ન્યાયતંત્ર મિડિયાથી દોરવાઈ જાય ત્યારે

એમિકસ ક્યુરાઈ (અથવા ક્યુરિ, બેઉ બોલાય) એટલે સાદી ભાષામાં અદાલતમિત્ર. આ લેટિન ટર્મ એવી વ્યક્તિ માટે વપરાય જે કોર્ટને સહાય કરતી હોય પણ બેમાંથી કોઈ પક્ષ સાથે નાતો ધરાવતી ન હોય. ઈન અ વે ન્યાય તોળવામાં (કે તોળાઈ ચૂકેલા ન્યાયની બાબતમાં) ન્યાયાધીશને સલાહ આપે એવી વ્યક્તિને એમિકસ ક્યુરિ અથવા તો સાદી બોલચાલની ભાષામાં અદાલતમિત્ર કહેવાય.

સંજય હેગડે નામના ભારતના એક સિનિયર એડવોકેટ નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટના એમિકસ ક્યુરિ છે. દિલ્હીના નિર્ભયા કેસ વિશે તમે જાણો છો. આજથી બરાબર ચાર વર્ષ પહેલાં આ ‘ગુડ મૉર્નિંગ’ કૉલમની સેક્ધડ સીઝન શરૂ થઈ હતી. ૧૧ ડિસેમ્બર ૨૦૧૨. એના પાંચ દિવસ પછી દિલ્હીમાં ૨૩ વર્ષની એક ફિઝિયોથેરપીની સ્ટુડન્ટ જ્યોતિ સિંહ પર બસમાં ગૅન્ગ રેપ થયો, એને ખૂબ રિબાવવામાં આવી. ડ્રાઈવર સહિત બસમાં છ જણ હતા. આ હેવાનિયતભર્યા બનાવના ૧૧ દિવસ બાદ જ્યોતિની વધુ સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવી જ્યાં બે દિવસ પછી એનું અવસાન થયું.

આ કિસ્સાએ બધાને હચમચાવી દીધા. આવી કમકમાટીભરી ઘટના બને એને લીધે સંવેદનશીલ વ્યક્તિઓ ખૂબ પીડા અનુભવે એ સ્વાભાવિક છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો. એ દરમ્યાન એક આરોપી નામે રામ સિંહે તિહાર જેલમાં આપઘાત કરી લીધો. રામ સિંહના કુટુંબ અને એના વકીલને લાગે છે કે એ સુસાઈડ નહીં પણ મર્ડરનો કિસ્સો હતો. ૨૦૧૩ની ૧૦મી સપ્ટેમ્બરે બાકીના ચાર આરોપીઓને ગુનેગાર ઠેરવીને ત્રણ દિવસ બાદ ચારેયને ફાંસીની સજા સુણાવવામાં આવી. પાંચમો સગીર વયનો હતો, એને ત્રણ વર્ષની સજા માટે સુધારણા કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો. સેશન્સના આ ચુકાદાને ૧૩ માર્ચ ૨૦૧૪ના રોજ દિલ્હી હાઈ કોર્ટે પણ મંજૂરી આપી.

નિર્ભયા કેસની ટૂંકમાં આટલી વિગતો છે – તમારી મેમરી હવે રિફ્રેશ થઈ ગઈ હશે. આ કમનસીબ બનાવ બન્યો ત્યારે અનેક એન.જી.ઓ.ના કાર્યકરો મીણબત્તી લઈને રસ્તામાં ઊતરી પડ્યા હતા. મિડિયાએ ખૂબ ઊહાપોહ મચાવ્યો હતો. તે વખતે જે હાઈ્પ ઊભો થયેલો તે હાઈ્પની ટીકા કરતો એક પીસ એ જ ગાળામાં મેં ‘ગુડ મૉર્નિંગ’માં લખ્યો હતો.

તે વખતે મેં જે કહેલું તે જ અત્યારે કહેવાનું છે. આવા કિસ્સાઓ નિંદનીય છે અને એના આરોપીઓ કડકમાં કડક સજાને પાત્ર છે, પરંતુ આ કે આવા કોઈ પણ કિસ્સાને મિડિયા તથા એન.જી.ઓઝની બહેનજીઓ પોતાના સ્વાર્થ ખાતર (હા, હન્ડ્રેડ પર્સેન્ટ પોતાના સ્વાર્થ ખાતર) જ્યારે હદ બહાર ચગાવે છે ત્યારે અદાલતો પર સીધું પ્રેશર પડતું હોય છે કે કંઈ પણ કરો પણ સાલાઓને છોડતા નહીં. જો અદાલત તટસ્થ બનીને ન્યાય તોળે અને જે ગિલ્ટી છે તેને સજા કરે તો મિડિયાવાળા અદાલત પર તૂટી પડશે કે બાકીનાઓને કેમ છોડી દીધા? અદાલત કરપ્ટ છે, એવો આક્ષેપ લગાવશે.

આવું જ બનતું આવ્યું છે ભૂતકાળના અનેક કિસ્સાઓમાં. ખાસ કરીને ૨૦૦૨માં થયેલાં ગુજરાતનાં રમખાણોના કેસીઝમાં. અદાલતો પર સેક્યુલર મિડિયાનું એટલું મોટું પ્રેશર હતું કે અદાલત જો હિન્દુ આરોપીઓને નિર્દોષ છોડી મૂકે કે મુસ્લિમ આરોપીઓને સજા કરે તો અદાલત પર પક્ષપાતી વલણ દાખવવાનો આક્ષેપ થતો.

આ જ મિડિયાએ ડિસેમ્બર ૨૦૧૨ અને જાન્યુઆરી ૨૦૧૩માં નિર્ભયાનો કેસ હાઈજૅક કરીને એવો માહોલ ઊભો કરી દીધો કે છએ છ આરોપીઓને જો ફાંસીના માંચડે લટકાવવામાં નહીં આવે તો જાણે આ કેસના જજ કરપ્ટ છે એવું એમના પર લાંછન લાગશે.

થિયોરેટિકલી દરેક જજ નિષ્પક્ષ હોવા જોઈએ. પોતાની કોર્ટમાં જે કેસ ચાલે છે તેના વિશે બહારની દુનિયામાં શું બોલાય છે તે વિશે તેઓ અલિપ્ત રહેવા જોઈએ. છાપાંમાં કે ટીવી પર એ કેસ વિશે જે કંઈ ટીકાટિપ્પણી થતી હોય તેની એમના મગજ પર કે ચુકાદા પર સહેજસરખી અસર પડવી જોઈએ નહીં.

આ બધી માત્ર આદર્શની વાતો થઈ. વાસ્તવમાં, મોટા ભાગના જજ પર મિડિયાની, વગદાર લોકોની, પોલીસની, પબ્લિક પ્રોસિક્યુટરની, ડિફેન્સ લૉયરની, સરકારની તેમ જ પોતાના ઉછેરના વાતાવરણની તેમ જ એ ઉછેરના વાતાવરણને કારણે ઘડાયેલી માનસિકતાની વત્તેઓછે અંશે અસર પડવાની, પડવાની ને પડવાની જ.

નિર્ભયા કેસમાં પેલા જુવેનાઈલને ત્રણ વરસની સજા થઈ ત્યારેય કેટલાક લોકોએ જજને પીંખી નાખ્યા કે આ છોકરાને ત્રણ વર્ષની જ સજા શું કામ કરી, સાલાને ફાંસીએ લટકાવી દેવો જોઈએ. એ પહેલાં રામ સિંહની હત્યા તિહાર જેલમાં થઈ એનું પણ એ જ કારણ. દુનિયાભરની કોઈ પણ જેલમાં રેપિસ્ટને બરદાસ્ત કરવામાં નથી આવતો.

નિર્ભયા કેસને રોજેરોજ પહેલા પાને છાપીછાપીને શેરડીના સાંઠાની જેમ એનો રસ ચૂસી લેનાર મિડિયાને આ મહિનાની બીજી તારીખે આવેલા સમાચારમાં સહેજ પણ રસ પડ્યો નહીં કે નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટના એમિકસ ક્યુરિ સંજય હેગડેએ અદાલતને સબમિટ કરેલા રિપોર્ટમાં સરકારી વકીલે પેશ કરેલા પુરાવાઓની સચ્ચાઈ માટે શંકા વ્યકત કરી છે.

અગાઉ એમિકસ ક્યુરિ નંબર ટૂ રાજુ રામચન્દ્રને પણ જે રિપોર્ટ સબમિટ કર્યો હતો તેમાં પણ ફાંસીની સજા ફરમાવવા માટે અદાલતે જે પ્રોસીજર અપનાવી તેની સામે સવાલો ઊભા કર્યા હતા. રાજુ રામચન્દ્રન પણ સિનિયર એડવોકેટ છે. હેગડેના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘આરોપીઓ સામે અદાલતમાં નિષ્પક્ષ ન્યાય તોળવામાં નથી આવ્યો.’

રિપોર્ટમાં વિક્ટિમ જ્યોતિ સિંહના ડાઈંગ ડિક્લેરેશન અને એના બૉયફ્રેન્ડે જે નિવેદન આપ્યું તે વચ્ચેની અસંગતિઓ પ્રત્યે અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું છે. હેગડે કહે છે કે બૉયફ્રેન્ડે પહેલાં પોલીસને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેમાં ક્રમશ: સુધારો-ઉમેરો થતો ગયો. સરકારનો કેસ વધુ ને વધુ મજબૂત કરવા માટે આવું થતું હતું એવી છાપ પડે છે.

એમિકસ ક્યુરિના રિપોર્ટને સ્વીકારવો કે ફગાવી દેવો એની સત્તા અદાલત પાસે છે, એટલું તમારી જાણ ખાતર.

હેગડેના રિપોર્ટમાં જણાવાયું છે કે જ્યોતિ સિંહ ઉર્ફે નિર્ભયાના ડાઈંગ ડિક્લેરેશનમાં પણ એકસૂત્રતા નથી. પ્રથમ ડાઈંગ ડિક્લેરેશનમાં કોઈ વ્યક્તિનાં નામ નથી. બીજા ડાઈંગ ડિક્લેરેશન વખતે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી અને એમાં ઘણા બધાં નામો ઉમેરાયાં છે તે ત્રીજામાં અચાનક વિપિન નામના આરોપીનું નામ ફૂટી નીકળે છે.

હેગડેનું કહેવું છે કે એક કરતાં વધુ ડાઈંગ ડિક્લેરેશન કાયદામાં માન્ય છે અને એ દરેકમાં નાનીનાની થોડીક બાબતોમાં અસંગતિ પણ હોવાની પણ આ કેસમાં દરેક ડાઈંગ ડિક્લેરેશનમાં જે રીતનું ઈમ્પ્રુવમેન્ટ જોવા મળે છે તે જોતાં એને આધારભૂત પુરાવો ગણી શકાય નહીં. પ્રોસિક્યુશનની સગવડ માટે આ નિવેદનો ગોઠવીને નોંધાયાં હોય એવી છાપ પડે છે.

સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટ પહેલાં જ ચાર આરોપીઓની ફાંસીની સજા પર સ્ટે આપી દીધો છે.

મિડિયા હાઈ્પમાં નાદાન વાચકો અને ટીવી દર્શકો તણાઈ જાય ત્યાં સુધી ઠીક છે. જજસાહેબો પણ જો તણાઈ જશે તો આ દેશનું ન્યાયતંત્ર ડૂબી જશે.

કાગળ પરના દીવા

પ્રાઈમ મિનિસ્ટરે કહ્યું: ગો કૅશલેસ અને માત્ર એ.ટી.એમે જ આ વાત સિરિયસલી લીધી!

– વૉટ્સએપ પર ફરતું

સન્ડે હ્યુમર

બકો: આ લો, મેનેજરસાહેબ! મારા ખાતામાં ૫૦,૦૦૦ ભરી દો.

બેન્ક મૅનેજર: અલ્યા, તું તો કડકો છે. આટલી બધી નોટો ક્યાંથી લાવ્યો.

બકો: સાહેબ, ગામ આખું ભરે છે તો આબરૂ સાચવવા વ્યાજે ૫૦૦-૧૦૦૦ની નોટો લઈ આવ્યો!

( મુંબઇ સમાચાર : રવિવાર, 11 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *