હેમિંગ્વે, રૂસો અને શેલીના સિક્કાની બીજી બાજુ

‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ નવલકથાના લેખક અને નોબેલ પારિતોષિક વિજેતા અર્નેસ્ટ હેમિંગ્વેનાં લખાણોમાં જબરજસ્ત મૌલિકતા હતી અને અંગત જીવનમાં હેમિંગ્વે તદ્ન જુઠ્ઠા, નગુણા અને બેવફા હતા. પૉલ જ્હૉન્સને ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’માં હેમિંગ્વેનું જે શબ્દચિત્ર દોર્યું છે તેનો આ સાર છે.

જેણે પોતાને ધાર્મિક, નૈતિક અને સૈદ્ધાંતિક જીવન જીવવાના સંસ્કાર આપવાની નિષ્ફળ કોશિશ કરી એ સગી માતાને હેમિંગ્વે પોતાની દુશ્મન ગણતા. હેમિંગ્વે ધર્મને સરેઆમ તિરસ્કૃત કરતા છતાં બીજી પત્ની પૉલિનની ખુશ કરવા એમણે લગ્ન પછી રોમન કેથલિક ધર્મ અંગીકાર કર્યો.

પોતાની પબ્લિસિટી કરવામાં હેમિંગ્વે ઉસ્તાદ હતા. હેમિંગ્વેને બણગાં ફૂંકવાની ખૂબ આદત હતી. અતિશયોકિત કરીને તેઓ લખતા: ‘આજે મારી પચાસમી વર્ષગાંઠ ઊજવવા મેં ત્રણ વાર સંભોગ કર્યો, શૂટિંગ ક્લબમાં જઈને દસ કબૂતરો ઉડાવી દીધાં, મિત્રો સાથે દારૂનું આખું ક્રૅટ પી નાખ્યું અને આખી બપોર સમુદ્રમાં જઈને મોટી માછલી પકડવા માટે શોધ ચલાવી.’

હેમિંગ્વેએ પોતે ઘણીવાર કબૂલ કર્યું છે કે જુઠ્ઠાણું લેખક બનવાની પોતાની તાલીમનો એક ભાગ છે. હેમિંગ્વની આત્મકથા ‘અ મૂવેબલ ફિસ્ટ’ અનેક જૂઠાણાંઓથી ભરેલી છે. ઘણા લેખકોની આત્મકથા જૂઠાણાંઓથી ભરેલી હોય છે. દાખલા તરીકે હેમિંગ્વેએ લખ્યું છે કે પોતાની સગી બહેન બાર વરસની હતી ત્યારે કોઈક સેકસવિકૃત માણસે એના પર બળાત્કાર કર્યો હતો, વર્ષો પછી બહેનનાં લગ્ન થયાં પણ પછી છૂટાછેડા થઈ ગયા અને એ મરી ગઈ. હકીકતમાં એ લખાયું ત્યારે બહેન કેરોલ મિસ્ટર ગાર્ડનર નામના સજ્જન સાથે સુખેથી જીવતી હતી. પણ હેમિંગ્વેને મા પ્રત્યે હતો એમ બહેન માટે પણ તિરસ્કાર હતો.

હેમિંગ્વેએ લશ્કરમાં જોડાવું પડ્યું હતું. એમના કહેવા મુજબ નબળી આંખને કારણે એમને સરહદ પર લડવાની ફરજમાં મૂકવામાં નહોતા આવ્યા. હકીકત એ હતી કે એમણે પોતે મરજીથી અને સામે ચાલીને નૉન-કૉમ્બાટ ડ્યૂટી લીધી હતી.

હેમિંગ્વે પોતાની સાથે એક ગુંડાટોળકી રાખતા. એમની વાર્તાઓ – નવલકથાઓમાં પાત્રો દ્વારા દોસ્તીના અને વફાદારીનાં ગુણગાન ગવાતાં. એમના અંગત જીવનમાં એ બધા જ સાથે ઝઘડ્યા કરતા. લેખકોમાં કે કોઈ પણ કળાકારોમાં કે પછી સામાન્યજનોમાં નૉર્મલી એકબીજા પ્રત્યે જેટલી ઈર્ષ્યા હોય તેના કરતાં અનેકગણા ઈર્ષ્યાળુ હેમિંગ્વે હતા. બીજાની ટેલન્ટ અને બીજાના સક્સેસથી એ જલી જતા. પોતાને જેમની સાથે દુશ્મનાવટ થઈ ગઈ હોય એવા અનેક લેખકો તેમ જ એ લેખકોની પત્નીઓ વિશે હેમિંગ્વેએ પોતાની આત્મકથામાં પારાવાર જુઠ્ઠાણાંઓ લખ્યાં છે. હેમિંગ્વેના એક પુસ્તક ‘ટુ હેવ ઍન્ડ હેવ નૉટ’માંનાં આવાં જુઠ્ઠાણાં એના પ્રકાશકે વકીલની સલાહને કારણે કાઢી નાખ્યાં હતાં.

હેમિંગ્વનાં પ્રથમ પત્ની હેડલી રિચર્ડસન શ્રીમંત હતાં, હેમિંગ્વે કરતાં આઠ વર્ષ મોટાં હતાં, રૂપાળાં પણ બહુ હતાં. હેમિંગ્વે નવલકથાઓ લખીને જાણીતા થયા અને એમનાં પુસ્તકો લાખોમાં વેચાતાં થયાં ત્યાં સુધી એમણે પ્રથમ પત્નીના પૈસે ખૂબ જલસા કર્યા. હેમિંગ્વે પત્નીની હાજરીમાં બીજી સ્ત્રીઓ સાથે શારીરિક ધીંગામસ્તી કરતા. પૉલિન પ્રથમ પત્ની કરતાં વધારે રૂપાળી, વધુ શ્રીમંત, વધુ નમણી હતી. પૉલિને હેમિંગ્વેને પોતાની તરફ આકર્ષ્યા હતા. શરૂઆતમાં પૉલિન અને હેમિંગ્વેએ હેડલી રિચર્ડસનને સમજાવી પટાવીને ત્રણેય જણ સાથે રહે એવું ગોઠવ્યું. પછી તક મળતાં હેડલીને છૂટાછેડા આપીને ભગાવી દીધી. પૉલિન સાથેના લગ્નજીવન દરમિયાન જ હેમિંગ્વે પાન-અમેરિકન ઍરવેઝના ક્યુબા ખાતેના વડાની અત્યંત રૂપાળી પત્ની જેન મૅસનના પ્રેમમાં પડ્યા. એક રીતે એ હેમિંગ્વેની હિરોઈનો જેવી આદર્શ યુવતી હતી. પણ જેનની જિંદગી ચક્રવ્યૂહ જેવી ગૂંચવાડાભરી હતી. એણે આપઘાતની ખૂબ કોશિશ કરી. છેવટે એક વખત એનું ડોકનું હાડકું ભાંગી ગયું. ત્યારથી હેમિંગ્વેને એનામાંથી ઈન્ટરેસ્ટ જતો રહ્યો.

આ બાજુ પૉલિને હેમિંગ્વેને સાચવી રાખવા અથાગ પ્રયત્નો કર્યા, એમના પર ખૂબ ખર્ચા કર્યાં હેમિંગ્વે માર્થા ગેલ હોર્ન નામની રિપૉર્ટરના પ્રેમમાં પડ્યા. પૉલિનથી છૂટા પડીને લેખક માર્થાને પરણ્યા. માર્થા સાથે બગડ્યું ત્યારે એમણે માર્થા વિશે એક અત્યંત ગંદી, બીભત્સ, જુગુપ્સાપ્રેરક કવિતા લખી. એની સાથે છૂટાછેડા લઈને હેમિંગ્વે મેરી વેલ્શ સાથે પરણ્યા. એ પણ પત્રકાર હતી. આ લગ્નો દરમિયાન એમના બહારના અનેક સંબંધો ચાલુ જ હતા. કાદુ મકરાણીની જેમ નહીં પણ બીજી રીતે હેમિગ્વેના ડુંગરે ડુંગરે (હવાના, મેડ્રિડ) ડાયરા હતા. વધતી જતી ઉંમર સાથે હેમિંગ્વે વધુ ને વધુ નાની ઉંમરની સ્ત્રીઓનો સંગ શોધતા. ૬૦ વર્ષની ઉંમરે તેઓ વાલેરી ડેન્બી-સ્મિથ નામની ૧૯ વર્ષની રિપોર્ટરના પ્રેમમાં પડતા જે એમનો ઈન્ટરવ્યૂ લેવા આવેલી. (બે વર્ષ પછી હેમિંગ્વેના મૃત્યુ પછી વાલેરી હેમિંગ્વેના પુત્ર ગ્રેગરી હેમિંગ્વેને પરણી ગઈ).

હેમિંગ્વે પિયક્કડ હતા. સવારે પહેલી ચામાં જિન રેડીને પીતા. વર્ષો સુધી રોજના સોળ પેગ નિયમિત પીતા. (સાંજે એબ્સિન્થ, રાત્રે જમતી વખતે બાટલી ભરીને વાઈન, જમ્યા પછી વોડકા અને પછી વહેલી સવાર સુધી વ્હિસ્કી વિથ સોડા, સવારે ચામાં જિન અથવા બ્રેકફાસ્ટ સાથે શેમ્પેન પીવાની વિચિત્ર આદત એમને હતી). પીવાને કારણે અકસ્માત થતા, ઈજાઓ થતી. ચાળીસ વર્ષની ઉંમરે એમનું લિવર સાવ ખલાસ થઈ ગયું. આંખ પર પણ અસર પડી. પછી કિડનીની તકલીફ, ડાયાબિટીસ, અનિદ્રા. ૨ જુલાઈ ૧૯૬૧ના દિવસે અર્નેસ્ટ હેમિંગ્વેએ પેરેનાઈઆ અને ડિપ્રેશનના માનસિક રોગની નિષ્ફળ સારવાર લઈને ઈંગ્લિશ ડબલ બેરલ્ડ શૉટગનમાં બે કેનિસ્ટર ભરી અને પોતાની ખોપરી ચૂર ચૂર કરી દીધી. હેમિંગ્વેની જિંદગી દુનિયાના તમામ બૌદ્ધિકોને એક જ સંદેશ આપે છે: જીવવા માટે માત્ર કળા પૂરતી નથી.

પૉલ જ્હૉન્સનની માહિતી પ્રમાણે આધુનિક તત્ત્વજ્ઞાનનો પ્રણેતા ઝર્યાં જેકીસ રૂસોની આત્મકથા ‘ક્ધફેશન્સ’ જુઠ્ઠાણાંઓથી ભરપૂર છે. રૂસો સંબંધોનો ઉપયોગ કરવામાં ઉસ્તાદ હતા. બીજાઓ પાસેથી મદદ લેતી વખતે રૂસો સામેવાળામાં એવો ભાવ પ્રગટ કરવામાં કામિયાબ રહેતા કે હકીકતમાં તો આ મદદ મેં સ્વીકારી એ બદલે તમે મારા ઋણી છો! રૂસો બધા સાથે ઝઘડો કરતા, એમની સાથે મૈત્રી કરનારાઓ સાથે તો ખાસ ઝઘડતા. ‘ક્ધફેશન્સ’માં રૂસોએ પોતાની વિકૃત સેક્સ ટેવોનું વર્ણન કરીને વાચકોને ગલગલિયાં કરાવ્યાં છે. આ ઉપરાંત રૂસોએ પોતે કરેલી ચોરી, પોતાની કાયરતા તથા પોતાનાં જુઠ્ઠાણાંના પણ અનેક પ્રસંગો આત્મકથામાં ટાંક્યાં છે. આને કારણે પ્રથમ નજરે વાચકને રૂસો નિખાલસ અને નિર્દંભ માણસ લાગે. અહીં જ વાચક છેતરાતો હોય છે. પોતાની શરમજનક વાતો કહ્યા પછી રૂસો થોડીક એવી વાતો લખે કે વાચકને એના માટે ધિક્કાર થવાને બદલે સહાનુભૂતિ જાગે. રૂસો નિખાલસ બનીને બધું જ સત્ય લખે છે એવું માની લેનારો વાચક, રૂસોના બીજાઓ સાથેના ઝઘડામાં રૂસો જ સાચા હતા અને બીજાઓ ખોટા હતા એવું દર્શાવતા ઊપજાવી કાઢેલા પ્રસંગોને પણ સાચા માની લેતા. રૂસો અને એમની પત્નીએ જિંદગીભર પોતપોતાના સ્વાર્થ ખાતર એકબીજાનો ઉપયોગ કર્યો. રાજકીય વિચારો પ્રગટ કરતા રૂસોના નિબંધોમાં અનેક વિરોધાભાસો અભ્યાસીઓએ નોંધ્યા છે.

ઑ વિન્ડ, ઈફ વિન્ટર કમ્સ, કૅન સ્પ્રિંગ બી ફાર બીહાઈન્ડ અને આય હેવ ડ્રન્કન ડીપ ઑફ જૉય, ઍન્ડ આય વિલ ટેસ્ટ નો અધર વાઈન ટુનાઈટ જેવી વિખ્યાત કાવ્યપંક્તિઓ લખનારા કવિ પર્શી શેલી દેવાળિયા હતા. સતત પૈસા ઉધાર લીધા કરે પણ કોઈને પાછા ચૂકવે નહીં. ક્યારેક દેવું બાકી રાખીને ગામ છોડીને જતા રહે તો આજની ઘડી ને કાલનો દી. શેલીનું સાહિત્ય ખૂબ ઊંચી કક્ષાનું પણ સ્ત્રીઓની બાબતમાં, સંગીતકાર કલ્યાણજીભાઈ કેટલાક લોકોની બાબતમાં કહેતા એમ, કવિ શેલીને છોકરાંઓ ઘરનાં અને બૈરાંઓ બહારનાં વહાલાં હતાં.

વધુ સોમવારે

આજનો વિચાર

માનવતાવાદીઓ હંમેશાં દંભી હોવાના.

– જ્યૉર્જ ઑર્વેલ

એક મિનિટ!

કેજરીવાલ: મને જૂતાં જોઈએ છે. ક્યાં મળશે?

સેક્રેટરી: સાહેબ, તમને તો કોઈ પણ જગ્યાએ મળી જશે!

( મુંબઇ સમાચાર : શનિવાર, 10 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *