિચાર

લગ્નની મોસમ દરમિયાન રિસેપ્શનમાં જમ્યા બાદ ચાંદલો કર્યા વિના નીકળી જઈએ એને…

…કૅશલેસ ટ્રાન્ઝેક્શન કહેવાય?

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

ડૉક્ટર: દરરોજ સવારે હૂંફાળું પાણી પીવાનું રાખો.

બકો: એ તો હું છેલ્લાં પચીસ વર્ષથી પીઉં છું. મારી વાઈફ એને ચા કહે છે.

( મુંબઇ સમાચાર_ : સોમવાર, 12 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *