એક સર્જકનું જમાઉધાર

કેટલાંક મનગમતાં પુસ્તકોની દર દસ વર્ષે ફરી મુલાકાત લેવી જોઈએ એવું કોઈ પણ ડાહ્યા માણસે કહ્યું છે. મારા માટે પૉલ જ્હૉન્સન નામના વિખ્યાત ઈતિહાસકારનું ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’ એવું જ એક પુસ્તક છે. કારણ કે એ વાંચીને મહેન્દ્ર મેઘાણીના પત્રને કારણે જે વિચારો સ્પષ્ટ થયા તેમાં દૃઢતા આવી. હાલાકિ આ પુસ્તકમાં તમામ સર્જકોની ઉધાર બાજુ આપવામાં આવી છે. લેખકે એ બધી માહિતી આપ્યા પછી પોતાના વિચારો કે નિર્ણયો પ્રગટ નથી કર્યા, જજમેન્ટલ નથી બન્યા. એ કામ એમણે વાચકો પર છોડ્યું છે. મેં જ્યારે જ્યારે એ પુસ્તક હાથમાં લીધું છે ત્યારે ત્યારે મારા મનમાં ઘુમરાતી એક વાત વધુ ને વધુ સ્પષ્ટ થતી રહેતી હોય છે. કોઈ એની સાથે સહમત થાય કે ન થાય. એ મારા સ્વતંત્ર વિચારો છે અને હું એને વળગી રહું છું. અત્યારે પૉલ જ્હૉન્સને ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’માં આપેલી વાતોની વાત કરું. એ પત્યા પછી હું આ વાતો વિશેની મારી વાતો કરીશ. ઈન્સિડેન્ટલી, આ પુસ્તક જે જમાનામાં પ્રગટ થયું તે વખતે મારા સિનિયર્સ અને સૌના આદરણીય એવા લેખકો કાન્તિ ભટ્ટ તથા ગુણવંત શાહે પણ એ જ ગાળામાં આ પુસ્તકમાં પ્રગટ થયેલી માહિતીની વાતો લખી હતી. જોકે, આ ગુજરાતી વાચકોને માહિતી પીરસ્યા પછીનાં અમારાં સૌનાં તારણો જુદાં જુદાં હતાં. તમારામાંના કેટલાકને ખબર હશે કે મારાં તારણો આપતી વખતે મેં કયો ઍન્ગલ રાખ્યો હતો.

પુસ્તકનાં તેર પ્રકરણોમાંથી સૌથી લાંબા પ્રકરણોમાંનું એક મહાન રશિયન નવલકથાકાર લેવ (અંગ્રેજી સ્પેલિંગ લિયો) તોલ્સ્તોય વિશેનું છે. ૯ સપ્ટેમ્બર, ૧૮૨૮ના રોજ જન્મીને ૮૨ વર્ષનું આયુષ્ય પૂરું કરી ૨૦ નવેમ્બર, ૧૯૧૦ના રોજ ગુજરી ગયેલા લેવ નિકોલેવિચ તોલ્સ્તોય માતૃભાષા રશિયનમાં લખતા, ફ્રેન્ચમાં પણ. ‘વૉર ઍન્ડ પીસ’ જેવી મહાન નવલકથાઓ લખી, ટૂંકી વાર્તાઓ લખી, નાટકો અને નિબંધો પણ લખ્યાં. ગાંધીજી અને માર્ટિન લુથર કિંગ (જુનિ.) પર તોલ્સ્તોયના વિચારોની ઊંડી છાપ હતી.

પૉલ જ્હૉન્સને આ પુસ્તક પાછળ પુષ્કળ રિસર્ચ કરી છે. ઈતિહાસકાર તરીકેની એમની વિશ્ર્વસનીયતા અજોડ છે. ૮૮ વર્ષના છે. ઇંગ્લૅન્ડ રહે છે. ૪૦થી વધુ પુસ્તકો લખ્યાં છે. ‘હિસ્ટરી ઑફ ક્રિશ્ર્ચાનિટી’ એમનાં ખૂબ જાણીતાં પુસ્તકોમાંનું એક છે. સંગીતકાર મોત્ઝાર્ટ વિશેના લેખોમાં આ વર્ષે જ આપણે પૉલ જ્હૉન્સને લખેલી એની જીવનકથાના ઉલ્લેખો વાંચ્યા હતા તે તેમને યાદ હશે. આ એ જ પૉલ જ્હૉન્સન. એમણે લખેલી કોઈ વાત ચકાસ્યા વિનાની ન હોય.

તોલ્સ્તોય વિશે લખતાં પૉલ જ્હૉન્સન જણાવે છે કે તોલ્સ્તોયની મહત્ત્વાકાંક્ષાઓ ક્યારેક ભયાનક ઊંચાઈએ પહોંચી જતી. તોલ્સ્તોયને લાગતું કે પોતાનામાં રહેલી બુદ્ધિશક્તિ તથા આધ્યાત્મિક શક્તિથી પોતે સમાજમાં જબરજસ્ત નૈતિક ક્રાન્તિ લાવી શકશે. તોલ્સ્તોય પોતાને મોઝેસ, ક્ધફ્યુશ્યિસ, બુદ્ધ કે સોક્રેટિસની સમકક્ષ ગણતા. એ કહેતા પણ ખરા કે: ‘નૈતિક રીતે મારા જેટલો સારો માણસ હજુ સુધી આ દુનિયામાં મેં જોયો નથી.’

તોલ્સ્તોય નવલકથાકાર તરીકે જિનિયસ હતા. સમાજમાં નવાં નૈતિક મૂલ્યોના સ્થાપક બનવાની આશા રાખતા. એમને લાગતું કે પોતાનામાં અને ભગવાનમાં કોઈ ફરક જ નથી. આ તમામ વિધાનો ઊભડક ન લાગે એટલે એને સબસ્ટેન્શિયેટ કરવા પૉલ જ્હૉન્સને અધિકૃત સામગ્રીઓનો હવાલો આપીને અનેક સંદર્ભો ટાંક્યા છે અને અઢળક ઉદાહરણો પણ આપ્યા છે. તોલ્સ્તોય પોતાના ભગવાન હોવા વિશે કહેતા: ‘અમે એક મ્યાનમાં બે તલવાર જેવા છીએ.’ કેટલીય વખત તોલ્સ્તોય પોતાને ભગવાનના ભાઈ તરીકે વિચારતા. અલબત્ત, મોટા ભાઈ તરીકે જ.

તોલ્સ્તોય ખૂબ મોટા જુગારી હતા. જુગારમાં થતું દેવું ફેડવા એમણે પોતાને વારસામાં મળેલી એસ્ટેટમાંની ઘણી જમીનો વેચેલી. એમનાં કેટલાંય દેવાં વર્ષો પછી પણ ચૂકવાયા નહોતાં. મહાન બનવાની નાનપણથી જ તીવ્ર લાલસા રાખનારા લેખકો જેમ કિશોરકાળથી જ ડાયરી કે રોજનીશી લખવાનું શરૂ કરી દે એમ તોલ્સ્તોય પણ ખૂબ નાની ઉંમરથી ડાયરી લખતા. આ ડાયરીમાં દેખાતી ઉપરછલ્લી પ્રામાણિકતા હેઠળ ઘણી બધી વાતો તેઓ ઢાંકી દેતા. થોડો સમય લશ્કરમાં હતા ત્યારે એમણે ચંદ્રકો મેળવવા ત્રણ-ત્રણવાર ભરપૂર લાગવગ વાપરીને પ્રયાસો કર્યા, ત્રણેયવાર નિષ્ફળ રહ્યા.

જુગાર અને દારૂ ઉપરાંત તોલ્સ્તોયને સ્ત્રીસંગની પણ લત હતી. ‘વૉર ઍન્ડ પીસ’ તથા ‘એના કરેનિના’ના આ મહાન લેખકની સેક્સભૂખ એક્યાશી વર્ષની ઉંમરે પણ તીવ્ર રહી હતી એવું તોલ્સ્તોયે પોતે જ એલ્મર મૉડ નામના પોતાની બાયોગ્રાફી લખનારા લેખકને કરી હતી. યુવાનીમાં તોલ્સ્તોય શરમાળ હતા એટલે પરિચિત સ્ત્રીઓ પાસે જવાને બદલે વેશ્યાગૃહમાં જતા. વેશ્યાઓ ઉપરાંત તેઓ જિપ્સી ક્ધયાઓ, ગ્રામીણ છોકરીઓ કે રશિયન ખેડૂતપુત્રીઓ – જે મળે તેની સાથે શરીરસંબંધ બાંધતા. એક્સીના નામની સુંદર સ્ત્રીથી એમને એક અનૌરસ સંતાન પણ પેદા થયું હતું. તોલ્સ્તોય જાહેરમાં ખેડૂતોને શિક્ષણ આપવાની વાતો કરતા, ખેડૂતોનાં છોકરાંઓ માટે સ્કૂલો પણ ચલાવતા. પણ પોતાના આ ફરજંદ માટે એમણે શિક્ષણની તો શું લખવા-વાંચવાનું શીખવાડવાની પણ સગવડ એમણે ન કરી, જેથી એ મોટો થઈને પોતાની સામે કોઈ પ્રકારની બગાવત ન કરે. જિંદગીમાં સતત સ્ત્રીઓનો શારીરિક સહવાસ જેમની જરૂરિયાત હતી એ જ તોલ્સ્તોયે સ્ત્રીઓનો ભરપૂર ઉપયોગ પણ કર્યો, એમના પર સતત અવિશ્ર્વાસ પણ મૂક્યો – શંકા કરી અને તીવ્ર અણગમો પણ રાખ્યો – ધિક્કારની હદ સુધી પહોંચી જાય ત્યાં સુધી આ અણગમો વ્યક્ત કર્યો.

તોલ્સ્તોય માનતા કે વેશ્યાઓ છે તો જ ગૃહસ્થોનાં લગ્નજીવન ટકી રહે છે. ન હોત તો સમાજમાં પ્રતિષ્ઠાપૂર્વક રહેતાં પરિણીત સ્ત્રીપુરુષો એકબીજા સાથે આડા સંબંધો બાંધતાં થઈ ગયાં હોત. તોલ્સ્તોયની આ દલીલ સાંભળીને તમને લાગે કે એમનું પોતાનું લગ્નજીવન વેશ્યાગમનને કારણે અત્યંત સુખી હશે. ખોટું. ઈતિહાસમાં નોંધાયેલા મહાપુરુષોનાં લગ્નજીવનમાંથી સૌથી ખરાબ દાંપત્ય તોલ્સ્તોયનું હતું. ચોંત્રીસ વર્ષની ઉંમરે તોલ્સ્તોય એક ડૉક્ટરની અઢાર વર્ષની પુત્રી સૉન્યા સાથે લગ્ન કર્યાં. (સોનિયા નહીં સૉન્યા. આ રશિયન નામનો મીનિંગ થાય – સૌને ગમી જાય એવી) તોલ્સ્તોયે નક્કી કર્યું હતું કે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે, ખાસ કરીને સેક્સની બાબતો, ખાનગી રહેવી જોઈએ નહીં અને બંનેએ એકબીજાને બધું જ કહી દેવાનું. તોલ્સ્તોયે લગ્ન પછી પોતાનાં અગાઉનાં પંદર વર્ષની ડાયરી પત્ની સૉન્યાને વાંચવા આપી તો એમાંનાં અનેક સેક્સ વિષયક વાર્તા – પ્રસંગો – કિસ્સાઓ વાંચીને સૉન્યા ત્રાસી ગઈ. તોલ્સ્તોયે ડાયરીમાં ન લખી હોય એવી અધ્યાહાર વાતો પણ સૉન્યા બિટ્વીન ધ લાઈન્સ વાંચી શકતી હતી. જોકે, પાછલી જિંદગીમાં તોલ્સ્તોયે સૉન્યાને જે વાંચવા મળતી તે ડાયરી ઉપરાંત એક ખાનગી રોજનીશી લખવાનું શરૂ કર્યું હતું. એક દિવસ એ પણ સૉન્યાના હાથમાં આવી ગઈ. સેક્સની બાબતમાં અપ્રામાણિકતા આચરવા ઉપરાંત સમાજ કલ્યાણની વાતો કરતા તોલ્સ્તોય પોતાનાં વિશાળ ખેતરોમાં વેઠિયા મજૂરો રાખતા. મિત્રો સાથે પણ ખૂબ સ્વાર્થી વ્યવહાર રાખતા. મિત્રો જે આપે તે લઈ લે પણ પોતે સામે કશું ન આપે. ‘ફાધર્સ ઍન્ડ સન્સ’ નામની વિશ્ર્વપ્રસિદ્ધ નવલકથાના રશિયન લેખક ઈવાન તુર્ગનેવ તોલ્સ્તોયના મિત્ર હતા. તુર્ગનેવ સાથે તોલ્સ્તોય ખૂબ અપમાનજનક રીતે અને નમકહરામીથી વર્તતા.

તોલ્સ્તોયની વાર્તાઓ તથા નવલકથાઓને જિગરથી ચાહનારા એમના વાચકોને ઈર્ષ્યા, વેરભાવ, બદમાસી અને નકરી સ્વાર્થવૃત્તિથી ભરેલા તોલ્સ્તોયના જીવન વિશે જાણીને પારાવાર દુ:ખ થતું.

વધુ આવતીકાલે.

આજનો વિચાર

ક્રિયેટિવ હોવું એટલે જિંદગી સાથે ગળાડૂબ પ્રેમમાં હોવું. તમે ક્રિયેટિવ ત્યારે જ બની શકો જ્યારે તમે આ જીવનના સૌંદર્યમાં ઉમેરો કરવાની આકાંક્ષા રાખતા હો, તમે એમાં થોડું વધારે સંગીત ઉમેરવા માગતા હો, થોડી વધારે કવિતા ઉમેરવા માગતા હો, થોડું વધારે નૃત્ય ઉમેરવા માગતા હો.

– ઓશો

એક મિનિટ!

બકો: મારા ફોનનું વર્ઝન અપડેટ કરવાનું છે. કેવી રીતે કરું.

ગર્લફ્રેન્ડ: એક કામ કર.

બકો: શું?

ગર્લફ્રેન્ડ: પહેલાં બેકઅપ લઈ લે.

બકો: બે કપ જોડે રકાબી લાવું કે?

ગર્લફ્રેન્ડ: હા અને એમાં ઝેર લઈને પી જા, સાલા અભણ!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 9 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *